સોરઠી બહારવટિયા ભાગ-3/નિવેદન

નિવેદન
[આવૃત્તિ પહેલી]

સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિ:શ્વાસ નાખે છે. એક દસકાની અવધ નજીક દેખાય છે. થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટિયાનું ઇતિહાસ-સંશોધન બની શક્યું તેટલું સ્વચ્છ અને પ્રામાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા-પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાથી તેઓની શ્રદ્ધાની હૂંફ કુતર્કોના થોડા સુસવાટોની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી કેમ કે બહારવટા-પ્રકરણનું રાજદ્વારીપણું હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂંસી નથી નાખ્યું. બે વર્ષો સુધી આ વિષય પર રજૂ થયેલા છૂટાછવાયા વિચારો તપાસીને, તેમ જ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને, મારી લાંબી મીમાંસા પણ અત્રે રજૂ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચારસરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે. હું તો માત્ર એટલું જ સૂચવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું મૂલ મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તો યુગ એટલો વેગથી ધસે છે કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદના દરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કોઈ કલ્યાણ સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવ-સંઘરો જેઓને મન કંઈકેય ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. મારી ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું. રાણપુર : શ્રાવણ સુદ બીજ, 1985 [સન૰ 1929] ઝવેરચંદ મેઘાણી

[આવૃત્તિ ત્રીજી]

