સોરઠી સંતો/દાના ભગત

દાના ભગત

પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એક વાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતો. દુખિયાં, અપંગ, આંધળાં, વાંઝિયાં, તમામ આવીને એની દુવા માગતાં. એમાં એક કાઠિયાણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો અને આપાની પાસે આવી ઊભી રહી. ભગતે બેઠેલાઓને પૂછ્યું : “આ બોન કોણ છે, ભાઈ?” “બાપુ, કાળા ખાચરને ઘેરથી આઈ છે. કાળો ખાચર દેવ થઈ ગયા છે, ને સત્તર વરસ થયાં આઈ આ છોકરાને ઉછેરે છે.” “તે દીકરાને દોરે છે કાં?” “બાપુ, છોકરાને બેય આંખે જનમથી અંધાપો છે.” “છોકરાનું નામ?” “નામ દાનો.” “આંહીં આવ, બાપ દાના ખાચર, તારી આંખ્યું જોઉં, બાપ!” દાનો થડમાં આવ્યો. પડખામાં બેસીને ભગતે આંખો તપાસી. પછી નાનું છોકરું દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા : “બાપ દાના! આટલાં વરસથી ઢોંગ કરીને બિચારી રંડવાળ માને શીદ સંતાપી? તારી આંખ્યુંનાં રતન તો આબાદ છે, ભાઈ! તું આંધળો શેનો? દલ્લીમાં ઘોડાં દોડતાં હોય ઇ યે તું ભાળછ. તારી નજરું તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉઘાડ, બાપ! તારે તો હજી કંઈકને દુનિયામાં દેખતાં કરવાનાં છે, ઇ કાં ભૂલી જા?” દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના પડદા ઊંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠું. આંખમાં જ્યોત રમવા લાગી. માતા સામે, સગાંવહાલાં સામે ચારે કોર નજર ફેરવી. ત્યાં ભગત બોલ્યા : “બાપ, ઊંચે ઈશ્વર સામું જોયું?”

દાનાએ ગગનમાં નજર માંડી. ઈશ્વર પ્રત્યે હાથ જોડ્યા. બાવીસ વરસનાં ભરજોબન અને સંસારનાં સુખ માણવાની લાલસા, માની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવ, બધુંય સર્પની કાંચળીની માફક, પલવારમાં અંગ ઉપરથી ઊતરી ગયાં; દાનાના મુખમંડળ ઉપર ભગવા રંગની ભભક ઊઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું કે, “બાપુ! હવે મારે ઘેર નથી જાવું. તમારી સાથે જ આવવું છે.” “માડી! એક વાર તો હાલ્ય, તારાં લૂગડાં બાંધી દઉં.” બેબાકળી માતાએ દીકરાને બોલાવ્યો. “હા હા, બાપ દાના! ઘેર જઈ આવ, પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે.” “બાપુ! મા! મારું ઘર મેં ગોતી લીધું છે. હવે મારે કાંઈ પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેર જ જાવાનું પરિયાણ છે.” માની આંખમાંથી દડ દડ પાણી પડવા માંડ્યાં. જાદરા ભગતે માને કહ્યું : “આઈ! આંસુ પાડછ! કાઠિયાણી થઈને? એકાદ સાંતી જમીનનાં ઢેફાં સારુ તારો દીકરો ધિંગાણે કામ આવત, તે વખતે તું આંસુ ન પાડત, અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઈ રહી છો, મા? છાની રે’.”

જુવાન દાનાએ ભગવાં પહેર્યાં. ગુરુની આજ્ઞા મળી કે, ‘બાપ! કામધેનુની ચાકરી કરવા મંડી જા.” આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો. મધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ભમી ભમીને કૂણાં ઘાટાં ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુઓને દોવે છે. ગમાણમાંથી વાસીદાં વાળી, છાણના સૂંડા માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે. વળી પાછો ગાયો ઘોળીને સીમમાં કોઈએ ન દીઠાં હોય એવાં ખડનાં સ્થળો ઉપર જઈ પહોંચે છે. પાણીના મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી, વડલાની ઘટા હેઠે બેસાડી, કોઈનાં ગળાં ખજવાળતો, કોઈની રૂંવાડીમાંથી ઝીણી ઇતરડીઓ કાઢતો, કોઈની બગાંઓ પકડતો, કોઈના કંઠે બાંધવા માટે ફૂમકાં ગૂંથતો, અને કોઈની ખરીએ ને શીંગડીએ એરડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો; નેત્રો ઘેઘૂર બની જતાં અને ગળું ગુંજવા લાગતું કે — 

આજે ગગન લહેરું આવે રે, ઝીણાં ઝીણાં મોતીડાં અઝર ઝરે રે. ગુરુ જાદરા ભગતે સમાત લીધી અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાનાં દર્શન માટે જુવાન દાનો ધેનુઓનું ધણ ઘોળીને થાનથી ચાલી નીકળ્યો. આવીને એણે ગીરકાંઠાના કાઠિયાઈ ગામ ગરમલીની સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીઓને (ગાયોને) તુલસીશ્યામ તરફ ઘોળી ગીરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયેલું, સજીવન ઝરણાંથી શોભતું, તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુ-ધામ હતું; પરંતુ આપા દાનાનો જીવ ત્યાં ન ઠર્યો. ત્યાંથી નીકળીને જેનગર ગામમાં પહોંચ્યા. ટીંબો સજીવન દીઠો. ગામના ગોવાળોને પૂછ્યું : “ભાઈ રાયકા, આંહીં રહું?” “રો’ને ભા! અમારે ક્યાં ખડ વાઢીને ખવડાવવું પડે છે?” ગોવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠ્યો. ભગત ગાયો ચારવા લાગ્યા. એક દિવસ પ્રભાતે ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઊભા છે. જાણે કોઈનું છોકરું મરી ગયેલું હોય, એવા અફસોસમાં સહુ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઊભા છે. અંદરોઅંદર વાતો થાય છે કે ‘કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી?’ ‘માતાજીયુંને વિશરામ લેવાની શીળી છાંયડી ખંડિત થઈ ગઈ.’ ‘અને પંખીડાંનાં લીલાં બેસણાં તૂટ્યાં.’ પીપળો તો પાદરનું રૂપ હતો. એની ડાળ માથે ઘા પડ્યો, એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો.

આમ અફસોસ થઈ રહ્યો છે, ત્યાં આપો દાનો આવી પહોંચ્યા. પીપળો વાઢવાની વાત એને પણ કહેવામાં આવી. “ભણેં બાપ રાયકાઓ!” આપો બોલ્યા, “યામાં કાણું થઈ ગો? ડાળ્યને ભોંમાં વાવુ દ્યો ને! એકને સાટે બે પીપળા થાહે!” “અરે આપા!” માલધારીઓ હસવા લાગ્યા, “પીપર, વડલો કે આંબો સંધાયની ડાળ્ય વાવીએ તો ઊગે, પણ કોઈ પીપળાની ડાળ્ય તે ફરી વાર ચોંટે, ભગત!” “કાણા સાટુ નૉ ચોંટે, બાપ? સંધાય જેમ પીપળાની ડાળ્ય સોત ઊગે! ઠાકરને ઘરે ઇમાં ભેદ હોવે નહીં, માટે ઠાકરનો નામ લઉને વાવુ દ્યો, ભા! હાલો, ખોદો ખાડો.” ખાડો ખોદાયો. તેમાં ભગતે ડાળ રોપી. ઉપર ધૂળ વાળી ખામણું કરીને દરરોજ પોતે જ પાણી સીંચવા લાગ્યા. દિવસ જતાં ઝપાટાભેર ડાળ કોળી, પાંદડાંની ઘટા બંધાઈ ગઈ. ચળકતાં પાંદડાં ચંદ્ર–સૂરજનાં તેજ ઝીલીને રાતદિવસ હસવા લાગ્યાં. ડાળે પંખીડે માળા નાખ્યા.

જેનગર છોડ્યું. ફરી વાર ગાયો ઘોળીને ગરમલી આવ્યા. બપોરને ટાણે સૂરજ ધખ્યો છે. ગોંદરે ઝાડવાને છાંયે પોતે ગાના ડિલનો તકિયો કરીને બેઠા છે. ત્યાં સામે એક કણબીની છોકરીને દેખી. છોકરીએ માથા પર મોશલો ઓઢેલો છે. દાંત ભીંસીને બે હાથે માથું ખજવાળે છે. માથામાં કાળી લા’ લાગી હોય તેમ ચીસેચીસો પાડે છે. છોકરીથી ક્યાંયે રહેવાતું નથી. જુવાન દાનો ઊઠીને એની પાસે ગયો, પૂછ્યું : “ભણેં બાપ! કેવા સારુ રાડ્યું પાડતી સૉ?” પણ જવાબ આપવાનો સમય છોકરીને ન હતો. એ તો માથું ઢસડતી જ રહી. “માથામાં કાણું થ્યો છે, બાપ! મુહેં જોવા તો દે!” એટલું બોલીને એણે છોકરીના માથા પરથી કૂંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઊંદરડીથી ગદગદી ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસપરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામનિશાન પણ નથી રહ્યું. આપા દાનાનું અંતર આ નાની દીકરીનું દુઃખ દેખીને ઓગળી ગયું. એને એકેય દવા આવડતી ન હતી. દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો કરુણ એ દેખાવ હતો. “ઠાકર! ઠાકર! દીકરીની જાત્યને આવડો દઃખ!” એટલું બોલીને એણે છોડીનું માથું ઝાલી લીધું. હાથ પકડી લીધા, અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાટ્યું; એક વાર, બે વાર ને ત્રણ વાર ચાટ્યું. છોડીને માથામાં જાણે ઊંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતાં જ ગૂમડાંનાં ભીંગડાં ટપોટપ નીચે ખરી પડ્યાં. અને થોડા દિવસમાં તો એ ફૂલસરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફૂટી નીકળ્યા. છોડીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મોં સામે મીટ માંડી રહી. ભગતનાં નેત્રોમાંથી દયાની અમૃતધારાઓ વરસી રહી છે. લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખોળામાં પડીને પૂછે છે : “હેં બાપુ! ઓલી મારા માથાની ઊંદરી ક્યાં ગઈ?” “બેટા, ઇ તો હું ખાઈ ગો!” એમ કહીને ભોળિયો ભગત દાંત કાઢે છે.

