સોરઠી બહારવટિયા ભાગ-2/લૂંટારા શરમાયા
ત્યાંથી કુટુંબ જુદું પડ્યું : રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું. જલદ જીભવાળા લધુ શેઠ પોતાના ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળિયા તરફ ચાલી નીકળ્યા. રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી. પહેલું ગાડું લધુભાનું : એ નીકળી ગયું. પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઊઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી. ગાડાખેડુએ બૂમ પાડી, “એ લધુભા, લૂંટારા!” ઠેકીને બહાદુર લધુભા ઊતર્યો. “કેર આય!” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો, લૂંટારાઓને પડકારીને કહ્યું : “અચો! હરામી! અચો પાંજે ગડે!” [આવો મારે ગાડે!] આવીને જુએ તો આદમીઓએ મોં પર મોસરિયાં વાળેલાં : ફક્ત આંખો તગતગે : મોવડી હતો તેને ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યો, “હાં, વાહ વાહ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજોંગો અંયે.” [તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ.] લૂંટારો ભોંઠો પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યો કે “મુઠો ડન્ને, લધુભા! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીયાંસી. પણ હણે તો અસાંથી લૂંટાય ન!” [ભોંઠા પડ્યા ને, લધુભા! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લૂંટાય નહિ.] “લૂંટને! ઈની પાસે તો બસો-ચારસો કોરિયેંજો માલ હુંદો! પણ મું આગળ બ બજાર કોરિયું આય. હલ, ઈ આંકે ખપે તો ગીની વીંન?” [લૂંટને! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે, પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ જોઈએ તો લઈ જા.] “હણે તો લધુભા! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે લૂંટણા વા! ચોપડેમેં અસાંજે ખાતેમેં ખૂબ કલમેંજા ઘોદાં માર્યું આય.” [હવે તો લધુભા! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારા ખાતામાં ખૂબ કલમના ગોદા માર્યા છે.] “હણે કૂરો?” લધુભાએ વાઘેરને પૂછ્યું. “હણેં હલો. આંકે રણજી હુંન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના.” [હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.] વાઘેર લૂંટારો ખસિયાણો પડી ગયો. કોઈ કુટુંબી માગે તેવી રીતે માગ્યું : “લધુભા! ભૂખ લગી આય.” “તો ડિયું ખાવા. જોધે માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે.] લૂંટારાને લધુભાએ ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવિયો બન્યો. લધુભાનાં ત્રણેય ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.