સોરઠી બહારવટીયા - 2/૧૮

૧૮

"આમાં વંશ કયાંથી રે'?" બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગિર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઉતરી ગયા, નાંદીવલામાં ગાયો, ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું. એક વરસ વીત્યે બહારવટીયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુએ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુવે ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં [હાડપીંજર] પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રીબાઈને મરી ગઈ હતી. “બાપ ભાણ!” “હાં આપા!” “અકેકાર થયો.” “હોય આપા! બારવટાં છે.” “બહુ દિ' બારવટાં ખેડ્યાં, બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ધીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરૂને માતાઉથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વશ ક્યાંથી રે'શે?" “આપા! ઈ બધુ સંભારે છે શીદ?” "સમસમ્યું રે'તું નથી. એટલે સંભારું છું - ઠીક સંભારૂં છું, આટલાં પાપનો પાટલો બાંધવા છતાં ય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યા. સાવરીયાઓ ગરાસ માંડી માંડીને ભાડાંની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ છ ગામનું ગળપણ વા'લું થયું, હવે આપણે ક્યાં સુધી રઝળશું? શો ફાયદો કાઢશું? ઝલાશું તો, કૂતરાને મોતે મરશું.” “તયીં આપા? કેમ કરશું? તરવાર છોડશું?” “હા.” “તો હાલો ભાવનગર.” “ના, હેમાળે." “કાં?" “જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે." "હેમાળો ગળવો ઠર્યો?””હા, તે વગર આ પાપનો પાર નહિ આવે.” ભાણ-વજ્રછાતી વાળો ભાણ રોઈ પડ્યોઃ “આપા! આપા!” કહી ખોળે ઢળી પડ્યો. “રો મા બાપ! મને રોકય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને ભાણ! જોજે હો, જેબલીયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર સંભાળમાં મોળું કેવરાવતો નહિ હોં! બાપુનું ગામતરૂં છે.” જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા. જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો. જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટીયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટીયાની રાણી બેઠી છે કે જેણે પંદર પંદર વરસો થયાં ધણીનું મ્હોં જોયું નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે! મહારાજે બહારવટીયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછો વાળો, હું એને બોલે બહારવટું પાર પાડું.” ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં, ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યો, “ભાઈયું! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો!” માર્ગે જસદણમાં મુકામ કરેલ છે, ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે. તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણ ભાઈઓનાં, દુઃખણાં લેવા આવે છે.” “ભલે, પધારો! ખુમાણોનાં મોટાં ભાગ્ય!” ધરતી ન દૂભાય તેવાં ધીરાં ડગલાં દેતાં x [૧]વૃદ્ધ કાઠીઆણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે : અંગ પર કાળું ઓઢણું છે: જોતાં જ જોગમાયા લાગે છે: મ્હોંમાંથી ફુલડાં ઝરે છે. એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ?” “આ ફલાણા! ફલાણા!” એમ જવાબ મળે છે અને આઈ દુ:ખણાં લ્યે છે. એમ કરતાં કરતાં આઈ બીજે છેડે પહોંચ્યાં. આઘેથી પૂછ્યું, “આ કોણ?” “ઈ જોગીદાસ ખુમાણ" “આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ?” આઈ એકી ટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટીયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઉંડાણમાંથી સૂરજ! સૂરજ! એવા ધ્વનિ ઉઠે છે. ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠીઆણીએ જાણે કે આબુથી ઉતરી આવેલા કોઈ જોગંદરને જોયો. “આપા!” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા! આઈ તમારાં દુ:ખણાં લેવા આવ્યાં છે.” “ના બાપ!” આઈ બોલી ઉઠ્યાં, “એનાં દુ:ખણાં ન્હોય. એ માનવી નથી, દેવ છે. લખમણ જતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.” છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટીયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નામાવ્યું. જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મ્હોં આડે ફાળીયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણવાર

xહમીર ખાચરનાં ઘઘાણી શાખાનાં ઘરવાળાં હોવાનું કહેવાય છે. નમતો દેખાયો. અને ત્રણે વાર જોગીદાસે સામું શિર નમાવ્યું. એક બોલ પણ બોલ્યા વિના : બેરખાનો એક પારો અટક્યા વિના : આંખનો પલકારો માર્યા વિના. છાતી પીગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મુંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી. એમાં આઈએ ચુપકીદી તોડી : આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ ગઈ. સહુનાં મ્હોં નિરખી નિરખીને એણે વેણ કાઢ્યાં : “ખુમાણ ખોરડાના ભાઈયું! હું શું બોલું? તમે ખોરડું સળગાવી દીધું, તમે કટંબ-કુવાડા થયા. તમે પારકા કુવાડાના હાથા થઈને લીલુડા વનનો સોથ જ કાઢી નાખ્યો! તમે જૂથ બાંધીને આ જતિપુરૂષને પડખે ઝુઝી ન શકયા માડી! તમને ઘરનો છાંયો વા'લો થઈ પડ્યો? ચીભડાંની ગાંસડી છુટી પડે તેમ આખુંય આલા પેટ નોખું નોખું થઈ ગયું! અરે તમે પોતપોતાની પાંચ પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા? આ દેવ-અવતારીને એકલે બહારવટે રઝળવા દીધો? તમે કાંડે ઝાલીને જોગીદાસ શત્રુને હાથ દોરી દીધો? પારકાએ આવીને ઠેઠ પેટમાં નોર પરોવી દીધા ત્યાં સુધી યે તમને કાળ ન ચડ્યો?” દડ! દડ! દડ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યું : “બીજું તો શું બોલું? પણ કાઠીને વળી ગરાસ હોતા હશે? કાઠીના હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ! કાઠી વંશના જે કટંબ-કૂવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શે સાંખશે? નહિ સાંખે.” એટલું કહીને આઈ ઓરડે ચાલ્યાં ગયાં. આંહી દાયરો થંભી જ રહ્યો. જોગીદાસના કાકા ભમોદરા વાળા ભોજાખુમાણના મ્હોં પરથી વિભૂતિ ઉડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા.*[૧] દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે અંગરેજે મલક ઉંટાકીયો, મયણ કેતોક માણ ત્રણે પરજું તોળીયું, (એમાં) ભારે જોગો ને ભાણ! [અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો. આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા ]