સોરઠી સંતવાણી/ભક્તિ ખાંડા કેરી ધાર


ભક્તિ ખાંડા કેરી ધાર

ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.

ભગતી છે ખાંડા કેરી ધાર જી
ભગતી છે ખાંડાની ધાર
તેમાં કોઈ વિરલા સમજે સાર. — ભગતી છે.
સમજ્યા ને નર થયા સુખિયા
ના’વ્યા ઉદર મોજાર એ;
સમજી બાળા વ્રજની જેણે
છોડ્યાં નિજ ભરથાર જી. — ભગતી છે.
પીપો સમજ્યો, સજનો સમજ્યો,
સમજી કુબજા નાર જી;
શવરી સમજી બોર લાવી,
આરોગ્યા કૌશલ્યાકુમાર. — ભગતી છે.
મળે નહીં આવો દેહ ઉત્તમ,
સંતો વારમવાર જી;
રાજ અમર કે’ એવા જન મારા
પ્રાણના આધાર. — ભગતી છે.

[રાજ અમર]