સ્ટેચ્યૂ/ફોતરાં




ફોતરાં



કમોદ ખાંડવાની મોસમમાં કમોદની પીળી ધરખમ ફાંતરી શેરીમાં ઊડાઊડ કરતી હોય, અમારા છાણથી લીંપેલા ફળિયામાં એ એટલી બધી પથરાઈ જાય કે જાણે એવું લાગે કે કોઈએ તડકા ઉપર રંધો ફેરવીને વહેર પાડ્યો! ઓસરીના ખાંડણિયામાં કમોદ ખંડાતી હોય ત્યારે ઊંચકાતા સાંબેલા સાથે મારી બાના હાથનાં કંકણો રણકી ઊઠતાં. અમારા શાખપડોશી દૂધીબહેન હાથમાં સાવરણી લઈને વેરાયેલી ફોતરીની ઢગલી કરતાં. મને કમોદની ફોતરી એટલી બધી ગમતી કે હું એને ખાલી બાકસમાં ભરી રાખતો. કોઈવાર ગૂંજામાં પણ ભરી લેતો. કમોદની ફોતરીને તમે જુઓ તો એ તમને સોનાની કરચો જેવી લાગે. ખળાવાડમાં એ ઊડતી હોય ત્યારે સોનાનું વાદળું બંધાતું હોય એવું લાગે. કમોદની ફોતરીમાંથી છૂટો પડેલો ચોખાનો દાણો સુવર્ણમંદિરમાં પોઢેલા દેવ જેવા લાગે. ફોતરી કમોદની હોય કે ઘઉંની હોય, એ જ્યારે ખળાવાડની સીમનાં ખેતરોમાં ઊડતી હોય ત્યારે એવું લાગે કે ખેતર હળવું થઈ રહ્યું છે. ખેતર મોકળું થઈ રહ્યું છે. ફોતરી એ ખેતરની હળવાશ છે. કમોદની ફોતરી દેખાય સાવ ઝીણી પણ લૂગડામાં ઘૂસી જાય તો રાતી કીડીના ચટકા જેવો ડંખ મારે. મારી બા એને ઝીણી સોય કહેતા. કમોદ ખંડાઈ રહ્યા પછી હાથછડેલા ચોખાને સૂપડામાં ભરીને મારી બા ઝાકટતી. એ ચોખામાં રહીસહી ફોતરીને ફૂંક મારીને ઉડાડી મૂકતી. એ પછી ચૂલે આંધણ મુકાય. ચોખા ઓરાય. એ આંધણમાં જેમ ઉફાણાં આવતા જાય એમ સોડમ વછૂટતી જાય. ચોખા ચડી રહ્યા પછી મારી બા એને ઓહાવીને સૂંડલીમાં ઠાલવે ત્યારે એની સોડમ બીજી ડેલી સુધી પહોંચતી. રોંઢાની વેળા આવે ત્યારે ઓસરીમાં પાટલા ઢળાય, ભાણાં મંડાય. ભાત પીરસાય. સૌ દાળભાતના સબડકા બોલાવતા જાય ને વાહવાહ કરતા જાય. ભાણે પીરસેલા ભાતમાં ભૂલેચૂકેય જો કમોદની ફોતરી આવી જાય તો ઘરની સાસુ વહુને ઊભી ને ઊભી લઈ નાખે. ‘છતી આંખ્યે ફોતરું નથી ભાળતી? તારી કોડા જેવી આંખ્યને ચૂલામાં નાખ્ય... નભ્ભાઈ... નપ્પીરી... ‘આ ક્ષણે કમોદની પીળી ફોતરી પીરસેલા ભાણામાંથી ઊડીને વહુઓની આંખ્યમાં પડતી. અમે માંડવીનાં ફોતરાંને ફોફાં કહેતા. માંડવી ફોલવાની મોસમ બેસે એટલે અમારા ફળિયા ફોલાતી માંડવીના અવાજથી ગાજી ઊઠતાં, માંડવીના પોપટા મોટા હોય એટલે એનાં ફોફાં બેવેઢાળી આંગળી જેવા લાગે. માંડવી ફોલાતી હોય ત્યારે અમે પાણી ભરેલી કૂંડીમાં માંડવીનાં ફોફાની હોડી બનાવતા અને એ ફોફાંની હોડીમાં મંકોડા પકડીને બેસાડતા. અમે ફૂંક મારતા જઈએ ને ફોફું તરતું જાય. પાણી ઉપર ફોફાં ફોતરી કરતાં માંડવીના ફોફાં વધુ ઉપયોગી નીવડતાં. કોઈવાર એ છાણાં સાથે થપાઈ જતાં તો કોઈવાર બળતણ થઈને બળી જતાં. માંડવી ફોલવી એ પણ એક કળા છે. અમારી શેરીમાં કેટલાક અણઘડ હાથો એવી રીતે માંડવી ફોલતા કે ફોફાની હાર્યો માંડવીનો દાણોય કચડાઈ જાય. કેટલાંક ખાઉધરાં બૈરાંઓ માંડવી ફોલતાં ફોલતાં દાણા ચાવતાં જાય. અમારી શેરીમાં અનુ કરીને એક છોકરી હતી. એ છોકરી એટલી સરસ રીતે માંડવી ફોલતી કે હું એને જોયા જ કરતો. એ ફળિયાની વચ્ચોવચ છણિયું પાથરીને બેસતી. એના બેસવામાં વળોટ હતો. એના હાથમાં લય હતો. આંગળીઓમાં છંદ હતો. માંડવીના ઢગલામાંથી એ માંડવી ઊંચકતી અને બે દાંત વચ્ચે દબાવીને 'કડ્' કરીને ફોતરું