સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/બે-ધ્યાન વિશે

બે-ધ્યાન વિશે


ફિલ્મી ગીત ‘તેરા ધ્યાન કીધર હૈ?’ મેં સાંભળ્યું છે. એનો ગાયક અરિજિતસિંહ મારો પ્રિય ગાયક છે. ફિલ્મ જોઈ નથી છતાં ધારું છું કે ‘તારું ધ્યાન ક્યાં છે’ એમ પૂછીને પેલો પેલીને એટલું જ જણાવવા માગતો હશે કે ‘તેરા હીરો ઇધર હૈ’. હવે આ ફિલ્મી વાતમાંથી નીકળી જઈએ. ધ્યાનને બીજી દિશામાં વાળી દઈએ -ડિસ્ટ્રૅક્ટ થઈ જઈએ. તમે કહેશો, ધ્યાન દોર્યું ને પાછા બે-ધ્યાન કેમ કરો છો! કેમકે, દુનિયામાં ઇન્ટરનેટને કારણે અભૂતપૂર્વ જે બની રહ્યું છે એનો ચૉંકાવનારો હિસાબ મળવા લાગ્યો છે. આ આંકડા જુઓ: દુનિયાની 7.6 અબજની વસ્તીના અરધાથી વધારે લોકો ઇન્ટરનેટ વાપરે છે. અરધાથી વધારે સ્માર્ટફોન વાપરે છે: અમેરિકામાં 78.2, ફ્રાન્સમાં 76.7, જર્મનીમાં 83.4, ચીનમાં 38.46 અને ભારતમાં 10.1 પરસન્ટેજ. દુનિયાનાં અરધાથી વધારે મોબાઇલ કનેક્શન્સ હવે બ્રૉડબેન્ડ છે. અરધાથી વધારે વેબ-ટ્રાફિક મોબાઇલ ફોનોથી સરજાય છે. 13-થી 19-ની વયનાં ટીનએજર્સ અઠવાડિયાના 27 કલાક ઑનલાઇન હોય છે. ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કહેલું કે એમરિકન સરેરાશ વ્યક્તિ દરરોજ ફેસબુક પાછળ 40 મિનિટ ખરચે છે. છેલ્લા ‘વર્લ્ડ વૉટર ડે’ દિવસે યુનોએ કહ્યું કે દુનિયાના 6 અબજ લોકો પાસે મોબાઇલ છે; એ લોકોને ટૉયલેટની પ્હૉંચ છે એથી વધારે સેલફોનની છે. સરેરાશ વ્યક્તિ 5 સોશ્યલ-મીડિયા ઍકાઉન્ટ્સ ધરાવે છે. એ પાછળ દરરોજ 1.40 મિનિટ ખરચે છે. દેશના વૃદ્ધજનોને સોશ્યલ નેટવર્ક માટે એકમાત્ર વ્હૉટ્સઍપ જ ફાવે છે. ગુજરાતનું યૌવનધન, ફેસબુક વ્હૉટ્સઍપ ટ્વીટર જેવી સોશ્યલ નેટવર્કિન્ગ સાઇટ્સ પર કમ્પ્યૂટર દ્વારા નહીં, સેલફોન દ્વારા પહોંચે છે. ડેસ્કટૉપ પીસી કે નોટબુક કરતાં, મોબાઇલને સરળ અને ઝડપી ગણે છે. છેલ્લા સર્વે અનુસાર, ગુજરાતમાં 12.7 લાખ ઇન્ટરનેટ કનેક્શન્સ થયાં છે; છતાં, 96.38 લાખ ગુજરાતીઓ મોબાઇલ દ્વારા જ ઇન્ટરનેટ પકડે છે. ખોટું નથી; શાણો સમજુ કરકસરિયો ગુજરાતી એમ જ કરે. આ બધા આંકડા મને Digital in 2017 Global Overview અને અન્ય મોજણીઓ દ્વારા મળેલા છે. પણ ખોટા પડવાનો ચાન્સ છે. એટલા માટે કે એમાં ઉત્તરોત્તર, રાતે ને દિવસે, વધારો થાય છે –આ લખાય છે ત્યારે પણ; છપાઈને વંચાતું હશે ત્યારે પણ. માનવસંસ્કૃતિમાં ઇન્ટરનેટ મહા પરિવર્તન છે. અતિ ઉપયોગી આવિષ્કાર. ઉત્તરોત્તર ખૂબ ઝીલાતું આવ્યું છે. એટલે સતત કહેવાય છે કે એનું ભરપૂર ભાવે સ્વાગત થવું જોઈએ. પણ બાકીની માનવજાતમાં કેટલાક એવા છે જેઓને ઇન્ટરનેટનો આ આખો મામલો બિલકુલ નાપસંદ છે. એ લોકો એનો આનન્દ નથી લઈ શકતા. કહે છે કે માણસો આજે જીવનનાં મહત્ત્વનાં ધ્યાનમાંથી નીકળીને બે-ધ્યાન થઈ ગયા છે. ટ્રૅક પરથી ઊતરીને ટિસ્ટ્રૅક્ટ થઈ ગયા છે. સાચો પથ ભૂલીને વિ-પથગામી થઈ ગયા છે. દેશમાં રેડિયો આવ્યો ને, ત્યારેય કેટલાક દુ:ખી આત્માઓ આવો જ બળાપો કરવા લાગેલા. દેખાદેખીથી કહેતા કે –ફળિયાશેરીની શાન્તિ લૂંટાઈ જશે. શાન્તિ કાજે એમણે ‘ઘોંઘાટ’ મચાવેલો! ટીવી આવ્યો ત્યારે પણ ચિન્તાળુઓ ઘણું વિરોધી લખવા માંડેલા. એક વિદ્વાને છાપામાં લખેલું –ટીવીને કારણે ભારતીય સંસ્કૃતિનું ધનોતપનોત નીકળી જશે. જવાબદાર માણસ સારું બોલે તો છાપું જરૂર છાપે પણ નરસું બોલે તો તો છાપે જ છાપે –હેડલાઇન બાંધીને છાપે! એ તો પત્રકારીતાનું પરમ કર્તવ્ય છે. એ છાપાને એ વિદ્વાનનો બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફોટો છાપવો પડેલો. કેમકે એ જ મળેલો –એમના જમાનાનો. ગાંધીજીને ગમતા ત્રણ વાનરો આમ તો બરાબર છે. એક બૂરું સાંભળતો નથી, એક બૂરું જોતો નથી. એક બૂરું બોલતો નથી. બૂરાને પસંદ નહીં કરનારા એ ત્રણ જુદા છે કે કોઈ એક જ છે? મને નથી ખબર. એટલું ખરું કે ‘આ બૂરું છે’ એવી એમની પાસે સમજ છે. પણ ‘આ સારું છે’; સાંભળવા જોવા તેમજ બોલવાલાયક છે; એવી સામાવાળાની સમજને જાણતા હશે ખરા? એની પણ મને નથી ખબર. બાકી પ્રવર્તમાન સમયની તાત્ત્વિક કટોકટી એ છે કે શેને બૂરું કે શેને સારું ગણવું. શેને શુભ કે શેને દુરિત, એનો નિર્ણય અસંભવિત થઈ ગયો છે. માણસજાતે કઈ વાતોમાં ધ્યાન આપવું, કઈ વાતો વિશે ધ્યાન ન આપવું, એનો વિવેક કઠિન બની ગયો છે. જુઓને, ઇન્ટરનેટ સારું છે કે નકામું તેનો નિર્ણય અશક્ય નથી તો શું છે? ઇન્ટરનેટ વિશે એકધ્યાન થઈ ગયેલા પ્રગતિશીલો એક ઊજળા ભવિષ્યને વિશે ધ્યાનસ્થ થઈ ગયા છે. છે કે કેમ? નથી જોડાયા એ રૂઢિચુસ્તો ભૂતકાળગ્રસ્ત રહી ગયા છે. છે કે કેમ? કઈ રીતે જાણવું? કોણ શાણું? કોણ મૂરખ? કોણ કહી શકે? એકેય પ્રશ્નનો ખરો ઉત્તર અશક્ય