સોરઠી ગીતકથાઓ/7.રાણક — રા’ ખેંગાર

7.રાણક — રા’ ખેંગાર

કોઈ રાજાને ઘેર કુંવરી જન્મી. રાજાએ જોષ જોવરાવ્યા. જોષીઓએ ભાખ્યું કે આ કન્યા અવજોગમાં અવતરી છે, એથી કાં એનાં માતાપિતાનો અથવા એના પતિનો એ નાશ કરાવશે. રાજાએ કન્યાને ચૂંદડીમાં વીંટાળી ગામની બહાર ખાડામાં નાખી દેવરાવી. દૈવયોગે કોઈ કુંભાર ત્યાં માટી ખોદવા આવતાં જીવતું બાળક દીઠું. માન્યું કે પ્રભુએ જ મારું વાંઝિયાપણું ભાંગવા આ બાળક મોકલ્યું હશે. ઘેર લઈ ગયો, પાળી, મોટી કરી. રાણકદેવડી નામ પાડ્યું. રાણક જુવાન બની છે, ભારી રૂપવતી છે, તે વખતે જૂનાગઢ ઉપર રા’ ખેંગાર રાજ કરે છે, ને ગુર્જરી પાટણ ઉપર સિદ્ધરાજ જયસિંહ, રાણક અને એનાં કુંભાર માતાપિતા જૂનાગઢની પાસે મજેવડી ગામમાં રહેતાં હોવાનું કહેવાય છે. એક દિવસ પાટણમાં સિદ્ધરાજને ઘેર ભાટ આવ્યાં. તેઓએ જમતાં જમતાં નિસાસો નાખી કહ્યું કે, ‘રાજા, તારા ઘરમાં પદ્મિની સ્ત્રી નથી’. રાજાના મોકલ્યા એ ભાટો સોરઠમાં ઊતરી, સુંદરી રાણકનાં વખાણ સાંભળતા સાંભળતા મજેવડી જઈ રાણકને તપાસે છે. પદ્મિનીનાં પૂરાં લક્ષણો દેખે છે, રાણકના જન્મની ખરી વાત નક્કી કરે છે. સિદ્ધરાજનું વેવિશાળ રાણક વેરે ઠરાવી પાછા પાટણ સીધાવે છે. આ વાતની ખબર વિનાનો ખેંગાર એક દિવસે ઘોડેસ્વારીમાં એકલો ભમતો એકલી રાણકને કોઈ કૂવાકાંઠે મળે છે. બંને વચ્ચે પ્રીત બંધાય છે. પરણીને પોતાને મહેલે તેડી જાય છે. સિદ્ધરાજ અને ખેંગાર વચ્ચે આ બનાવે મોટું વૈર જગાવ્યું. ગુર્જરપતિએ જૂનાગઢને ઘેરો ઘાલ્યો. જૂનાગઢનો કિલ્લો તો અજેય હતો, પણ ખેંગારની એક મોટી ભૂલ થઈ પોતાને ઘેર આશ્રિત થઈને રહેલા પોતાના દેશળદેવ ને વિશળદેવ નામના બે ભાણેજોમાંથી એક દિવસ વિશળદેવને ખેંગારે એક ઊંચી જાતની મદિરા રાણકને આપી આવવા માટે એકલો અંતઃપુરમાં મોકલ્યો. વિશળદેવ એક તો મદિરા પીને ગયેલો, તેમાં વળી રાણકે અને પોતે રાણીવાસમાં પરસ્પર મદિરા-પાન કર્યું. બંને યુવાન હતાં. ચકચૂર બન્યાં અને બેભાન હાલતમાં જ એક જ હીંડોળા પર ઢળી પડ્યાં. ખેંગારે આવીને આ દૃશ્ય જોયું, વ્યાપેલા રોષને શમાવી રાખી, બંનેની ઉપર પોતાની પાંભરી ઓઢાડી, અને સામેના સ્તંભ પર પોતાની કટાર હુલાવી એ ચાલ્યો ગયો. નશો છૂટતાં જાગી ઊઠેલાં મામી–ભાણેજે પોતાની ભૂલ અને ખેંગારની નિશાનીઓ દીઠી. વિશળદેવ ખેંગાર પાસે કરગર્યો. ખેંગારે એને રાજ બહાર કાઢી મૂક્યો. કિન્નાખોર વિશળદેવ શત્રુને મળી જઈ, દગલબાજીથી દરવાજા ઉઘડાવી, શત્રુસૈન્યને જૂનાગઢમાં દાખલ કરી દીધું. ખેંગારને માર્યો, જૂનાગઢને રોળી નાખ્યું, રાણકને ઉઠાવી સિદ્ધરાજ પાટણ ભણી ચાલ્યો. સતી રાણકે સિદ્ધરાજ સાથે પરણવાની ના કહી. પોતાના બે દીકરાને શત્રુએ એની આંખો સામે કાપી નાખ્યા, તેથી પણ રાણક ન ડગી, ને આખરે એ વઢવાણ શહેરની ભોગાવો નદીના પટમાં ખેંગારના માથા સાથે ચિતા પર ચડી બળી મરી. કહે છે કે રાણકને સતી થવા માટે કોઈએ એક અંગાર જેટલો અગ્નિ ન આપવો એવી દુહાઈ ફેરવી હોવાથી રાણક પોતાના સતીત્વના પ્રતાપે વેકુરીમાંથી સ્વયંભૂ અગ્નિ પ્રગટાવી શકી હતી! આ ઇતિહાસ ઈ. સ. 1100ની આસપાસ બન્યો બોલાય છે. રાણક મૂળ સિંધના કેરાકોટ નગરના રાજા રોરને ઘેર જન્મી હોવાનું મનાય છે. 

