સોરઠિયા દુહા/95


95

દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું;
લાજ્યા નહિ લગાર, હાડાં પહેલાં હાલિયાં!

ઘડપણ આવે છે ને દાંત એક પછી એક પડવા માંડે છે ત્યારે માનવી કહે છે, કે હે દાંત! આટઆટલા દિવસો સુધી તમને કેવી મીઠી મીઠી વાનીઓ ખવરાવી હતી, તે છતાં આજે હજી અમારાં હાડકાં સાબૂત છે, અમારું શરીર ચાલે છે ત્યાં ઊઠીને તમે ચાલવા માંડ્યા! અરેરે, તમને શરમ પણ ન આવી?