‘ગાયુંની તો ચાકરી કરી રહ્યો છું. પણ ગરીબગુરબાં ને સાધુસંત મારે આંગણેથી અન્નજળ વિના જાય છે. ઠાકર ઇ કેમ ખમશે?’ ભગતે સદાવ્રત કર્યું. દાણાની ટહેલ નાખીને અનાજ ભેળું કરવા માંડ્યું. ગામલોકોએ દળી-ભરડી દેવાનું માથે લીધું. ગરીબગુરબાં, લૂલાં, પાંગળાં, ઘરડાં, બુઢ્ઢાં, તેમ જ મુસાફર સાધુબાવાઓને દાળ-રોટલા આપવા લાગ્યા. એક પણ અન્નનું ક્ષુધાર્થી ભૂખ્યે પેટે પાછું જતું નથી. આપા દાનાનો રોટલો મુલકમાં છતો થવા લાગ્યો. એમાં દુકાળ ફાટી નીકળ્યો. ‘અનાજ! અનાજ!’ પોકારતો આખો દેશ હલક્યો. દાના ભગતને દ્વારે રાંધણાનો પાર ન રહ્યો. દાળનાં મોટાં રંઘાડાં ને રોટલાની વીસ–વીસ તાવડી ચાલવા લાગ્યાં. અનાજનાં ગાડાં આવી આવીને આપા દાનાની કોઠીઓમાં ઠલવાય છે. પણ કોઈને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે. દેનાર તો ન થાક્યાં, પણ દળનાર–ભરડનાર ગામલોકો ગળે આવી ગયાં. ગામને બહુ ભીંસ પડવાથી લોકો બોલ્યાં કે, “બાપુ! ફક્ત બામણ સાધુને રોટલા આપો, બીજાં કોઈને નહીં. નીકર અમે પોગી નહીં શકીએ.” “અરે ભણેં બાપ!” ઓશિયાળા થઈને આપા દાના બોલ્યા, “હવે તમારે ગામને દળવોય નહીં ને ભરડવોય નહીં. લ્યો આ પાંચ કોરી. એના ચોખા લાવો ને ગળ લાવો. આ માતાજીયું મળે છે તે માથે છાંટો ઘી દેશું. એટલે તમારે મારો હડચો ખમવો નહીં, ઠીક બાપ!” દાળ–રોટલાને બદલે ગોળ, ચોખા ને ઘીનું સદાવ્રત વહેતું થયું. ચોખાનાં છાલકાં બહારથી આવતાં થયાં. ઠાકરે પાંચ કોરીના ચોખા–ગોળમાં અખૂટ અમી સીંચી દીધાં. કોઈ દિવસ તૂટ આવી નહીં કેમ કે ભગતની આસ્થા કદીયે ડગી નહીં. ગરમલીથી ચાલીને એક દિવસ આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ–ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું.

પોતાની ગાયો હાંકીને દાનો ભગત ગીરમાં સિધાવ્યા છે. એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણિયા મલકમાં ઊતરી. માણસોએ બોકાસાં દીધાં : “બાપુ, પાણીની જોગવાઈ આટલામાં ક્યાંયે નથી.” “ભણેં લ્યો બાપ! હું મોંગળ જઈને પાણીની તપાસ કરાં.” આટલું બોલીને ભગત આગળ ચાલી નીકળ્યા; ગીરમાં દેવળા નામનું ગામ છે, તેની સીમમાં આવ્યા. જુએ તો ત્યાં દુકાળની મારી બે-ત્રણ હજાર ગાયો દેશાવરથી ગીરમાં જવા ઊતરી પડેલી છે. ખદબદ ખદબદ થાતી એટલી ગાયો પાણી વિના ટળવળે છે પણ ગામમાં એવો મોટો પિયાવો નથી. ગાયોની શી ગતિ થશે એવા ઉચાટ કરતા ગામલોકો પાદરમાં ઊભા છે. આટલી ગાયો આપણે ટીંબે પાણી વિના પ્રાણ છાંડશે તો આપણે ઉજ્જડ થઈ જાશું, એવી બીકે ગામની વસ્તી ગાયોનાં ભાંભરડાં દેતાં ઓશિયાળાં મોં સામે જોઈ રહી છે. ત્યાં બૂમ પડી : “એ આપો દાનો દેખાય.” ભગત આવી પહોંચ્યા. ગામલોકોએ કહ્યું : “બાપુ! આમ જુઓ.” “કાં બાપ! આ કાણું?” “બાપુ! નવ લાખ ગાયું!” “હોહોહો! નવ લાખ માતાજીયું! ભણેં તવ્ય તો આ ગોકળિયું ભણાય. આ તો નંદજીનો ગામ ગોકળ! વાહ! વાહ! આ તો મોટી જાત્રા ભણાય.” “અરે બાપુ! નવેય લાખ આંહીં જ ઢળી પડશે. આંહીં પાણી ન મળે.” “પાણી ન મળે? ઇ તે કે દી હોવે, બા? માતાજીને પુન્યપરતાપે ઠાકર પાણી મોકલ્યા વિના રે’ ખરો? ધરતી માતા તો સદાય અમીએ ભરી છે. કૂંડું ભણો મા.” એટલું બોલીને ભગતે ચારેય બાજુએ નજર કરી. અને એણે એક નાનો વોંકળો દીઠો. “એ લ્યો બાપ! ભણેં આ રહી નદી! આસે તો નકરો પાણી જ ભર્યો છે ને શું!” “અરે બાપુ! ઇ તો ખોટું નેરડું. નકરી વેળુ. સાત માથોડેય પાણીનો છાંટો ન મળે.” “ના બાપુ, ઇમું ભણો મા. મંડો ખોદવા, ગુપત ગંગા હાલી જાતી સૅ. હાં માળા બાપ! સહુ સંપીને ઉદ્યમ માંડો, એટલે ઠાકરને પાણી દીધા વન્યા છૂટકો જ નહીં. રોતલને કે દાળદરીને કાંઈ ઠાકર દેતો હોશે, બાપ?” પોતે હાથ વતી વેકરો ખોદવા લાગ્યા, હસતા હસતા ગામલોકો પણ મદદે વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકૂરની મોટી પાળ ચડી. “એ જુઓ બાપ! લીલો કળાણો.” ભીનો વેકરો આવ્યો. કમર કમર જેટલું ખોદાણકામ થયું. અને પાણી તબક્યું. “હવે ખસું જાવ બાપ! અને માતાજીયુંને વાંભ કરુને બોલાવો. હવે ઠાકર પાણી નૈ દ્યે ને કિસે જાસે?” આંહીં ગાયોને વાંભ દીધી, ને ત્યાં જાણે પાતાળ ફૂટ્યું. છાતી સમાણો વીરડો મીઠે પાણીએ છલકાઈ ગયો. પાણીનું વહેણ બંધાઈ ગયું અને તરસે આંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી. ગાયોનાં શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા ભગત કહેવા લાગ્યા : “ભણેં માવડીઉં! કામધેનુ! આ તમારા પરતાપે પાણી નીકળ્યાં. જમનાજી છલક્યાં. પીવો, ખૂબ પીવો!” આજે પણ ‘નવલખો વીરડો’ નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે. એને લોકો ‘આપા દાનાનો વીરડો’ પણ કહે છે. થોડાં વર્ષો પર કોઈ ખેડૂતે ત્યાં વાવેતર કરી, એ વીરડાનું પાણી વાળ્યું. એટલે લાખો પશુઓની તરસ છીપાવતાં એ અખૂટ પાણી થોડા દિવસમાં જ ખૂટી ગયાં. વાવેતર બંધ થયું, એટલે ફરી વાર વીરડો ચાલુ થયો.