1. વેવિશાળ સિદ્ધરાજનું વેવિશાળ જ્યારે બારોટો કુંભાર-ઘરની પાલિત કન્યા રાણકદેવડીની સાથે કરીને પાટણ આવ્યા, ત્યારે સિદ્ધરાજ કોપાયો હતો. તેનો રોષ શમાવવા બારોટોએ આ રીતે સાચી કથા કહી :

આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર, દેવે ઉપાઈ દેવડી, કે’મ ભણો કુંભાર! [1] [આંબાને વાવ્યો હોય આપણા આંગણામાં પણ એની બહાર ઢળતી ડાળી પરથી કોઈ પાકેલી કેરી આંગણાની બહાર રસ્તા પર પડી ગઈ હોય, તેવી જ રીતે રાણકદેવડીને પણ દેવે (ઈશ્વરે) તો ઉચ્ચ રજપૂત કુળમાં જ ઉત્પન્ન કરી હતી, પણ એ સંજોગવશાત્ રાજકુળની બહાર કુંભારને હાથ જઈ પડી. તેથી એ પણ પેલી કેરીની માફક જ ઉચ્ચ મટી નથી જતી. માટે એને કુંભાર ન કહેજો!]

ચોરી રચિયલ ચાર, ગોખે જે ગરવા તણે; કાંડે લઈ કંસાર ખેંગારે ખવરાવિયો. [2] [ગિરનારને (ઉપરકોટને) ગોખે લગ્નની ચોરી રચાઈ. (બંને પરણ્યાં). ખેંગારે તો લગ્નમંડપની અંદર રાણકને પોતાના હાથથી કંસાર ખવરાવવાની વિધિ પણ કરી નાખી. પૂરેપૂરું પાણિ-ગ્રહણ કરી લીધું.]

સોપારી શ્રીકાર, પાન કોડીનારનાં, બીડું બીજી વાર ખેંગારે ખવરાવિયું. [3] [પછી તો ખેંગારે રાણકને કોડીનાર ગામની નાગરવેલનું પાન તથા સુંદર સોપારીવાળું તાંબુલનું બીડું પણ ખવરાવ્યું. (બીડું ખવરાવવાની વિધિ પણ રજપૂતનાં લગ્નમાં થતી હતી.)