‘બહારવટાંની મીમાંસા’ એ શીર્ષક હેઠળ જે 80 પાનાંનો પ્રવેશક આગલી આવૃત્તિઓમાં મૂકેલ હતો, તેનો મેં ‘ધરતીનું ધાવણ’ એ નામના મારા લોકસાહિત્ય પરના વિવેચનાત્મક લેખોના સંગ્રહમાં સમાવેશ કરી નાખીને આ પુસ્તકનો બોજો ઉતાર્યો છે. લોકસાહિત્ય વિશેનાં મારાં બધાં પુસ્તકોની સળંગ સમગ્ર સમજણને સારુ ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય’ એ બે લેખસંગ્રહો* વાચકે જોવા જ જોઈશે. કાદુ મકરાણી, ગીગો મહિયો વગેરેના આમાં મુકાયેલા કેટલાક કિસ્સાઓમાં આધારભૂત અને ચોટદાર કેટલીક માહિતી આપનાર જે વ્યક્તિનો નામોલ્લેખ જાણીબૂજીને આગળ કર્યો નહોતો (કેમ કે તે વ્યક્તિને પ્રકટ થવાની અનિચ્છા હતી). તેનું નામ અત્યારે આપી શકાય છે, કારણ કે એ હવે આ પૃથ્વી પર નથી : એનું નામ શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈ. થોડાએક મહિના પર અમદાવાદ હતો. એલિસબ્રિજ પર પગપાળો ચાલ્યો જતો હતો. એકાએક એક ભાઈએ મારી સાથે થઈ જઈને વાત શરૂ કરી : “મારે તમને ઘણા વખતથી કંઈક કહેવું છે. ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં રામ વાળાની વાત આવે છે તેમાં અમારું ગોંડનું… ગામ ભાંગ્યાનો ઉલ્લેખ છે. તે વખતે હું હાજર હતો. હું એ જ પટેલનો દીકરો. રાતે આવ્યા… મને રોક્યો… મારા હાથમાં દીવો લેવરાવી મને આખું ઘર બતાવવા લીધો સાથે. મને કહે કે, ‘બીશ મા; તને કોઈ નહિ મારે.’ મને એક જણ છરી મારવા આવેલો, તેને આગેવાને મનાઈ કરી દીધી, મને ગામમાં બીજે ઘેર લૂંટવા ગયા ત્યાંય સાથે લીધેલો; અને એક ઘરમાંથી ગલાલ હાથ આવ્યો તે લઈને મારે માથે-મોંયે લગાડતો બહારવટિયો બોલતો કે ‘છોકરા, તને તારાં માવતર તો કોણ જાણે કયે દી ગલાલે રમતો (લગ્નમાં) કરશે, આજ તો હું રમાડી લઉં!” આ વાત કરનારનું નામ ભાઈ ઘુસાલાલ. મોવર સંધવાણી અને વાલા મોવર સાથે પોતાના પિતાને કેવી રીતે ભેટો થયેલો તેની ફક્કડ ઘટના શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’માં આપી છે : પિતા વઢવાણમાં એજન્સીના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા. બાળકોને પોતે આ પ્રમાણે વાત કરતા : “તે વખતે મોરનો ત્રાસ કાઠિયાવાડમાં ઘણો હતો. એક વખત રાતના, બળદના સગરામમાં હું અને તમારી બા એક ગામથી બીજે ગામ જતાં હતાં. સ્ટેટ તરફથી અમારા રક્ષણ માટે એક સવાર મળતો તે સગરામ પાછળ રહેતો. અચાનક, બે ગામની વચ્ચે, ખેતરમાં તાપણાં જણાયાં, અને અમારા સગરામને એક અપરિચિત આદમી લાગુ થઈ ગયો. સવારે તેમ જ સગરામવાળાએ મને ધીમે રહીને કહ્યું : ‘સાહેબ, આવી બન્યું : મોરની છાવણી લાગે છે’. વસ્તુસ્થિતિ જોઈને મેં સગરામ ઊભો રખાવ્યો; કુંજાનું પાણી ઢોળી નાખીને કુંજો લઈને હું તે તાપણા ભણી જવા માંડ્યો. લાગુ પાડેલો આદમી પણ અજબ થઈ ગયો. હું તો સીધો એ તાપણા પાસે જઈને ઊભો રહ્યો. બહારવટિયાઓ વાળુ કરતા હતા. મેં તેમાંના એકને કહ્યું, ‘પાણી થઈ રહ્યું છે, અને મારી બૈરીને તરસ લાગી છે. આટલું ભરી આપશો?’ ક્ષણભર તેમણે એકેકની સામું જોયું, અને પછી પાણી ભરી આપ્યું. પોતે જમતા હતા એટલે એમના ધર્મ પ્રમાણે એમાંના એકે કહ્યું, ‘ખાવા બેસશો? પણ ખાવામાં તો માત્ર રોટલા, મીઠું અને લસણિયો મસાલો છે’. મેં હા પાડી અને પહેલે જ કોળિયે મીઠાની ચપટી મોંમાં નાખી અને હું હસી પડ્યો. તેમનો સરદાર બોલી ઊઠ્યો, ‘તમે મને ઓળખો છો?’ મેં જવાબ આપ્યો, ‘મોર અને વાલિયાને કોણ નથી ઓળખતું? પણ હવે રજા આપો તો પાછો જાઉં, કારણ કે બહુ મોડું થઈ ગયું છે’. મોર મને ભેટ્યો અને બોલ્યો, ‘કૃષ્ણલાલભાઈ, ભારે કરી હોં! તમે પણ પાકા નીકળ્યા. પણ અમારું મીઠું ખાધું એટલે આજથી આપણે દોસ્ત. હવે મુસાફરીમાં આવા સવાર-બવાર રાખતા નહિ. અમને બધી ખબર પડે છે. રાતના તમે નીકળશો એટલે મારા બે માણસ સગરામ સાથે થઈ જશે. છતાં જરૂર પડે તો આટલો બોલ કોઈને કહેશો તો કાઠિયાવાડમાં કોઈ બીજા બહારવટિયાની તાકાત નથી કે મોરના દોસ્તને લૂંટે’. જયસુખલાલના જન્મ સમયે વાલિયો જાતે આવીને રૂમાલ અને સવા રૂપિયો આપી ગયો હતો. શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ મળે છે ત્યારે મોવર સાથે એમના પિતાને પડેલો પ્રસંગ સાંભળવા આવવા કહે છે. જૂના સૌરાષ્ટ્રને ઉછંગે આળોટી ગયેલાં આ ગુજરાતી અમલદાર-કુટુંબોનાં દિલોમાં આજે પણ પડઘા ઊઠે છે — એ કાઠિયાવાડી અસલવટનાં. 1944 ઝ. મે.