સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/બે-ધ્યાન વિશે-૨

બે-ધ્યાન વિશે-૨


ભારતીય પરમ્પરામાં ધ્યાનનો અપાર મહિમા છે: ‘ભગવત્ ગીતા’-માં ‘ધ્યાનયોગ’ છે. જોકે મારે મન સમસ્ત ‘ગીતા’ ધ્યાનનું પરમ અનુષ્ઠાન છે. યોગ અને સમાધિનો પ્રારમ્ભ ધ્યાનથી થાય છે. શતાવધાની મહાત્માઓ ભારતની ગૌરવભરી હકીકત છે. ચાણક્ય કહે છે –દૃષ્ટિપૂતમ્ ન્યસેત પાદમ્! ભઇલા, નજરથી અજવાળી લે કે તેં પકડેલો રસ્તો બરાબર છે કે કેમ. પરન્તુ ઇન્ટરનેટને કારણે આપણા સંજોગો બદલાઈ ગયા છે. રોજ અનેકાનેક રસ્તા ખૂલતા રહે છે. માણસ કેટલાકને દૃષ્ટિપૂત કરે? દૃષ્ટિ બિચારી ગૂંચવૈ ગૈ છે. ભલે. ધ્યાન અને બે-ધ્યાન એક સિક્કાની બે બાજુઓ છે. આ લખાતું હોય, ધ્યાનપૂર્વક, એ ક્ષણોમાં આસપાસના અસબાબ વિશે હું બેધ્યાન હોઉં છું. આ વંચાતું હોય, ધ્યાનથી, એ વખતે બીજી વસ્તુઓ વિશે તમે બે-ધ્યાન હોવ છો. ઘરમાં અરીસામાં ચ્હૅરો ધ્યાનથી જોતા હોઈએ પણ કાંસકો કહેતો હોય, મને અજમાવોને! ધ્યાનપૂર્વક સ્કૂટર ચલાવનારાના મસ્તકને આમથી તેમ ઘુમાવતાં હોર્ડિન્ગ્સ ‘હેવમોર’–થી માંડીને ‘દવાની દુકાન’ દેખાડી દે છે. ઑફિસોમાં માણસો ધ્યાનપૂર્વક બે-ધ્યાન રહેવાની મજા લૂંટતા હોય છે. કોઈ બે-ધ્યાનીને બૉસ દેખાય. તરત ફાઇલમાં ડોકું લટાકાવી દે. સભામાં સાથી-વક્તાઓ તમને એકીટશે જોતા હોય, ક્યારે તમારું વક્તવ્ય પતે. પોતાના વ્યાખ્યાન-મુદ્દા મમળાવવામાં એમને ખલેલ પ્હૉંચતી હોય છે. વિદ્યાવાન, છતાં ધ્યાનભંગ અનુભવે. શું કરે? એમ દરેક ધ્યાન ભાંગી તો જાય, પણ પાછું સંધાઈ જાય: એકડિયામાં માસ્તરે કીધેલું –ઍય, ડોબા! ત્યાં ક્યાં જુએ છે? અહીં ધ્યાન આપ! તમારા પ્રેમમાં પડેલું મનીસ તમારી જાણ બહાર સામેની બાલ્કનીએથી રોજ ધ્યાનથી તાક્યા કરતું હોય. શુભ ઘડીએ દોડી આવે, ને કહે –હું તો તમને ગયા નવરાતરની ચાહું છું; તો તમે જોતા રહી જવાના; ચિત્તનાં તમામ ધ્યાન દોડીને એના ચ્હૅરા વિશે ફોકસ થઈ જવાનાં. જેને ‘ડોબો’ કહ્યો એ કાયમ માટે બે-ધ્યાન થઈ જાય છે –મતલબ, માસ્તરનો ચ્હૅરો એને ‘ડાચું’ લાગે ત્યાં લગી રોજ ધ્યાનથી જોતો રહે છે. બેનાને ખબર પડે કે આપ ઑલરેડી કોઈ બીજીના પ્રેમમાં છો, એના દિલના ભુક્કા બોલી જાય છે. ભુક્કાને ધ્યાનથી તાકતી, બબડે છે –દિલ કે ટુકડે હજાર હુએ. ધ્યાન પાછું આવે