પરણી ખેંગાર રાણકદેવડીને મજેવડીથી જૂનાગઢમાં તેડી લાવ્યો, પરંતુ નગરમાં પેસતાં જ અપશુકન થયાં.

2. ખેંગાર સાથે લગ્ન

પ્રથમ પરોળે પેસતાં, થિયો ઠકવો ને ઠેશ, (કાં) સૂનો સોરઠ દેશ! (કાં) રંડાપો રાણકદેવીને! [4] [ગઢની પરોળ (દરવાજા)માં પેસતાં જ રાણકને પગે ઠોકર આવી. વહેમ પડ્યો કે કાં તો સૌરાષ્ટ્ર દેશ ઉજ્જડ થશે, કાં મારો પતિ મૃત્યુ પામશે. હું વિધવા થઈશ.]

પોતાની વિવાહિત કન્યાને ખેંગાર પરણી જવાથી ગુર્જરપતિ સિદ્ધરાજ જેસંગ કોપાયો.

જેસંગદેવે જાય, ધારાનગર ઢંઢોળિયો, કપરો તે કે’વાય, ખેંગારસું ખેધો મ કર! [5] [જયસિંહ સિદ્ધરાજે જઈને ધારાનગરીના રાજાને ઉશ્કેર્યો, પણ એણે કહ્યું કે જૂનાગઢ પર ચડવું એ કઠિન કામ છે. હે જયસિંહ! ખેંગાર સાથે વૈર ન કરજે.]

બાવન હજાર બંધિયા, ઘોડા ગઢ ગિરનાર, કેમ હઠે સોરઠ-ધણી ખેહણ-દળ ખેંગાર? [6] [ગઢ ગિરનાર (જૂનાગઢ)ના રાજાને ઘેર તો બાવન હજાર ઘોડેસવારોની સેના રહે છે. એવા સૌરાષ્ટ્રસ્વામી, એવો મહાન દળવાળો ખેંગાર કેમ હઠશે?]

3. ખેંગાર પાસેથી ઊંચી જાતની મદિરા લઈ દેશળનું અંતઃપુરે જવું. મતિ ભૂલેલી દેવડીનું નશામાં ચકચૂર થવું. મામી–ભાણેજનું બેહોશ હાલતમાં એક જ હીંડોળે ઢળી પડવું. સ્તંભ પર કટારી મારીને ખેંગારનું ચાલ્યા જવું. દેવડીનું જાગવું.

થંભ કટારો થરહર્યો, વરમંડ પૂગી વરાળ, ઊઠને ભાણેજ દેશળા! કોપ્યો રા’ ખેંગાર. [7] [રાણક દેશળને જગાડે છે. ઓ ભાણેજ દેશળ! તું ઊઠ. જો આ સ્તંભ પર કટાર ખૂતેલ છે. ખેંગાર કોપ્યો લાગે છે. એના દિલની વરાળ છેક મસ્તકને તાળવે (અથવા વ્યોમમાં) પહોંચી લાગે છે.]

ખેંગારે દેશળને ફિટકાર દઈ ચાલ્યા જવા કહ્યું. દેશળ કરગરે છે :

નથી મેં ઘોડા ગૂડિયા, નથી ભાર્યા ભંડાર, નથી મેં માણી દેવડી, ઓળંબા મ દે ખેંગાર! [8] [હે ખેંગાર! મેં નથી તારા ઘોડા માર્યા. નથી તારા ખજાના છુપાવ્યા. રાણકદેવી પર મેં કુદૃષ્ટિ નથી કરી. તું મને ઉપાલંભ (ઠપકા) ન આપ.]

ખેંગાર ન માન્યો. દેશળને દેશવટો દીધો.

4. સિદ્ધરાજની સેના જૂનાગઢને ઘેરો ઘાલે છે. રાજમાતા મીનળદેવીના તંબુ ઉપરકોટની બહાર ખેંચાયા છે. કવિ મીનળ અને રાણક વચ્ચે વિવાદ થયાની કલ્પના કરે છે

કવણ ખટકાવે કમાડ! મેડી રાણકદેવની; જાણશે રા’ ખેંગાર, (તો) ત્રાટક કાન જ ત્રોડશે. [9] [રાણક પૂછે છે : આંહીં મારા આવાસનાં કમાડ કોણ ખખડાવે છે? જો ખેંગાર જાણશે તો ખખડાવનારના કાન તોડી નાખશે.]

