સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો

બાવા વાળો

[સન 1820ની આસપાસ]

ચ્ચા રાનીંગ વાલા! માગ લે.” “બીજું કાંઈ ન જોવે, મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું, દસમે દ્વારે જીવ ચડાવીને જોઈ વળ્યા, પછી સમાધિ ઉતારીને બોલ્યા : “તેરા લલાટમેં પુત્ર નહિ હે, બેટા!” “તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન! મહાત્માનાં બોલ્યાં મિથ્યા થાય, હાથીના દંતશૂળ પેટમાં પેસે, એ આજ સુધી નહોતું જોયું, બાપુ! મારું ખોરડું મહાપાપિયું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું. પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય!” જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમિંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને એ બોલ્યા : “અચ્છા, ભાઈ! તેરે ઘર પુત્ર આવેગા. બરાબર નવ મહિના પીછે; લલાટમેં વિભૂતિકા તિલક હોય તો સમઝના કે શંકરને દીયા. અઠાવીસ [1] વર્ષકા આયુષ્ય રહેગા. નામ ‘બાવા’ રખના.” એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ [2] ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. લોકવાયકા એવી છે કે પોતાનો જીવ પોતે લુંઘિયાના કાઠી રાણીંગ વાળાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા. નવ મહિને દીકરાનો જન્મ થયો. જન્મતાં જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાયું. ફુઈએ ‘ઓળીઝોળી’ કરીને બાવો નામ પાડ્યું. રાણીંગ વાળાએ ઘમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી; દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણી રાણીંગ વાળાની દશા પલટી. મૂળ વીસાવદર અને ચેલણા પરગણાનાં ચોરાશી ગામ ઘેર કરવામાં બે જણાનો હાથ હતો : બાવા વાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રા વાળાના બાપનો; પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા’ સળગાવેલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેર કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઊતરી, જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (કર્નલ વૉકર) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મુકાયો. અને એમાં એણે રાણીંગ વાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રા વાળાના દીકરા હરસૂર વાળાને સોંપી દીધાં. રાણીંગ વાળો બહારવટે નીકળ્યો, અને થોડાં વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો. પણ મરણટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે “બેટા! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહિ.[3]” આજે સુડાવડ ગામમાં કારજ છે. પહેલી પાંતે (પંગતે) રોટલા ખાઈને બાર વરસનો બાવા વાળો સુડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબાલાંબા કાનશિયા જટા જેવા વીખરાઈ પડ્યા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે. “કાં, કાકા!” જેતપુરના દરબાર મૂળુ વાળાએ દેવા વાળાને આંગળી દેખાડીને કહ્યું : “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને?” કાકા દેવા વાળાએ ડોકું ધુણાવ્યું : “હા, બાવો! સાચોસાચ બાવો! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો! બાવો ખરો, મોટા મઠનો બાવો!” “અને આ બાવો લુંઘિયાનાં રાજ કરશે? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું?” “દરબાર!” સનાળીના કશિયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા : “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કંઈકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મંગાવશે.”[4] જુવાનીમાં આવતાં જ બાવે બહારવટું આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુ વાળા સામે : કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવા વાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું, વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. ઝાકાઝીક! ઝાકાઝીક! ઝાકાઝીક! બાવા વાળાની તરવાર ફરવા માંડી. ‘હરસૂરકા વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહિ’, એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર-સોળ વરસની ઉંમરે તો હરસૂરકાનાં લીલાં માથાં વાઢવા લાગ્યો. એને બિરદાવવા ચારણોએ આવા દુહા રચ્યા :

મેં જાણ્યું રાણીંગ મૂવે, રેઢાં રે’શે રાજ,
(ત્યાં તો) ઉપાડી ધર આજ, બમણી ત્રમણી બાવલે. [1]
સૂંઠ જ સવા શેર, ખાધેલ તો વેળા ખત્રી,
ઘોડે કરિયલ ઘેર, બાપ રાણીંગ જ્યું બાવલા! [2]
વાઢ્યા અમરેલી વળા, ખાંતે લાડરખાન,
લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.[3]
વાળા વાઘણિયા તણો, રતી યે ન લીધો રેસ,
દેવા વાળાનો દેસ, બાળી દીધો તેં બાવલા! [4]
માથું મેંદરડા તણું, ભાંગ્યું ભાયાણા,
તુંથી રાણ તણા, બીએ જેતાણું બાવલા! [5]
ગળકે કામન ગોંખડે, રંગભીની મધરાત,
ઓચિંતાને આવશે, ભડ બાવો પરભાત. [6]
પરભાત આવે નત્ય ત્રાડ પાડે,
ગણ જીત ત્રંબાળુ તિયાં ગડે,
ઘણમૂલા કંથ આવો ઘડીએ,
ગળકે કામન ગોંખડીએ. [7]
ખાવિંદ વન્યાનું ખોરડું, ધણ્યને ખાવા ધાય,
પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં કરલાય. [8]
કુંજ સમી ધણ્ય સાદ કરે,
ઘણમૂલા કંથ તું આવ્ય ઘરે,
રંગ રેલ ધણી તળમાં રિયો,
થંભ ભાંગ્યો ને ખોરડ ઝેર થિયો. [9]

બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતાં ગયાં.

સવારને પહોરે સૂરજ મા’રાજ કોર કાઢે અને સાંજે મા’રાજ મેર બેસે, એ બેય ટાણે બાવા વાળો ઘોડેથી ઊતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે વ્રત ભાંગ્યું નહોતું. એક વખતે પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વાર વહી આવે છે. બંદૂકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખડમાં ઊતરતાં જ સૂરજ ઊગીને સમા થયા એટલે બાવા વાળાએ ઘોડેથી ઊતરી જ્યોતની તૈયારી કરી હાથમાં માળા ઉપાડી. “અરે, આપા બાવા!” સાથીઓ કહે છે : “આ સમંદરનાં મોજાં જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી, માટે ગરમાં જઈને કાલે સવારે બેય દિવસના જાપ હારે કરજો.” “એ ના બા, પૂજા કાંઈ છંડાય? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણાં જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉં છું. બાકી માળા તો મારાથી નહિ મેલાય.” કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઊતરી ગઈ. અને બાવા વાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું. ચલાળા ગામમાં તે વખતે દાના ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો ત્રણ ભુવનની સૂઝે છે : દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે; એની આંતરડી દુભાય તો માણસનું ધનોતપનોત નીકળી જાય; અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઊડી જાય : એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના ભગતની કરણી પણ ભારી ઊંચી કહેવાતી. ગરના એક ગામડામાં ભરવાડની એક છોકરીનું માથું કીડે ખદબદતું હતું, વેદનાનો પાર નહોતો. તેમાંથી પાસપરુને તથા કીડાને દાના ભગતે [5] ત્રણ વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીનો રોગ મટાડ્યો હતો. એવા અવતારી પુરુષને ખોળે જઈને યુવાન બાવા વાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યું : “બાપુ! જો જગ્યામાં દિવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.” “કાં બાપ, અવળાં વેણ શીદ કાઢછ?” “ત્યારે શું કરું? મેંથી આ ધોડાધોડમાં રોજ બે ટાણાં દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે રાજ-રજવાડાની ગિસ્તું ગોતતી ફરે છે; એટલે હવે મારો દીવો આંહીં જ કરતા જાવ.” “બાવા વાળા! એટલા સારુ જગ્યાને આળ કાં દે, બાપ? જા, કોડિયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતાં આળસવું નહિ. જ્યાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.” “અને, બાપુ, મારું મૉત?” “જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે — બાકી તો દેવળવાળો જાણે, બાપ! હું કાંઈ ભગવાનનો દીકરો થોડો છું? પણ સતને માર્ગે રે’જે!”

સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરિયા અને વીસાવદર ગામની વચ્ચે ‘જમીનો ધડો’ નામે ઓળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવા વાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહારવટિયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તો માનું પેટ ગણાય છે. બાવા વાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટાના પંથે ઊભો છે, અને આપા દાનાનું દીધેલ માદળિયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માથે લઈ ફરનાર પુરુષની નાડી લગરીકે એબ ખમે નહિ. એ રીતે બહારવટિયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ છે, પણ કાઠિયાણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે. [6] “ભણેં માત્રા!” ભોજા માંગાણીએ વાત છેડી : “ઘમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે, ખબર છે ને?” “હા, ભોજા, અઠાવીસ વરસની.” “દીવો ઓલવાતાં કાંઈ વાર લાગશે?” “ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.” “પછી એના વંશમાં અંધારું થઈ જાશે ને?” “તો તો મહાપ્રાછત લાગ્યું દેખાય.” “તો પછી આઈને ચલાળે ન બેસારી રખાય.” માત્રો સમજી ગયો. બાવા વાળાને પૂછશું તો ના પાડશે એમ માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો ‘આઈ’ને લઈને અસવાર જમીના ધડા ભેળો થઈ ગયો. રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવા વાળાએ પૂછ્યું : “મારી પથારી ક્યાં?” “આજની તમારી પથારી ઓરડે છે, બાવા વાળા!” બાવા વાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલોળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠિયાણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનું છે એવા કોડથી જીમી ને મલીરની નવીનકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને જમરખ દીવડે પોતાના સાવજશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થકી ફૂલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટુંતૂટું થાય છે. દાયરામાંથી ઊઠીને અધરાતે બાવા વાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠેલી ભાળતાં જ અચંબો ઊપડ્યો. “તું ક્યાંથી?” જરાય મોં મલકાવ્યા વગર પૂછ્યું. “તમારી તેડાવી.” ભોળુડી સ્ત્રી હજુ હસે છે. “મેં તેડાવેલી? ના! કોની સાથે આવી?” “તમારા કાઠી સાથે.” ત્યાં તો બાવા વાળાનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી! પરપુરુષ સાથે હાલી આવી? બહુ અધીરાઈ હતી?” “દરબાર, અધીરાઈ ન હોય? ધણીને મળવાની અધીરાઈ ન હોય? મેં શું પાપ કર્યું?” બાવા વાળાની જીભે માઝા મૂકી. “કાઠી! કાઠી!” આઈની કાયા કંપવા માંડી. “બસ કરી જાઓ. આ શું બોલો છો! સાવજ તરણાં ચાવે છે? દરબાર! આટલો બધો વહેમ…!” બાવા વાળાએ તરવાર ખેંચી. “ઓહોહો! દાતરડાની બીક દેખાડો છો? આ લ્યો.” એમ કહેતી કાઠિયાણી ગરદન ઝુકાવીને ઊભી રહી. દયાવિહોણા બહારવટિયાએ અબળાની ગરદન પર ઝાટકો ચોડ્યો. જે ગળામાં પિયુજીની મીઠી ભુજા પડવાની હતી ત્યાં તરવાર પડી અને ઘડી-બે ઘડીમાં તો એનો જીવ જતો રહ્યો. અત્યારે એ બાઈની ચૂંદડી ને એનો મોડિયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે. બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઊતરી. કાઠિયાણીનું નિર્દોષ મોં એની નજરમાં રમવા માંડ્યું અને પસ્તાવો ઊપડ્યો. અંતરમાં ઝાળો ઊઠી. ક્યાંયે જંપ નથી વળતો. આંખે અખંડ આંસુડાં ઝરે છે. એણે બોલવુંચાલવું પણ બંધ કરી નાખ્યું છે. “બાવા વાળા!” એના સાથીઓ સમજાવવા લાગ્યા : “હવે ચીંથરાં શું ફાડછ? ઓરતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય, પણ માણસ કાં મટી જા?” તોયે બાવા વાળાને શાંતિ વળી નહિ. છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈને ઊભો રહ્યો. તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યાં જાય છે અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચિંતી તરવાર ઝૂંટવી લીધી. “નાગરવ ભા! મને મરવા દે,” બાવા વાળાએ તરવાર પાછી માગી. “બાવા વાળા! બેય કાં બગાડ્ય? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી-હત્યા ઊતરશે એમ માનછ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા! અને શાંતિનો છાંટોય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસમ થાય એવી પ્રભુભક્તિ કર.” એમ ફોસલાવીને બાવા વાળાને પાછો લઈ ગયા, અને એને ફરી વાર પરણાવ્યો.[7]

“કાંઈ વાવડ?” “હા સાહેબ, નાંદીવેલે ડુંગરે.” “કેટલા માણસ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે. નીકર સવાર ઊગ્યે હાથ આવી રહ્યો.” ગીરના જંગલમાં બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું [8] તે, પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવા વાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાત રહ્યાની બાતમી પહોંચાડી અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢિયો વહેતો કર્યો. રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તરત બંદૂકો ધરબીને સામી ખોપમાં બેઠેલ બહારવટિયાને ઉડાવી મૂકવાની વાટ જોવા લાગ્યા. મોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવા વાળાને કંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઊઠીને પ્રથમ આપા દાનાની સ્તુતિ કરી રહ્યો છે. અને એના રહેઠાણને માથે જ સાંઢિયા ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બૂંગણ ઉપર ગ્રાંટસાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો તો બહારવટિયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એકાએક અકસ્માત બન્યો. લોકો ભાખે છે કે જે ઘડીએ નાંદીવેલા પર બાવા વાળાએ દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીએ ચલાળા ગામમાં દાના ભગતે દાનાની જગ્યામાં સગડીની પાસે બેઠાંબેઠાં, એક ચીપિયા વતી સગડીની અંદરથી એક ધગધગતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાંમેલતાં પોતે બોલ્યા કે “હવે મેલ્યને એમાં ટાંડી!” ‘હવે મેલ્યને એમાં ટાંડી!’ એ વેણ આંહીં આપા દાનાના મોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ વાણીનો અમલ થયો હોય તેમ, દારૂ પાથરતાં પાથરતાં એક બરકંદાજની બંદૂકની સળગતી જામગરી દારૂમાં અડી ગઈ. અડકતાં તો બૂંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઊઠ્યો. હ ડ ડ ડ! દા લાગ્યો અને સાહેબની ટુકડીનાં માણસેમાણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં. “આ શો ગજબ?” આ ભડકા ને આ ભડાકા શેના!” “આ બોકાસાં કોનાં!” એમ બોલતા જેવા બહારવટિયા બહાર નીકળ્યા તેવો દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એકબીજાનાં મોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ. બહારવટિયા બાવરા બનીને ડુંગરામાં દોડાદોડ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરુબંધોને જુવાન બાવા વાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકાર કર્યો : “સૂરજનાં પોતરાં ભાગતાં લાજતાં નથી, બા?” “બાવા વાળા! ભૂંડે મૉતે મરવું? જીવતાં હશું તો નામાં કામાં થઈ શકાશે. પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું?” “એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો! એવું બોલવું બહારવટિયાના મોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.” ભોંઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા અને થોડીવારમાં ધુમાડો વીંખાયો કે તુરત જ બહારવટિયાએ ગ્રાંટસાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો. “એલા, ટોપીવાળો જાય.” “એને બરછીએ દ્યો! ઝટ પરોવી લ્યો!” “ના બા, કોઈ ઘા કરશો મા. દોડો, ઘોડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો.” એવું બોલીને બાવા વાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી. સાહેબના વેલર ઘોડાની પાછળ હરણ ખોડાં કરે એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ કાઢી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવા વાળાએ હાકલ કરી : “હવે થંભી જાજે, સાહેબ, નીકર હમણાં ભાલે પરોવી લીધો સમજજે.” લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો. સામે જુએ તો બાવા વાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી સુદર્શનચક્ર જેવી ઝડપે ચક્કરચક્કર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો : “સાહેબ! તારાં હથિયાર નાખી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.” સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથિયાર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી, બાવા વાળાની સામે મલકાતે મોંએ ડગલાં દીધાં. “રામ રામ! બાવા વાલા. રામ રામ!” કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો. સાહેબ લોકોના હથેળી-મિલાપના રિવાજ ન જાણનાર બહારવટિયાએ, કાઠીની રીત મુજબ, પોતાનો હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.” “અચ્છા, બાવા વાલા, કાઠિયાવાડના બહારવટિયાની ખાનદાનીનો મને ઇતબાર છે. તેં મને જીતેલ છે, એટલે લડાઈના કાનૂન પ્રમાણે હું તારો કેદી જ છું.” “સાહેબ, તમારું નામ શું?” “ગ્રાંટ.” “ઘંટ? ઠીક ઘંટસાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે.” સાહેબ આગળ અને બાવા વાળો પાછળ એમ બંને ચાલ્યા. બહારવટિયાનાં સોનાનાં સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાંટસાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નીરખે છે. ત્યાં તો જૈતો વેગડ, લોમો ધાધલ ને ભોજો માંગાણી પણ ભેળા થઈ ગયા. છેટેથી સાહેબને અને બાવા વાળાને ભાળતાં જ ભોજાએ ચસકો કર્યો : “બાવા વાળા, ટૂંકું કરવું’તું ને!” “થાય નહિ, બા. ઘંટસાહેબે હથિયાર છોડી દીધાં. પછી એનું રુંવાડુંય ખાંડું ન થાય. સૂરજ સાંખે નહિ.” “ત્યારે હવે?” “હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.” “પણ એના ખાવાપીવાનું શું? ઈ તો સુંવાળું માણસ ગણાય. બાદશાહી બગીચાનું ફૂલ.” “એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બા’રવટાં કાંઈ દીકરાનાં લગન થોડાં છે?” સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટિયો કોણ જાણે કેવીય સાયબીમાં મહાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે, સળગતા બપોરે કે સૂસવતા શિયાળાની અધરાતે, ઉઘાડા આભ નીચે ઉતારા. સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો. રોજરોજ બહારવટિયાની સાથે જ ઘોડા તગડીતગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત-દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટિયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સૂનમૂન પડ્યો રહે, અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતનો ક્યાંય તાગ ન આવે. મૉતનાં પરિયાણ મંડાયાં માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાંનાં અને પોતાની વહાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટિયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા : “બાવા વાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.” “હોય બા, થાતાં થઈ ગયું.” “આપા બાવા વાળા, આખી કાઠિયાવાડને ધમરોળી નાખત તોય કોઈની ભે’ નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખે. ઈ જાણ છ ને?” “જાણું છું.” “અને આ ગરને ઝાડવેઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હો!” “હો!” “બાવા વાળા, જોછ ને? સાહેબને ઝાલ્યા પછી આજ સુધી આપણાં ઘોડાંના પાખર નથી ઊતર્યા, કે નથી આપણાં બખતર ઊતર્યાં, નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડિલના કટકા થઈ ગયા છે અને આ માંદાને ઉપાડવો પડે છે.” “ત્યારે હવે તો શું કરવું, ભાઈ ભોજા!” “બીજું શું? એનું ટૂંકું કરી નાખીએ.” સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. બાવા વાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય. સાહેબને માર્યા ભેળી તો આખી વલ્યાત આંહીં ઊતરી સમજજો. અને જીવતો રાખશું તો કોક દી વષ્ટિ કરીને સરકાર આપણું બા’રવટું પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ મરાય નહિ. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.” જુવાન બાવા વાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઊતરી ગયો અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડેગામડે ફૅ ફાટતી, તેવા વખતમાં બાવા વાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે —

ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ,
સાહેબને મહિના ચાર, બંદીખાને રાખ્યો, બાવલા! [9]

[દેશમાં એમ કહેવાતું : ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો બીજા માણસને નમતા નથી, પણ તેં તો, હે બાવા વાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો.]

વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,
(એની) વાળા વલ્યાતે, બૂમું પૂગી બાવલા!

[વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તેં કેદ કર્યો, તેની બૂમો તો, ઓ બાવા વાળા! છેક વિલાયત પહોંચી.]

ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,
એને મોં બાંધીને માણા, બેસાર્યો તેં, બાવલા!

[આ ગ્રાંટસાહેબ, કે જે મોટી ઘંટીરૂપી બનીને બહારવટિયારૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો) હતો તેને, હે બાવા વાળા, તેં મોં બાંધીને બેસારી દીધો. આ દુહામાં ‘ઘંટ’ શબ્દ ઉપર શ્લેષ છે : (1) ગ્રાંટસાહેબ, (2) બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી.] સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઇલાજો કર્યા, પણ બહારવટિયાએ પત્તો લાગવા દીધો નહિ. સરકારની શરમનો પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી પાદશાહીને ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને કયા ડુંગરા સામે માંડવું? વિચાર પડતી વાત થઈ. મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યા : “બાવા વાળાને શું જોઈએ છે?” કોઈ વટેમાર્ગુએ સરકારને ચિઠ્ઠી પહોંચાડી કે “બાવા વાળાને એનું વીસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.” કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી. અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને મૉતને ઝાઝું છેટું નથી રહ્યું. મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે ચાહે તે ભોગે પણ હરસૂરકા કાઠીની પાસેથી વીસાવદર પરગણું બાવા વાળાને અપાવો. અને જો ગ્રાંટના ખૂનનું ટીપું પડશે તો ગોરી પલટનો ઊતરીને ગીર સળગાવી નાખશે, અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઊતરશે. નવાબના ચતુર દીવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જૂનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવા વાળાને હાથ પડ્યું અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટિયા વીસાવદરની ગાદી ઉપર ગયા. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવા વાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી.

“આજ તો સરધારપરને માથે પડીએ.” “દરબાર, ઈ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.” “પણ આયરોને દરબાર મૂળુ વાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ આયરો તો ઊલટા આપણી ભેર કરશે.” એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવા વાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગાણી, જેઠસૂર બસિયો વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તરત જ સરધારપરમાં જાણ થઈ કે આજ બાવા વાળો પડશે. જેતપુરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કાઢ્યા હતા તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુ વાળાની મૂછનો વાળ ઊતરી જાશે.” મુખી આયરે કહ્યું : “એલા, આજ મૂળુ વાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણ જીવ્યે બાવા વાળો સરધારપર ભાંગે? મા ઘરઘે ને દીકરા ગોળચોખા જમે? બાવા વાળો બોડકિયુંમાં ચર્યો છે, પણ હજી શીંગાળિયુંમાં નથી આવ્યો. આવવા દ્યો એને.” પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચિંતા ખોરડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છે, પણ ક્યાં જવું તેનો વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે. બચ્ચાં રુએ છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં, બુઢ્ઢાં, બીમાર અને આંધળાં-અપંગ આયરોને ઊંચે આભ ને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિનાવાંકે દરબારે બહાર કઢાવ્યા તેથી બોરબોર જેવાં પાણી પાડતી આયરાણીઓ અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ-આબરુ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઊભા થઈ ગયા, આયરાણીઓ સાંબેલાં લઈને ઊભી રહી, ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્યો વણાઈ ગઈ છે. નિમકહલાલ આયરો ઉપર બાવા વાળો તૂટી પડ્યો. ‘ખસી જાઓ! ખસી જાઓ!’ એવા પડકારા કર્યા, પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ. ત્યારે બાવા વાળાએ કહ્યું : “આ ભૂતવરણ છે. લાખ વાતેય નહિ ખસે. માટે હવે વાટ્યા કોની જોવી? કાપી નાખો.” પછી મંડ્યા વાઢવા. આયર-આયરાણીઓના ઢગલા ઢાળી દીધા. એકેએક આયર છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હાં મારો બાપો! મોરલીધરનું નામ! મૉત ન બગાડજો! આવી ઊજળી ઘડી ફરી નથી મળવાની.” પણ બાવા વાળાના કાળઝાળ કટકે આયરોનો સોથ વાળી દીધો. પાંત્રીસ મોડબંધા પડ્યા. અરેકાર વરતાઈ ગયો. આજ પણ સરધારપરની બજારે અને પાદરમાં સિંદૂરવરણા પાળિયાનો પાર નથી. જાતાંની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે. સારી પેઠે સોનુંરૂપું લૂંટીને બાવા વાળો ભાગ્યો. અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતો. જેતપુર ખબર પહોંચી ગયા. જેતપુરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુ વાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં. “મૂળુ!” દેવા વાળાએ ચેતવણી દીધી : “જોજે હો! વાંદર્યને લજવતો નહિ.” મૂળુ વાળે ઘોડાં હાંક્યાં. વાવડ મળ્યા હતા કે ગોરવિયાળીની સીમમાં બહારવટિયા રોટલા ખાવા રોકાશે, એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો. આંહીં બહારવટિયા ગોરવિયાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશો દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબૂકતાં દેખાયાં. અસવારે ચીસ નાખી કે “બાપુ, ગજબ થયો. આપો દેવો વાળો પોગ્યા. દેવો કાંથડનો! હવે કટકોય નહિ મેલે.” બાવા વાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેહલી ધાર માથે અસવારો ઊતરી ઊતરીને ઘોડાના તંગ તાણવા ને અફીણની ખરલો ઘૂંટવા લાગ્યા. “જખ મારે છે!” બાવા વાળાએ હરખનો લલકાર કર્યો : “નક્કી ભાઈ મૂળુ વાળો છે. દેવો વાળો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદી તંગ ખેંચવાયે રોકાય? દેવો ઢીલે તંગે ઘોડાં ભેગાં કરે. ફિકર નહિ. હવે તમતમારે નિરાંતે ઘોડાં પલાણો.” ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસિયા નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળુ વાળો અફીણ-કસુંબા લઈને અને તંગ તાણીને ઊતર્યો. બેય સગા મશિયાઈ : બેય ગોરવિયાળીની સપાટ ધરતીમાં સામસામા આટક્યા. પેગડાં માથે ઊભા થઈ જઈને બેય જણાએ ભાલાં ઉગામ્યાં. આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસવાર મૂળુ વાળાના હાથમાંથી નીકળીને પાછી ફરી ગઈ. મૂળુ વાળા તે વખતે ભૂંડા દેખાણા. “મૂળુભાઈ, ભાગો મા!” “મૂળુભાઈ, ભાગો મા!” “નહિ મારી નાખીએ!” “લોહીનો ત્રસકોય નહિ ટપકાવીએ!” “એ બા, ઊભા રો’! ઊભા રો’!” એવા ચસકા શત્રુના માણસો પાડવા લાગ્યા. અને પછી મૂળુ વાળે ઘણીયે વાંદર્યને પા ગાઉ માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવિયાળીના ચારણોને જાણ થતાં એ બધા દોટ મેલીને આંબી ગયા. બેય કટકને જોગમાયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બેય મશિયાઈ નોખીનોખી દિશામાં કટકને હાંકી ગયા.

