સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/૧ નવેમ્બર

૧ નવેમ્બર


આજે ૧ નવેમ્બર. મારો જન્મદિવસ. જોગાનુજોગ, ઐશ્વર્યારાય-બચ્ચનનો અને ૧ નવેમ્બરે જન્મેલી દુનિયાની એકોએક વ્યક્તિનો પણ જન્મદિવસ. અમે લોકો ‘સ્કૉર્પિયન’ કહેવાઈએ. ઝોડિયાક જ્યોતિષીઓ કહે છે એ પ્રમાણે અમારું ભાવજગત પ્રબળ હોય છે. ઇચ્છાશક્તિ તીવ્ર હોય છે. કહે છે, સ્કૉર્પિયનો પ્રેમ કરવામાં શૂરાં હોય છે. ઊડતાં પંખી પાડે. સામી વ્યક્તિને પોતાની કરવાને ધમાલ-ધમાલ કરી મૂકે. જોકે એકવાર સમ્બન્ધ બંધાઈ જાય પછી પ્રેમનાં માર્યા બધું જ વેઠી લે છે -એટલે લગી કે સામી વ્યક્તિ બેવફાઈ કરે, છેહ દઈ ભાગી જાય, તોપણ! મોટી વાત એ કે સ્કૉર્પિયનો પ્રેમશૂરાં હોઈને પ્રેમડંખ લિજ્જતથી સહી જાણે છે -ભલેને પછી વીંછી કહેવાતાં હોય! ‘સ્કોર્પિયો’ એટલે વીંછી! આ મારો ૭૬મો જન્મદિવસ છે. ૫૦-મા જન્મદિવસે પણ મારી આવી જ એક કૉલમ ચાલતી’તી. મેં લખેલું: મોટી રીસેસ પડી: શિક્ષક જીવને એથી સારી કલ્પના શી રીતે આવે? મારા પડોશી મારા સુજ્ઞ વાચક. રીસેસની વાતે ખુશ થઈ ગયેલા. પણ આજે જો હું એમ લખું કે: હવે તો પાછલા બે જ પીરિયડ રહ્યા: તો એ વાંચવાને એઓ નથી રહ્યા. એક બપોરે બાઈકવાળાની ટક્કરે પડી ગયા ને ખોપરી ફાટી ગઈ… આવી દુર્ઘટનાઓને કારણે તો બરાબર, પણ કોઈપણ જાતના કારણ વિના પણ કેટલાક લોકો જન્મદિવસને નથી વધાવી શકતા. ચીડાઈને કહેતા હોય છે: છોડને યાર, વળી પાછું એક વર્ષ ઓછું થયું -શેની પાર્ટી!: સામાન્યજનોની એ વેદના સમજી શકાય એવી છે. જ્યારે, રવીન્દ્રનાથ કે ઉમાશંકર જેવા કવિઓ પોતાના જન્મદિવસ પર પણ પૂરી સ્વસ્થતાથી ગમ્ભીર કાવ્ય કરતા હોય છે. જન્મ જોડે મૃત્યુને ઘોળી આપે -એવું તો એકરૂપ દર્શાવે કે વાચકને ચિન્તન-લાભ સાંપડે. એટલે પછી બીજાં કવિજનો પણ પોતાના જન્મદિવસે એવાં કાવ્યો લખવા માંડે છે ને એટલે પછી એ પ્રકારનાં કાવ્યોની પરમ્પરા બનતી હોય છે ને એટલે પછી પીઍચડી-ડીગ્રી-વાંચ્છુને ‘જન્મદિવસ પરનાં કાવ્યો’ નામનો વિષય મળી જતો હોય છે! બાકી, મનુષ્ય વ્યક્તિ માટે આ એક એવો દિવસ, જેને મહા-ખુશીનો કહી શકાય. મરણને યાદ કરીને મૉઢું તુમ્બડા જેવું શું કામ? ખરેખર તો એ હકીકતનું સ્મરણ કરવાનું કે તે દિવસે આપણે ધરતી પર અવતરેલા -જેમ ભગવાન રામ કે કૃષ્ણ કે મહાત્મા ગાંધી અવતરેલા, ખરું કે નહીં? અને એક વાત કહી દઉં, અવતાર અવતાર છે! ભગવાનનો હોય, મહાત્માનો હોય, મારો, કે તમારો! સરખો છે! — ખોટું કહું છું? અરે, એની મજા પણ સરખે-સરખી હોય છે. ૧ નવેમ્બરવાળાં અમે સૌ સ્કૉર્પિયનો આજે અમારો જન્મદિવસ મનાવશું -અલબત્ત, પોતપોતાની રીતેભાતે. દરેકની પદ્ધતિ પણ અલગ-અલગ હશે. પણ જાણો છો, સામ્ય શું હશે? એ જ કે અમને દરેકને મજા આવશે અને મજા જ આવશે! અને જુઓ, મજા મજા હોય છે -ભલે પછી ઐશ્વર્યા રાય-બચ્ચનની હોય, સુમન શાહની હોય, કે દુનિયાના કોઈની પણ હોય! ભગવાનની, મહાત્માની, અલ્પાત્માની, ઍક્ટરની કે રાઇટરની જુદી, એવું નથી હોતું -ના, જરાય નહીં! મજા તો કશાપણ ભેદ વગરનો પરિપૂર્ણ મનોમયી આવિષ્કાર છે. હું સ્હૅજપણ ખોટું નથી ક્હૅતો… જન્મદિવસને યુવાપેઢી બર્થ-ડે કહે છે. વડીલો જન્મગાંઠ કહેતા. મને યાદ છે, બા કંસાર કરતી. ગરમગરમ કંસાર પર ઘી-ની માફકસરની ધાર; દળેલી સાકર ને ચારોળી. હિમ્મત પ્રમાણેનો કૉળિયો ભરવાનો ને તરત પછી દાળનો સબડકો લગાવવાનો. દાળને તે દિવસે સૂરણ ને ખારેક નાખીને ‘રીચ’ બનાવવામાં આવતી. એમાં તરતું વઘારનું લાલ પણ જરા કાળિયું થઈ ગયેલું મરચું જોતું હોય આપણને -એને નીચોવી લેવાનું. તીખું લાગે તો લાગે, કંસારનો બીજો કૉળિયો ક્યાં નથી! એ દિવસે નવું ખમીસ પ્હૅરવાનું. મન્દિરે જઈ પ્રાર્થના કરવાની: પ્રભુ! મોટો થઈ મોટો માણસ બનું એવું કરજે: બને છે એવું કે મોટા તો આપોઆપ થવાય છે પણ મોટા માણસ થવાનું આપણા એકલાના હાથમાં નથી હોતું; પ્રભુ અને દુનિયા બન્નેનો સાથ જોઈએ છે; બાકી, અલ્પાત્મા રહી જવાય છે. પણ તેથી શું? એવું થોડું કે એટલા ય મટી જવું? ના, જરાપણ નહીં! ને એટલે જ, જન્મદિવસ પૂરેપૂરી ઊલટથી મનાવવાનો! હવે તો બધું બદલાવા લાગ્યું છે: બર્થ-ડેને દિવસે તોતિંગ શૉપિન્ગ. કેક ડ્રિન્ક્સ ડાન્સ ઍન્ડ પાર્ટી -હોટેલમાં થાય, તો મોટો જલ્સો. બર્થ-ડે બૉય માટે સ’પ્રાઇઝ (surprise) ઍરેન્જ કરાય છે. જમાનો ઍરેન્જમેન્ટનો છે: ફોન પર પાક્કું કર્યા પછી જ મળાય છે. કોઈ કોઈને સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. અંગ્રેજીમાં કહે છે: આયૅમ નૉટ અવેલેબલ!: એક બહેને એકવાર મને બરાબ્બરનું પરખાવેલું: સુમનભાઈ, તમે કહો છો એ ટાઈમે તો ન જ મળાય, મારું રૂટિન ખોરવાઈ જાય, દિવસ આખાનો રીધમ તૂટી જાય! : સભામાં ધારો કે તમે મોટા કોઈ વિદ્વાનને ઝંખો છો. એઓ ડાયરી જોઈને બોલતા હોય એમ બોલે છે: એ તારીખે…એ, ભાઈ, હું ફ્રી નથી: સમસામયિક જીવન તરેહો આટઆટલી પ્રી-ઍરેન્જ્ડ છે, આવતીકાલોની અપૉઇ્ટમૅન્ટો અને સુચિન્તિત ડેડ-લાઇનોનાં પ્રેશરો છે. સો ટાઇટલિ ઇન-ઍડવાન્સ જિવાય છે. પછી એમાં, કશા વિસ્મયને તો ચાન્સ જ ક્યાં? અચરજ થાય એવું અણધાર્યું તો શું બનવાનું? તો ભલેને આવાં ઍરેન્જ્ડ તો ઍરેન્જ્ડ સ’પ્રાઇઝ મળતાં! શો વાંધો? સારું લાગે! યાદ કરો, સવારથી બૉય આશ્ચર્યાનન્દ પામવાની આશા-અપેક્ષાથી ડગલે ને પગલે કેવું તો ડાહ્યું-ડાહ્યું વર્તતો હોય છે! દિવંગત સાહિત્યકારોનાં જન્મ-મરણની તિથિઓ ઉજવાય છે. પણ સમકાલિકોના જન્મદિવસ નથી ઉજવાતા. જાહેરમાં તો નહીં જ. ચિનુ મોદીનો વરસોથી જાહેરમાં ઉજવાતો -કાવ્યપાઠ, રંગમંચ પર નાટક, વ્યાખ્યાનો, વગેરે… સાહિત્યકારોની શોકસભા વખતે પણ મેં કહ્યું છે કે નીવડેલા અને આશાસ્પદ સમકાલિક સાહિત્યકારોના જન્મદિવસે પણ મળીએ, એમનાં કામો વિશે પણ વાત કરીએ. હવે તો શોકસભા માટે પણ જાણકાર વક્તાઓ નથી મળતા -જે મરનારનાં કામો વિશે ભરપૂર ભાવે કહી શકે! બાકી, સમકાલિકના જન્મદિવસની ઉજવણીમાં એનો સાહિત્યશબ્દ રજૂ થાય, કાને પડે, આસ્વાદન થાય; જાણવા મળે, એ કેવા પ્રકારના સાહિત્યને આકાર આપી રહ્યો છે. એની દિશા જાણવાથી અંદાજ આવે, વર્તમાન સાહિત્યની દિશા કઈ છે. વગેરે. જો દિવંગતો જોડે શ્રાદ્ધનો ભાવ, તો જીવન્તો જોડે શ્રદ્ધાનો શું કામ નહીં? ખોટું કહું છું? પ્રવર્તમાન કળિકાળમાં સાહિત્યપદાર્થનું અસ્તિત્વ પ્રશ્નાર્થ હેઠળ છે ત્યારે જે સાહિત્યકારો જીવનની વાટમાં જોડે-જોડે ચાલી રહ્યાં છે તેમને પણ ઊજવી જાણીએ! હાલ તો, હૅપિ બર્થ-ડે ટુ ઑલ માય ફૅલો સ્કૉર્પિયન્સ!

= = =