મારો મેઢો લાડકો, આયો ગઢ ગરનાર, મારી રા’ખેંગાર, ઉતારવી રાણકદેવને. [10] [મીનળદેવી કહે છે : મારો લાડકવાયો પુત્ર ચડીને ગઢ ગિરનાર પર આવ્યો છે. રા’ ખેંગારને મારીને અમારે રાણકને ઉતારવી છે.]

અમારા ગઢ હેઠ, કેણે તંબ તાણિયા! 

સઘરો મોટો શેઠ, બીજા બધા વાણિયા! [11] [રાણક પૂછે છે : અમારા ગઢ નીચે કોણે તંબુ તાણ્યા છે? શું એક સિદ્ધરાજ જ મોટો શેઠિયો છે ને બાકીના સર્વને જગતમાં પામર વાણિયા સમજો છો?]

વાણિયાના વેપાર જાતે દા’ડે જાણશો! મારશું રા’ ખેંગાર, ઉતારશું રાણકદેવીને! [12] [મીનળ જવાબ આપે છે : હા હા, રાણક! તું અમને વેપારીડા વાણિયા કહે છે; અમારો વેપાર કેવી તરેહનો છે તે તો તું થોડા દિવસ પછી જાણીશ. રા’ ખેંગારને મારીને તને અમે ઉપરકોટ પરથી ઉતારશું.] ઝાંપો ભાંગ્યો, ઝડ પડી, ભેળ્યો ગઢ ગિરનાર, દૂદો હમીર બે મારિયા, સોરઠના શણગાર. [13] [જૂનાગઢનો દરવાજો ભાંગી ગયો. એમાં ચિરાડ પડી. ગઢ ગિરનાર ઉપર શત્રુ-સેના ફરી વળી. દૂદો અને હમીર નામના બંને દ્વારપાળો, કે જે સોરઠરાજાના શણગારરૂપ યોદ્ધાઓ હતા, તેને મારી પાડ્યા.]

5. રાણકનો વિલાપ અને સિદ્ધરાજ સાથે બળાત્કારે પ્રવાસ રાણકદેવીની સમક્ષ ખેંગારનું શબ લાવવામાં આવે છે. તેને નિહાળીને રાણક આનંદ અને ગર્વથી ઉચ્ચારે છે :

વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત, જુઓ પટોળાંવાળિયું! લોબડિયાળીનો કંથ. [14] [મારા સ્વામીની મૂછોના વાળ વાયરાની લહરમાં ફરફરી રહેલા છે, અને એનાં દાંત રત્ન જેવા ચળકે છે, કેમ જાણે હજુ એ વીર જીવતો હોય! અરે ઓ સિદ્ધરાજ જયસંગના નગર પાટણની ઝીણાં પટોળાં પહેરનારી સ્ત્રીઓ! આ જાડી ઊનની કામળી ઓઢનાર સોરઠિયાણીના સ્વામીને જોઈ લ્યો! અને સરખાવો કે બેમાંથી કોના ધણી સાચા વીર હોય છે!]

પતિના શબ્દને સંબોધી રાણક ઉન્માદમાં આવી જઈ કહે છે — ‘કેમ જાણે પોઢેલા પતિને યુદ્ધે મોકલવા જગાડતી હોય!’

સ્વામી! ઊઠો સેન લૈ, ખડગ ધરો ખેંગાર, છત્રપતિએ છાઇયો, ગઢ જૂનો ગિરનાર. [15] [હે સ્વામી! સૈન્ય લઈને ઊઠો. હે ખેંગાર! તરવાર ધારણ કરો. આપણા ગઢ ગિરનાર પર ગુજરાતના છત્રપતિ જયસિંગે છાપો મારેલ છે.]