“બાપુ! ભાઈ મૂળુ વાળાએ પારોઠનાં પગલાં ભર્યાં!” એમ જેતપુરમાં વાવડ પહોંચ્યા. સાંભળતાં જ દેવો વાળા પથારીમાં પડ્યાપડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મોં દેખાડીશ મા!” “અરે કાકા! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું, મારાં ભાગ્ય અવળાં તે વાંદર્ય ફરી ગઈ. પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી ભેટીશ અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.” એટલી ખાતરી મળ્યા પછી જ દેવા વાળાએ મોં પરથી લૂગડું ખસેડ્યું.

“આવો આવો, આપા માણસૂર!” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવા વાળાએ મહેમાનોને આવકાર આપ્યો. “આપા બાવા વાળા!” માણસૂર ધાધલ બોલ્યા : “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.” “બોલો, બા!” “જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખોરડા કરું.” “આપા બાવા વાળા,” બાવાનો સંગાથી જેઠસૂર બસિયો કે જે માણસૂર ધાધલનો સગો મશિયાઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઊઠ્યો : “આપા, જો વેણ પળાય એમ હોય તો જ હા પાડજે, હો. નીકર પછી થૂંક્યું ગળવું પડશે, ને અમારું બેય ભાઈયુંનું મૉત બગડશે.” “બહુ સારું, આપા માણસૂર. જાઓ મારો કોલ છે : ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.” માણસૂર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખોરડાં ચણાવ્યાં અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી તે લઈને ખેડવાનું આદર્યું. બાવા વાળાના વેણ માથે એને વિશ્વાસ છે. પણ બાવા વાળાનો કાળ આવવા બેઠો છે ને! એટલે જે કાઠીની જમીન માણસૂર ધાધલ ખેડવા માંડ્યો એ જ જેબલિયા કાઠીએ વહેતાં મેલ્યાં બાવા વાળાની પાસે. જઈને બાવા વાળાને ચડાવ્યો : “ભણેં આપા બાવા વાળા! હાય ગુંદાળા માથે ત્રાટક દે ને, રોગું હેમ પાથર્યું છે.” “પણ આપા, મારાથી જીભ કચડાઈ ગઈ છે, શું કરું?” બાવા વાળાની દાઢ સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો. “આપા બાવા વાળા, બરાબર. તારો કોલ સાચો એટલે તું માણસૂરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ!” ધર્મના માર્ગેથી લપસી ગયેલો બાવા વાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસૂર ધાધલે ભાળ્યો. માણસૂરે આઘેથી ધા નાખી : “અરર બાવા વાળા! વચન લોપ્યું! આપા દાનાને લજવ્યો! કમતિયા! ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથીયે ઊતરતો પાક્યો?” “આપા માણસૂર!” ભોંઠા પડેલા બાવાએ ગોટા વાળ્યા : “તું તારે તારું સંભાળ. તારું રુંવાડું ખાંડું નહિ કરું!” “હવે બસ કરી જા, બાવા વાળા!” માણસૂર ધાધલ તરવાર કાઢીને બહાર નીકળ્યો. “કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ? મને પણ તું જેવો જ માન્યો?” એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઊતર્યા. જાતાંજાતાં પોતાની સ્ત્રીને કહ્યું : “કાઠિયાણી, બેય છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે.” એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કૂદ્યો, “જાળવ્ય! માણસૂર જાળવ્ય!” એમ બાવા વાળાએ હાકલા કર્યા. પણ જાળવે શું? તરવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઊડી ગયા. ત્યાં તો ખોરડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધિંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા મંડ્યો. “બાપુ!” અસવારો બોલ્યા : “છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.” “મારશો મા! ઈ ટાબરને મારશો મા! એને ઝાલી લ્યો અને હવે હાલો. ઝટ ભાગી નીકળો! લૂંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો,” એમ કહીને એણે ભૂંડે મોંએ વીસાવદરનો કેડો લીધો. માર્ગે એક નહેરું આવે છે, ત્યાં માણસૂરના ભાઈ જેઠસૂર બસિયાને પોતાના અસવારો સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવા વાળાને દીઠો. “કોણ, બાવા વાળો?” “હા, આપા જેઠસૂર.” પણ એ હોંકારમાં રામ નથી રહ્યા. બાવા વાળાના મોં ઉપરથી વિભૂતિમાત્ર ઊડી ગઈ છે. અને વળી બાવા વાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું. “કાળો કામો કરીને આવછ ને, ભાઈ!” બાવા વાળો ચૂપ જ રહ્યો. “બાવા વાળા! બીજું તો શું કરું? તારું અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાં ઘણા દી રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ! આપણાં અંજળ ખૂટી ગયાં.” જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા. અને બાવા વાળો ભોજા માંગણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજ એની દશા પલટાતી હતી, એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગણીએ પાસેના ખેતરમાં એક બેહાલ આદમી સામે આંગળી ચીંધીને કહ્યું : “આપા બાવા વાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, ઓળખ્યો?” “કોણ છે, ભોજા?” “ઈ હરસૂર વાળા પોતે : તારા ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.” “એટલે તારું કહેવું શું છે, ભોજા?” “બાવા વાળા! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી? સાવજને શું તરણાં ખાતો કરાય?” “ત્યારે શું શત્રુના પગ ધોઈને પિવાતા હશે?” “બાવા વાળા, એને વધુ નહિ, એક જ ગામડી દે; પણ આ હરસૂર વાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.” “ભોજા! જમીન ચાકડે નથી ઊતરતી, જાણછ ને?” “તો પછી, બાવા વાળા, ભોજોય ચાકડે નથી ઊતરતો, ઈ યે તું જાણછ ને?” “એટલે, ભોજા!” બાવા વાળો તિરસ્કારથી હસ્યો : “બહુ દાઝતું હોય તો એને ચોરાસી પાદર પાછાં અપાવજે!” “બાવા વાળા! તારા મોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો; એમ પછી પીંછડાં વિનાનો મોર રૂડો લાગશે?” “મોર હશે તો નવ હજાર પીંછડાં આવશે.” “પછી ઓરતો નહિ થાય ને?” “ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.” “ત્યારે હવે રામ રામ, બા! શેલણા ને વીસાવદરનાં એક સો ને અડસઠ પાદરના ધણી! જાગતો રે’જે!” એટલું કહીને ભોજો માંગાણી પોતાનાં ઘોડાં તારવીને પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હતું ત્યાં ઘોડી હાંકી જઈ પડકાર કર્યો : “આપા હરસૂર વાળા! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાશીયે ચોરાશી તને પાછાં આપશે.” “ભોજા માંગાણી! આ બે સાંતીની જમીન રહી છે, એય નથી સહેવાતી કે શું? આભને ઓળે રહીને મારાં છોરુડાં ઉઝેરું છું; એટલુંયે તારી આંખમાં ખટકે છે કે, ભાઈ!” બોલતાંબોલતાં હરસૂર વાળાની પાંપણો પલળતી લાગી. હેઠા ઊતરીને ભોજાએ પોતાની તરવાર હરસૂર વાળાના હાથમાં દીધી અને બોલ્યો : “આપા હરસૂર! આજથી તું મારો ઠાકોર ને હું તારો ચાકર. ઊઠ, નીકળ બા’રવટે.”

