સોરઠને તીરે તીરે/પ્રવાસીઓને


પ્રવાસીઓને


'અમારે સૌરાષ્ટ્ર જોવો છે. શી રીતે જોઈએ?' 'તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?' 'તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને મોંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!' નિશાળો-કૉલેજોની લાંબી રજાઓ પડવાની થાય ત્યારે ત્યારે ઓળખીતા અને અણઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે, પરંતુ એ બધાંની અંદર એક-બે શરતો મુકાયેલી હોય છે: ‘આ બધું અમારે તા. ૧૦મીથી ૧૭મી સુધીમાં જોઈ લેવું છે.' ‘આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાત ભાઈઓ છે.' જુદી જુદી નાજુક ખાસિયતોવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એકસામટું ‘કન્ડેન્સ્ડ મિલ્ક'ના ડબ્બામાં ઠાંસેલું જોઈએ છે. દિવસેદિવસનો તેઓ કાર્યક્રમ માગે છે. એવું દર્શન કરાવવું અતિ કઠિન છે. આવનારાંની ઉત્સુકતા સાચા હ્રદયની હોય છે. અંતઃકરણમાં સોરઠ પ્રત્યે જિજ્ઞાસા જન્મી હોય છે, થોડું નિહાળીને પણ ઘણું પકડી લે તેવી દિલસોજ અને પૂજક આંખો હોય છે. પરંતુ તેમને વખત નથી, એટલે તેઓને તમામ રાંધેલી વાનીઓ મેજ પર અમુક કલાકને ટકોરે પીરસેલી જોઈએ છે, અક્કેક વેકેશનમાં ફક્ત એક ચોક્કસ ક્ષેત્ર જ નથી જોવું, બધું સામટું જોઈ કાઢવું છે. - ને સૌરાષ્ટ્રની આગગાડીઓ હવે તો એ રીતનું રાંધણું રાંઘી પીરસી દેવાને તૈયાર થઈ ગઈ છે. પંદર કે પચીસ પ્રવાસીઓનું ટોળું સડાસડાટ પોરબંદર, વેરાવળ, જામનગર અને ભાવનગર જેવાં બબ્બે સ્થળો અક્કેક દિવસમાં પતાવી, મુકરર તારીખે પાછું વળી શકે છે. પરંતુ આ પ્રવાસો કેવળ ‘સાઈટ સીઈંગ'માં જ પરિણમે છે, સૌરાષ્ટ્ર જોઈ આવ્યાના ઉપલક સંતોષની નીચે તે બધાં ભાઈબહેનોનાં હ્રદયમાં એક શૂન્યતાની લાગણી વહેતી હોય છે. બીજી રીતે વિચારીએ તો આમાં પ્રવાસીઓનો દોષ પણ શો? આજે જાણવા જોવાનાં ​ક્ષેત્રો ખૂબ વધ્યાં છે. એકલો સોરઠ જોયેથી જ કંઈ ચાલે નહિ. જ્ઞાનની, દર્શનની, વિવિધતાની ભૂખ આજ ઉઘડી છે. આ કારણે, જે માણસો અમુક ચોક્કસ ક્ષેત્ર લઈને તેની પાછળ બેસી ગયા હોય છે તેમનું જ એ કર્તવ્ય છે કે પોતાના ક્ષેત્રનું દર્શન પોતે કરી, લખી એનો માનસિક સમાગમ સહુ લોકોને કરાવવો. એ કર્તવ્ય સમજીને હું પણ સોરઠના મારા નાનકડા પ્રવાસોનાં ચિત્રો દોરું છું. માત્ર કુદરતના પ્રેમીજનો જે હશે તેને તો સોરઠની બહાર સ્થળે સ્થળે પ્રકૃતિ-સૌંદર્ય મળી રહેશે. માત્ર લજ્જતથી ભટકવાને જ નીકળનારાઓ સારુ પણ આંહી કશી અધિકતા નથી. શિલ્પસ્થાપત્યકલાના પણ કોઈ અદ્ભુત અવશેષો આંહીં નથી પડ્યા. માત્ર પુરાતનતાના આશકો-શોધકોને પણ બીજાં અનેક વધુ રસદાયક ખંડેરો જડી રહેશે. સૌરાષ્ટ્રના સ્થાનોમાં જે રસ વહે છે તે તેની સાથે અંકિત થયેલા ઈતિહાસનો, લોકકથાનો, જાતિઓની જૂની તવારીખોનો અને ગીતકવિતાના સાહિત્યનો મિશ્ર રસ છે, એટલે કે દરેક સ્થળે બાઝેલા સોરઠી લોકસમૂહના સંસ્કાર-પોપડા આપણને ઉત્કંઠિત બનાવી શકે તો જ એનો રસ છે. અમુક પહાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી: એને દીઠેય મારા જેવાને પ્રણ થનગની ઊઠે, કેમ કે મારી સ્મૃતિમાં સંઘરાયેલાં એનાં પુરાતન ઈતિહાસ-સ્મરણો તતખણ સળગવા લાગે છે. બીજાને એ જ સ્થળોનો કે માનવીઓને કશોય મહિમા ન લાગે. એટલા સારુ જ મારા પ્રવાસનો વૃત્તાંત મારી અમુક ઊર્મિઓ થકી રંગાયેલો છે. આ ભૂમિને હું અમુક વિશિષ્ટ પ્રકારનાં સાહિત્ય, કુલાચાર, ખાસિયતો અને શરીરો નિપજાવનારી માનું છું. માટે જ નાની નાની વાતોમાંથી પણ હું એ સંસ્કારનું ઘડતર બતાવવા મથું છું. સોરઠી ગીતકથાઓનાં જન્મસ્થાન ક્યાં છે? એ વાણીનો ગર્ભ ધરનારી ભોમ કઈ છે? એનો ઉત્તર કવિ સ્કૉટ આપી ગયો છે: 'એ કવિતાના બેસણાં તો છે કોઈ એકલ ડુંગરાના ધુમ્મસઘેરા શિખર ઉપર; ને એ સાહિત્યનો અવાજ તો ઊઠે છે પહાડી ઝરણાંના કલકલ ધ્વનિમાંથી. એનો સાચો આશક જે હોય તેણે કુંજનિકુંજોથી ભરપૂર રસાળ ખીણના કરતાં ઉજ્જડ ખડકને અધિક ચાહવો પડશે, અને રાજદરબારી રંગરાગનાં ભવનો કરતાં વિશેષ તો નિર્જન રણપ્રદેશની મોહબ્બત કેળવવી પડશે.' [૧]​સ્કૉટલેન્ડની પુરાતન લોક-કવિતાને સમજવા મથનાર એક અંગ્રેજ અમીરપુત્રને એની સ્કૉટિશ પ્રેયસીએ કહેલું આ વચન સોરઠી કાવ્ય-ઈતિહાસને સમજવાની ખરી ચાવી આપે છે. સોરઠી ખલાસીઓ અને ગોવાળીઓનાં ગાન બાગબગીચામાં નથી રોપાયાં. એની ક્યારીઓ તો પડી છે ભયંકર ભેંસલા ખડકની ટોચે, નાંદીવેલના નિર્જળ તપ્ત ભાલ ઉપર, ઉનાળે રોજ દટ્ટણપટ્ટણની રમતો રમતા રેતીના ડુંગરાઓની ગોદમાં. દરેક પ્રદેશને પોતપોતામો એક મુકરર આત્મા હોય છે. એની સંગાથે એકાકાર ન થઈ શકનાર પ્રવાસીને એ બધું નર્યા પથ્થરો, પાણી, ધૂળ અને ધૂળ થકીય બદતર માનવ-માળખાંથી જ ભરેલું એક સ્થાન દેખાય. પણ આત્મા પકડનારને માટે તો જરૂરનું છે કે દિવસોના દિવસો સુધી બસ ઝંખના જ એકઠી કર્યા કરવી: કારાગારમાંથી નાસનાર કેદીની પેઠે ઘરનાં સુખસગવડ અને કુટુંબ-મોહમાંથી નાસી છુટવું: રેલગાડી જે છેલ્લા બિંદુ સુધી લઈ જાય ત્યાંથી તો સાચી મુસાફરીનો આરંભ સમજવો. ટપાલના કાગળો જ્યાં નથી પહોંચતા, પાણી જ્યાં કોઈ ખારવાની કાટા મારી ગયેલ ગાગરમાંનું કચરે ભરેલું, પહેરનની