છે. એટલે, ડહાપણને વરેલા લોકો નિષ્પક્ષ થઈ જાય છે. જોડાયા છે એમને પ્રેમથી જુએ છે અને નથી જોડાયા એમને જોડાશે એવી આશાથી જુએ છે. હા, બન્નેને પૂરા ધ્યાનથી જુએ છે. જો એમ નિષ્પક્ષ થઈને આ જગતવ્યાપી પરિસ્થિતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરીએ તો સમજાશે કે ઇન્ટરનેટ માનવસંસ્કૃતિમાં આવેલો બહુ મોટો વળાંક છે. એની ‘હા’ પાડો કે ‘ના’ પાડો, વ્યર્થ છે, કેમકે એ નથી ‘હા’ કે નથી ‘ના’. બે-ની વચ્ચેની એક ત્રીજી હકીકત છે: આ રીતે– જુઓ, પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખીને વ્યક્તિઓ સામાજિક બની રહી છે. પોતાની નેટ સાચવીને બીજાની નેટ સાથે જોડાઈ રહી છે. એટલે એ ‘સોશ્યલનેટ’ છે. પોતાનું મીડિયમ ગુમાવ્યા વિના બીજાનામાં જોડાઈ રહી છે એટલે એ ‘સોશ્યલ-મીડિયા’ છે. પહેલાં આપણે ‘હું’ અને ‘તું’ અથવા ‘વ્યક્તિ’ અને ‘સમાજ’ એમ બે વિભાગમાં વિચારતા હતા. હવે આપણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રગટતા ‘આન્તર-વૈયક્તિક’ સમ્બન્ધો વિશે તથા સમાજ સમાજ વચ્ચે પ્રગટતા ‘આન્તર-સામાજિક’ સમ્બન્ધો વિશે નવેસર વિચારવા લાગ્યા છે. ઇન્ટરનેટને પરિણામે, સંસ્કૃતિઓ રસપૂર્વક કે પરાણે, પણ બદલાઈ રહી છે. એટલે હવે સંસ્કૃતિ સંસ્કૃતિ વચ્ચેના ‘ભેદ’ પછી ‘સમાન’ શું છે તેની શોધ મહત્ત્વની ગણાય છે. જુઓ, વિદ્વાનોને માસ-કલ્ચરની –સામુદાયિક સંસ્કૃતિની– વાત કરવી વધારે ઉચિત લાગે છે. એઓ મલ્ટિકલ્ચરિઝમની –બહુસંસ્કૃતિવાદની– વાત વધારે કરવા લાગ્યા છે. લોકલના હિમાયતીઓ હવે ગ્લોબલ વિશે વિચારવા પર ભાર મૂકી રહ્યા છે. આપણને સૌને વિશ્વસંસ્કૃતિ = માનવસંસ્કૃતિ એવા સમીકરણ પર સ્થિર થવું ગમવા માંડ્યું છે. સાહિત્યને, પ્રદેશ અને રાષ્ટ્ર ઉપરાન્ત વિશ્વના સંદર્ભમાં વિચારવાની જરૂરત જન્મી છે. આમ, ‘હા’ અને ‘ના’-ની વચ્ચેની ત્રીજી હકીકત હવે ‘હા-ના’ સ્થિર થઈ છે. આ પ્રતાપ નેટનો છે. નેટ જેમ તાંતણાઓથી વિસ્તરતી જાળ છે એમ માનવપદાર્થ પણ ‘હું’-‘તું’ની વિસ્તરતી જાળ છે. કોઈ વિ-પથગામી થઈ જાય, બે-ધ્યાન, તો લોક કહેશે, રવાડે ચડી ગ્યો છે! જુઓને, ‘તેરા ધ્યાન કીધર હૈ’ જેવી સુંવાળી વાતમાંથી સરકીને હું અને મારા સંગાથમાં તમે ય, કેવા રવાડે ચડી ગયા! છતાં, વિ-પથગમન કે બે-ધ્યાનનો મહિમા અપાર છે. એની વાતો આવતા શનિવારે.

= = =