ત્યારે જુએ કે –હજાર નથી, ખાલી તિરાડ પડી છે; ચાલશે. આ વાતોનો સાર એ કે ઇચ્છાએ કે અનિચ્છાએ, રસ પડે કે ન પડે, ચિત્ત પોતાને ઠીક પડે ત્યાં દોડી જાય છે –ક્યારેક આપણને પૂછીને, ક્યારેક પૂછ્યા વિના. ઘડીમાં ધ્યાનસ્થ, ઘડીમાં બે-ધ્યાનસ્થ. એકાગ્ર, અનેકાગ્ર. આજે પથગામી, કાલે વિ-પથગામી. થોડા દા’ડા ટ્રૅક પર રહેવાય, ગમે ત્યારે ડિસ્ટ્રૅક્ટ થઈ જવાય. કોઈપણ વર્લ્ડવાઈડવેબ એકાગ્ર કરે, થોડી વારમાં બીજે જવા કહે; બીજે પ્હૉંચો, ત્રીજે જવા લલચાવે; માણસને Net-Savvy બનાવી દે છે. ઑનસ્ક્રીન થાઓ કે તરત દરેક સૅગ્મૅન્ટ ધ્યાન ઝડપવાને તાકતું હોય છે. સાત-આઠ વરસ પર મારે ત્યાં મીટિન્ગ હતી. કેટલાકે ફટોફટ પલ્ગ શોધી લીધા ને પોતપોતાનાં ફોનચાર્જર પિન કરી બટન દબાવી લીધાં. એ આક્રમણને હું ધ્યાનથી જોતો રહી ગયેલો. કમ્પ્યૂટર પર ગેમ રમનારાં છોકરાં એવાં ચૉંટ્યાં હોય છે –જાણે ખુરશીપૂતળાં! સેલફોનના સ્ક્રીન પર નાજુક-નમણાં નખ-આંગળાંના ચપચપારાથી છોકરીઓ પણ થાકતી નથી. નોટિફિકેશન્સ મૅસેજિન્ગ ચૅટિન્ગ શૅરિન્ગ, રોજિન્દી જરૂરિયાતો છે. E-democracy-નો આરમ્ભ થયો છે. ઇલેક્ટ્રૉનિક કમ્યુનિકેશન્સથી ચૂંટણી વગેરે પ્રક્રિયાઓને રાષ્ટ્રવ્યાપી ધોરણે પાર પાડી શકાય. એથી રાજકારણ ચોખ્ખું ને પારદર્શક થાય –જો દાનત સાફ હોય તો. ગુજરાતી સાહિત્યના 900-1000 બ્લૉગ્સ ખૂલીને ખીલ્યા છે. કેટલાંય ગ્રૂપ્સ રચાયાં છે. આ ઉલ્લાસ પાછળની સોશ્યોલૉજી ઉકેલવી જરૂરી છે. પણ હાંસી ઉડાવનારા વિદ્વાનો ઊંધું ઉકેલે છે. કહે છે: બ્લૉગમાં બ્લૉગર પોતે જ તન્ત્રી! સ્વીકાર-અસ્વીકાર કરનારી કોઈ જાણકાર વ્યક્તિ જ નહીં! રીંગણાં લઉં બેચાર-વાળો ઘાટ છે. નક્કી એવી વાચકકોટિ પણ નથી. ગમે તે વ્યક્તિ વાંચે, અરધેથી છોડી દે, બધું નભે છે. કાચુંપાકું સમજીને કે જરાપણ સમજ્યા વિના ચર્ચાઓ કરે છે. કશું ના સઝે તો like-ની ક્લિક્ દબાવી આપે છે! એમાંના એક વિદ્વાન કવિ-જેવા, તે ઉપમા અલંકાર વાપરીને મને કહે –આંધળા ભક્તો મન્દિરે મન્દિરે પ્હૉંચીને ભગવાનને ફૂલપાન ચડાવે એમ આ બધાઓ બ્લૉગે બ્લૉગે જઈને like-ના કંકુચોખા ચડાવે છે; સમીક્ષા ક્યાં છે?: મેં એમને કહ્યું: હા પણ તમે તો નવ્ય પરિવર્તનનો નર્યો નક્કાર કરી રહ્યા છો! ને શ્રીમાનજી! સમીક્ષા, 24×7 કરવાની વસ્તુ નથી. અને likers