સોરઠી સંતવાણી/ગુરુનાં વચન ફળે


ગુરુનાં વચન ફળે

બૂડે બૂડે પાપ સંતો! ધરમ તરે
અગસર જાતાં ગુરુનાં વચન ફળે ગુરુજી…જી…જી
ગૌરીના નંદ ગણેશને મનાવો જી…જી
ગણેશ મનાવો રૂડાં કાજ સરે રે
સાંભળજો સતજુગના સાધુ રે જી
પાપ-ધરમને ઝઘડો લાગ્યો રે જી.
કાંટે કાઢો તો એની ખબરું પડે. — સાંભળજો.
સામે જરૂખે મારો સતગુરુ બેઠા રે જી…જી
ખરા ખોટાની વાલો ખબરું લિયે. — સાંભળજો.
પાપની વેલડી પરલે હોશે રે જી…જી
ધરમની વેલડી આપેં તરે રે. — સાંભળજો.
કાલર ખેતરમાં બીજ મત વાવો રે જી…જી
સભોમ વાવો તો રૂડાં સફળ ફળે રે. — સાંભળજો.
શંભુનો ચેલો પંડિત દેવાયત બોલ્યા રે
ગુરુને વચને ચેલા આપેં તરે રે. — સાંભળજો.

[દેવાયત]

અર્થ : અગસર એટલે આગળ જાતાં, અંતે તો, પાપ ડૂબે ને ધર્મ તરે, એ ગુરુવચન ફળવાનું છે. પાપ અને ધર્મ વચ્ચે કોણ વધુ તોલદાર છે એ તો એને તોલ પર ચડાવો (કાંટે કાઢો) તો તુરત ખબર પડે. સામે વ્યોમ ઝરૂખે સદ્ગુરુ બેઠા છે ને ખરાખોટાની ખબર લે છે. પાપની વેલીનો પ્રલય થશે. ધર્મની વેલડી તરશે. હે ભાઈઓ! ખરાબ જમીનમાં વાવેતર ન કરો. સારી ભૂમિમાં વાવો તો રૂડાં સુફળ ફળે.