વીસાવદર ગામમાં સોપો પડી ગયો છે. જળ જંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવા વાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સૂવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિંતામાં બહારવટિયો ઊંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઊભી રહી. “બાપુ! જાગો છો?” “કાં બોન, અટાણે કેમ આવવું પડ્યું?” “બાપુ, મને વહેમ પડ્યો છે.” “શેનો?” “ભોજો માંગાણી આવ્યો લાગે છે!” “ક્યાં?” “ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગરીયું તબકતી જોઈ.” “ઠીક જા, બહેન, ફિકર નહિ.” કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા એમાંથી લોમે ફળીમાં આવીને પૂછ્યું કે “ભણેં બાવા વાળા! તારી બોન આવુંને કાણું ભણુ ગઈ?” “આપા લોમા!” બાવા વાળાએ અંદરથી અવાજ દીધો : “ભોજાનું કટક ધ્રાફડના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.” “ઇં છે? તવ્ય તો ભણેં હવે ડેલીનાં કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.” (બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખૂટીને તે રાતે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી.) ડેલીનો દરવાજો આખેઆખો ખુલ્લો મૂક્યો. માંયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથિયાર-પડિયાર લઈને સૂતા. સહુને મન તો ભોજો માંગાણી આવ્યાની વાત પર ભરોસો જ નથી, એટલે ઝોલાં ખાવા માંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વહેમાઈ ગયો હતો. એ બેઠોબેઠો સહુનાં મોં પર પાણી છાંટે છે, સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઊંઘવું રે’વા દ્યો!” વારેવારે પાણી છાંટવાથી લોમો ધાધલ ખિજાઈ ગયો. “એલા માત્રા! ભણેં તે ચૂડલિયું પહેરી છે? માળા, આવડો બધો બિકાળવો?” “આ લ્યો ત્યારે; હવે જે કોઈ પાણી નાખે કે એકબીજાને જગાડે, એ બે બાપનો હોય.” એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું. અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગરીઓ પેટાતાં જાણે સળગી ઊઠ્યું. જેતો લાલુ બોલ્યો : “ભોજા માંગાણી! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ. જો જાગતા હશે તો અમે કહેશું કે મે’માન દાખલ આવ્યા છીએ; ને ઊંઘતા હશે તો સહુને બોલાવી લેશું.” ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડીફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નસકોરાં બોલે છે. થયા સહુ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તરવારોની પ્રાછટ બોલવા મંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઊઠ્યા. ડેલીનું કમાડ ઉઘાડું મુકાવનાર અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. (પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી.) ત્યાં માત્રો વેગડ ઊઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે’ વરસી ગયા.

ગઢ ઠેકી લોમો ગિયો, વઢતે બાવલ વીર,
(પણ) સધર્યું સોડ સધીર, મોત તાહાળું માતરા!

[લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો, હે માત્રા વેગડ! તેં તો તારું મોત સુધારી લીધું.] એમ માત્રાનું મૉત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માંગાણીએ પડકાર દીધો : “બાવા વાળા, હવે તો સુખની પથારી મેલ! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય!” “ભોજા, આવું છું. ઊભો રે’જે. ઉતાવળો થઈશ મા.” ઓરડામાંથી એવો પડકારો આવ્યો. બાવા વાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી સ્ત્રી આઈ રાઈબાઈને હળવેથી અંગૂઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઊઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્રસ્વરૂપ ભાળ્યું. ભાળીને બોલી : “શું છે, દરબાર?” “કાઠિયાણી, તું ભાગી નીકળ!” એમ કહીને બાવા વાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મોં પંપાળ્યું. “શું છે?” “મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો. દુશ્મનો બહાર ઊભા છે.” “તે તમારું કહેવું શું છે, દરબાર! હું ભાગી નીકળું, એમ ને?” માર્મિક કટાક્ષે કાઠિયાણી તાકી રહી. “ના ના, હું તમને બદનામું નથી દેતો, પણ વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તું લુંઘિયા ભેળી થઈ જા!” “વંશ સાટુ! કાઠી, વંશ તુંને વા’લો છે, ઈથી વધુ વા’લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને?” ત્યાં તો બહારથી હાકલા થયા : “બાવા વાળા, નીકળ! બા’રો નીકળ! બહુ ભૂંડો દેખાછ! હજીયે વાતું ખૂટતી નથી?” અંદર વાતો થાય છે : “કાઠિયાણી, મારું છેલ્લું કહેણ છે, હો! અને મેં એકને મારી છે, ભૂંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત્ત કરવા દે, મારાં પાપ ધોવા સારુ ભાગી છૂટ — તારો જીવ ઉગારવા સારુ નહિ.” ડળકડળક આંસુડાં પાડતી કાઠિયાણીની બેય આંખોમાં છેલ્લી પળે બાવા વાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી. બીજી બાજુ બહારથી પડકારા ને મે’ણાંની ઝડી પડતી સાંભળી. કાઠિયાણીને થંભેલી દીઠી. બાવા વાળાએ દોડીને રાઈબાઈનું કાંડું ઝાલ્યું, ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી, બહાર કાઢીને નાઠાબારીને અંદરથી સાંકળ ચડાવી, કાઠિયાણીનાં છેલ્લાં ડૂસકાં સાંભળ્યાં, અને પાછો ઓરડે આવી સાદ દીધો : “હવે આવું છું હો, ભોજા! ઊભો રે’જે!” બહાર ઊભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાયા. “એ બાવા વાળા!” ભોજે બૂમ દીધી : “બાવો વાળો ઊઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે? પ્રાણ બહુ વહાલા થઈ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર!

[10] બાવો ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે,
(તો તો) મલક માથે મે, વાઘાહર વરસે નહિ.”

[જો રણસંગ્રામમાં બાવા વાળો પાછાં ડગલાં ભરે તો તો વાઘાના પૌત્ર બાવા! દુનિયામાં વરસાદ ન વરસે.] “આ લે ત્યારે આ કાપડું!” એમ બોલીને બાવા વાળાએ કમાડ ઉઘાડ્યું, હાથમાં બખ્તર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાએ સામા આદમીનો જાન લીધો. પછી કૂદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર ઓસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠૂંઠી જ તરવાર રહી. અને બીજું હથિયાર લેવા જાય ત્યાં તો બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો. “બાવાભાઈ!” ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો : “અન્યાયને ઈશ્વર નથી સાંખતો, હો!” સાંભળીને બાવા વાળાએ આંખો બીડી અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાં : “ભોજા, કાળમખા, હવે તો તેં તારો કામો કરી લીધો છે. હવે તમે સૌ રસ્તે પડો, બાપ!” “ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવા વાળાને દેન પાડ્યા પહેલાં નહિ જઈએ.” “ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા!” “તો આ લ્યો, આ અમે આઘા બેઠા.” મોરણીએથી ચારણોને બોલાવી બાવા વાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા. એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, બાવા વાળાની છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયું ઢાંકીને મરશિયા ગાયા :

વિસાણાની વાડીએ ઠાઠ કચારી થાય,
વેરાણા બાવલ વન્યા, ધરતી ખાવા ધાય.

[વીસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠમાઠ જામતા; પરંતુ હવે તો બાવા વાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઊડી ગયા છે. ધરતી ખાવા ધાય છે.]

મત્યહીણા, તેં મારિયો, છાની કીધેલ ચૂક,
ત્રૂટું ગરવાનું ટૂંક, બહારવટિયા, તું બાવલો!

[અને મતિહીન માનવી! તેં છાનામાના આવીને બાવા વાળાને માર્યો! એ મરતાં તો જો ગિરનારનું શિખર તૂટી પડ્યાું હોય એવું દુઃખ થાય છે.]