ભાવનગરથી ગધેડાં ઉપર ચોખાનાં છાલકાં ભરાવીને ભગત ચલાળા તરફ ચાલ્યા આવે છે. પોતે ઘોડી પર છે, અને ગધેડાંને જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર–વૈશાખના બપોર ચડ્યા છે. ઊની લૂ વાય છે. બરાબર પાડરશીંગાની સીમમાં આવતાં માર્ગે એક વાડીના ધોરિયામાં ગધેડાં પાણી પીવા ચડ્યાં. વાડીનાં અખૂટ પાણી વહ્યાં આવે છે, અને ઉપર સામટા સાત કોસ જૂત્યા છે. સિત્તેર–એંશી વીઘામાં ઉનાળાનો ચાસટિયો ઊભો ઊભો અખંડ પાણી પી રહ્યો છે. આમ છતાંય ગધેડાં જ્યાં ધોરિયામાં મોં નાખવા જાય છે ત્યાં તો વાડીમાંથી ચહકા થયા, સાતેય કોશિયાએ કોસ ઊભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી. ગાળોની ત્રમઝટ બોલાવતાં ગધેડાંનાં મોં ઉપર પરોણાની પ્રાછટ દીધી. “અરે ભણેં બાપ!” દાનો ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, “બાપડાં પશુડાં તરસ્યાં છે, યાને પાણી પીવા દ્યો ને! કાણાં સારુ મારતા સૉ?” “મારે નહીં ત્યારે શું ચાટે? કાંઈ તારાં ગધેડાંને પાણી પીવા સાટુ કોસ જોડ્યા છે? કાળ વરસનું પાણી ક્યાં વધારાનું છે?” “અરે ભણેં બાપ! પાણીનો તૂટો કેવાનો? આ સાત કોસ વહેતા સૅ ને!” “તે તારા જેવા મફતિયા સાટુ કોસ નથી જોડ્યા, બાવા! હાલ્યો જા છાનોમુનો. પાણી નહીં પાવા દઈએ.” “અને ભણેં ભાઈ! ઠાકરની પાસે તો સંધાય જીવડા સરખા. ઠાકરે તમુંહેં પાતાળ-પાણી દીનો સૅ! શીદ આ ગભરુના નિસાસા લેતા સૉ! પીવા દ્યો, પીવા દ્યો, ઠાકર તમુંહે ઝાઝો પાણી આપશે.” “હવે હાલ્યો જા ઠાકરના દીકરા! પાણી નથી કૂવામાં.” ‘પાણી નથી!’ એટલો શબ્દ જ્યારે પાંચ વાર બોલાયો, ભગતના કાલાવાલા એળે ગયા, અને તરસ્યાં ગધેડાંનાં મોં પર લાકડીઓનો માર જોઈ ન શકાયો, ત્યારે દુભાઈને ભગત એટલું જ બોલ્યા કે, “ભણેં ભાઈ, હાંકો ગધેડાંને. યાના કૂવામાં પાણી નસેં. હાંકો, મોંગળ આ સાતકોસી વાડી રહી. ઇસે પાશું!” “હા હા! જા પડ્ય, ઇ સાતકોહી વાડીમાં!” એમ બોલીને કણબીઓએ હાંસી કરી. ભગત આગળ ચાલ્યા. પોતે જેની સામે આંગળી ચીંધાડીને બતાવી તે વાડી સાતકોસી તો નહોતી, પણ એકકોસીયે નહોતી. વીસ-પચીસ ક્યારામાં ચાસટિયો કરીને એક ગરીબ ખેડૂત પોતાના ડૂકેલા બળદથી એક કોસ ચલાવે છે. દસ ક્યારા પીવે ત્યાં કૂવાનું તળિયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો ત્યારે ઘણી વારે કોસ બૂડવા જેટલું પાણી ભરાય છે. એવી હાલતવાળા કૂવા પર જઈને ભગતે સાદ કર્યો : “ભણેં બાપ જોગીડાઓ! ગધેડાંહીં આંસે આણો. આ સાતકોસીના ધોરિયામાં પાણી પાવ! હાં બાપ પટલ! કોસ કાઢવા મંડ્ય. તરસ્યાં જીવડાં પાણી પીને તોહેં દુવા દેશે.” દુઃખી કણબી બોલ્યો : “પણ બાપા! કોસ પૂરો બૂડતોયે નથી, શી રીતે કાઢું?” “ભણેં બાપ! યામાં તો સેંજળ શેત્રુંજી હાલી જાતી સૅ. તું તારે કાઢવા મંડ્ય. તરસ્યાં જીવડાંની દુવાથી પાણી આવશે.” કણબીએ કોસ જોડ્યો. ગધેડાં પાણી પીવા લાગ્યાં. પહેલો કોસ, અને બીજે કોસે તો બળદને અને થાળાને એક હાથનું છેટું ઓછું થયું. ત્રીજો, ચોથો ને પાંચમો કોસ નીકળે, ત્યાં તો કૂવો અરધે સુધી ભરાયો. આંહીં ગધેડાં ધરાયાં, ત્યાં કૂવો છલકાયો. “જો ભણેં પટલ! હું નો’તો ભણતો કે ગભરુ જીવડાંની દુવાએં કરીને સારો થાય? જો, વાડમાં પાણી વધુ ગો. આ કે’ની વાડી છે?” “બાપા! આ વાડી ગોરખા ખુમાણની.” “અને ઓલી?” “વીસામણ ખુમાણની.” “અરેરે! વીસામણની વાડીમાં પાણી ન મળે, કાણું કરવો?” ગોરખા ખુમાણનો ખોટો કૂવો જે વખતે સાતકોસી વાડી બને એટલો છલકાઈ ઊઠ્યો, તે વખતે પેલી સાતકોસી વાડીને તળિયે સાતેય કોસ લાંબા થઈને સૂઈ ગયા. સાત દુકાળે પણ અખૂટ રહે તેવાં એનાં નીર શોષાવા લાગ્યાં. કોસ પછડાય છે એવું લાગતાં કોસિયો વાડીમાં નજર કરવા ગયો. જુએ છે તો કૂવાના ડારની અંદર થઈને તમામ પાણી પાતાળમાં ચાલ્યું જાય છે. ખેડૂતો ગામમાં દોડ્યા. પોતાના જમીનદાર વીસામણ ખુમાણ પાસે જઈ ચીસ પાડી : “હે બાપુ! વાડીમાં છાંટોય પાણી ન મળે!” “શું થયું?” “કોક કાઠી આવ્યો’તો, અમે એનાં ગધેડાંને પાણી પીવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં પાણી છલકાય છે.” વીસામણ ખુમાણે તપાસ કરી. ખબર પડી કે એ કાઠી તો આપો દાનો. આપો દાનો ગામમાં રાત રહ્યા છે. વીસામણે આપાને પગે જઈ હાથ નાખ્યા : પોકાર કર્યો કે “આપા! તમારી ગા! મારી સાતકોસી ઉપર કાળો કેર ગુજર્યો. મારાં છોકરાં રઝળ્યાં.” “ભણેં બાપ વીસામણ! હું કાણું કરાં? ઇ કૂવો જ ખોટો છે.” આજ પણ એ સાતકોસી વાડીનો ગંજાવર કૂવો ભાડ થઈને જ પડ્યો છે. અને ગોરખા ખુમાણની વાડી સાતકોસી બની છે.

“ભણેં ગોર! હવે આ બેય રાજગર છોરડા મોટા થઈ ગા! અને હવે આને નાતમાં લઈ લો તો માળે માથેથો ભાર ઊતરે. નીકર બચાડા છોરડાને કોઈ દીકરી નૈ દ્યે.” “પણ બાપુ! જગ્યાનો રોટલો ખાઈને ઈ તો વટલ્યા કહેવાય.” “ના, ના, ભણેં બાપ! મેં યાની દેહ નસેં વટલાવી. હિંદુસ્તાની સાધુને બામણિયે રસોડે જ યાને અમે જમાડતા. હું ઠાકરની સાખે ભણતો સાં.” “ઠીક ભગત! જોશું.” “અને વળી જરૂર હોવે તો હું તમાળી નાત્યને જમાડાં.” “ના બાપુ! ઇ દાખડો રે’વા દ્યો. આંહીં દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાત્ય કારજ માથે ભેળી થશે. ત્યાં તમે છોકરાને લઈ આવજો.” પાંચ–સાત વર્ષના બે રાજગર છોકરાઓ હતા. મા-બાપ મરી ગયાં છે. ગાયો મંકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને નાત્યના કોઈ માણસે સંઘર્યા નહીં. એ નિરાધારોને આપા દાનાને આંગણે આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી છોકરાંઓને ચોખ્ખે રસોડે જ જમાડી. પેટનાં બચ્ચાંની માફક મોટા કર્યા. છોકરા ઉમ્મરલાયક થવાથી હવે આપાએ એમને ન્યાતમાં લેવરાવવા મહેનત માંડી. કારજ ટાણે પોતે દેવળા ગામે ગયા. જઈને રાજગર જ્ઞાતિના પટેલિયાઓને હાથ જોડી અરજ કરી કે, “બાપુ! હવે યાને નાત્યગંગામાં નવરાવું લ્યો.” “ભલે બાપ!” એટલું કહી બન્ને છોકરાઓને જમણમાં જમવા લઈ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે, “બાપુ! અમને તો નોખા બેસાડીને જમાડ્યા.” ભગતે ફરી વાર ન્યાત પટેલિયાને તેડાવીને વિનંતી કરી. દુત્તા પટેલો બોલ્યા : “ના, ના, બાપુ! છોકરાઓને તો વહેમ છે. અમે તો એને ભેળા જ બેસાર્યા’તા.” “તવ્ય બાપ! હું ભણાં ઇ કરો! તમમાં મોટેરા હો ઈ યાની થાળીમાં જ જમુ લ્યો.” ‘થાળીમાં ભેળા બેસીને જમી લ્યો!’ એ વેણ સાંભળતાં જ આગેવાનો એકબીજા સામે જોવા લાગ્યા, ને છેવટે દંભનો અંતરપટ ઉઘાડીને બોલ્યા : “બાપુ! એમ તો નહીં બને. છોકરાઓએ જગ્યાના રોટલા ખાઈને કાયા અભડાવી છે. માટે ગંગાજી ના’વા ગયા વગર ઉપાય નથી.” “ભણેં બાપ! તવ્ય ઇ ચોખોચટ ભણું નાખો ને! ખુશીથી ગંગાજી નાઈ આવે. પછી કાંઈ?” “પછી કાંઈ નહીં.” જરા વિચાર કરીને ભગત બોલ્યા : “હે બાપ! ભણેં આ છોકરા બચારા ગરીબ છે. ગંગાજીએ પોગી ન શકે, એને સાટે ગંગાજી જ આસેં પધારુને યાને નવરાવે તો કેમ?” બાવાની બેવકૂફી ઉપર બધા રાજગર મરક મરક હસવા લાગ્યા; તમાશો જોવાની વૃત્તિથી બોલ્યા : “તો બહુ સારું.” “વાહ, વાહ! એલા કોઈ તાંસળી લાવજો તો!” ભગતે તાંસળી મંગાવી. ઊભા થયા. બે હાથમાં તાંસળી ઝાલીને આકાશ સન્મુખ ધરી રાખી. પોતે આભ સામી મીટ માંડીને બોલ્યા : “એ માડી! તું તો અધમોધારણ છો! આભ મેલુને ધરતીનાં મળ ધોવા આવી છો. તું તો ભણેં માવડી! ભગતુંની જીભને વશ છો. જો મા! આ બેય છોરડા પવિતર જ રહ્યા હોય, તો તો તું આવીને યાને નવરાવું જાજે. ઇ બચાડા તાળી પાસે પોગે એમ નસેં.” એટલું ઉચ્ચારીને ભગત ઊભા રહ્યા. સહુ જુએ છે તેમ તાંસળી છલકાણી. ઉપરથી નિર્મળાં નીરની ધારાઓ છૂટી. અને ભગતે છોકરાને બોલાવ્યા : “ભણેં છોરડાઓ! બાપ હાલો, બેય જણા નાઈ લ્યો.” છોકરા તરબોળ બની રહ્યા. તોપણ ધારા ચાલુ છે. ભગતે સાદ દીધો : “બાપ! બીજા જેને ના’વો હોઈ ઇ આવે!” બીજા ઘણાએ સ્નાન કર્યું. “હવે બાપ! ભણેં હવે તો છોકરાઓને નહીં તારવો ને?” “ના.” પણ રાજગર ન્યાત ન માની. એણે તો કહ્યું કે આપો તો કામણકૂટિયો છે. ઇથી કાંઈ ગંગાજી આંહીં આવી ગઈ? ઇ તો છોકરાઓએ ગંગાજીએ જઈ આવવું જ પડશે. તે દિવસે ન્યાતમાં છોકરાને તારવવામાં આવ્યા એ વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ‘ઠાકર! ઠાકર!’ એમ બોલીને ભગત નિઃશ્વાસ નાખ્યા. બપોર થયા ત્યાં તો બૂમાબૂમ ને દોડાદોડ થઈ પડી. રાજગરોએ આવી ભગતના પગ ઝાલી લીધા : “બાપુ! તમારી ગા! કોઈ રીતે ઉગારો!” “કાં બાપ! કાણું થ્યો!” “ન્યાતમાં જમનારા તમામને ઝાડો ને ઊલટી ચાલ્યાં છે. સૌનું મોત સામે આવી ઊભું છે. કોઈ રીતે ઉગારો!’ “ભણેં બાપ! હું કાણું કરાં! મેં કાંઈ મંતરદાણા છાંટ્યા નથી, મેં કાંઈ સરાપ નસેં દીનો, હું તો ગાયુંનો ગરીબ ટેલવો સાં, બાપ! માળો કાણું ઉપા?” “બાપુ! ઓલ્યા રાજગરના છોકરા….” “હા બાપ! મારી આંતરડી કોચવાણી છે. બાકી મેં કાણુંય કામણ કર્યો નથી. છોરડાની કદુવા લાગી હોય, તો ઇ જાણે ને તમે જાણો.” “બાપુ! તમે કહો એમ કરીએ.” “બાપુ! તો પછી ભણેં ઇ છોરડા રાંધે ને તમે સંધા જમો.” “ભલે બાપુ!” “ભણેં છોરડાઓ! તમે રાંધુ જાણો છો?” “બાપુ! અમને તો ચોખા રાંધતાં આવડે. બીજું કાંઈ નહીં.” છોકરાઓએ ભાત રાંધ્યા ને એ ભાતે આખી ન્યાત જમી.

સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. અંધારાં ઊતરવા લાગ્યાં છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડાખેડુ કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે. પણ ભારે વજનની ઘાંસી કેમેય ચડતી નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ આદમી આખરે અંધારું ઘોર થઈ ગયે થાક્યો, અને ઘાંસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડાનું ઠાઠું રાખ્યું, અને બીજી બાજુ પોતે કાંટામાં પોતાની કમર ભરાવી, જોર કરી, સાદ દીધો : “એ આપા દાના! ઘાંસી ચડાવજો!” જોર દીધું. ઘાંસી ચડી ગઈ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહીં. પોતે ગાડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાનો હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક આજ પણ રાતે એ ભગતના પગ ચાંપવા ચાલ્યો. “ભણેં બાપ દાના! મારા વાંસામાં બેક કાંટા છે તે કાઢુ નાખજે,” ભગત બોલ્યા. દીવો લઈને હજામ પોતાની નેરણી વતી કાંટા કાઢે છે, જુએ છે તો બે નહીં, પણ આખા વાંસામાં કાંટા હતા! “બાપુ! આટલા બધા કાંટા ક્યાં વાગ્યા?” “સીમમાં, ભાઈ!” “શી રીતે?” “તારી ઘાંસી ચડાવી ને, આ રીતે.” “બાપુ! તમે!” “હું કેમ ન હોઉં બાપ! તેં મને સંભારીને સાદ કર્યો; તું મારી રોજ ચાકરી કરનારો : ને હું તારું વેણ કોક દીયે ન રાખું, ભાઈ?” “બાપુ! મારી ભૂલ થઈ.” “કાંઈ વાંધો નહીં બાપ! સાધુનાં તો એ કામ છે.”

ચલાળા ગામમાં સોની ભાઈઓ અડોઅડ રહે છે. બન્નેના ઘર વચ્ચે એક જાળી છે. બન્નેને અદાવત છે. એક દિવસ એ બેમાંથી જે ગરીબડો ભાઈ હતો, તેનો ઘોડો ફળિયામાં બાંધ્યો, વચલી જાળીની સળિયા વાટે પોતાનું મોં નાંખી જીભ ફેરવતો હતો. જાળીમાં બેઠેલા દ્વેષીલા સોનીએ પોતાના પાડોશીને હાનિ પહોંચાડવાનો ભારી લાગ જોયો. ધારદાર હથિયાર લઈને ઘોડાની જીભ કાપી નાખી. ચાર આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જુદો થઈ જતાં તો લોહીલોહાણ ઘોડો જમીન પર પછડાટી ખાઈને તરફડવા લાગ્યો. વેદનાનો પાર ન રહ્યો. ઘોડાના માલિકનું આખું ઘર એ ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાડકવાયા ઘોડાને આવી કરપીણ રીતે તરફડી મરતો જોઈ ચોધાર આંસુ રોવા લાગ્યાં. છોકરાં ઘોડાને બાઝી પડ્યાં. ઘરનો માલિક ‘આપા દાના! આપા દાના!’ એવા જાપ જપવા લાગ્યો. નાનું-શું ગામ. તરત જગ્યામાં જાણ થઈ. ગામલોકોના દુઃખની જરાક પણ વાત જાણતાં દોડ્યા જનાર દાના ભગત જલદી સોનીને ઘેર પહોંચ્યા. ઘરનાં માણસો બાપુને દેખી પગે પડ્યાં : બોલ્યાં : “બાપુ, અમારાથી ઘોડાની પીડા જોવાતી નથી.” “અરેરે ભાઈ! આવો કાળો કામો કોણે કર્યો? બાપડા અબોલ પશુ ઉપર આ જુલમ! ભગવાન એનાં લેખાં લેશે, ભાઈ! પણ આ કટકો જીભની સાથે રેવી નો લેવાય?” “અરેરે બાપુ! સોનુંરૂપું રેવાય, પણ કાંઈ જીભ રેવાય?” “પણ કાણા સાટુ નો રેવાય? તું તો બાપ સોની છો. તાળો ઇ તો કસબ છે. ઝટ કર. ઘઉંનો લોટ પલાળું ને લાવો. તમારી ધમણી (ફૂંકણી) લાવો. લ્યો હું આ કટકા જીભ સાથે ઝાલી રાખું. અને તું બાપ! આ લોટનો રેણ દઉં દે. ચારે ફરતો લોટ ચોટાડું, સાંધો કરુ દે.” લોટ ચડાવ્યો. “લે બાપ! હવે આ ફૂંકણીથી ફૂંક તો! સાંધો મળુ જાશે. લે હું ફૂંકું!” પોતે ફૂંકવા માંડ્યું અને પછી સોની પાસે ફૂંકાવ્યું. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી જાય એવો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઊભો થઈને હણહણ્યો. ભગતના હાથપગ ચાટ્યા. છોકરાં ઘોડાની ડોકે બાઝી પડ્યાં. ઘડી પહેલાં કળેળાટ અને કાળો બોકાસો પાડનારાં માણસોને આનંદનાં આંસુડે ભીંજતાં ભાળી પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા. પોતાના ચરણમાં પડનારા એ સોનીને કહ્યું : “ભણેં બાપ! માળે પગે હાથ શીદ નાખતો સૉ? મેં કાણું કર્યો છે? ઇ તો તાળો હાથકસબ અને ઠાકરની દુવા : બેથી જ બન્યું છે ભા!”

કાઠીઓના તરફ ભગતનું અંતર કોચવાયું હતું. એક દિવસ જેતપુરનો જેતાણી દાયરો કુંડલા ખુમાણોની પાસે જાય છે. રસ્તે ચલાળામાં દરબાર ભોકા વાળાને ઘેર ઉતારા કરે છે. પંદર દિવસ સુધી ચલાળાની પરોણાચાકરી માણીને મહેમાનો કુંડલા ભણી ચાલ્યા. શેલ નદીને કાંઠે આવતાં સહુને વિચાર ઊપડ્યો કે કુંડલા જઈને કસુંબા પાણી શેના કાઢશું? ખરચી હતી તે તો ચલાળે કસુંબામાં ખૂટી ગઈ હતી.

“ભણેં હાલો પાછા! ચલાળું ભાંગીએ. ત્યાં કણબણોના પગમાં કાંબીકડલાં પણ ઠણકે છે.” દુષ્ટ કાઠીઓએ પાછા આવીને લૂંટ આદરી, ઘણું લીધું, પણ ત્યાં તો ઘણી વસ્તી પોતાની માલમત્યા લઈને આપા દાનાની જગ્યામાં પેસી ગઈ. માન્યું કે કાઠીઓ જગ્યાને માથે નહીં આવે. ત્યાં તો લૂંટારાઓનું ધ્યાન ખેંચાયું. “એલા! સંધી વસ્તી માયા ઉપાડીને ક્યાં ગઈ?” “ગઈ હશે જગ્યામાં.” “હાલો લૂંટો જગ્યાને.” કાઠીઓ જગ્યામાં પેઠા. એમણે મરજાદ મેલી. ઠાકરના ઘરની એબ લીધી. દોડીને આપો દાનો આડા ઊભા રહ્યા, કહ્યું : “ભણેં બાપ! ગામને લૂંટ્યું ઇથી ધરાણા નથી, તે હવે ઠાકરની મરજાદ લોપવા આવ્યા છો? અને ભૂલી ન જાવ, કે હું કાઠીભગત છું.” કાઠી ન માન્યા. લૂંટ આદરી. એ ક્રૂરતા ભાળીને ભગતે ગાયની માફક આકાશ સામે જોઈ ભાંભરડા લીધા. એના મુખમાંથી ધા નીકળી કે ‘કાઠી સહુ પોઠી બનશે!’ : કાઠીઓ કેવળ વેઠિયા બની જશે! (આજે કાઠીની એ જ દશા થઈ દેખાય છે.) કાઠીની ફોજમાં મીરાંજી ધંધુકિયો હતો, એને નાહવું હતું. જોરાવરીથી જગ્યાના સાધુને હુકમ કર્યો : “મને સીંચીને નવરાવ.” ત્યાં ભગત દોડ્યા : “એ બાપ! ભણેં સાધુહીં સંતાપવો રે’વા દે. હું નવરાવાં, હાલ્ય બાપ!” કૂવાની પાળે મીરાંજી ધંધુકિયો નાહવા બેઠો, ભગતે ડોલ સીંચી સીંચીને મીરાંજીના માથા પર પાણી રેડ્યું, રેડતાં રેડતાં કહ્યું : “તાળે માથે ઝાઝો મે વરસે, બાપ! મારી આંતરડી ખૂબ ઠરી છે!” ઝાઝો મે, પણ ગલોલીનો. મીરાંજીને માથે એ મે બરાબર વરસ્યો. લૂંટારાઓને કુંડલે જતાં, રસ્તે નદીમાં વાઘરીના વાડા આવ્યા. વાઘરીએ વિચાર કર્યો : ‘રોજ શિયાળ મારું છું તે આજ તો આ કટકમાંથી જ એક ઢીમ ઢાળી દઉં.’ એવું વિચારી, ઝૂંપડામાં બેઠાં બેઠાં ઝૂંપડાની સાંઠીઓમાંથી બંદૂકની નાળી બહાર કાઢી, ભડાકો કર્યો. મીરાંજી મોખરે હતો. એને જ ગોળી ચોંટી. પોતાના જ લોહીમાં એ તરબોળ બનીને નહાયો.

