સોરઠી સંતવાણી/જેને લાગ્યાં શબદુંનાં બાણ


જેને લાગ્યાં શબદુંનાં બાણ

શબ્દનાં, એટલે કે ભક્તિનાં બાણ જેને વાગ્યાં હોય તેની મનોવસ્થા કેવી બની જાય? રવિ સાહેબ નામના સંત કહે છે કે —
બાણ તો લાગ્યાં જેને
પ્રાણ રે વિંધાણા એનાં
નેણાંમાં ઘૂરે રે નિશાણ
જીવો જેને લાગ્યાં ભજનુંનાં બાણ,
જીવો જેને લાગ્યાં શબદુંનાં બાણ.
પરતિવંતા જેના પિયુ પરદેશમાં
એને કેમ રે જંપે વ્રેહની ઝાળ;
નાથ રે વિનાની એને નિંદરા નો આવે ત્યારે
સેજલડી સૂનકાર. — જીવો જેને.
હંસ રે સાયરિયાને સનેહ ઘણેરો રે
મીનથી વછોયા રે મેરાણ.
થોડા થોડા જળમાં એના પ્રાણ તો ઠેરાણા તે
પ્રીતું કરવાનાં પરમાણ. — જીવો જેને.
દીપક દેખીને અંગડાં મરોડે તો
પતંગિયાંનાં પરમાણ,
કે’ રવિસાબ સંતો ભાણને પરતાપે
સપના જેવો છે સંસાર. — જીવો જેને.

[રવિદાસ]