સોરઠિયા દુહા/155


155

કામન કાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં;
આધી ચૂડી કાગ-ગળ, આધી ગઈ તડકાં.

લાંબા કાળથી દૂબળી બની ગયેલી પિયુવિજોગણ રોજેરોજ મોંઘેરા મહેમાનના આવવાની ખોટી શુકનવાણી કરતો આંગણે બેસનારો કાગડો ખિજાયેલી નારીએ કાગ ઉડાડવાને ઉગામેલો દૂબળો હાથ. હાથ ઊછળે છે. અરધી ચૂડીઓ એ પાતળા (નિશાનબાજ) હાથમાંથી સરીને કાગડાની ડોકમાં જઈ પડે છે — તે જ પળે એકાએક આવી પહોંચેલા પ્રીતમનાં દર્શન થાય છે, ને ઓચિંતાના એ ઉલ્લાસે સ્ત્રીનાં અંગેઅંગમાં લોહી ભરાઈ આવે છે, પાતળું કાંડું ભરાવદાર બની જવાથી બાકીની ચૂડીઓ તસોતસ થઈ તૂટી પડે છે. બંને ક્રિયાઓમાં ક્ષણનો જ ફેર પડે છે.