સોરઠી બહારવટીયા - 2/૧૧

૧૧

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલ્દી પોતાને ગામ જવા માટે કોઈ ગાડું ગડેરૂં નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઉભો હોય તેવું લાગે છે. બરાબર અંધારાં ઉતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ તલવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટીયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી. કેડાને કાંઠે ઉજળાં લુગડાં ને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઉભેલો ભાળી બહારવટીઆએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો કે “કેવો છો એલા?” “ક...કણબી છું બાપુ!” આદમીએ થોથરાતી જીભે ઉત્તર દીધો. “કણબી કે! ઠીક ત્યારે; ડગલું ય દેશ મા! નીકર બરછીએ વીંધીશ.” એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી. “છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.” એટલું કહીને બહારવટીઆએ પોતાનો પહોળો પંજો લબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું. એને ઉંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસારી અંધારે અલોપ થયો. માર્ગે જેગીદાસના મનમાં મનોરથ રમે છે કે આ આદમી શિહોરના કોઈ માલદાર મુખી પટેલીયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરમાં દેવા આવશે! બાન પકડેલ આદમી પણ જરાયે આકળો બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં યે આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે. શિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મઝલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું, આવતાંની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે લલકારી ઉઠ્યો કે ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા! ચળીયું નહિ; ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા! [હે જોગી જેવા જોગા ખુમાણ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.] દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડીયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મ્હેાં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટીયાને ઓવારણાં લઈ રહ્યો છે; બોલી રહ્યો છે કે “ખમા મોળા જોગીને! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે, મોળા તપસી!” “કોણ છો એલા?” “ચારણ સાં, મોળા બાપ! તોળો ભાણેજ સાં!” “નામ?” “નામ લખુભાઈ! આશેં માંડવાનો રેવાશી સાં!” “ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું?” “મોળા બાપ! આજ શિહોરથી માંડવે પગપાળા તો પૂગાય ઈમું નૂતું, અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. અટલેં ખોટું ભણવું પીયું બાપ!” “અરે પણ અભાગીયા! એટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી!” એટલું બોલીને ગંભીર મુખમુદ્રા વાળા બહારવટીયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠો ઉતાર્યો. ચારણ નીચે ઉભા ઉભા ખમકારા દેવા લાગ્યો ને બહારવટીયાની ઘોડી અંધારે ગાજતી ચાલી ગઈ.