સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નધણિયાતી જગ્યા


નધણિયાતી જગ્યા

‘વલ્લભીપુરનાં ખંડેર’ નામે ઓળખાતી સપાટ ભોંમાંથી એકાદ સિક્કો શોધવામાં રસ લેનારાઓ આ ઇતિહાસના આકૃતિમાન્ ઉચ્ચાર સ્વરૂપ સાણાને તપાસવા નથી ગયા લાગતા. ત્યાં સરહદ છે જૂનાગઢના નવાબની કે જેને ઘેર આજે ઇતિહાસનું કશું માહાત્મ્ય નથી. બીજી બાજુ, એ ડુંગરનો કબજો છે વાંકિયા નામના ગામના કોટીલા તાલુકદારોનો, કે જેને મન સાણા ઉપર ભેંસોને ખવરાવવા માટે ભર બે ભર ઘાસ ઊગ્યા સિવાય તો એની કશી મહત્તા નથી. ત્યાં જનારા પ્રવાસીઓ તો મુખ્યત્વે કરીને હોય છે માલધારીઓ, કે જેને ચોમાસામાં ગુફાઓની અંદર પોતાનાં ઢોર સાથે ઓથ લઈને રહેવા સિવાય એની અન્ય કશી વધુ કિંમત નથી. આજે ત્યાં એ કારણે તો ચાંચડની બૂમ બોલે છે. મુસાફર બહાર નીકળી એક કલાક સુધી પોતાના શરીર પરથી ચાંચડને જ ખંખેર્યા કરે છે. બીજા યાત્રાળુ એક હાથીરામ નામના બાવાજી છે, કે જેણે ઊંચે ઊંચે મજલે એક મોટો વિભાગ રોકી લઈ ગુફાઓ પર બારસાખ બારણાં ચડાવી લીધાં છે, લીંપણ-ગૂંપણ કરાવ્યું છે, બે ચેલા ને ત્રણ ત્રિશૂળ વડે કોઈ દેવી માતાની સ્થાપના કરી દીધી છે, યાત્રાનો મહિમા ચાલુ કર્યો છે, ટાંકાંના પાણી વડે એક ઊંચો બગીચો પણ ઉઝેરી નાખ્યો છે. છેલ્લાં સોળ વર્ષથી એ સુપાત્ર આહીર સાધુ સાણાની સંભાળ રાખી ત્યાં રમણીયતા પાથરી રહેલ છે; પરંતુ એને બૌદ્ધ ઇતિહાસનાં પગલાં પિછાનવાનું ક્યાંથી સૂઝે? ત્યારે ત્રીજા પ્રવાસીઓ તો રહ્યા સંહારવાદી બહારવટિયા! એવા અતિથિઓની મહેમાની કરતો આ સાણો પહાડ કેટલાં કેટલાં વર્ષોથી પોતાનું અંતઃકરણ ઉકેલવા આવનારા કોઈ ઇતિહાસપ્રેમીની વ્યર્થ વાટ જોતો ઊભો છે! જો ઇતિહાસની તમામ રેખાઓ ઉકેલી શકનાર કોઈ ઇતિહાસવેત્તા ત્યાં જઈ ચડે, તો એક દૃષ્ટિપાત કરતાં જ એને ‘સાણો’ પોતાનું અંતર ઉઘાડીને કૈં કૈં કાળની કથાઓ કહી નાખે એવું છે.