કૅપ્ટન ગ્રાંટે પોતાના હાથે લખેલું વૃત્તાંત

હિન્દુસ્તાન અને અરબસ્તાનના ચાંચિયા લોકો જે કાઠિયાવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે. ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું. એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના રેસિડેન્ટ કૅપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબઈ સરકારે ઈ. સ. 1802માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા, અને ઈ. સ. 1813માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેને કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે ‘તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનક છોડી જમીનરસ્તે અમરેલી જવું અને ત્યાં ગાયકવાડના તથા કાઠિયાવાડના સરસૂબાને તમારા વહાણનો ચાર્જ સોંપવો. રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટિયો, નામે બાવા વાળો, એણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કૂમચી હતી. તેથી હું પોતે સામે થઈ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટંભેટા થયા ત્યારે બાવા વાળાએ મને કહ્યું કે ‘મારા કામમાં તમારી સલાહ લેવાની છે’. આ બહાનું બતાવીને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલે ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે મારે જવું પડ્યું. તેઓ ગીર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેઓએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તરવાર લઈને ચોકી કરતા હતા. દિવસ-રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હું સૂતો, તેમાં અપવાદ માત્ર બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં મને તે ટોળી ફરજ પાડીને લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત્ત મને ઘોડા ઉપર સવાર થવા દેતા પણ હરવખત એક જોરાવર ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કોઈ પણ કોશિશ કરવી એ મારે માટે અશક્ય હતું. બાવા વાળાને અનુકૂળ એક ગામમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો અને મારી સાથે ઘાતકી વર્તણૂક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળકો રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં. અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે ‘મેં આટલાને માર્યા’ એમ જુવાન કાઠીઓ મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસાઈથી સવાલ કરતા સાંભળ્યા કે ‘શું તમારી ખાતરી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે?’ એનો એવો જવાબ મળ્યો કે ‘હા, અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઈ અને અમને ખાતરી થઈ છે કે તેઓ મરી ગયા.’ એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે ‘ભાઈ, બીજા કોઈ પ્રાણી કરતાં માણસને જીવથી મારવું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુઓ, ત્યાં સુધી એ મરી ગયો એમ ખાતરી ન રાખવી.’ કેટલીક વખત રાજા બાવા વાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાનો જમૈયો ઉગામીને એ પૂછતો કે ‘કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારું મૃત્યુ નીપજે?’ હું જવાબ આપતો કે ‘હું ધારું છું, એક જ ઘાએ તમારું કામ પતી જાય. માટે હું આશા રાખું છું કે તેમ કરીને તમે મારા દુઃખનો અંત આણશો.’ તે જવાબ આપતો કે ‘તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારું! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરું. પરંતુ તમારી સરકાર મને મારો ગિરાસ પાછો અપાવે કે નહિ એ હું જોઉં છું. જો થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.’ ટોળી લૂંટ કરવા બહાર નીકળતી ત્યારે ઘણો વખત ઊંઘ્યા કરતી. રાત્રિએ દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘોડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે કે તરત તેઓ ઊભા થઈ જતા. ખોરાકમાં બાજરાનો રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ. મને પણ એ જ ખોરાક આપતા. તેઓમાં બે જુવાન પુરુષો હતા, કે જેઓ મારા માટે કાંઈક લાગણી બતાવતા.** મારા છુટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિમ્મત આપતા. પ્રસંગોપાત્ત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યાં તે વિશે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા તે વિશે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે બાપડા કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી, તેઓને ઊંધે માથે ગરેડીએથી કૂવામાં પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબૂલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબૂલ થાય ત્યારે છૂટા કરીને કોઈ આડતિયા ઉપર હૂંડી અથવા કાગળ લખાવી લેતા ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.* * * એક તોફાની રાત્રિ મારાથી નહિ વીસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીજાં હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં. છતાં પણ મારું શું કરવું તે વિશે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરિયાદ કરતા હતા કે ‘સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ, બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાનહેરાન છે. તેથી અમે હવે રોકાવાના નથી.’ તેના સરદારે જવાબ દીધો કે ‘ચાલો, એને મારી નાખી બીજે ક્યાંક નાસી જઈએ’, પણ માણસોએ વાંધો બતાવ્યો કે ‘અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુઃખ આપે’. તેથી છેવટે એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છુટકારો પોલિટિકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઇન મારફત આ પ્રમાણે થયો : તેણે નવાબસાહેબને સમજાવ્યા કે ‘જે કાઠીઓએ બાવા વાળાનું પરગણું જોરજુલમથી લઈ લીધું છે તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવા વાળાને તેનો ગરાસ પાછો સોંપવો’. બાવા વાળાની ધારેલી મુરાદ બર આવી એટલે તેણે મને છોડ્યો. મારી કેદ દરમિયાન મારા ઉપર જે દુઃખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હું પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ! મને વળતું સવાર દેખાડીશ નહિ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બૂટ કાઢી શકાયાં નહિ. છેવટે મંદવાડથી નબળો થઈ ગયો ત્યારે જ બૂટ નીકળ્યાં. સખત ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેની સાથે પિત્તાશયનો સોજો આવ્યો. આ સ્થિતિમાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, એથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઊધઈ ચોંટેલી. તેવી સ્થિતિમાં રાત્રિએ ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો. * * * આ ઉદ્ગારોના ઉત્તરમાં મિ. સી. એ. કીનકેઈડ, આઈ. સી. એસ., પોતાના ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં લખે છે કે : અલબત્ત, આપણે બધા જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કૅપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત, તેમ છતાં બાવા વાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક, બહારવટામાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે, છતાં લડાઈની માફક બહારવટું પણ સુંવાળે હાથે તો નથી જ થઈ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાંવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે. તે કારણસર બહારવટિયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઇચ્છેલ હશે. પણ પકડાઈ જવાની બીકે ગઢમાં તો પેસી ન શકાય તેથી પાદરમાં જ એક-બે છોકરાંને દીઠાં, તેઓને મારી નાખી ચાલ્યા જતા હશે. બેશક, મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડીબડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કૅપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવા વાળો મૂંઝવણમાં જ હતો. હેમિલ્કારે પોતાના પુત્ર હેનીબાલ ઉપર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવા વાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી : ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદી પણ અદા થઈ શકે તેમ નહોતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તે જ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય હતાં, ને જ્યારે એને સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવરૂપ જ લાગ્યો. એની બીમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી અને ભળતાં ગામડાંની કાઠિયાણીઓના ઠપકા ખવરાવતી.

બાવા વાળો’ વારતાનાં પરિશિષ્ટ
1

મિ. સી. એ. કિનકેઈડ પોતાના ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના બીજા પ્રકરણમાં વિગતવાર લખે છે કે “રાણીંગ વાળો બહારવટે કેમ નીકળ્યો તે કથા કાઠિયાવાડી રિસાયતોની વહેલા કાળની ખટપટનો તેમ જ અધૂરા જ્ઞાનને કારણે બ્રિટિશ શાસન કેવી ભૂલો કરી બેસે છે તેનો હૂબહૂ નમૂનો પૂરો પાડે છે. રાણીંગ વાળાના બાપે બીજા વાળા કાઠીઓ સાથે ગીરમાં અ ા જમાવીને વીસાવદર અને ચેલણાનાં પરગણાં હાથ કર્યાં. સને 1782માં એ બધાએ પોતાનું રક્ષણ પ્રાપ્ત કરવા સારુ પોતાના કબજાનો અરધોઅરધ મુલક જૂનાગઢ રાજને આપી દીધો. પણ આ કાઠીઓનો પાડોશ ત્રાસરૂપ નીવડતાં નવાબે 1794માં પોતાને મળેલો આ વીસાવદર અને ચેલણાનો પ્રદેશ બાંટવા દરબારને શાદીની ભેટમાં આપી દીધો. બાંટવા દરબાર આ એકસંપીલા કાઠીઓને પૂરા ન પડી શકતા હોઈ તેણે ચાણક્યબુદ્ધિ વાપરી કાઠીઓની અંદરોઅંદર કંકાસ રોપ્યો. અને એકલા રાણીંગ વાળાને જ માત્રા વાળાની જમીન સોંપાવી દીધી, માત્રા વાળો બહારવટે નીકળ્યો, ને મલ્હારરાવ (કડીવાળા) નામના મરાઠા બંડખોર સાથે જોડાયો. પણ રાણીંગ વાળાએ મલ્હારરાવને દગલબાજીથી દૂર કર્યો, અને ગાયકવાડ સરકારની મદદથી એણે માત્રા વાળાનો બધો મુલક હાથ કરી લીધો. માત્રાએ છેવટ સુધી બહારવટું ખેડ્યું ને એના મૉત બાદ એની વિધવાએ પોતાના બાળ હરસૂર વાળા વતી કર્નલ વૉકરને અરજ હેવાલ કરી. કર્નલ વૉકરે બે ભૂલો કરી : એક તો એણે રાણીંગ વાળા પાસેથી માત્રા વાળાનો ગરાસ ખૂંચવી લઈ હરસૂરને સોંપ્યો. આ ખોટું હતું કેમ કે રાણીંગ વાળાએ તો આ મુલક બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે મેળવી લીધો હતો. ને બીજી ભૂલ એણે રાણીંગ વાળાને પોતાનો ભાગ પણ ખૂંચવી લઈ હરસૂર વાળાને સોંપી દેવાની કરી. બાવા વાળાના બાપ રાણીંગ વાળાનું ચારણી બિરદ-કાવ્ય :