“ઇં છે ભણેં? શાદુળ ભગત ઢોલિયા ભાંગતો સૅ?” “હા બાપુ! સાચોસાચ! શાદુળ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં કડતાળો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે, ત્યારે એ અગમની હારે એકાકાર થાય છે. એની આખી કાયા ઉછાળા મારે છે. આંખો ઘેઘૂર બને છે. અને એ આવેશમાં એવું તો જોશ કરે છે કે, ગમે તેવો મજબૂત ઢોલિયો પણ કડાક કરતો તૂટી પડે છે.” “ઓહોહો! રંગ છે એની ભગતીને, બાપ! એવા કેટલાક ઢોલિયા તોડ્યા?” “કાંઈ પાર નથી રહ્યો, બાપુ!” “ભાઈ! ભાઈ! આ વખતે તરણેતરને મેળે વાત.” પરબ વાવડીની જગ્યાના કાઠી સાધુ શાદુળ ભગતની ભક્તિ વિશે આપા દાનાએ આવી કંઈ કંઈ વાતો સાંભળી. અંતરમાં અચંબો થયો કે આ શી વાત! ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો પુરુષ આટલો બધો ઉછાળો કેમ દેખાડે? એની વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ. પાંચાળમાં થાન પાસે તરણેતરનો મેળો ભરાય છે, ત્યાં આપા દાના વરસોવરસ જાતા તેમ, આ વખતે પણ ગયા. ત્યાં આવેલા શાદુળ ભગતને કહેવરાવ્યું કે “આપની પ્રભુ-વાણી સાંભળવી છે.” શાદુળ ભગતને ખબર પહોંચેલા કે પોતે ઢોલિયો કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આકાંક્ષા છે. શાદુળના અંતરમાં અહંકારનો કાંટો ફૂટ્યો. એણે તે દિવસ રાતે ભજન જમાવ્યાં. શાદુળ ભગતના માણસોએ આપા દાનાને કહ્યું : “ભગત! એક ઢોલિયો મંગાવી દ્યો.” “ભલે બાપ!” ઢોલિયાને બદલે ભરવાડના વાસમાંથી એક તકલાદી ખાટલી મંગાવી કહ્યું : “લે બાપ શાદુળા પીર! યાને માથે બેસ.” શાદુળના સેવકો હસ્યા : “અરે આપા દાના! આ ખાટલી ઉપર બેસીને ભજન શેં થાશે? મોટા ઢોલિયાય ઝીંક નથી ઝાલતા ને!” “કાણું કરવો બાપ! આસે ઢોલિયો કમણ આપે? ઇ તો ઠાકર ઠાકર! ખાટલી ભાંગે ઇયે કંઈ ઓછી વાત છે, બાપ! હાં, ચલાવો.” શાદુળ ભગતે કડતાલ ખખડાવીને સૂર ઉપાડ્યો : એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં! ઢોલક, મંજીરા, એકતારો અને આખી મંડળીનો નાદ — તમામની જમાવટ થઈ. દિશાઓ ખખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા. આપા દાનાએ સાદ કર્યો : “વાહ બાપ શાદુળ! ધન્ય તારી ભગતીને!” તેમ તેમ શાદુળ ભગતને નશો ચડ્યો. શરીર પછડાટી દેવા લાગ્યું. હમણાં જાણે ખાટલીનો ભુક્કો થશે. પણ પલકમાં તો કોઈ જાણે શાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડ્યા. શાદુળ ભગતે ભીંસ દીધી એટલે પાયા ઊલટા સ્થિર થયા, જાણે લોઢાના થાંભલા ખોડાઈ ગયા! ભજનની ઝીંક બોલી. આવેશના ઉછાળા વધ્યા. નશો ગગને ચડ્યો. શરીર જાણે તૂટવા લાગ્યું. પણ ખાટલાના પાયા ચસકતા નથી. ભજનિક થાક્યો. અધરાત થઈ. એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં! — એ ચરણ ઢીલું પડ્યું. શાદુળ ભગત ખાટલી પરથી ઊઠી ગયા. આપા દાનાએ પૂછ્યું : “કાં બાપ! ખાટલી ભાંગી ને?” શાદુળ ભગતે નીચું જોયું. “અરે ભણેં શાદુળ! તું તો ભણતો સૉ, કે ‘મારે રોમે રોમે રામબાણ વાગાં!’ રોમે રોમે રામબાણ વાગાં તોય તું આવડા કૂદકા કેમ કરુને મારી શકછ, બાપ? મુંહે તો બાપ, જરાક એક બૂડી અડુ ગી’ છે, ત્યાં તો હું ટાઢોબોળ થઈ ગો સાં! ને તોહેં રોમે રોમે રામબાણ વાગાં તોય આવડો જોર કીસેંથી?” શાદુળ ભગતની પાંપણ ધરતી ખોતરી રહી છે. એનો મદ ગળેલો જોઈને છેવટે આપા દાના બોલ્યા : “જો બાપ શાદુળ! દઃખ ધોખો લગાડીશ મા. તોંહેં એક વાત ભણવા આદો સાં. ગરીબ બચારાં લોકોનાં ઘરમાં વહુ આણો વળુને આવે, તયેં ભેળો એક ઢોલિયો લાવી હોય. બીજો ઢોલિયો કીસેથો હોય? એમાં તું ઘરોઘરના ઢોલિયા ભાંગતો ફરછ. ઇ કેટલો મોટો પાપ! માણસું કેવા નિસાપા નાખે? એ બાપ, અંતરમાં રંગાઉ જા. બહારનો તમાસો કેવા સારુ કરવો?” શાદુળ ભગતને ગર્વ ગળી પડ્યો. તે દિવસથી એણે ઢોલિયા ભાંગવાનો ધંધો મૂકી દીધો.

ભગતની નિર્લોભી પ્રકૃતિનાં થોડાંએક દૃષ્ટાંતો મળી આવે છે. એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ, દાના ભગતની સિદ્ધિઓની વાતો સાંભળી એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળિયેર બનાવી, લૂગડામાં લપેટી પોતાના મહોરસિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી માઠું નહીં લગાડતાં, સહુ માણસો વચ્ચે એમ ને એમ નાળિયેર હલાવીને પાણી ખખડતું બતાવ્યું. પછી એની એ સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું. કહેવાય છે કે પછી ભાવનગર ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળું ગામ સમર્પણ કર્યું. ભગતે જવાબ કહાવ્યો : “ના રે બાપ! સાધુને વળી ગામ કેવાં? ઇ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે.” ગામ ન લીધું, પણ ઠાકોરે મહામહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો. બીજી વાત ગાયકવાડી સૂબા વિઠોબા વિશે બોલાય છે. એમાં પણ ચમત્કારની વધુ પડતી ભેળસેળ કરવામાં આવે છે. કહે છે કે ગરીબ બિચારો વિઠુ વડોદરા રાજ્યનો એક ઘોડેસવાર હતો. એ જાતનો મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતો. એક દિવસ એની વેળા વળી. ઘોડાથી એ હાથીની અંબાડીએ બેઠો. કાઠિયાવાડમાં ગાયકવાડનો સૂબો બનીને આવ્યો. કોઈ કાઠીને હાથીને પગે બાંધી છૂંદતો, કોઈને દંડતો, પીટતો, એમ કાઠી કોમને જેર કરતો ચાલ્યો આવે છે. કાઠિયાવાડમાં હાક બોલી કે વિઠોબા આવે છે! દાવાનળ આવે છે. પેશકશી ન ભરે તેના ગરાસ આંચકી લઈ ધૂળ ચાટતા કરે છે. કાઠી કોમના એ મહાકાળ સૂબા વિઠોબાના ઓળા બગસરાના કાઠી દરબાર હરસૂર વાળા ઉપર ઊતર્યા : હરસૂર વાળાને અમરેલી લઈ જઈ પગમાં પાંચ શેરની બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો. પરંતુ રાતે એક કૌતુક થાય છે. રાત વીતે ને સવાર પડ્યે પહેરેગીરો જુએ તો હરસૂર વાળાની પગબેડી તૂટીને દૂર પડી હોય છે. એક વાર, બે વાર ને ત્રણ વાર બેડીઓ તૂટી ત્યારે વિઠોબાને કાને વાત પહોંચી, વિઠોબાએ આવીને પૂછ્યું : “હરસૂર વાળા! તારી બેડીઓ કોણ તોડે છે?” “મને ખબર નથી. હું કાંઈ જાણતો નથી.” “તું કાંઈ કરે છે?” “હા મારા ઇષ્ટદેવનું સ્મરણ કરું છું. ફક્ત બે દોહા બોલીને સૂઉં છું :

