સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/જટો હલકારો

જટો હલકારો


બાયલા ધણીની ઘરનારી સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ્ઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે. મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠાં છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડાં જાય એવી સાંજ નમે છે. “આજે તો સંધ્યા જરાય ખીલી નથી.” એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું. “દશ્યું જ જાણે પડી ગઈ છે.” બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો. “કળજુગ! કળજુગ! રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઈ! ક્યાંથી કૉળે!” ત્રીજો બોલ્યો. “ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દસ વરસ ઉપર તો શું તેજ કરતું!” ચોથે કહ્યું. ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢ્ઢ|ઓ આવી વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા ગામની બજાર સોંસરવાં બે માનવી ચાલ્યાં આવે છે : આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે, સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી. રજપૂતે જ્યારે ડાયરાને રામરામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. ડાયરે એને ટપાર્યો કે “બા, રામરામ!” “રામ!” તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાનાં મોં સામે જોઈને દાયરાનાં માણસોએ સાદ કર્યો : “અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?” “આઘેરાક.” જવાબ મળ્યો. “તો તો, ભાઈ, આંહીં જ રાત રોકાઈ જાવ ને!” “કાં? કેમ તાણ કરવી પડે છે, બા?” મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. “બીજું તો કાંઈ નહિ, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઈ માણસ છે. તો અંધારાનું ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આંહીં ભાણે ખપતી વાત છે : સહુ ભાઈયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!” મુસાફરે જવાબ દીધો : “બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઈ વડિયો દેખ્યો નથી.” તાણ કરનારા ગામલોકોનાં મોં ઝંખવાણાં પડી ગયાં. કોઈએ કહ્યું કે “ઠીક! મરવા દ્યો એને!” રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં.

વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીનાં રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરનાં ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતાં હોય અને વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરનાં કૂતરાં ભસી રહ્યાં છે. મુસાફરોએ ઓચિંતાં પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘુઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને-છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાંને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણાં સાથે ચાલવા લાગ્યાં. રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર આકરા વેણ કહી ધમકાવી૰નાખી. બાઈએ કહ્યું : “મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે.” “હવે ભાળ્યો તારો ભાઈ! છાનીમાની ચાલી આવ! અને મા’રાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાવ!” એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો. “ભલે બાપા!” એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડલું આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકારો કર્યો કે “ખબરદાર, તરવાર નાખી દેજે!”

રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો. “એ બાઈ, ઘરેણાં ઉતારવા માંડ.” લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવા લાગ્યાં. એની ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ. “અલ્યા, પછાડો ઈ સતીની પૂંછડીને!” કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. “એ જટાભાઈ!” બાઈએ ચીસ પાડી : “દોડજે!” “ખબરદાર એલા! કોણ છે ત્યાં?” એવો પડકાર કરતો જટો તરવાર ખેંચીને જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઇને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓનો મે વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહિ. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઊઠીને તરત રજપૂત કહે છે૰ કે “હાલો૰ત્યારે.” “હાલશે ક્યાં? બાયલા! શરમ નથી થાતી? પાંચ ડગલાં હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ સાટે મરેલો પડ્યો છે; અને તું — મારા ભવ બધાનો ભેરુ — તને જીવતર મીઠું થઈ પડ્યું! જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા — કાગ ને હંસના — સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્ય તાણીશ.” “તારા જેવી કૈંક મળી રહેશે.” કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડાં વીણી લાવીને ચિતા ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી; દા પ્રગટાવ્યો. બન્ને જણાં બળીને ખાખ થયાં. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા. આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો હયાત છે.