બલાં આગ હલાં કરી બાબીએ હામદે
મામલે કુંડલે ધોમ માતી,
વાઘહરે [11] આરબાંને ઝાટકે વાંતર્યા
રાણંગે કરી બજાર રાતી. [1]
મસો કે’ હાય ઘર ગિયું મોરારજી!
કાપ્ય થાણા તણી ઘાણ્ય કાઢી,
ગોતીઓ શેરીએ મિંયા એક ના મળે
દડા [12] શેરીએ રડે દાઢી. [2]
મોબતે ખાન રે કરી ઝટપટ મને
(નકર) ટળી જાત દલભજી તણો ટીલો.
અડજંતર કાંધહર કોટસું આટકત
ઝાટકત સતારા તણો જીલો.[3]

[અર્થ : જૂનાગઢના નવાબ હામદખાન બાબીએ હલ્લો કર્યો. વાઘના પુત્ર રાણંગે આરબોને તરવારને ઝાટકે (સોપારીનો ચૂરો કરે તેમ) વાતરી નાખ્યા અને રાણંગે શહેરની બજાર (શત્રુના રક્તથી) રાતી રંગી નાખી. મસો (એ નામનો કોઈ જૂનાગઢી અમલદાર) કહે છે કે હાય હાય મોરારજી (જૂનાગઢી અધિકારી)! આ તો ઘર ગયું. આખા થાણાનો ઘાણ રાણીંગે કાઢી નાખ્યો. શેરીમાં કોઈ મિયાં (જૂનાગઢી સિપાહી) શોધ્યો જડતો નથી. અને દાઢીઓ (દાઢીદાર સિપાહીઓનાં મસ્તકો) તો શેરીઓમાં દડાની જેમ રડી રહેલ છે. મોહબતખાનના પુત્રે (નવાબે) મનમાં ઝડપ કરી. નહિતર દુલભજી તણું ટીલું ટળી જાત. (અર્થ સમજાતો નથી.) કાંધા વાળાનો વંશજ રાણંગ તો બુંદી કોટા સાથે આફળત અને સતારા જિલ્લાને તારાજ કરી નાખત.] રાણીંગ વાળો એક પગે લૂલો હતો. ચારણે તેનો દુહો કહ્યો છે કે —

કર જેમ કાઠીડા, પગ હત પાવરના ધણી,
તો લેવા જાત લંકા, રાવણવાળી રાણગા.

2

આ પ્રસંગે પિત્રાઈઓએ એમ કહેલું કે “બાવાના હાથમાં તો ધોકો રે’શે” એ પરથી ઠપકારૂપે મૂળુભાઈ વરસડા નામના ચારણે એક કાવ્ય રચેલું તે મારી નોંધપોથીમાંથી જડતા ટપકાવું છું :

સજી હાથ ધોકો ગ્રહે કરે મંત સાધના,
થિયો નવખંડમાં ભૂવો ઠાવો,
ચાકડે દોખિયું તણી ધર ચડાવવા,
બાપ જેમ ધમસ હલાવે બાવો. [1]
ગામડે ગામડે ઢોલ વહરા ગડે,
આજ ત્રહું પરજ વચ નહિ એવો,
વેરીઆં પટણ ત્યાં દટણ લઈ વાળવા,
જગાડ્યો ધૂંધળીનાથ જેવો.[2]
ધરા વાઘાહરો ચાસ નૈ ઢીલવે [13]
દળાંથંભ રાણથી બમણ દોઢો,
ચકાબંધ વેર બાવાતણું ચૂકવો,
પરજપતિ મેડીએ ત દન [14] પોઢો. [3]

[અર્થ : હાથમાં ધોકો લઈને આ બાવો મંત્રની સાધના કરે છે. નવેય ખંડ પૃથ્વીનો એ ભૂવો બન્યો છે. દુશ્મનોની (દોખિયું તાણી) ધરાને ચાકડે ચડાવવા માટે બાપાની પેઠે જ બાવો ધમધમી રહ્યો છે. ગામડેગામડે ભીષણ ઢોલ બજે છે. આજે ત્રણ જાતના કાઠીઓ વચ્ચે કોઈ એવો નથી. વેરી જનોનાં પાટણો (શહેરો)ને સ્થાને ડટ્ટણ કરી નાખવા માટે એને તો જોગી ધૂંધળીનાથ (કે જેણે મુંગીપુર, વલભીપુર વગેરે નગરોનું શાપથી દટ્ટણ કરી નાખ્યું છે) માફક જગાડ્યો છે. વાઘાનો પૌત્ર એક ચાસ પણ ધરતીને ઢીલી નહિ મૂકે. દળો (લશ્કરો)ને થંભાવનાર આ બાવો તો બાપ રાણીંગથી દોઢેરો બળવાન છે. ને હે ધરતીપતિઓ! જે દિવસ આ બાવાનું વેર ચુકાવી આપશો તે દિવસે જ તમે મેડીએ ચડીને પોઢી શકશો.

3

બાવા વાળાના વિવાહનું એક ચારણી કાવ્ય મને ગીરના પ્રવાસે જતાં તુલસીશ્યામની જગ્યામાં 1928માં કાઠીઓના એક બારોટે ઉતરાવેલું; પણ એ બારોટ બંધાણી હોઈને એની યાદશક્તિ ખંડિત થયેલી, જેથી કાવ્ય પણ મહામુશ્કેલીએ આવી સ્થિતિમાં મળી શકેલું. એના આ બીજા લગ્નપ્રસંગનું કાવ્ય લાગે છે :

[કુંડળિયા]

ગાવાં શક્તિ સબગરૂ, આપે અખર અથાવ
વડ ત્યાગી વિવાઈ તો રાણ પરજ્જાં રાવ.
રાણ પરજ્જાં રાવ કે ગીતાં રાચિયો,
નરખી તો ભોપાળ રાંક-દખ નાસિયો,
કીજે મેર ગણેશ, અરજ્જું કા’વીએં
લંગડો પરજાંનો જામ ગણેશ લડાવીએં.
સર ફાગણ ત્રીજ શુદ, પાકાં લગન પસાય,
વાર શુકર અડસઠરો વરસ, મૂરત ચોખા માંય.
મૂરત ચોખા માંય કે સઘન મગાવિયા,
લાખાં મણ ઘી ખાંડ સામાદાં લાવિયા,
બોળાં ખડ જોગાણ ખેંગા ને બાજરા,
વાળો મોજ વરીસ દન વીમાહરા.
બ્રાહ્મણ બસીએ ભેજિયો, લગન સુરંગા લખાય
વાળા ઘેરે મોતાવળ, વેગે લિયા વધાય.
વેગે લિયા વધાય કે જાંગી વજ્જિઆ,
ગેહે રાણ દુવાર ત્રંબાળુ ગજ્જિઆ,
શરણાયાં સેસાટ વેંચાઈ સાકરાં,
ઠારોઠાર આણંદ વધાઈ ઠાકરાં.
નવખંડ રાણે નોતર્યાં, દેસપતિ સરદાર
કેતા વિપ્ર કંકોત્રીઆ આયા ફરી અસવારા.
આયા ફરી અસવાર નોત્રાળુ આવિયા,
ગણીઅણ રાગ ઝકોળ ખંભાતી ગાવિયા,
અમલારા ધસવાટ પીએ મદ આકરા,
ઠાવા પ્રજભોપાળ કચારી ઠાકરા.
ફુલેકે ધજા ફરે રંગભીનો પ્રજરાવ
રમે ગલાલે રાવતાં છત્રપતિ નવસાવ.
છત્રપતિ નવસાવ સારીખા ચોહડા,
જોધાણારા જામ કે લોમા જેહડા,
સામતિયો કોટીલ ચંદ્રેસર સૂમરો,
અરવે વેગડ રામ દલીરો ઊમરો.
સે કોઈ આયા ભડ ચડી, રડે ત્રંબાળાં રાવ
બાવલે મોડ બંધિયો નવરંગી નવસાવ.
નવરંગી નવસાવ ઘરાવી નોબતાં,
ભાયાણો ભોપાળ, ઉંઘલિયો અણભત્યાં,
લાખી કા લટબેર પલાણ્યા લાખરા,
ફુલિયા ફાગણ માસ વનામેં ખાખરા.
કોટિલા બસિયા કમંધ, સોઢા તેમ ચહુવાણ,
વેંડા હુદડ ને વિકમ…
લાખો દોસી લુંઘીએ ભર રેશમરા ભાર
રાણે વટ દઈ રાખિયા સાળુ રેટા શાલ.
સાળુ રેટા શાલ દુપેટા સાવટુ
પીતાંબર વણપાર કેરાતા કેપટુ
વાટ્યાં નવરંગ થાન કે કમ્મર વેલીઆં
સોળા ગાય સોરંગ ઓઢી સાહેલીઆં.
હેઠઠ જાન હિલોહળાં સામપરજ પતસાવ,
આવીને ગડથે ઊતર્યો રાણ દલીપત રાવ.
રાણ દલીપત રાવ ભરણ બથ આભરી
આગ બસીઓ જેઠસૂર વાળાની બરાબરી
તંબૂ પચરંગી કે પાદર તાણીઆ
અમીરારા ખેલ કે માંડવ આણીઆ.