જીરાણેથી જાગવે, સાજાં કરે શરીર, જડિયલ હોય જંજીર, ભાગે લઈ દાનો ભગત. અને બીજો દોહો : કાઠી કુળ ઉજ્જ્વળ કર્યું, વધારણ વાનાં, સંભાર્યે સુખ ઊપજે, દુઃખભંજન દાના!” “એ આ દાનો ભગત કોણ?” “ચલાળાનો કાઠી સંત છે.” “મને મુલાકાત કરાવીશ?” “હું પૂછી આવું.” હરસૂર વાળો ચલાળે આવ્યો. વિઠોબાની વાત કરી. દાના ભગતે જવાબ દીધો કે, “ભણેં બા! માળે સૂબાની કાંઈ પડી નથ. હું સાધુ માણસ. સૂબાહીં મળવાનો મુંહે નો આવડે. આંઈ ઠાકરની જગ્યામાં રસાલો, રૈયાસત કે છડીનિશાન ન હોય. ગરીબ સાધુડાં બી મરે.” “પણ બાપુ! વિઠોબા આવ્યે અમને તમામને બહુ સારાવાટ થશે.” “તો ભણ્ય યાને, કે સાદે પોશાકે એકલો આવવો હોય તો આવે. ભેળા ચોપદાર ચપરાસી નો લાવે.” દક્ષિણી બ્રાહ્મણને વેશે વિઠોબા ચલાળે આવ્યો. સત્તા અને સાયબી એણે ચલાળાના સીમાડા બહાર રાખી દીધાં. તે દિવસ શંકરાત (મકરસંક્રાંતિ) હતી. બ્રાહ્મણો જગ્યામાં માગવા જતા હતા. વિઠોબા પણ એ ટોળામાં ભળીને ચાલ્યો. જાડપછેડિયો સાદો ભગત, રોજની માફક, આજ પ્રભાતે પણ જગ્યાને ઓટે બેસીને જુવારના સૂંડામાંથી બ્રાહ્મણ સાધુઓને ખોબે ખોબે જુવાર આપે છે. એને વિઠોબા દીવાન આવ્યાની જરાયે પરવા નથી. સહુની સાથે વડોદરાનો દીવાન પણ ઓટા સામે ઊભો છે. ભગત એના બોલાવ્યા વિના બોલતા નથી, એની સામે નજર પણ માંડતા નથી. વિઠોબાએ તો પોતાની સન્મુખ પ્રભુની સત્તાનો સૂબો દીઠો. સહુ બ્રાહ્મણ સાધુઓ ઝોળી ધરીને ભગતના ખોળામાંથી જુવાર લઈ રહ્યા છે, તે વખતે વિઠોબા આવ્યો. સન્મુખ ઊભા રહીને એણે પોતાનો દુપટ્ટો ધરી રાખ્યો, બોલ્યો : “બાપુ! મને પણ આપો!” “ભણેં બાપ! વિઠોબા, તમુહીં જાર આપા?” “હા બાપુ! હું પણ પરદેશી બ્રાહ્મણ છું, ખોબો પાથરીને માગું છું, જાર માટે જ આ મુલકમાં આવ્યો છું.” “તવ્ય તો ભણેં આ લે, વિઠોબા! આ લે! આ લે! આ લે!” એમ પાંચ ખોબા જુવાર નાખી, તોયે વિઠોબા પાલવ તારવતો નથી. ભગત છઠ્ઠો ખોબો નાખવા જાય, ત્યાં પડખેથી એક કાઠી બોલ્યો : “આપા! બસ કરો. કાઠી સારુ કાંઈક તો રાખો! બધીય દઈ દેશો?” કાઠીઓની લૂંટફાટથી કોચવાયેલા ભગતે આંખ ફેરવી : “કાઠી સાટુ! ભણેં કાઠી ગરાસ ખાશે? કાઠીના કરમમાં જાર માતાજી રે’શે? ઠાકર જાણે! ઠીક, હું તો અટકું છું.” છઠ્ઠો ખોબો ભગતે સૂંડામાં પાછો નાખ્યો અને વિઠોબાને કહ્યું : “ભણેં વિઠોબા! જા ભાઈ! કોડીનારથી દ્વારકા સુધીની જાર ઠાકર તને — તારા રાજને — અર્પણ કરે છે. અનીયા કરીશ મા, ભાઈ! અને એટલેથી સંતોષ વાળજે.” વિઠોબા ફોજ લઈને ઊપડ્યો. પાંચ મહાલ જીતીને પાછો આવ્યો. બોલ્યો : “આપા! હું જગ્યાને પાણિયા ગામ દઉં છું.” “ના બાપ! બાવાને ગામ ગરાસ ન હોય. ઠાકર એમાં રાજી નહીં. બાવાઓ બાઝી મરે.” “પણ ભગત! મેં તો સંકલ્પ કરી નાખ્યો છે.” “વૈષ્ણવના ગોસાંઈને દે. એને ભોગ વા’લો છે.” “બાપુ! સોનારિયું આપું?” “ના બાપ, ના! સાધુ ગરાસનો ગળપણ ચાખે તો બહેકી જાય. અમારે ન ખપે. અમે તો આકાશ સામી મીટ માંડનારા.” ભગતને પગે પડી, આગ્રહ કરી, વિઠોબાએ સોનારિયાની સો વીઘાં જમીન કાઢી દીધી, અને રૂ ઉપર એક મણે એક આનો જગ્યાનો લાગો ઠરાવી દીધો. લોકો માને છે કે ભગતના હાથથી લીધેલા જુવારના પાંચ ખોબા એને ભાખ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના પાંચ મહાલ બંધાઈ ગયા.

પાંચાળમાં થાન પાસે તરણેતર (ત્રિનેત્ર) નામનું શંકરનું તીર્થધામ છે. વરસોવરસ ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા ભક્તો ભેળા થાય તેમાં ચલાળેથી આપો દાનો પણ દર વરસ આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી મુકામ કરે છે. એક વખતે જાત્રાળુઓનો પોકાર સાંભળ્યો કે પાળિયાદ ગામના કાઠી પાતામણનો દીકરો વીસામણ મોટો લૂંટારો જાગ્યો છે. વીસામણ વાટમાં ઓડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ લૂંટી જાય છે. પાંચાળના રસ્તેરસ્તા એણે રૂંધી લીધા છે. ભગતના મનમાં વિચાર થયા જ કરે છે : ‘કોક દી વીસામણને ને મારે ચાર આંખ્યું ભેળી થાય તો ઠીક.’ થાનનાં દેવળો પર ચડાવવાની ધજાઓ એક પોઠિયા ઉપર લાદીને આપા દાનો પોતાના સાધુઓ સાથે પાંચાળ જાય છે. વનરાઈમાં ઝાંઝપખાજ અને કડતાલોના નાદ સાથે હરિભજન ગવાતાં આવે છે. માંડવના ડુંગરા જાણે હરિજન બનીને સાદ પુરાવે છે. માંડવ ઉપર ઓડા બાંધીને બેઠેલા વિકરાળ ધાડપાડુ વીસામણે પોતાના કાઠીઓને કહ્યું : “જાવ, કોક રેશમીનો પોઠિયો લાગે છે; લૂંટી લ્યો.” તપાસ કરીને કાઠીઓ બોલ્યા : “પણ આપા વીસામણ! એની હારે ઓલ્યો દાનો લંગોટો છે, ઇ સાધુ કે’વાય.” “તો એને લૂંટશો મા. ભેળાં જાત્રાળુ છે તે તમામને ખંખેરી લેજો.” લૂંટારાઓએ ભક્તમંડળને ઘેરી લીધું, અને ત્રાડ પાડી કે, “માલમત્યા મેલો હેઠે.” દાનો ભગત સહુની મોખરે આવી કહેવા લાગ્યા : “ભાઈ! પેલો મુંહે લૂંટો પછે આ સહુને.” “તું ખસી જા, ભગત! તુંને ન લૂંટવો એવી અમારા સરદારની આણ છે.” “તવ્ય તો તમારો સરદાર સાવ હૈયાવોણો નથ દેખાતો. કિસે છે તમારો સરદાર?” “સામેના ડુંગરા માથે.” “ભલા થઈને મુંહે ત્યાં સુધી લઈ જાવ. પછે ખુશીથી આ સંઘને લૂંટું લેજો.” ભગત ડુંગર ઉપર ગયા. અસુર જેવો લૂંટારો વીસામણ વાંકડી મૂછે ને વિકરાળ ચહેરે બેઠો છે. લૂંટનો માલ ઢગલામોઢે પડેલો છે, અને એક મંગાળા ઉપર બે મોટાં હાંડલાં ચડેલાં છે. ખાવાનું રંધાતું હોય તેવું લાગ્યું. “ભણેં બાપ વીસામણ! તું ભગવાનનાં જાત્રાળુહીં લૂંટતો સૉ બાપ? હું તો કામધેનની ટેલ કરતો સાં.” લૂંટારો બેપરવાઈથી બોલ્યો : “ભણેં ભગત! હું ભગવાન બગવાનમાં કાણોય સમજું નહીં. તું ને તાળા ટેલિયા હાલ્યા જાવ. બીજાં જાતરાળું હીં તો લૂંટવા જ જોશે.” “બાપ વીસામણ! ઇ તો તું જેવા ધાડપાડુનોયે ધરમ નથ. તાળી હારે હાલનારહીં તું લૂંટવા દે ખરો?” લૂંટારાની આંખની બન્ને ભમર ખેંચાણી : “કમણ છે ઇ મડો માટી, કે માળી હારે હાલનારહીં લૂંટે?” “તવ્ય બાપ! માળી હારે હાલનારહીં હું કી લૂંટવા દિયાં? પેલાં મુંહે વીંધું ને પછે લૂંટો.” લૂંટારા કંઈક ખચકાયા. દાના ભગતે આગળ ચલાવ્યું : “બાપ વીસામણ! મેં તો જાણ્યો’તો કે આ હાંડલાં ચડતાં સૅ, તે અમે ભૂખ્યા સાધુડા તાળી હારે શિરામણી કરશું. આ હાંડલીમાં કાણું ઓર્યો સૅ, ભાઈ?” લૂંટારો લજવાઈ ગયો, અંદર આખા એક ઘેટાનું માંસ રંધાતું હતું. જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો : “ચોખા ચઢે છે.” “ચોખા તુંહે વા’લા છે, બાપ?” “વા’લા તો હોય જ ના!” “તયેં બાપ, આ ભૂખ્યાંદુખ્યાં જાત્રાળુહીં દીયે યાનાં કિમાં પેટ ઠરહે! તુંહે દુવા દેવે! લાવ્ય લાવ્ય બાપ, શિરાવીએં!” હાંડલી પાસે જઈને ભગતે ઢાંકણી ઉઘાડી. લૂંટારાના ભોંઠામણનો પાર ન હતો. ઘાતકી, પણ લાજશરમ નહોતી છૂટી. લોકો કહે છે કે માંસને બદલે ચોખાની ફોરમ છૂટી. હાંડલીના મોંમાં ધોળા ફૂલ ચોખા ઊભરાણા. “બાપ વીસામણ! જીમી આસ્થા, ઇમું ભગવાન આપતો સૅ. તાળી આસ્થા તો જબ્બર છે. તું તો રામદે પીરનો અવતાર! અને તાળી આ દશા?” વીસામણ પગમાં પડી ગયો. “તું બા’રવટિયો છો. જીમી તાળી બરછી વાગતી સૅ ને, ઇમાં જ તાળાં વેણ વાગશે.” “કિસે જાઉં?” લૂંટારાના હૃદયબંધ તૂટી ગયા. “પાળિયાદ જા, બાપ, ઠાકરના નામની ધજા બાંધજે. તુંહે ગળ-ચોખા વા’લા છે ને એટલે ગળ-ચોખાનો સદાવ્રત બાંધજે બાપ! ને કામધેનને સેવતો રે’જે.” વીસામણે ત્યાં ને ત્યાં હથિયાર ભાંગ્યાં. ડોકમાં માળા નાખી. પાળિયાદમાં સ્થાનક સ્થાપ્યું. દાના–વીસામણની જોડલી ગવાવા લાગી :

દાનો વીસળ દો જણા, ભલકળ ઉગા ભાણ, અંધારું અળગું કર્યું, જંપે સારી જાન. પોથાં થોથાં ને ટીપણાં, વાંચે ચારે વેદ; ભીતર દેતલ ભેદ, વચને અમૂલખ વીસળો.