ચાળ વડે ગાળીને પીવું પડે છે, સૂવાને સારુ જ્યાં એના મહિનાઓના વણનાહ્યા શરીર સાથે ઘસાઈને બિછાનું કરવું પડે છે, એના દારૂગાંજાની સોડમાં જ્યાં શ્વાસે શ્વાસે પેટમાં ઉતારવી રહે છે, એના રોટાલથી જ જ્યાં જઠર ભરવું પડે છે, ત્યાં ત્યાં, તેવી હાલતમાં અક્કેક અઠવાડિયું દટાઈ રહેવું પડે, એના કંઠનું સાહિત્ય કઢાવવા માટે એની જોડે કાલાઘેલા બનવું પડે, એનાં આંસુઓમાં આંસુ અને એના હાસ્યમાં હાસ્ય મેળવવાં પડે તે પછી જ સાચો ‘પ્રાણ' જડવા માંડે છે. પ્રવાસનાં વર્ણનો, મેં પૂર્વે લખ્યું હતું તેમ, વ્યવસ્થિત ભૂગોળ નથી કે સમાજ વા ​સાહિત્યનું વ્યવસ્થિત વિવેચન નથી. છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમુચ્ચય છે: ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહિ, પણ સાંજ-સવારના આકાશમાં રેલાતી તીખી અને મીઠી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો: અસ્તવ્યસ્ત અને તરંગી, એ જ એની પદ્ધતિ છે. સૌરાષ્ટ્રની રેલગાડીમાં અથડાતા–પીટાતા અથવા ઊંચા વર્ગના ડબામાં કોઈ સંગાથી વિના કંટાળો અનુભવતાં પ્રવાસી ભાઈ કે બહેન! તમારા એકાદ બે કલાકોને આ વર્ણન શુદ્ધ દિલારામ દઈ શકે, સૌરાષ્ટ્ર વિશે તમારામાં થોડો રસ, થોડું કૌતુક ઉત્પન્ન કરી શકે, અને એ ક્ષણિક લહેરમાંથી આ પ્રદેશની પૂરી ઓળખાણ કરવાની ઉત્કંઠા જગાડી શકે, તો પ્રવાસી પોતે બગાડેલાં શાહી-કાગળની તેમ જ તમે ખરચેલા પૈસાની સફળતા સમજશે. વધુ ધારણા રાખી નથી. ઈતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ વગેરે આજે જુદાં જુદાં ચોકઠામાં ગોઠવીને શિખવાય છે. એ પદ્ધતિઓ શીખવનારાઓને પોતાના વતન પર ખરી મમતા નથી ચોંટતી. પ્રવાસ-વર્ણન એ સર્વનું એકીકરણ કરીને, તેમ જ થોડા અંગત ઉદ્ગારોની પીંછી ફેરવીને ત્વરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસભૂમિ પર પચરંગી મનોવિહાર કરાવે છે. પાઠ્યપુસ્તકોની એ ઊણપ પૂરવામાં આ યાત્રા-વર્ણન શાળાઓના જુવાન દોસ્તોને મદદગાર થાય એ એક ખાસ દૃષ્ટિ છે. નાવિકોનાં લોકગીતો મને નવાં જ લાધેલ છે. આ પંદર-સોળ તો એક જ બેઠકમાંથી પ્રાપ્ત થયાં છે, તે પરથી મારી ધારણા છે કે હજુ બીજાં ઘણાં – સ્ત્રીઓ ઉપરાંત પુરુષોને પણ પોતાની દરિયાઈ ખેપોમાં ગાવાનાં – હાથ લાગશે. સાગર-તીરે પ્રવાસ કરવાની ઘણા સમયની સંઘરાયેલી ઈચ્છાને એકાએક જાગ્રત કરનાર બે બળો આવી પડ્યાં: એક તો શ્રી ‘સુકાની’ નામના સિદ્ધહસ્ત લેખકની દોરેલી લાક્ષણિક દરિયાઈ વાર્તાઓ; ને બીજું વધુ ઉત્તેજક, શ્રી ગુણવંતરાય આચાર્યની રોમાંચક ‘સોરઠી સાગરકથાઓ’!