સોરઠી બહારવટીયા/નિવેદન

નિવેદન

પાંચ જ બહારવટીયાનાં આ વૃત્તાંતો છે. પાછળ એવા, ને એથી ચડિયાતા બીન ૫ંદર ચાલ્યા આવે છે. પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લ્યે; ત્યાં સમગ્ર બહારવટા-યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજુ થઈ જશે. 'રસધાર'માં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠીયો, અભો સોરઠીયો, હીપો ખુમાણ, વરજાંગ ધાધલ વગેરે: અને રા. રા. રાયચૂરા તરફથી ભીમો જત, ગીગલો મહીયો વગેરે: એમ છૂટક છૂટક બહારવટીયા આલેખાતા આવે છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટીયાની-અને એ પણ તેઓની કાળી-ઉજળી બન્ને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિદ્ય ચરિત્રદોષોની પણ રજૂઆત કરવાનો આશય છે. માટે જ 'રસધાર'ની રંગખીલાવટ 'બહારવટીયા'માં મર્યાદિત દેખાશે. ભવિષ્યના કોઈ ઈતિહાસકારને માટે આ એક માર્ગદશન રચાય છે. રાજસત્તાઓનાં દફતરોમાં ફક્ત એકપક્ષી-ને તે પણ નજીવો જ ઈતિહાસ છે. લોકકંઠની પરંપરાના બહુરંગી ને છલોછલ ઈતિહાસ છે, પ્રજા માર ખાતી, લૂટાતી, પીડાતી, છતાં લૂંટનારાઓની જવાંમર્દી ન વિસરતી. એ હત્યારાઓની નેકી પર આફ્રિન હતી. બહારવટીયાની કતલ એને મન સ્વાભાવિક હતી, પણ આ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાએ એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી. ને છતાં, એ કંઠસ્થ હકીકતની ઐતિહાસિકતાને પણ મર્યાદા છે ખરીઃ એ લોકમુખની કથાઓ જુદી પણ પડે છે. દૃષ્ટાંત દાખલ, ભીમા જતની માશૂક નન્નુડીનું અસ્તિત્વ ભા. શ્રી. રાયચુરાનું કલ્પિત નથી, પણ વિશ્વાસપાત્ર લોકોક્ત છે, તેમ તે પાત્રને મને મળેલો ઈન્કાર પણ વિશ્વાસપાત્ર લોકોકત જ છે. એવું બીજા ઘણાનું સમજવું. ઉપરાંત વીરપૂજક પ્રજાએ અનિષ્ટ વાતોને ઓછી સંઘરી હશે એમ પણ દિસે છે. સત્યાસત્ય નક્કી કરવા આજે સાધન પણ નથી રહ્યું, એટલી એની ઐતિહાસિકતા એાછી. પણ આ બધું પ્રગટ કરવાથી અસત્ય હશે તે આપોઆપ લોકો જ આંગળી ચીંધાડીને બતાવી દેશે. ઈતિહાસની છણાવટ થશે. ભલે ઐતિહાસિકતા એાછી રહી; લોકોની કલ્પના કદાચ હોય; તો પણ એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી. લોકો પવિત્રતાના પૂજક હતા. એ લોક-આદર્શ લગભગ તમામ બહારવટીયાની વાર્તામાં સ્પષ્ટ ભાખે છે કે જ્યારે જ્યારે બહારવટીયો નેકીને માર્ગેથી લ૫ટ્યો છે ત્યારે ત્યારે જ એનો નાશ હાજર થયો છે. દેવતાઓની ગેબી સહાયની માન્યતા પણ એ જ કથા કહે છે. આટલું સ્મરણમાં રાખીએઃ કે બહારવટાનો ખરો યુગ અઢારમી સદીના અસ્ત સમયથી આરંભાયો, આખી ઓગણીસમી સદી ઉપર પથરાઈ રહ્યો, ને વીસમી સદીની પહેલી વીસીમાં જ ખલ્લાસ થઈ ગયો. એનો છેલ્લો પ્રતિનિધિ રામ વાળો હતો. તે પછી રહી છે ફક્ત ચોરી ને લૂંટફાટ. કોઈ એને બહારવટું ન કહેજો. એ નર્યા ચોરડાકુઓને આ સંગ્રહમાં સ્થાન નથી, બહારવટાં નીતિનો છેલ્લો ને ઓલવાતા દીવાની ઉજ્જવલ જ્યોત સરખો નેકીદાર પુરોહિત રામ વાળો જ આ સંગ્રહનો સીમા-સ્થંભ બનશે. ભા. શ્રી. રાવળે આલેખેલાં આ પુસ્તકનાં શોભા-ચિત્રો કોઈ બહારવટીયાની તસ્વીરો નથી, પણ પ્રત્યેકના ચરિત્રમાંથી ઉઠતા પ્રધાન ધ્વનિનાં દ્યોતક કલ્પના-ચિત્ર જ છે. છેલ્લાં બે ચિત્ર બદલ 'બાલમિત્ર'ના તંત્રીજીનો ઋણી છું.