સિદ્ધરાજ રાણકને જોરાવરીથી જૂનાગઢ છોડાવી ગુજરાત તરફ ઉપાડી જાય છે. ત્યારે પોતાની ભૂમિનાં પશુપક્ષી, ઝાડ-પાન, પહાડ વગેરે પ્રિય સંગાથીઓને સંબોધી રાણક મેણાં મારે છે. ખેંગારના ઘોડાને ઠપકો આપે છે.

તરવરિયા તોખાર! હૈયું ન ફાટ્યું, હંસલા, મરતાં રા’ ખેંગાર, ગામતરાં ગુજરાતનાં. [16] [હે વેગીલા ઘોડા! તારો સ્વામી ખેંગાર મરતાં આજે મારે (અથવા તારે) ગુજરાતમાં જવું પડે છે, એ જોઈને તારું હૃદય ફાટી કેમ નથી પડતું?]

ઉપરકોટના ગોખ પર ચડીને ટૌકા કરતા મોરને કહે છે :

કાં ટૌકે ગરજ છ, મોર! ગોખે ગરવાને ચડી, કાપી કાળજ-કોર, પિંજર દાઝ્યો પાણીએ. [17] [હે મોર! ઉપરકોટના ગોખમાં ચડીને તું ટહુકાર કેમ ગજાવી રહ્યો છે? એ ટૌકા મીઠા છતાં આજે તો મારા કાળજાની કોર કાપી નાખે છે; જાણે કે પાણી થકી મારું દેહ-પિંજર દાઝી જાય છે.]

પાદરના વડલાને કહે છે :

વડ વાવડી તણા! (તું) નીધણીઆ, નીલો રિયો! મરતે રા’ ખેંગાર, સૂકી સાલ ન થ્યો? [18] [હે વાવ ઉપર ઝકૂં બેલા વડલા! તું ધણી વગરનો બની ગયો, છતાં હજુ લીલો ને લીલો કેમ રહ્યો? ખેંગારના શોકમાં તું સુકાઈને લાકડું કાં ન બની ગયો?]

વનરાઈમાં ઊભેલા સાબરને કહે છે :

રે સાબર! શીંગાળ, (એક દિ’) અમેય શીંગાળાં હતાં; મરતે રા’ ખેંગાર (આજ) ભવનાં ભીલાં થઈ રિયાં. [19] [હે ઊંચા શીંગવાળા સાબર! તારી માફક હું પણ એક દિવસ શીંગવાળી (ખેંગાર સરખા સ્વામીના પ્રતાપે અને રક્ષણ ગૌરવવન્તી) હતી. પણ આજે ખેંગાર મરતાં, મારા ઊંચા શીંગ — મારાં ગૌરવ — નીચે ઢળી પડ્યાં છે.]

ચંપાફૂલના છોડને કહે છે :

ચંપા! તું કાં મોરિયો? થડ મેલું અંગાર; (તારો) માણીતલ માર્યો ગિયો, ખાંતીલો ખેંગાર. [20] [હે ચંપાના છોડ! તારાં ફૂલોની સુવાસ માણનાર રસીલો ખેંગાર તો માર્યો ગયો, છતાં તું કેમ ફાલ્યો છે? તારા થડમાં અગ્નિ મૂકીને હું તને ભસ્મ કરી નાખું, એવી દાઝ મારા દિલમાં થાય છે.]

અંતે વિદાય થતી થતી ગિરનારને ઠપકો આપે છે :

ઊંચો ગઢ ગરનાર, વાદળસું વાતું કરે; મરતાં રા’ ખેંગાર, રંડાપો રાણકદેવીને. [21] [ગિરનાર પહાડ તો આકાશ સાથે વાતો કરતો હોય તેટલો ઊંચો ઊભો છે; એને શું? રા’ ખેંગાર મરતાં વૈધવ્ય તો રાણકને આવ્યું.]

ગોઝારા ગરનાર! વળામણ વેરીને કિયો! મરતાં રા’ ખેંગાર ખરેડી ખાંગો નવ થિયો! [22] [હે હત્યારા ગિરનાર! આજે તું ઊંચી નજરે ઊભો ઊભો શત્રુ સિદ્ધરાજને વિદાય દઈ રહ્યો છે! તારો સ્વામી ખેંગાર મરતાં શોક અને લજ્જાને ભારે તું હલબલી જઈને ખંડિત કાં નથી થઈ જતો?]

