સોરઠને તીરે તીરે/૯. ‘પીપા સીત રેન અપારા!’

૯. ‘પીપા સીત રેન અપારા!’

મોટે દરિયેથી ખાડીમાંથી ચાલ્યાં આવતાં થોડાંએક વહાણ આમ તમ્મરિયાંના ઝુંડની અંદર વળી ગયાં? "ભાઈ, ખાડીનો એ નાનકડો ફાંટો ઠેઠ ભેરાઈ બંદરે, જૂના રાજુલા બંદરે અને પીપાવાવ બંદરે આ વહાણોને લઈ જાય છે. જુઓ, નજર કરો, એ કળાય ભેરાઈના મીઠાના અગર! જૂનાગઢ તાબાનું જુનવાણી મીઠાનું મથક છે ભેરાઈ. ત્યાંથી વા‘ણ મીઠું ઉપાડશે." ભેરાઈ: કાનને અને કંઠને જૂની પિછાનવાળો શબ્દ ભેરાઈ: ડગલાં દી’ ને રાત, (મારે) ભરવાં પડે ભેરાઈનાં! એ દુહાનાં પાછલાં બે ચરણ જીભ પર રમવા લાગ્યાં. આગલાં બેની યાદ સરી ગઈ હતી તે પણ ધીરે ધીરે પાછી આવી: મેલ્યું વાંગર, મેલ્યું માઢિયું, મેલી મ‘વાની બજાર; (હવે) ડગલાં દી ને રાત, (મારે) ભરવાં પડે ભેરાઈનાં! એ તો રાણા-કુંવરની ગીતકથા [૧] માયલો દુહો: રબારી જુવાન રાણાનો જ એ ઉદ્‍ગાર. ભગ્ન હૃદયનો એ પ્રેમી વાંગર અને માઢિયા ગામની પોતાની જન્મભોમને તજી ગીરમાં ધુંવાસના ધડા નામે ડુંગરા ઉપર રહેતો, ને છેક ત્યાંથી હટાણું કરવા એને ભેરાઈના આંટા થતા - પરને પરણી ગયેલ કુંવરને કદાચ ભેરાઈની બજાર છેટે રહીને પણ નજરે જોઈ શકાય એ આશાએ! એ કથાનાં સ્થાનો વારંવાર મારા માર્ગમાં ભટક્યા કરે છે. જાણે કોઈ પૂર્વજન્મની કંદરાઓમાં પડી રહેલા સાદ એ દુહામાંથી ભણકાર ગુંજાવે છે: ‘ડગલાં દી ને રાત, (મારે) ભરવાં પડે ભેરાઈનાં!’ હતાશા, થાક અને ચિરવિરહની શાંતિ બોલે છે એ એક પંક્તિમાં. અને ‘પીપાવાવ’ શબ્દનો અવાજ પણ ક્યાં ઓછો પરિચિત છે? પ્રેમીજનોની દુનિયામાં ભટકતા પ્રેત સામે ભક્તની સૃષ્ટિનું કમાડ ખુલ્લું થાય છે. કબીરજીના એ સમકાલીન સંત પીપાજીએ આજથી ચાર સૈકા પૂર્વેની એક સંધ્યાએ દ્વારિકા તરફથી આવીને આ કિનારાની બાવળ-ઝાડીમાં પોતાનું વહાણ નાંગર્યું હશે, અને એની ક્ષુધા ઓલવવા સારુ એક કાનકુંવારી ગાવડીએ આંચળમાંથી દૂધના મેહ વરસાવ્યા હશે. આખો સોરઠ-તીર દીઠા પછી એ દુખિત રાજનનું અંતર આંહીં જ ઠર્યું હશે. મેં એને રાજા કહ્યા. હા, પીપાજી હતા ઉત્તર હિંદ તરફના કોઈ ગઢગાગરૌન નામે રજવાડાના દેશપતિ. ‘પીપા પૂજે કોટકેરાળી’ એ ગીત-પંક્તિ હજુય બોલાય છે. કચ્છના કેરાકોટવાળી કોઈ દેવીના એ ચુસ્ત ઉપાસક હતા. પણ એક દિવસ - સવા કળશી ખીચડો, ને સવા માણાની શેવ; પીપે મારી પાટુએ, તને દુઃખ લાગ્યું કાંઈ દેવ્ય! એ પ્રચલિત લોકવાણી મુજબ દેવીને મોટું નૈવદ્ય જુવારવાના અવસર ઉપર પીપાજીને ભાન થયું કે આ દેવીથીયે ચડિયાતો દેવાધિદેવ ઈશ્વર જગત પર બેઠો છે! થાનકમાં માંડ્યાં હતાં તે તમામ દેવીફણાં (પૂતળાં) ઉપાડીને પીપાએ ભારી બાંધી. આઠેય રાણીઓને લઈને દ્વારિકા આવ્યા. ત્યાંથી કહે કે, મારે તો જંગલનો જોગ ધરવો છે. બાઈઓ કહે કે, સાથે આવીએ. પ્રત્યેકની પાસે પીપાએ અક્કેક ધોળું વસ્ત્ર, તુલસીની માળા અને ગોપી-ચંદનનો કટકો ધરી દીધાં: ભેગાં આવવું હોય તો રાજશણગાર ઉતારીને આ ભેખનાં પરિધાન પહેરી લ્યો: નહીં તો સુખેથી પાછાં જઈ રાજસાયબી માણો: કોઈને માથે મારું ધણી તરીકેનું બળજોર નથી. સાંભળીને સાત તો પાછી ફરી ગઈ. ફક્ત આઠમાં અણમાનેતાં સીતાદેવી પીપાની સંગે ચાલી નીસર્યા. પીપા સીતા રેન અપારા, ખરી ભક્તિ ખાંડાકી ધારા! એમ સંસારની અઘોર કાળ-રાત્રિને ખરે પહોરે. પીપા-સીતાની બેલડી ખડગ-ધાર જેવા ભક્તિપંથ પર પગલાં માંડતી ચાલી નીકળી. સોરઠી રત્નાકરને તીરે, તીરે, તીરે; અનંતની ઝાલરી સાંભળતાં, સાંભળતાં, સાંભળતાં: મસ્તક ઉપર પેલાં દેવલાંની ગાંસડી ઉપાડી હશે. કોડીનાર પંથકના કોઈ ઉમેજ નામે ગામમાં એક સંધ્યાએ પોરો ખાવા થોભ્યા. કોઈ સેન ભગત નામના ભાવિકને ઘેર પરોણલાં બન્યાં. રાત્રિએ અતિથિઓ રોટલા ખાવા બેઠાં તે વેળા ઘરમાં યજમાનની ઘરવાળી દીઠામાં ન આવી. મહેમાનોએ હઠ લીધી કે જમીએ તો ચારેય જણાં ભેળાં બેસીને. ઘરનો ધણી ઝંખવાણો પડી ગયો. "ક્યાં છે ઘરનાં મૈયા! સાંજરે તો દીઠાં હતાં ને અત્યારે ક્યાં ગયાં?" ઘરધણી એ પ્રશ્નનો ઉત્તર ન દઈ શક્યો. હૈયું ભરાઈ આવ્યું. કંઈક ભેદ છે સમજીને સીતા મૈયાએ ઘરમાં આંટો મારી શોધ કરી. ઘરધણિયાણીને દાણા ભરવાની ખાલી કોઠીમાં બેસી ગયેલી ભાળી: અંગે એક પણ લૂગડા વિના, નખશિખ નગ્ન! બેઠી બેઠી થરથરી રહી છે. "ભાઈ! આનું શું કારણ?"

