સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/માંગડો ડુંગર


માંગડો ડુંગર

નાંદીવેલાની લાંબી લાંબી પહાડ-સેનાને જોતાં જાણે કે આંખો ધરાતી જ નથી. નવા નવા આકારો ધરી ડુંગરમાળા નજરબંદી કરી રહી છે. ઘડી વાર એ સૈન્ય લાગે છે, તો ઘડી પછી જોગીઓની જમાત બની જાય છે : કોઈ જટાધારી તો કોઈ મુંડિયા; કોઈ લીલી કફનીવાળા ફકીરો તો કોઈ દિગમ્બર સાધુઓ : એવી માનસિક રમતો રમતાં એ ગિરિ-મંડળનો છેલ્લો ડુંગર ‘માંગડો’ આવી પહોંચ્યો. એની ઊંચી ટોચે રાજપૂત પ્રેમિક માંગડા વાળાની અને એની સહચરી વણિક-કન્યા પદ્માવતીની ખાંભીઓ ઊભી છે. યાદ આવે છે? ‘ભૂત રુવે ભેંકાર’ની પ્રેમકથા માંહેલો માંગડો યાદ આવે છે?

ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઉણો નહીં; (જેનું) ભાલું ભરે આકાશ, મીટે ભાળ્યો માંગડો.

એવો એ વીર રાજપૂત, ઘૂમલી નગરમાં મામાને ઘેર મહેમાન થઈ રહેલો : આહરા બાયલ નામના કાઠીએ ઘૂમલીનાં ગૌધેન વાળ્યાં : માંગડો સહુની મોખરે જઈ બાણ વડલા નીચે એ ગાયના ચોરને ભેટ્યો : આશાભર્યો અંતરિયાળ મુવો : અસદ્ગતિ પામીને પ્રેતના અવતારમાં ગયો : પાછળ ઝૂરતી વ્રતધારિણી પદ્માવતીએ પોતાનું નવું લગ્ન નાકબૂલ કરીને અટવીમાં એ ભૂત પતિ સાથે —

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી, (હું) ક્યાં ઝપાવું ઝાળ, (મને) ભડકા વા’લા ભૂતના.

— એવા સળગતા પ્રેત-પ્રદેશમાં કારમો સંસાર માંડ્યો. અને

સૌ રોતો સંસાર (એને) પાંપણીએ પાણી પડે, (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

એવી રુધિરની અશ્રુધારા એણે એ પ્રેતદેહી પતિના ગાલેથી લૂછ્યા કરી. પરંતુ એની ખાંભીઓ આ ડુંગરા પર શા માટે? એટલા માટે કે આંહીં એણે રહેઠાણ રાખેલું હતું. પોતાના ગામ ધાંતરવડ ઉપર એની મમતા રહી ગયેલી, તેથી આંહીં ડુંગરાની ટોચેથી રોજ રાત પડતાં એને પાંચ ગાઉના પલ્લા ઉપર ધાંતરવડ ગામના ઝબૂકતા દીવા દેખાતા અને એ દેખીને માંગડાને સુખ ઊપજતું. એ વિકરાળ નિર્જનતામાં જાનની વેલડી પરથી સંધ્યાને સમે ઠેકડો મારીને નીચે ઊતરી જનારી, અને પછી એકલવાયી, ભયભીત, ઉગ્ર પ્રીતિના તાપમાં તપતી તરુણ પદ્માવતીએ જે દિવસે અદૃશ્ય માંગડા વાળાને —

ઊંચે સળગ્યો આભ, નીચે ધરતીના ધડા, ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી!

— એવા ઘોર અવાજ દીધા હશે, તે દિવસે અટવી અને ડુંગરમાળ કેવી કારમી ચીસ પાડી કાંપી ઊઠી હશે! ‘માંગડા’ની કથા માંહેલા દુહામાં ભરેલો વિલાપ મને બીજી કોઈ સોરઠી કવિતામાં નથી દેખાયો. એ દુહાઓની બાંધણી સહુથી વધુ ભાવવાહક દીસે છે. ફરી ફરી બોલતાં તૃપ્તિ થતી જ નથી. જાણે કે કોઈ અત્યંત જલદ વાસનાના એ પ્રેત-સ્વરો છે.