એ વખતે રાણકના મર્મપ્રહારોથી ગિરનારનાં શિખરો જાણે તૂટી પડતાં હોય અને રાણક એને મા-કાર કરતી હોય એમ કહે છે :

મ પડ, મારા ઓધાર! ચોસલ કોણ ચડાવશે? ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે. [23] [હે મારા આધાર સ્વરૂપ! તું ન પડ. તું પડીશ તો તારા પથ્થરો કોણ ચડાવશે? ચડાવનાર વીર ખેંગાર તો ગયો. હવે તો જીવતાં હશે તે જ તારી યાત્રાએ આવશે.]

ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તળેટીએ; વળતાં બીજી વાર, દામોકંડ નથી દેખવો. [24] [ગિરનાર ગઢ ઊતરીને મારું શરીર તળેટીમાં આવી પહોંચ્યું. હવે બીજી વાર તો મારે આ સ્થળે વળવાનું કે દામોકુંડ જોવાનું નિર્માયું નથી.]

સિદ્ધરાજ જ્યારે રાણકને પોતાના પાટનગર પાટણમાં લઈ જઈ પટરાણી કરવાની લાલચ આપે છે, ત્યારે રાણક પોતાના પ્રિય સોરઠ દેશ અને સૂકા પાટણ પ્રદેશ વચ્ચે સરખામણી કરે છે : બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે; સરવો સોરઠ દેશ, લાખેણી મળે લોબડી. [25] [જ્યાં પટોળાંના સાળુઓ બને છે : તે તારા પાટણ શહેરને છો આગ લાગો! સુંદર તો મારો સૌરાષ્ટ્ર દેશ છે, કે જ્યાં રૂપાળી ઊનની કામળીનું ઓઢણું વણાય છે.]

મારું પાટણ દેશ, (જ્યાં) પાણી વિણ પોરા મરે! સરવો સોરઠ દેશ, (જ્યાં) સાવઝડાં સેજળ પીવે. [26] [નાશ થજો એ પાટણ પ્રદેશનો, કે જ્યાં ઝીણા પોરા જીવતા રહે એટલુંય પાણી નથી ટકતું. એથી તો ભલો છે મારો સોરઠ દેશ, કે જ્યાંની અખંડ વહેતી નદીઓમાં સિંહ જેવા જબરદસ્ત પશુઓ પણ ભરપૂર પાણીની અંદર ઊભાં રહી પી શકે છે.]

પોતાનું રાણીપદ લેવા કોઈ પણ રીતે કબૂલ ન થતી રાણક ઉપર જયસિંહ જુલમ આદરે છે. એના બે નાના દીકરાઓને પાણી વિના ટળવળાવે છે : રાણક કલ્પાંત કરે છે :

(કોઈ) પહલી પાણી પાય એને ઘડે ઘી ઘુંટાવીએ; (મારાં) કૂંપળડાં કરમાય, રોપા રાણકદેવના. [27] [મારાં કુમળા રોપા જેવાં બાળકો આજ પાણી વિના મરી રહ્યાં છે. અત્યારે જો કોઈ એને એક ખોબો ભરીને પાણી પીવરાવે, તો તેને બદલે ભવિષ્યમાં હું એ ખોબો પાણી દેનારને ઘડા ભરી ભરી ઘીના ઘૂંટડા ભરાવીશ.]

એથીયે આગળ વધીને સિદ્ધરાજ જ્યારે બળાત્કારથી હા પડાવવા રાણકના દીકરાઓની હત્યા કરવાનું ઠરાવે છે, અને માણેરો નામે દીકરો મૃત્યુની ઘડીએ ‘મા! મા!’ પોકારી રડે છે, ત્યારે રાણક દીકરાને શિખામણ આપે છે :

માણેરા, મ રોય! મ કર આંખ્યું રાતીયું! લાગે કુળમાં ખોય, મરતાં મા ન સંભારીએ. [28] [હે માણેરા! ન રોવાય. આંખો રાતી પણ ન કરાય. મરતી વેળા માને સંભારીને કાયર બની રડીએ તો આપણા કુળને ખોટ (કલંક) લાગે.]

