સોરઠી સંતવાણી/ભે ભાગી


ભે ભાગી

વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે,
સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે;
તેણે મારી ભે ભાગી ભે ભાગી.
સતગુરુએ મને શબદ સુણાવ્યો,
રણંકાર રઢ લાગી;
તખત ત્રિવેણીના તીર ઉપર,
મોહન મોરલી વાગી રે. — તેણે મારી.
ઘણા દિવસ મન મસ્તાનું ફરતું,
દિલડે ન જોયું જાગી;
પુરુષ મળ્યા મને અખર અજિતા,
ત્યારે સુરતા સૂનમાં લાગી રે. — તેણે મારી.
દયા કરીને મન ડોલતું રાખ્યું,
તૃષ્ણા મેલાવી ત્યાગી;
સતગુરુ આગળ શિષ નમાવ્યું,
ત્યારે બાવડી પકડી આગી રે. — તેણે મારી.
સતગુરુએ મને કરુણા કીધી,
અંતર પ્રેમ પ્રકાશી;
દાસ હોથી ને ગુરુ મોરાર મળિયા,
ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે. — તેણે મારી.

[હોથી]

અર્થ : મારી વૃત્તિ અને સુરતા (ચિત્તવૃત્તિ) સંતચરણમાં લાગી તેથી મારી ભીતિ ભાંગી ગઈ છે. સતગુરુએ જ્ઞાનનો ‘શબ્દ’ સંભળાવ્યો, એના રણકારની મને લગની લાગી. ત્રણ પ્રાણનાડીઓ જ્યાં મળે છે તે શરીરના મર્મસ્થળ પર જાણે કે આ ગુરુ-શબદ વડે આધ્યાત્મિક આનંદની મોહક મોરલી બજી રહી; ને મારો ભય ભાગી ગયો. ઘણા દિવસથી મદોન્મત્ત ફરતું મન જાગ્રત બનીને જોતું નહોતું, પણ જ્યારે મને અક્ષર અને અજિત પુરુષ ભેટ્યા ત્યારે મારી સુરતા (દૃષ્ટિ) ચિદાકાશમાં લાગી ગઈ. ભીતિ ભાગી ગઈ. એ પુરુષે મારું દિલ ડગમગતું રોકી દીધું. તૃષ્ણા છોડાવી. મેં માથું નમાવ્યું. ગુરુએ બાંય પકડી લીધી. ગુરુએ અંતરમાં પ્રેમનો પ્રકાશ કર્યો. મારે તો જન્મમરણનો ફાંસલો તૂટ્યો.