"અતિથિદેવ!" ઘરધણી આંસુની ધારા લૂછતો લૂછતો બોલ્યો: "આજ ઘરમાં કશુંય અનાજ નહોતું. એક પણ ઘરવખરી બાકી નહોતી રહી. મારા ઉંબરની આબરૂની રખેવાળ આ બાયડીએ પોતાના અંગ ઉપરનો સાડલો ઉતારી આપ્યો તે વેપારીએ હાટડે મૂકીને હું લોટદાળ લાવ્યો. બાઈએ ન-વસ્ત્રી દશામાં ઓરડો ઓઢીને રાંધણું કર્યું. તમને ખાવા બોલાવ્યાં એટલે એ પોતાની એબ સાચવવા કોઠીમાં ઊતરી. આ અમારી કથની છે." પોતાની પછેડી વડે બાઈનું અંગ ઢંકાવીને પછી પીપા-સીતાએ ગુપ્ત મસલત કરી. "શું કરશું, દેવી?" "મહારાજ, કાલે રાત્રિએ આંહીં નાચનો જલસો કરીએ. લોકો જોઈ જોઈને દ્રવ્ય દેશે." "શી રીતનો જલસો?" "હું રાજની દીકરી છું. પિયરમાં નૃત્યગીત શીખી છું. આપ ઢોલક બજાવજો, હું નાચીશ. ભજન કરવા બેસશું તો ભજનિકને ભિક્ષા આપે એવું આ ગામ નથી લાગતું. પણ નાયકાને માથે લોક ન્યોછાવર થયા વિના નહિ રહે." સીતાના રૂપલાવણ્યની સામે પીપાજી તાકી રહ્યા: ‘અહહ! આને મેં દુહાગણ કરીને ત્યજી હતી! આના દેહમાંથી આટલી બધી માધુરી નીતરી રહી છે. એ મને ખબર જ ન રહી! આ રૂપ ને આ કંઠ શું ભોગને સારુ નહોતાં સર્જાયા? મારી સીતા શું આજ રાતે આ ગરીબ યજમાન-પત્નીનો દેહ ઢાંકવા માટે નર્તકી બનશે!’ ’હિંદુસ્થાની નાચનારી આવી છે! રૂપરૂપનો ભંડાર કોઈ રાજરમણી આવી છે, ભાઈ!’ સાંજ સુધીમાં તો આ સમાચારે ગામને થનગનાવી મૂક્યું. ને રાતે એ લોકમેદનીને પોતાના પગના ઠમકા, હાથના લહેકા તેમ જ હિલોળા લઈ રહેલ રૂપ અને સંગીતનું વશીકરણ છાંટીને સીતામાઈએ યજમાન-પત્નીને છોળે છોળે કમાણી રળી દીધી. એ પીપા અને એ સીતા આ ચાંચની ખાડીના ખમકાર ઝીલતાં એક સંધ્યાએ આ કંઠાળી આહીરોના મુલક પર ઊતર્યાં અને દેવીનાં ફણાંને ખારાં ખાડી-નીરમાં પધરાવી દઈ એક જગત્પતિની ભક્તિ લઈ બેસી ગયાં. એની ગાળેલ વાવ તે પીપાવાવ. આજ ત્યાં ગામડું વસેલું છે; ધર્મનું થાનક રોપાયું છે. અને મહંતાઈ એટલે રજવાડી ઠાઠમાઠ, ભોગવિલાસના ભ્રષ્ટાચાર કે સ્વપૂજાનાં પાખંડ નહિ, પણ મહંતાઈ એટલે તો પૂર્ણ ત્યાગમાં રંગાયેલ જીવનની સાથોસાથ અહોરાત ધૂળછાણમાં આળોટતી કાયાનું ધેનુઓની રક્ષા કાજે શુદ્ધ આત્મસમર્પણ, પરસેવે નવરાવતી ખેતરાઉ મજૂરી, ગરીબો-શરણાગતોની ટહેલ - એ સુંદર (બેશક રૂઢિગત) પરંપરાનો કંઈક અવશેષ જો સોરઠમાં ક્યાંયે હજુ ટક્યો હોય તો તે પીપાવાવની જગ્યામાં દેખાય છે. ત્યાંના વાતાવરણમાં હજુ પીપા-વાણીના પડછંદા ઊઠે છે કે - પીપા! પાપ ન કીજીએં, (તો) પુન્ય કિયા સો વાર?