અર્થ

સર્વની ગુરુ એ શક્તિને હું ગાઉં છું (ગાવાં) કે જેથી એ મને અખૂટ અક્ષરો (અખર) આપે. આજે પરજો (કાઠીની શાખાઓ)નો રાણો, મહાત્યાગી વિવાહિત છે. પરજોનો રાજવી ગીતોથી રાચ્યો. તને નીરખીને હે ભૂપાલ! રંકોનું દુઃખ નાસી ગયું. હે ગણેશ! તને અરજ કરીએ છીએ કે મહેર કરજે. પરજોના પતિ એ લંગડા ગણેશને અમે કવિ લાડ લડાવીએ છીએ. ફાગણ સુદ ત્રીજ, વાર શુક્ર અને 1868નું વર્ષ — એ દિને ચોખ્ખાં મુરતનાં પાકાં લગ્ન મંગાવ્યાં. ચોખ્ખાં મુરતનાં લગ્ન મંગાવ્યાં. લાખો મણ ઘી ને ખાંડ લેવાયાં. ઘોડાં માટે બહોળા ઘાસ અને ચંદી માટે બાજરા મગાવ્યા. મોજના (બક્ષિસોના) દેનાર વાળાને ઘેર વિવાહના દિન હતા. બસિયા કાઠીએ ગળથ ગામથી લગ્ન લખીને મોકલ્યાં, ને વાળાને ઘેરે એ લગ્ન મોતાવળે વધાવ્યાં. વેગે લગ્ન વધાવી લીધાં. જાગી ઢોલ વાગ્યાં, રાણીંગને દ્વારે ત્રંબાળુ વાગ્યાં, શરણાઈઓના શોર બજ્યા, સાકર વહેંચાઈ. રાજવીએ નવખંડના દેશપતિઓને નોતર્યા. કેટલાય બ્રાહ્મણો કંકોતરી લઈ લઈને ફરી આવ્યા. ગુણીજનો (ગણીઅણ) ખંભાતી રાગ ગાવા લાગ્યા. અફીણના કસુંબા અને જલદ મદિરા પીવાવા લાગ્યાં. રંગભીનો બાવલ (બાવા વાળો) ફુલેકે ફર્યો. રાજવીઓ ગવાલે રમવા લાગ્યા — લોકો, સામંત કોટીલો, ચંદ્રસેન સુમરો, રામ વેગડ વગેરે બધા. નવરંગ વરરાજા (નવસાવ) ઊઘલ્યો, નોબતો ઘોરી ઊઠી. લાખેણા ઘોડીલા ઉપર રાજવીઓ પલાણ્યા, ને તેઓ ફાગણ માસે વનમાં ફૂલેલા ખાખરા (કેસૂડાનાં ઝાડ) જેવા દેખાયા. લુંઘિયા ગામના લાખા દોશી પાસેથી રેશમના સાળુ, રેટા, શાલદુશાલા અને પીતાંબર અને પટુ ખરીદીને બધાને વહેંચણી કરી ને એ સોરંગી સાળુ ઓઢીને સાહેલીઓ લગ્નગીત (સોળા) ગાવા લાગી. જળ-મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ. ચાંપરાજે એ ભાઈબંધને કહેરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દીતવારે ઘરે રહીશ મા.” માંડવડેથી કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથિયાર-પડિયાર બાંધીને ચોરે બેઠક કરી. બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈ ને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઊના રોટલા, ગોરસ અને ખાંડેલ સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારુ તૈયાર ટપકે થઈ ગયાં અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબોસબ કસુંબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી કૂદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી ફૂટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી; માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કંઈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.




  1. કોઈ ત્રેવીસ વર્ષની આવરદા બતાવે છે.
  2. કોઈ કહે છે કે ઘમસાણનાથે પોતે નહિ, પણ એમના એક ચેલાએ સમાત લીધી.
  3. જુઓ પરિશિષ્ટ 1
  4. જુઓ પરિશિષ્ટ 2.
  5. દાના ભગતના સંપૂર્ણ વૃત્તાંત માટે જુઓ આ લેખકનું પુસ્તક ‘સોરઠી સંતો’.
  6. એમ કહેવાય છે કે કાઠિયાણી પોતાને પિયર ખડકાળા ગામે જ રહેતાં. એક વાર રાતે બાવા વાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીને બાઈને તેડાવેલાં. બાઈએ જવાબ વાળેલો કે “દરબારને કહેજો કે મારાથી ન અવાય. અમે સ્ત્રીજાત તો લીલો સાંઠો કહેવાઈએ. વખત છે ને દેવનો કોપ થાય, તો દુનિયા વાતું કરશે કે ધણી તો બિચારો પથરાનાં ઓશીકાં કરીને બા’રવટાં ખેડે છે, અને બાયડી ઘેર છોકરાં જણે છે! આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે. માટે દરબારને કહેજો કે ઉઘાડેછોગ તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો!”
  7. જુઓ પરિશિષ્ટ 3.
  8. આ વાતમાં બીજી સમજ એ છે કે ગ્રાંટસાહેબ બાવા વાળા સાથે લડવા તો નહોતો જ ગયો. લડનારી ફોજ જેતપુરની હતી અને નિર્દોષ ગ્રાંટ તો ઓચિંતો વેલણ બંદરથી અમરેલી જતાં પકડાઈ ગયો હતો.
  9. આ દુહાનું મિ. કિનકેઈડે કરેલું ભાષાંતર :
    The Sahib’s helm, the Sahib’s sword
    Had ne’er by child of Ind been taken,
    You, Bava, dared, bold jungle lord
    And ransomed back your wide domain.}
  10. મુંબઈથી શ્રી ગજાનન વિ. જોશી આ ઘટના પરત્વે પોતાની નીચે મુજબની માહિતી મોકલે છે. એને પાઠાન્તર તરીકે અત્રે આપવામાં આવે છે : “બાવા વાળાની કાઠિયાણીને નાઠાબારીએથી વિદાય કરતાં બાવે પોતે પણ ત્યાંથી નાસી છૂટવા તજવીજ કરેલી. ભોજા માંગાણીએ અગાઉથી પેરવી કરીને નાઠાબારી આગળ એક ચારણને બેસાડેલો, તે એવા હેતુથી કે બાવાની સ્ત્રીને, અથવા તો બાવાની પોતાની ઇચ્છાથી બાવો નાઠાબારીનો મારગ લે તો ચારણ તેના નામની બિરદાઈનો દુહો લલકારીને એને ભોંઠપ આપીને પાછો ફેરવે. વળી નાઠાબારી આગળ એકથી વધારે માણસ આવી શકે તેમ ન હતું; આ બંને બાબતોનો પૂરેપૂરો વિચાર કરી ભોજા માંગાણીએ ચારણની યોજના કરેલી. પોતાની કાઠિયાણીને વિદાય કરતાં બાવો પણ નાઠાબારીએથી નાસવા તૈયાર થયેલો; પણ ચારણનો દુહો સાંભળીને નાઠાબારી ઉપરથી તરત જ પાછો ફરીને, ઘરબારણેથી ભોજા માંગાણી સાથે ધિંગાણામાં ઊતર્યો અને મરાયો.”
  11. વાઘહરે — વાઘા વાળાના પુત્રે (રાણીંગ વાળાએ).
  12. જેમ.
  13. ઢીલવે — મોળી ન મૂકે.
  14. ત દન — તે દિવસે.