સોરઠી સંતવાણી/દાસી જીવણ

દાસી જીવણ

સૌરાષ્ટ્ર જેમ સમશેરવીરોની, વચનવીરોની, શિયળ-વીરોની, તેમ ભક્તવીરોની પણ ભૂમિ છે. એનાં નાનાં–મોટાં જીવન-ઝરણાં આખરે ભક્તિરસનાં મહાસાગરમાં જઈ ઠલવાય છે. દુન્યવી વીરત્વના તુમુલ ગડેટાડો અને તોફાનો પછી, સોરઠી જીવનના ગગનમાં અંતે ભક્તિસાહિત્યનું ઇંદ્રધનુ પથરાઈ રહ્યું છે. જેટલા જૂજવા એ મેઘધનુષ્યના રંગો, તેટલા જ જૂજવા એ ભજન-કાવ્યોના રસો છે. ભજનિકો ઘણા થયા : ગામડે ગામડે ને ન્યાતે થયા : અને નિરાળી પ્રકૃતિના થયા : કોઈ મસ્ત, કોઈ કરુણ, કોઈ વૈરાગી, તો કોઈ ઉપદેશ-પ્રેમી : એમ જૂજવે માર્ગે ફંટાયા. અને સેંકડોને હિસાબે એના ભજન-ઝરણાં રેલાયાં. એ લોકસાહિત્ય હજુ અણદીઠું, અણન્યાતે પ્રીછ્યું અને કદાચ અણગોઠ્યું પણ હશે. એના સંગ્રહો ભજનમંડળીઓના ઉપયોગ અર્થે કચરાપટ્ટી જેવા કોઈ કોઈ થયા છે. પણ તે ધડાબંધી નથી. એને કાવ્યરસની દૃષ્ટિએ તો ભાગ્યે જ કોઈ વિવેચકે તપાસેલ હશે. હવે એ તપાસનો સમય થઈ ગયો છે. એ અભણોની વાણીમાં પણ કાંઈક ગેબી તત્ત્વનું ચિંતન તરવરે છે. આ દુનિયાની સામે અનહદમાં નજર કરીને, જાણે એ પુરુષોની ઘેરી આંખોએ કાંઈ દીઠું લાગે છે. અને તેઓની આંખોના રંગો એનાં ભજનોમાં નીતર્યા હોવા જોઈએ. એ બધા જખમી પુરુષો હતા. એની વાણીમાં કોઈ અદૃશ્ય તીરનો ટંકારવ સંભળાય છે. ‘દાસી જીવણ’ની વાનગી લઈએ. ભીમો ગઢવી નામે ચારણ હતો. ગોંડળ દરબારની પાસે બિરદાવવા જતો હતો. ગોંડળી નદીમાં ભીમો ઘોડીને પાણી પાય છે : ઉપરવાટે એક તૂરી પણ પોતાની ઘોડીને ઘેરવા લાગ્યો. ભીમા ગઢવીએ હાકલ કરી : “એલા, કેવો છો?” “તૂરી છું.” “ત્યારે ઉપરવાટે કેમ પાણી પાઈ રહ્યો છે? દેખતો નથી, મને અભડાવી માર્યો!” “તું કેવો છો, ભા?” “ચારણ.” “એમાં અભડાવી શી રીતે માર્યો? જેમ રજપૂતોનો ચારણ, તેમ હું અછૂતોનો ચારણ છું.” લાલઘૂમ આંખો કરીને ભીમા ગઢવીએ ત્રાડ દીધી કે “રજપૂત ને અછૂત સરખા, એમ?” “સરખા નહીં ત્યારે બીજું શું? આવી જા, વાદ વદીએ.” “શું?” “જોઈએ, તને તારો રાજા વહેલો ઘોડો આપે છે કે મને મારા ઢેઢ યજમાનો વહેલો ઘોડો આપે છે?” “બહુ સારું. જો મારા પહેલાં તને તારા ઢેઢો ઘોડો આપે, તો મારે વટલીને ઢેઢ થઈ જવું.” હોડ વદીને બન્ને છૂટા પડ્યા. સાચેસાચ ઉમંગી અછૂતોએ પોતાના ચારણને તુર્ત જ ઘોડો દઈ દીધો. અને ભીમા ગઢવીને વાર લાગી. ભીમાએ પોતાનો પરાજય કબૂલી અંત્યજ-ઘરે જઈ પાણી પીધું. વટલાયો. અછૂતોએ એને એક સુંદર અછૂત કન્યા પરણાવી. એ ચારણ-ઢેઢના સંસારમાંથી જીવણદાસ કવિ સાંપડ્યા. કહે છે કે જીવણદાસ રાધાજીનો અવતાર હતા. એની ભજન-રચના અન્ય સહુથી જુદી તરી રહે તેવી છે. મીરાંએ સુખી ભાવે પ્રભુને ભજ્યા, ને જીવણે દાસીભાવે કોઈ વિજોગણ પ્રેમિકાના કરુણ સ્વરો પોતાનાં ભજનોમાં ઉતાર્યા. એનાં અઢીસો ભજનો અત્યારે ઉપલબ્ધ છે. બીજાં ઘણાં દટાયેલાં પડ્યાં હશે. એમાં એક ધારા વિયોગ-સ્વરની છે. ને બીજી ધારા અગમનાં દર્શન થયા પછીની મસ્તીથી ભરેલી છે. પોતાના પિતા ભીમને જ ગુરુપદે સ્થાપીને જીવણદાસે આ પદો રચ્યાં છે. કહેવાય છે કે ગૌરવરણા નમણા ભજનિકની ઘાયલ વાણી પર મુગ્ધ થઈ અનેક અછૂત કન્યાઓ એના પાણિગ્રહણની માગણી કરતી હતી. એ તમામને જીવણ ભક્ત કહેતા કે “સુખેથી પધારો : આ શ્વેત વસ્ત્રો ને આ માળા. આવીને અહીં ભજનમંડળીમાં ઝૂકી જાઓ. મારા પ્રભુપ્રેમરસની ભાગીદાર બનો. ગાઓ ને ઝીલો. મારા ગૃહસંસારમાં અન્ય કશું પણ નથી રહ્યું.” એ કરાર પર પણ અનેક એની પત્નીઓ બનેલી. એમાંથી ફક્ત પ્રથમ જેની સાથે પરણ્યા, તે સિવાય અન્ય કોઈની સાથે જીવણને સ્થૂલ સંબંધ નહોતો. ‘દાસી જીવણ’ની તો અનેક મધુર પંક્તિઓ આપણા કાનમાં ગુંજે છે :

આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો,
મોરલો, મરત લોકમાં આવ્યો!
એ સ્નેહની આશ્ચર્ય-ઊર્મિ અથવા તો
અપરાધી જીવડો તારે આશરે આવ્યો ને
લાખો ગુના સામું જોઈશ મા.
જોશ મા રે જોશ મા
દાસીને તેડી રે જાજો તમારા દેશમાં.
એવી શરણાગતિની આજીજીઓ અને
દાસી જીવણ ભીમને ભાળી
વારણાં લીધાં વળી વળી
દાસીને દિવાળી રે.

એવી પ્રાપ્તિની લહેરો : ઇત્યાદિ કૈં કૈં સુખકર શબ્દ-રચનાઓ આપણને પરિચિત છે. એના સાચા ભાવો તો શબ્દો કરતાં સ્વરોમાં ઊતર્યા છે. શુષ્ક કાગળ ઉપર જડ શબ્દો પડ્યા છે. તે એકતારાના તારા પરથી ટપકતા સંજીવની સૂરોની સાથે ભળી જ્યારે જીવતા થાય અને કાળી ભમ્મર દાઢીવાળા કોઈ પરજિયા ચારણનું ગળું ગળતી રાતે જ્યારે પંચમ સ્વર પર ચડીને આંખડીઓને ઘેરી ઘેરી રંગતું રંગતું એ અક્કેક ચરણને પાંચ–પાંચ વાર ઊથલાવે, ત્યારે જ એવી કો ભાંગતી રાતની એકાન્તે જ ભજનનું સાહિત્ય માણી શકાય. તે માણ્યા વગર તો સમજી જ શી રીતે શકાય? છતાં નમૂના તરીકે ‘દાસી જીવણ’નાં બે ભજનો આપ્યાં છે૰ :

1

મારો જુગતો જીવણ, એ… હાલ્યો જાય રે
કામણિયા કોઈ કરી
મારો પ્રાણજીવન એ… હાલ્યો જાય રે
કામણિયાં કોઈ કરી.
જીવણ કે’ જાશો નૈ જાદવા
લળી લળી લાગું પાય
તમ વજોગે કરું વાલમા
મારા નેણાંમાં નીર નો માય રે
કામણિયાં કોઈ કરી. — મારો.
જીવણ કે’ પેટી વાળું પ્રેમની
તાણી ત્રટી નો જાય.
જળ સ્વરૂપી આવો જાદવા,
તમું આવ્યે અગનિ ઓલાય રે.
કામણિયાં કોઈ કરી. — મારો.
જીવણને પૂર્યા છે જેલમાં,
વળી અંધારી કોટડી માંય.
દાસી જીવણ સંતો ભીમનાં ચરણાં,
મારી બેલીડા પકડો બાંય રે.
કામણિયાં કોઈ કરી. — મારો.

2

મનાવીને મોલે લાવ રે,
મેરામને કોઈ મનાવો.
લલચાવીને મોલે લાવ રે,
મેરામને કોઈ મનાવો.
સોળ મજીઠી ચૂંદડી માંય કસુંબી રંગ,
ઓઢી પેરી અળગા રહો, અભડાશે મારાં અંગ રે
મેરામને કોઈ મનાવો. — મનાવીને.
રાધા હાલે તલખતાં નેણે નીર ન માય,
નંદબાવાનો બેટડો રીસાવીને ચાલ્યો જાય રે.
મેરામને કોઈ મનાવો. — મનાવીને.
જીવણ કે’ જુગદીશને, ક્યાં ગ્યા હજારુ હાથ
કાં તો ખજીને ખોટ્યું પડી, નિરધન થિયો
મારો નાથ રે.
મેરામને કોઈ મનાવો. — મનાવીને.
નથી ખજાને ખોટ્યું પડી, નથી નિરધન
થિયા દીનોનાથ,
સોળસેં ગોપીમાં રાસ રમ્યા, નીંદરે ઘેરાણઓ
મારો નાથ રે
મેરામને કોઈ મનાવો. — મનાવીને.
અરધી રાતનાં જગાડિયાં પ્રભુજી આવ્યા પાસ,
દાસી જીવણ ભજે ભીમને પૂરો અંતર કેરી
આસ રે
મેરામને કોઈ મનાવો. — મનાવીને.
[‘શારદા’, જુલાઈ 1927]