સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/શ્રમનિષ્ઠા

શ્રમનિષ્ઠા

‘શ્રમનિષ્ઠા’ શબ્દ અઘરો છે જરા, પણ જો એને ‘આરામપ્રિયતા’ સામે મૂકી દઈએ તો સમજાવા માંડે. શ્રમને વિશેના ગમ્ભીર મનોભાવને શ્રમનિષ્ઠા કહેવાય –જેવી રીતે આરામને અંગેના હળવા મનોભાવને આરામપ્રિયતા કહેવાય. માણસોમાં કેટલાક માત્ર આરામપ્રિય હોય છે, તો કેટલાક માત્ર શ્રમનિષ્ઠ, જોકે કેટલાક બંને હોય છે, આરામપ્રિય અને શ્રમનિષ્ઠ. માણસને શ્રમ અને આરામ બેયની જરૂર છે –માનવજીવનમાં બંનેનું સરખું મહત્ત્વ છે. પરન્તુ હકીકત એમ છે કે અમુકોને ભાગે શ્રમ આવ્યો છે અને અમુકોને ભાગે આરામ. જેને ભાગે શ્રમ આવ્યો છે તે કેમ આવ્યો છે અને જેને ભાગે આરામ આવ્યો છે તે કેમ આવ્યો છે એના આપણને પાયાના સવાલો થાય –થવા જોઈએ. પણ કહી દઉં કે એના કોઈ જવાબો હજી લગી કોઈને જડ્યા નથી, જડશે પણ નહીં. શ્રમ અને આરામની વિષમ સંરચના મનુષ્ય અને તેનો સંસાર હશે ત્યાં લગી હશે, અચૂક હશે, અચૂક રહેશે. બાએ કહેલી પેલી વારતા યાદ આવે છે. બોરડીના ઝાડ નીચે સૂતેલા પેલા પ્રમાદી માણસની વારતા. મારે એનું નામ પાડવાનું હોય, તો ઍદીરામ કે આરામશાહ પાડું. કહે છે, આરામશાહ સવારનો લેટેલો બોરડી નીચે, ઠંડી, મજાની છાયામાં. બપોરા થયા તો ય સૂતો રહ્યો, ઊંઘના કૅફમાં પડખાં ફેરવવાનું રહ્યું જ નહીં ને તેથી એ ઊઠ્યો જ નહીં. બન્યું એવું કે ઢળતી સાંજે ઝાડ પરથી એક સરસ પાકું મોટું બૉર પડ્યું એની છાતી પર. પ્રભુએ દીધું ફળ, આમ તો, ઉપાડી મોંમાં મૂકી આરોગી લેવાનું હોય. પણ આરામશાહ ક્હે: મને ન ફાવે, કંટાળો આવે, કોણ ઉપાડે બૉરને? કોઈ મારા મોંમાં મૂકી આપે, તો ખાઉ ખરો. બોર ખાવું હોય, તો આરામશાહે પોતાનો આખો એક હાથ હલાવવો પડે. પણ નામ એનું આરામશાહ, તે એટલું ય કદી કરે ખરો? ઘણા લોકો હીંચકે-ચૉપાળે ઝૂલ્યા કરીને કે ગાદી-તકિયે પડ્યા રહીને તેમના જીવનનો ઘણો સમય ઉડાઉગીરીથી બસ વાપર્યા જ કરે છે. જોવા જઈએ તો, તેઓ, આપણા સૌનો ટોટલ સમય વાપરે છે અને તે ય કશા પે-મૅ-ન્ટ વગર, કશો ટૅક્સ ભર્યા વગર. તેઓ, તેવા ચોર છે, ગુનેગારો છે. જોકે તેમને માટે કશી પૅનલ્ટી કે કશી પનિશમૅન્ટ છે નહીં. જ્યારે, શ્રમને વિશેની નિષ્ઠા શ્રમમાં જોડાવાથી ને શ્રમિક રહી ઇચ્છેલા પરિણામે શ્રમને પહોંચાડવાથી જ સાર્થક થાય છે. શ્રમ ‘કરવાની વસ્તુ’ છે, અને તેથી, શ્રમને વિશે માત્ર નૈષ્ઠિક હોવું પૂરતું નથી, વાસ્તવમાં શ્રમ ‘કરવાનો’ હોય છે. અને વૈચિત્ર્ય તો એ છે કે શ્રમ કરનારને શ્રમ મળી જ રહે છે! શ્રમનું પરિણામ આરામ છે. એને શ્રમ પછીની સહજ તૃપ્તિ પણ ગણી શકાય. જોકે સંસારમાં શ્રમ વિશે, આમ, વાતો ખાસ્સી થઈ છે. શ્રમ વિશે આરામથી વાતો કરી શકાય છે. ચતુર લોકો શ્રમ વિશેની વાતોને પણ શ્રમમાં ખપાવે છે. એને તેઓએ બૌદ્ધિક શ્રમ એવું નામ આપ્યું છે. એટલે કે મજૂર કરે તે શારીરિક શ્રમ અને વકીલ વક્તા અધ્યાપક કે લેખક કવિ વાર્તાકાર કરે તે બૌદ્ધિક શ્રમ. ‘શ્રમજીવી’ અને ‘બુદ્ધિજીવી’ સગવડિયા અને કૃત્રિમ શબ્દો છે. બુદ્ધિ વાપરવામાં શરીરની વિશિષ્ટ જરૂર નથી રહેતી, પરન્તુ શરીર વાપરવા બુદ્ધિ જરૂર જોઈએ છે, બુદ્ધિનો હુકમ જોઈએ છે. વળી બુદ્ધિ બચારી શરીર વિના એકલી, જુદી, ક્યાંય વસી શકતી નથી. હું કહેવા માગું છું તે એ કે ‘શરીર’ અને ‘બુદ્ધિ’ જેવો ભેદ પણ સગવડિયો છે, કૃત્રિમ છે. મસ્તિષ્ક શરીરનો જ સંવિભાગ છે, જેમાં મગજ છે, બુદ્ધિ છે, મન છે. એ બધાંને શરીરથી જુદાં ગણાય ખરાં? હાથપગ હલાવવા, કમર નમાવવી, વગેરે શબ્દપ્રયોગો શ્રમ સાથે સંકળાયેલા છે. પણ તેમાં ય નિષ્ઠા જોઈએ, સંકલ્પ જોઈએ, નહીંતર, એને શ્રમ ન કહેવાય. એ રીતે શ્રમ અને નિષ્ઠા એકમેકથી જુદાં નથી. માનવ હોવાનો અને માનવીય રહેવાનો અર્થ જ એ છે, કે મનુષ્ય પોતાને સારુ તેમ અન્યને સારુ, રોજ, નિત્ય, નિયત શ્રમ કરે જ કરે. બાકી પેલું બોર, જીવન-ભોગ રૂપી ફળ, માણસને કદી લાધે જ નહીં, અકસ્માતે ય નહીં. બાય ધ વે, પેલા આરામશાહના મૉંમાં પછી કોઈએ બોર મૂકી આપેલું ખરું? મને ખબર નથી.

= = =