સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/રિક્તતા

રિક્તતા


ઇપ્સા-અભીપ્સા વડે માણસનું જીવન રચાય છે. રચાય છે, બંધાય છે. પણ જીવન ઉચિત પ્રક્રિયા કે પદ્ધતિપૂર્વકના પુરુષાર્થ પર ઊભું ન હોય, તો નિષ્ફળ નીવડે છે. એઠલે કે, એવા બેઢંગ પુરુષાર્થની ફલશ્રુતિ જન્મતી નથી. એટલે છેવટે રિક્તતાની લાગણી થાય છે. ખાલીપાનો અનુભવ થાય છે. રિક્ત એટલે ખાલી —અંગ્રેજી શબ્દ વાપરીને કહીએ કે ‘ઍમ્પ્ટી’. રિક્કતા એટલે ખાલીપણું —‘એમ્પ્ટીનેસ’– ખાલીપો. સામાન્ય સંજોગોમાં માણસના હાથ ખાલી હોય છે. હાથ મૂળે ખાલી રહેવા જ સરજાયા છે, અથવા કહો કે ખાલી રહીને જ તે બધું કરી શકે છે. માણસ ખાલીહાથ જન્મે છે, ખાલીહાાથ મરે છે. પરન્તુ માણસ ખાલીહાથ જીવવા નથી માગતો —અરે, એને તો પાછા પણ ખાલીહાથ નથી જવું હોતું…! સંસ્કૃતમાં ખાલીહાથ વ્યક્તિને ‘રિક્તપાણિ’ કહેવાય છે —‘પાણિ’ એટલે ‘હાથ’, ‘રિક્ત’ એટલે ‘ખાલી’. રિક્તતા આપણા જમાનાનો વ્યાપક અનુભવ છે અને તેથી એ શબ્દનો પ્રયોગ-વિનિયોગ પણ આપણા જમાનામાં કદાચ અપૂર્વપણે થઈ રહ્યો છે. સમસામયિક અથવા આધુનિક સાહિત્યકલામાં ખાલીપો એક સર્વસામાન્ય વિષય છે. માણસના ખાલીપાને કલાકારોએ પ્રકાર પ્રકારે વાચા આપી છે. અને વળી સાહિત્ય કે કલામાં કેન્દ્રસ્થ બનેલા એ ખાલીપાની, એટલે કે એવી શબ્દસ્થ રિક્તતાની પણ આજકાલ ભરપૂર ચર્ચાઓ ચાલે છે. સંભવ છે કે રિક્કતા સાથેની એવી એવી નિસબતોથી આપણે, છેલ્લે, સભરતા સુધી પહોંચી શકીએ. માણસ ઇપ્સા-અભીપ્સાઓનો એટલે કે ઇચ્છાઓનો બનેલો છે એ સાચું, પણ એ ઇચ્છાઓને કશું ધ્યેય છે? ઇચ્છાઓ પાછળ કશુંક પ્રયોજન છે ખરું? જવાબ ‘ના’-માં આવે. કેમકે માણસની ઇચ્છાશક્તિને ઇચ્છા સિવાયનું કોઈ જ પ્રયોજન નથી. અસલ વાત એમ છે કે મનુષ્યના જીવન સમગ્રને જીવવા સિવાયનું કોઈ જ પ્રયોજન નથી, કોઈ જ અર્થ નથી. હું કહેવા માગું છું તે આ કે ખાલીપાના સંવેદનને માટેની જોગવાઈ જીવનમાં પહેલેથી છે, જીવને પોતે જ કરી રાખી છે. મનુષ્યચિત્ત વિશ્વમાં સંવાદ ઝંખે છે. પરન્તુ વિશ્વ સંવાદી નથી. પરિણામે ચિત્ત અને વિશ્વ જોડાઈ શકતાં નથી. તેમને જોડનારી કડીનો સંસારમાં અભાવ છે. પણ તેથી કરીને, માણસ વિયુક્તનો વિયુક્ત જ બેસી રહે એવું પ્રાણી પણ નથી બલકે ઊલટું છે : જોડવાને તેમજ જોડાવાને એ જીવનભર મથે છે. કોઈ ને કોઈ પ્રયત્નો ઊભા કરીને એ પ્રયોજનો રચે છે અને જીવનને અર્થ આપવાની અનેક પ્રકારે બહુવિધ કોશિશો કરે છે. ઇચ્છીને એ મનુષ્ય-સત્તા પ્રગટાવવા માગે છે, ઇચ્છીને એ જીવન-સત્તા, જીવન-અર્થ રચવા ચાહે છે. સંભવ એવો જરૂર છે કે એવી પ્રામાણિક ખાંખત પછીયે એને સફળતા ન મળે. આ અનર્થપૂર્ણ અસમ્બદ્ધ વિશ્વને અર્થ આપવાની કોશિશ પોતે જ એના વળતા, બીજા, નવા ખાલીપાનું કારણ બની જાય. આમ, એ કશું ન કરે તો પણ રિક્તતા છે, કશુંક કરવા જાય તો પણ રિક્તતા છે. જાણે રિક્તતા મનુષ્યની અકાટ્ય નિયતિ છે. સવાલ એ છે કે રિક્તતાથી છૂટાય કેવીરીતે, સભરતાની અનુભૂતિ કેવી રીતે પ્રગટે અને કેવી રીતે ટકે? રિક્તતાનું ગાણું ગાયા કરવાથી છૂટાશે નહીં. તો વળી એની કલા કે કવિતા કરવાથી પણ છૂટાશે નહીં. ઈલાજ તો એમાં છે કે રિક્તતાને આપણે જાણી લઈએ, ઓળખી લઈએ —એનો પ્રાણપણે સ્વીકાર-અંગીકાર કરીએ. સભર થવાનો એ જ એક, વિરોધાભાસી તો વિરોધાભાસી, પણ માર્ગ છે…

= = =