આવરદા આવી રહી, જૂના સામું જોય! માણેરા! મરવા તણી, ખેંગારના! ખમત્યું નોય. [29] [હે માણેરા! આપણું આયુષ્ય ખૂટી ગયું સમજ, અને અત્યારે તો આપણા જૂનાગઢની લાજ-આબરૂ સામે જોવું ઘટે. હે ખેંગારના બાળ! તારે તે વળી મરવામાં વિલંબ હોય કદી!]

પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીએં; માણેરો મરતે, શરીરમાં સરણ્યું વહે. [30] [હે સિદ્ધરાજ! મારા માણેરાનું મોત થવાથી મારા શરીરમાં આંસુઓની એટલી તો મોટી સરણીઓ (નદીઓ) વહી રહી છે, કે તું કહેતો હોય તો હું મારી પાંપણોમાંથી આંસુડા ટપકાવીને કૂવાના કૂવા ભરાવી દઉં!]

આટલાં વીતકો વિત્યાં છતાંય હઠ ન છોડતી સતીને સિદ્ધરાજ રોષથી પાટુ મારે છે. રાણક કહે છે :

પાટુ પડખા માંય, ખેંગારનીય ખાધેલ નહિ; મોજડિયુંના માર, સધરાને શોભે નહિ. [31] [હે સિદ્ધરાજ! મારા સ્વામી ખેંગારના પગની લાત પણ મેં મારા શરીર પર નથી ખાધી. હું તો તારું પાટુ સાંખી લઉં છું, પણ સિદ્ધરાજ ઊઠીને એક પરવશ અબળાને જોડાના માર મારે, એ સિદ્ધરાજને શોભતું નથી.]

પશવડી કરે પોકાર, ગરમાં ગળતી રાતની સાવઝડે નૈ સાન,… … … [32] [મોડી રાત્રિએ ગિરિઓનાં જંગલમાં હરણી પોકાર કરતી હોય, પણ એનો ભક્ષ કરનાર સિંહને પારકાં દુઃખની સાન નથી હોતી, એવી હાલત રાણકની થઈ રહી છે!]

6. રાણકનું સતી થવું વઢવાણ શહેરની ભોગાવો નદીમાં રાણક સતી થઈ. એને પોતાની ચેહ સળગાવવાને દેવતા દેવાની સિદ્ધરાજે લોકોને મનાઈ કરી હતી, અને કહેવાય છે કે રાણકના સતને પ્રતાપે આપોઆપ અગ્નિ પ્રગટેલો હતો!

વાયો વા સવા, વાયે વેળુ પરઝળી, ઊભો ત્યાં સધરા, સત જોવા સોરઠિયાણીનું. [33] [સરખી દિશાનો વાયુ વાયો. વાયરા વડે નદીની રેતી સળગી ઊઠી. એ સમયે સિદ્ધરાજ એ સૌરાષ્ટ્રણનું સત જોવા ત્યાં ઊભો હતો.]

બળતી દેવડી છેલ્લો શાપ આપે છે :

વારૂ શે’ર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે; 

ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી! [34] [આ સુંદર શહેર વઢવાણ, કે જેની ભાગોળે ભોગાવો નદી વહે છે, (તેને પાદર હું સળગી મરું છું). હે ભોગાવાના ધણી! મારું આ શરીર કે જેને ખેંગાર ભોગવતો હતો, તેને હવે તું ભોગવી લેજે, તારામાં સામર્થ્ય હોય તો! તારે તો ઘણી લાલસા હતી આ શરીરને ભોગવવાની. તેં એ શરીરને તારું કરવા છેવટ સુધી મથી જોયું. મને અગનિ પણ ન મળવા દીધો. હવે ભોગવી લેજે!]