"ભાઈ," નવસારીવાળા વહાણમાં અમે ઊભા હતા ત્યારે એક સાથીએ સાદ કર્યો: "આવો તો, કંઈક બતાવું." એમ કહીને એણે એક ખારવાનું બદન ઊંચું કરી એના પેટનો ભાગ ખુલ્લો મૂક્યો: "આ જોયા ડાઘ?" ખલાસીના પેટ ઉપર પચીસેક ડામનાં ચિહ્નો હતાં. "આ લોકોને પેટમાં દુઃખાવો ઊપડે." સાથીએ સમજ પાડી, "ત્યારે એનું ઓસડ આ રીતે કરે. તુરત લોઢું ધગાવીને ડામ ચાંપી દ્યે. દરેકને માટે એ એક જ ઓસડ." ત્યાં તો વહાણના પાંચ-છ નાવિકો પોતાની મેળે જ પેટ ખુલ્લા કરીને ઊભા રહ્યા. દરેકને દસ-પંદર ચગદાં ડામનાં હતાં. "હવે તમે જુઓ." સાથીએ દેખાડ્યું. "આ લોકો આ કિનારેથી આપણા રાજુલાના પથ્થરો ઉઠાવી ઉઠાવીને વહાણમાં ભરશે. અક્કેક શિલા દસ-દસ મણની હશે તોપણ ખંભે ઉપાડીને આ સાંકડા પાટિયા ઉપર થઈને દોડાદોડ વહેશે. સામે બંદરે જઈને પાછા એ જ પ્રમાણે માલ કિનારે ઉતારી દેશે. ત્યારે એને આ વહાણનો માલિક જે આપશે તે પેટપૂરતું પણ નહિ હોય. વહાણવાળો વેપારી પોતાની પેઢીની ગાદી ઉપર પડ્યો પડ્યો શાંતિથી આ લોકોનું રળેલું પચાવી જશે." મેં કહ્યું: "દરેક ઠેકાણે અત્યારે તો મોટું માછલું પોતાનાથી નાના માછલાને ખાઈ ખઈને જીવે છે, એવો આપણો દેશકાળ છે."

  • આ ગીતકથા ‘સોરઠી ગીતકથાઓ’માં આપી છે.