કંઈ સમીક્ષકો નથી, તેમછતાં ઘણાં તો નિ:સ્વાર્થભાવે સમુચિત પ્રતિભાવો આપે જ છે, મને બહુ ગમે છે. બોલો, શું કહેવું છે તમારે?: પાળેલી બિલાડી જેવી એમની વિદ્વત્તાએ એ ક્ષણે તો એમને મચક ન જ આપી. નીચું ઘાલીને જતા રહ્યા. હાંસીકારોને ભાન નથી કે like સાદો મૅસેજ છે. એમકે અહીં જે મુકાયું છે, મને ગમ્યું છે -ગઝલ, ગીત, વાર્તા, ચિત્ર કે લેખ. માની લો કે અમસ્તાં જ like કરે છે, પણ એઓ એટલી યે હાજરી તો પુરાવે છે! મૂંગા અને મતલબબ્હૅરા પ્રવર્તમાન સાહિત્યિક માહોલમાં હું એને નાનકડું પણ ગણનાપાત્ર મૂલ્ય સમજું છું. ઇન્ટરનેટ પ્રૉસિડિન્ગ્સ દર્શાવે છે કે આ બધા લાભ છે, નુકસાન નથી. હું કહું કે માણસના જીવનમાં ધ્યાનથી બે-ધ્યાન તરફની અને બે-ધ્યાનથી ધ્યાન તરફની અવરજવર હમેશાં થવી જોઈએ, અનિવાર્ય છે. એથી ધ્યાનના નવા નવા અવતારો પ્રગટશે. જ્ઞાનતન્તુઓ તેજ રહેશે. ચિત્તના કોશ વધારે સજ્જ અનુભવાશે. અને એ અનુભવ હવે સુલભ છે. હમણાં હું એક ઑનલાઇન-આર્ટિકલ વાંચતો’તો. બાજુમાં થનગનતી ઍડે મને બોલાવીને કહ્યું -THIS IS THE YEAR THAT HIGH-TECH SLEEP SCIENCE ARRIVES IN THE BEDROOM. મને ધ્વન્યાર્થ સમજાઈ ગયો –કશો ઊંચી જાતનો શિયાળુ બ્લૅન્કેટ વેચવા માગે છે! બાજુમાં બેડમાં ફરદાર બ્લૅન્કેટને ઓઢવા કરતી મીઠું મીઠું બોલતી સ્મિતવાળી યુવતીનું ચિત્ર હતું. મને ધ્વન્યાર્થ પકડવામાં ખાસ મદદ એના અવાજે કરેલી. સાહિત્યના જીવોએ આનન્દવું જોઈએ કે રીટન ટૅકસ્ટમાં પિક્ચર અને વૉઇસ ઉમેરીને એને આમ મલ્ટિમીડયા બનાવવાનું પહેલાં કદીયે શક્ય જ ન્હૉતું. રોજે રોજ ફ્રૅન્ડરીક્વેસ્ટો આવે છે –મને ફ્રૅન્ડ બનાવો. સરખો ના રહે, અન્ફ્રૅન્ડ કરી દો! હું તો વફાદાર દોસ્તીનો માણસ, મને એવી તડાફડી ફાવે નહીં. પણ જોઉં છું કે માણસો હવે એકમેકના અહંકારને વચ્ચે લાવીને લડાઈઓ નથી કરતા. સમજપૂર્વક એકબીજાના અહંને શૅઅર કરે છે. જુઓને, કહેવાય છે સૅલ્ફી, પણ લેવાય છે બીજાંઓની સાથે! ધ્યાનના ભિન્ન ભિન્ન અવતારો અનુભવનારાં નર-નારી વંઠી નથી જતાં, વિવેકી બને છે. ના-લાયકોની વાત જુદી છે. બાકી, માનવસમ્બન્ધો જીવનપ્રેમે ભીના થવા માંડ્યા છે. એક સાર્વભોમ સામાજિકતા આકાર લઈ રહી છે. હું એને ઇન્ટરનેટે મનુષ્યજાતિ માટે સરજેલી અ-પૂર્વ દેણ ગણું છું. તમને કેમ લાગે છે?

= = =