ધજડી ગામના કોઈ ગધૈની એક જુવાન દીકરી હતી. એનું નામ લાખુ. લાખુને રાણપર ગામે પરણાવેલી, પણ લાખુ પોતે જાડીમોટી, અને ધણી હતો છેલબટાઉ. લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહીં. મારીકૂટીને એણે લાખુને ઘરમાંથી કાઢી મૂકી. ચલાળામાં પોતાનું મોસાળ હતું, ત્યાં આવીને લાખુ મામાની ઓથે રહી. એના ધણીએ તો નવી સ્ત્રી કરી, એટલે લાખુનાં મોસાળિયાંએ પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંઇક દઈ દઈએ, પણ લાખુએ ન માન્યું. દુઃખની દાઝેલી લાખુએ પોતાના જીવને ધર્મકામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાયમાતાઓની ચાકરી આદરી દીધી. પણ એ ભોળી જુવાનડી પોતાના મનના વિકારને છેવટે ન દબાવી શકી. જગ્યાના જ કોઈ બાવાના સમાગમમાં નિર્દોષ લાખુ ફસાઈ પડી. લાખુને ઓધાન રહ્યું. ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી. લોકો બોલતા થયાં કે ‘રાંડને ઘરઘાવતાં ઘરઘી નહીં ને આપાના ખૂંટડાઓમાં જઈને રહી.’ સગાંવહાલાંએ એને તિરસ્કાર દીધો. ધરતી પોતાને ક્યાંય સંઘરે એમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઈ આપઘાત કરવાનો મનસૂબો લાખુના અંતરમાં ઊપડવા લાગ્યો. અધરાતે જગ્યાનાં સહુ માણસો ઊંઘી ગયાં, એટલે લાખુ કૂવાકાંઠે ગઈ. ‘હે આપા દાના!’ એવો નિસાસો નાખીને મંડાણેથી પડતું મેલવા જાય છે ત્યાં કોઈએ એનું કાંડું ઝાલ્યું. કાંડું ઝાલનારા આપા દાના પોતે જ હતા. સહુ ઊંઘી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી. “લાખુ! બેટા! કૂવામાં પડુને હાથપગ શીદ ભાંગતી છો? તાળા પેટમાં તો બળભદર છે. ઈ કોઈનો માર્યો નથી મરવાનો. નાહક શીદ વલખાં મારુ રઈ છો?” લાખુ રોઈ પડી : “બાપુ, હું ક્યાં જઈને સમાઉં? જીવતાં મને કોણ સંઘરશે?” પંપાળીને ભગત બોલ્યા : “દીકરી! ઠાકર તુંહે સંઘરશે. ને આ જગ્યા તાળાં સાચાં માવતરનો ઘર જ માનજે.” ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા. નવ મહિને એને દીકરો અવતર્યો. દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મંડ્યા તેડવા ને રમાડવા. પોતે જ એનું નામ ‘ગીગલો’ પાડ્યું. સાત વરસની અવસ્થા થઈ ત્યાં ગીગલો વાછરું ચારવા મંડ્યો. એથી મોટો થયો એટલે મંડ્યો ગાયો ચારવા. એમ કરતાં ગીગલો બાવીસ વરસનો જુવાન જોદ્ધો બન્યો. રાત અને દિવસ, ભૂખ અને તરસ જોયા વિના ગાયોનાં છાણવાસીદાં અને પહર-ચારણમાં ગીગલો તલ્લીન બની ગયો છે. એવે એક દિવસે પાળિયાદથી વીસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે. સવારને પહોર આપો વીસામણ અને આપો દાનો ઓટલે બેઠા બેઠા સાધુબ્રાહ્મણને અને અપંગોને જુવાર આપે છે. સન્મુખ ગીગલો ગાયોનું વાસીદું કરે છે. માથા પર છાણના સૂંડા ઉપાડી ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે. માથે મે વરસે છે, તેથી સૂંડલો ચૂવે છે. છાણના રેગાડા ગીગલાના મોં ઉપર તરબોળ ચાલ્યા જાય છે. એ દેખાવ જોઈને આપો વીસામણ બોલ્યા : “આપા દાના, હવે તો હદ થઈ. હવે તો ગીગલાના સૂંડા ઉતરાવો ને?” “આપા, તમેય સમરથ છો. અને આજ જગ્યાને આંગણે અતિથિ છો. તમે જ ઉતરાવો ને?” આપા દાનાએ ગીગાને સાદ દીધો : “ભણેં ગીગલા, સૂંડો ઉતારુ નાખ! આસેં આવુંને આપા વીસામણને પગે લાગ.” “બાપુ! મારા હાથ છાણવાળા છે. અવેડે ધોઈ આવું.” “ના ના, બેટા. ધોવાની જરૂર નથ. ઇંને ઇં આવ.” ભોંઠો પડતો પડતો ગીગલો બગડેલે હાથે આવ્યો. આઘેથી બેય સંતોને પગે પડવા લાગ્યો. ત્યાં તો આપા દાનાએ એના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા ને કહ્યું : “ગીગલા! બા! તારે બાવોજી પરસન છે. તું અમ બેયથી મોટો. આજથી તું ગીગો નહીં, પણ ગીગડો પીર!” પોતાને હાથે ભગતે ગીગાનું મોં લૂછી નાખ્યું. છાણના રેગાડા નીચે ઢંકાયેલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી. એના અંતરમાં નવાં અજવાળાં થઈ ગયાં. આત્માનાં બંધ રહેલાં કમાડ ઊઘડી ગયાં. ભગતે ગીગાની માતાને સાદ કરી બોલાવી. તે દિવસ જુવારની રાબ કરાવી. એ નીચી જાતનાં ગણાતાં ગધૈ મા–દીકરાને પોતાનાં ભેળું એક જ થાળીમાંથી ખવરાવ્યું. આપો દાનો લાખુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યો કે, “માતાજી! તારો બેટડો ઠાકરનો બંદો થઈ ગયો છે. તુંમાં પાપ નો’તું, તું તો ઓલિયાની જનેતા હતી. તુંને દૂભવતલ દુનિયા મહાપાપમાં પડી. લે હવે, દીકરાની સિદ્ધિ દેખીને આંખ્યું ઠાર્ય, માવડી! “અને બાપ ગીગલા! આજ આપણે ભેળાં બેસીને રાબડી ખાધી. એટલે આજથી ધરમની ધજા બાંધીને તું ભૂખ્યાંદુખ્યાંને રાબડી દેતો જા!” ગીગા ભગતની જુદી જગ્યા બંધાઈ. રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા. ગાયોનું પણ ધણ બંધાઈ ગયું. એવામાં ઉત્તર હિંદુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી ચલાળે આવી ઊતરી. અને તે સમયના રિવાજ પ્રમાણે આ જુલમી બાવાઓએ દાના ભગતની જગ્યામાં માલપૂવાની રસોઈ માગી. તે વખતે દાના ભગતનો દેહ છૂટી ગયેલો. પોતે તો જતિપુરુષ હતા, એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો. તેમના કુટુંબી દેવો ભગત ગાદીએ હતા. આ ભગત ડાઢી ડાઢીને જે કોઈ આવે તેને એમ જ કહેતા કે, ‘જાવ ગીગલા પાસે!’ એ જ રીતે ખાખી બાવાઓને પણ આપા દેવાએ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા. ગીગાએ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી. ખાખીઓએ ખિજાઈને ભગતને બહુ કોચવ્યા, માર માર્યો, લૂંટીઝૂંટીને ખાઈ ગયા. ચલાળામાં રહેવું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા. આંબા, અમરેલી, સીમરણ અને ગીરમાં ચાચઈ, એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યાં. ચાચઈમાં દરબાર માણશિયા વાળાના ભાઈ વાજસૂર વાળાએ ભગતની ગાયો પોતાની વાડીમાં પડવાથી ભગતના ટેલવાને માર્યો, તેથી ગીગા ભગતે સતાધાર નામના ગીર ગામમાં જઈ જગ્યા બાંધી. વીસાવદર ગામથી ત્રણ ગાઉ ઉપર ગીરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સતાધાર ધામમાં આપા ગીગાની કરુણા બે ધારાઓ વાટે વહેવા લાગી : એક ગૌ-સેવા ને બીજી ગરીબ-સેવા. ગીરના ડુંગરમાં ગાયો માટે ચારણનો તોટો નહોતો. શ્રદ્ધાળુ ગામડિયાં ‘આપા ગીગા’ને નામે પોતાનું કંઈક કલ્યાણ થતાં જ સતાધારને ખીલે ગાય, ભેંસ કે ઘોડા બાંધી જતાં, અને તે જ રીતે છાશદૂધ વિના દુઃખી થતાં દીન જનોને ભગત એ પશુ પાછાં ભેટ દેતા. બીજી બાજુ આઘેથી અને ઓરેથી અપંગો, રક્તપીતિયાં અને અશક્તો-આજારો પગ ઢરડીને સતાધાર ભેળાં થઈ જતાં. એટલે ત્યાં એને કશી સૂગ વિના રાબરોટી અપાતાં. સતાધાર તો જૂના સમયનો અનાથ-આશ્રમ હતો. ગીગો માનવીને દેતો, તેમ ઈશ્વર પણ ગીગાને દઈ જ રહેતો. મુસલમાન જાતના એ ગધૈ સંતને જગતના જાતિભેદ તો ટળી ગયા હતા.

ચલાળા ગામમાં ઉકા દોશી નામના એક વેપારી રહે. હાટમાં ન માય એટલાં ઘીનાં કુડલાં. દોઢસો મણ તેલે ભરેલી લોઢાની કોઠી, ધીકતો વેપાર. હાટ તો જાણે હાંફ્યું જાય છે. “આપા!” ઉકા દોશીએ ભગતને કહ્યું : “આપા, અમને જગ્યાનું મોદીખાનું આપો ને.” “બહુ સારું ભણેં, ઉકા! પણ આ તો મૂંડિયાનો માલ ભણાય : તું બાપ ઝાઝો હાંસલ લેશ મા હો!” “ના રે આપા, હાંસલની વાત તે હોય! આ તો મલકમાં લૂંટારાઓનાં ઘોડાં ફરે છે, તે અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમે આપાના મુનીમ છીએ. એટલે અમને લૂંટે નહીં.” “તો ભલે, બાપ!” જગ્યાના મોદીખાનાનો ઉપાડ થવા લાગ્યો. બે મહિના થયા. ત્યાં તો ઉકાએ આપાને કહ્યું : “આ હિસાબનો ગોટાળો સારો નહીં. ચોખ્ખું કરી નાખીએ.” “તો ભલે, બાપ!” તરત ભગત દુકાન પર ગયા. ઉકાએ કહ્યું : “આપા, કોઈક તમારો સાખિયો (સાક્ષી) તેડી આવશો ને?” “અરે ભણેં બાપ! સાખિયો વળી કિસેથી લાવા?” એ જ વખતે ત્યાં ઊંદરડી નીકળી. એટલે ભગત બોલ્યા : “એ ભણેં આ ઊંદરડી આપડો સાખિયો.” ઉકાને દાંત આવ્યા : “આપા! શું બોલો છો?” “હા બાપ હા. ઊંદરડી તો ગણેશનો વાહન : તાળોય નો રાખે ને માળોય નો રાખે. ઇ આપડો સાખિયો. લે કર્ય હવે આંકડો.” “આપા! પાંસઠ કોરી લેણી થાય છે.” ભગત સમજ્યા હતા કે વાણિયાએ પચીસ કોરી વધારી દીધી છે. પણ પોતે મૂઠી ભરીને કોરી કાઢી : “લે બાપ! ગણું લે. પણ ભણેં બાપ ઉકા, આ ધર્માદાની કોરી આકરી છે હો!” “હેં-હેં-હેં આપા! અમારે તો સુંવાળી ને આકરી બણ્ણેય સારી!” લુચ્ચો ઉકો હસ્યો. આંકડો ચુકાવીને ભગત તો જગ્યામાં ગયા. અને આંહીં વાળુ ટાણે ઉકા દોશી દુકાન વાસીને ઘેર ગયા. બીડેલી દુકાનમાં દીવો બળે છે. તે ટાણે પેલી સાક્ષી બનેલી ઊંદરડી ત્યાં આવી. આવીને એણે સળગતી દિવેટ ઉપાડી. ઉપાડીને કાપડની તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી. હાટ સળગ્યું. તેલની કોઠી, ઘીનાં કુડલાં, કાપડ તમામના ભડકા આકાશે ચડ્યા. આગ દુકાનને આંટો લઈ વળી. ઉકો આવ્યો, જોતાંની વાર જ બધું સમજી ગયો. લોકોને કહ્યું : “ભાઈઓ! કોઈ ઓલવવાની મહેનત કરશો મા. એ નહીં ઓલવાય.” ઉકો દોશી જગ્યામાં આવ્યો. સામે જ ભગત બેઠા હતા. ભગત બોલ્યા : “અરેરે ભણેં ઉકા! તાળે તો મોટી નુકસાની ગઈ!” “આપા, એ તો તમારા સાખિયાએ સાચી સાખ પુરાવી. મારાં કૂડ મને ઠીક નડ્યાં. હવે મને એનો ઓરતો નથી, પણ મારે મૂડીમાં દીકરો પેટ ન મળે. બહુ મૂંઝાઉં છું. વંશ નહીં રહે.” “ભણેં બાપ! કાશીએ જા! તીરથ ના.” “અરે આપા! ઇ સાડાસાત સો ગાઉ હું એકલે પંડે શી રીતે પોગું?” “તયીં બાપ! દ્વારકા જઈ આવ, રણછોડરાય દેશે.” “ના રે આપા! એટલે બધેય ન પોગાય.” “તો બાપ! પ્રાચી જઈ આવ. સાવ ઓરું.” “ના, ના, ત્યાંયે હું ન પોગું.” “તો તુળશીશ્યામ જા, લે ઠીક? સાવ ઓરું. સવારે જઈને સાંજે પાછો વયો આવ્ય.” “અરે આપા! ઇ તો ગર્ય. વચમાં દીપડા ને બાઘડા આવે!” “તયીં બાપ, કાંઈ તીરથ નાયા વિના દીકરો થાય?” ઉકો દોશી જગ્યાને અવેડે નાહ્યો. નાહીને આવી આપા દાનાને ફરતા ચાર આંટા દીધા અને આપાએ પૂછ્યું : “કાં બાપ?” ઉકો બોલ્યો : ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર; અડસઠ તીરથ એકઠાં, દાના તણે દેદાર. સાંભળીને આપાએ તુળસીનું પાંદડું લીધું. તોડીને એના રેસા તપાસ્યા. પછી બોલ્યા : “ભણેં ઉકા! તારા નસીબમાં ચાર દીકરા, માળી આશિષ છે.” “પણ આપા! એને ભોજનનું શું?” “ચારમાંથી બે સારા, ને બે ગડગડઘાટ!” ઉકાને બે દીકરા થયા; જેનો કુંડલે ને બગસરે પ્રવાહ ચાલ્યો, તે સુખી થયા, ને ચલાળે રહેનારાનો વંશ ગરીબ રહ્યો.

“બાપ વીસામણ! હમણે હમણે તું અણોસરો કાણા સારુ દેખાછ? દલમાં કાંઈ દુખાવો છે?” “આપા! દુખાવો તો બીજો શો હોય? બહુ પાપ કર્યાં છે, રૂંવાડે રૂંવાડે પાતક ભર્યાં છે, મનમાં જંપ નથી વળતો : જાણે એક વાર ગંગાજી જઈને નહાઈ આવું એવું થયા કરે છે.” “સાચું ભાઈ! ગંગાજી તો તરણતારણી ભણાય, સાચું.” તરણેતરને મેળે જાતાં જાતાં આપા દાના અને વીસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વીસામણનું દિલ ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારે વારે એના આ વિચારને ‘સાચું! સાચું!’ એવા શબ્દે વધાવી લે છે, પણ કદી ચોખ્ખી હા–ના કહેતા નથી. તરણેતરનો મેળો મળ્યો છે. માનવી માતાં નથી. માંડવના ડુંગરાનો પાણો પાણો સજીવન બની જાણે મેળાનાં ભજન-કીર્તનમાં ટૌકા પૂરે છે. તે વખતે બંને જણા માંડવમાં ઊભા છે. શ્રાવણ માસનાં સરવડાં ઝીલતી ચોમેરની ધરતી લીલી ઓઢણીએ મલકી રહી છે, અને ઠેકાણે ઠેકાણે ધેનુઓનાં ધણ, કંઠે ગુંજતી ટોકરીઓ ને પગમાં રૂમઝૂમતા ઝાંઝરે ડુંગરાને ગજવે છે. આપા દાનાની આંખો દસે દિશામાં રમવા લાગી. પાંચાળ — પોતાની પ્યારી જન્મભોમ પાંચાળ — ને આવી રળિયામણી ભાળીને ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આખરે પીગળી પડ્યો. જગતના ભાર ઝીલનારી ધેનુઓનાં સુખકિલ્લોલ નિહાળી આપાનાં નેત્રો સુખ-સમાધિમાં ઘેરાવા લાગ્યાં. વીસામણ એમની બદલાતી મુખમુદ્રા સામે તાકીને જાણે પોતાના પાપાત્માની તરસ છિપાવવા મંડી પડ્યો. સુખના કેફમાં ભગત બોલ્યા : “બાપ વીસામણ! આંઈ માંડવમાં મારું દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આંઈ કામધેનુઓ ચારતો, એ સમો આજ સાંભરી આવે છે. ફરી વાર ઠાકર બાળપણ આપે, બધુંય જ્ઞાન ભૂલી જવાય, જગત મને માનતું મટી જાય, ને હું સદા કાળ આંઈ ગાવડિયું જ ચાર્યા કરું, માતાજીયુંને ખંજવાળ્યા જ કરું, ઇ તો મને મુગતી થકીયે મીઠેરું લાગે છે. ઓહો જીતવા! ઇ દી તો ગયા. હવે તો આ મોટપની શિલા હેઠળ મનડું ભીંસાઈ મૂવું! ઠાકર! ઠાકર! ઠાકર! હે ઠાકર!” ભગતનો આત્મા જાણે ઊંડી કોઈ ગુફામાં ઊતરી ગયો, નેત્રોમાંથી દડ દડ દડ ધારા ચાલી. “બાપ વીસામણ, તુંને વાંભ દેતાં આવડે છે?” ભોંઠો પડીને વીસામણ બોલ્યો : “આપા! કુકર્મના કરનારે ગા ક્યાંથી ચારી હોય તે વાંભ દઈ જાણું? કાગડાના મોંમાં રામ ક્યાંથી હોય, બાપુ?” કાનમાં આંગળી નાખીને ભગતે પોતે જ વાંભ દીધી. નાનપણનો મહાવરો હતો. મીઠું ગળું હતું, ને આજ ગાયો ઉપર અંતઃકરણ ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંભ દેશે? એવી મીઠી, વિજોગી બાળક માને બોલાવવા વિલાપ કરે તેવી, મોરલો વાદળીને રોકવા મલ્લારના સૂર પોકારે તેવી વાંભ દીધી. થોડી વારમાં તો સીધી વોંકળા સોંસરવી એક કાળી — આખે અંગે કાળી — રૂપાળી ગાય ચાલી આવે છે. પૂંછડું ઊંચું કરીને માથે લઈ લીધું છે. કાન ઊભા થઈ ગયા છે. તાજી વિયાઈ હોય એવું એનું આઉ ઝૂલે છે. આવીને ગાય ઊભી રહી. ભગત એને ‘મા! મા!’ કરતા ખંજવાળવા લાગ્યા. “વીસામણ, દોતાં આવડે છે?” વીસામણ ફરી વાર ભોંઠો પડ્યો. “વીસામણ, ખાખરાનાં પાંદડાં તોડીને પડિયા કરવા માંડ.” પાંચ પાંચ શેડ્યો પાડીને ભગત પડિયા ભરવા લાગ્યા. “સહુ મનખ્યો ભલેં પરસાદી લ્યે.” માણસો આવીને પડિયા પીતા જાય છે. “બાપ વીસામણ! માતાજીને ડિલે હાથ તો ફેરવ્ય! ઇ તો આવડશે ને! લે આપણે બેય હાથ ફેરવીએ. માતાજી દુઆ દેશે.” શરમિંદા થતા વીસામણનો હાથ પોતે ઝાલીને ગાયના શરીર પર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો મટીને શ્વેત-સુંદર બનવા લાગ્યો. “ભણેં બાપ વીસામણ! આ પંડ્યે જ ગંગાજી! આ જગતની તરણ-તારણી : સંસાર એના નીરમાં નહાઈને પોતાના મેલના થરેથરમાં પધરાવે છે. પણ એ મેલ ધોવા માતાજી પોતે તો બાપડી સંતુની જ પાસે આવે છે, હો બાપ. ઇ તરણતારણીનાયે મળ કાઢવા માટે માનવીનું મન સમરથ છે. માટે ભાઈ, સાચી ગંગા તો આપડાં ધરમપુન્યની : સાચી ગંગા આપણા દલની ચોખાઈની : આપણા પાપના પસ્તાવાની.” “જાવ માતાજી! હવે પાછાં પધારો. તમને મોટો પંથ પડ્યો આજ, માવડી!” એટલું બોલીને ભગત ગાયના ચરણમાં પડી ગયા : ભગતને શરીરે ધેનુ ચાટવા લાગી. ચાટીને પાછી ચાલી નીકળી. વીસામણ તે દિવસ પૂરેપૂરો ચેત્યો. સંવત 1878ની પોષ વદ 11ના રોજ પ્રભાતે આપાનો દેહ પડ્યો. એણે કોઈને દીકરા દીધા, દરિયે ડૂબતાં વહાણોમાં અંતરીક્ષમાંથી ગાબડું પૂર્યું, મરેલાંને જીવતાં કર્યાં, આડસર વધાર્યું વગેરે કહેવાતા કેટલાએક પરચા વાટે એમના જીવનની કશી વિશેષ ઉચ્ચતા દેખાતી નથી, તેથી એ વિસ્તારપૂર્વક લખ્યા નથી.