તોડી નાખતી. એ ફોતરું વ્યવસ્થિત રીતે તૂટતું. માંડવી ફોલાઈ રહ્યા પછી અનુ એક મુઠ્ઠીમાં દાણા અને બીજી મુઠ્ઠીમાં ફોતરાં લઈને મારી પાસે આવતી અને કહેતી, 'તારી મુઠ્ઠી કઈ?' હું બીતાં બીતાં એની બે મુઠ્ઠીમાંથી એક મુઠ્ઠી પસંદ કરી લેતો. પણ હું જે મુઠ્ઠી પસંદ કરતો એમાંથી કાયમ ફોતરાં નીકળી પડતાં. ફોતરાં જોઈને એ રૂપાની ઘંટડી જેવું હસી પડતી અને ઉંબરો ઠેકતીક ભાગી જતી. ઘણી વાર હુંયે મારી મુઠ્ઠીઓ લઈને અનુ પાસે જતો અને કહેતો : 'તારી મુઠ્ઠી કઈ?' એ થોડુંક વિચારીને ભ્રમર નચાવતી જે મુઠ્ઠી પસંદ કરતી એમાંથી કાયમ દાણા નીકળતા અને મારા ભાગે ફોતરાં આવતાં, માંડવી અને જિંજરાની મોસમમાં મારી અને અનુની આ રમત સતત ચાલ્યા કરતી. અનુ મારાથી દસબાર વરસ મોટી હતી પણ અમારી ટણકટોળીમાં એ ભળી જતી. એ નવરી પડતી ત્યારે છબે રમવા આવતી. કોઈવાર દોરડા કૂદવા આવતી. મોળાકાતના જાગરણમાં એ રાસડા પણ લેતી. અમારામાંથી કોઈ છોકરાનો રમતાં રમતાં ગોઠણ છોલાય તો એ વીજળીવેગે ઘરમાં દોડી જતી અને રૂ બાળીને ઘા ઉપર મૂકી દેતી. અનુ અમારી ટણકટોળીની રખેવાળ હતી. એકવાર મારી આંખમાં કમોદનું ફોતરું પડ્યું ત્યારે અનુએ પોતાના પછેડાના છેડાને વળ ચડાવીને મારી આંખમાંથી ફોતરું કાઢી લીધું હતું. અનુ પાતળા બાંધાની ઊંચી છોકરી હતી. એ રાસડા લેતી હોય ત્યારે એનું શરીર રબ્બરની જેમ વળતું. એની આંખો આંબા ઉપર તાજી બેઠેલી કાચી કેરીની ફાડ્ય જેવી લાગતી. એ ચણિયો-ચોળી પહેરતી અને માથે પછેડો ઓઢતી. એના વાળ ગોઠણ સુધી પહોંચતાં. અઠવાડિયાના અમુક દિવસે એ માથાબોળ નાહીને ફળિયામાં વાળ સૂકવવા આવતી ત્યારે કદરૂપાં ફળિયાં સુંદર બની જતાં. અનુની બા કન્યાશાળામાં શિક્ષિકા હતાં. અનુ મારાથી પાંચેક ચોપડી આગળ હતી. એટલે અમે ઠોઠ નિશાળિયાઓ એની પાસે સરવાળા-બાદબાકી શીખવા જતા. બાદબાકીમાં મને વદી લેતાં નહોતી આવડતી, પણ અનુએ મને ચપટી વગાડતાંમાં વદી લેતાં શીખવ્યું હતું. જિંજરાની મોસમમાં એક દિવસ અનુનાં લગન લેવાયાં એ દિવસથી અનુ થોડી બદલાયેલી લાગી. હવે એણે ડેલી બહાર પગ મૂકવાનું બંધ કર્યું. અમારી ટણકટોળી સાથે રમવાનું બંધ કર્યું. આખો દિવસ એ ઘરમાં જ રહેવા લાગી. પહેલાં તો અમને જોઈને એ કંઈક ટીખળ કરીને રૂપાની ઘંટડી જેવું હસી પડતી; પણ એ માત્ર મોઢું મલકાવતી થઈ ગઈ. પહેલાં તો જિંજરાની મોસમમાં હું જિંજરાની ઝૂડી ફોલતો હોઉં ત્યારે અનુ પવનની લહેરકીની જેમ આવી ચડતી અને મારી સામે પોતાની રેશમની ગાંઠ જેવી મુઠ્ઠીઓ ધરીને કહેતી કે 'તારી મુઠ્ઠી કઈ?' હું ઝડપથી એની એક મુઠ્ઠી પકડી લેતો ને રાબેતા મુજબ એમાંથી ફોતરાં નીકળી પડતાં. પણ આ મોસમમાં અનુ દેખાઈ નહીં એટલે હું સોરાવા લાગ્યો. શેરી-મકાન-ફળિયા-ડેલી-ચોક-ઉંબરા અને એકસામટાં ખાવા ધોડ્યાં હોય એવું લાગવા માંડ્યું. અનુના લગનની આગલી બપોરે મારાથી રહેવાયું નહીં એટલે હું હાથમાં ગરિયો અને દોરી લઈને અનુના ફળિયે ગયો. એ ફળિયામાં માંડવો નખાઈ ગયો હતો. ઓસરી ઘરેણાંથી રણકતાં બૈરાંઓથી ભરી હતી. એક ખૂણામાં થોડીક સમવયસ્ક છોકરીઓથી ઘેરાયેલી અનુને મેં હાથમાં મેંદી મુકાવતી જોઈ. ઓસરીની ભીડમાં અનુએ મને દૂરથી જોયો પણ કોણ જાણે કેમ એણે ન જોયા જેવું કરીને નજર ફેરવી લીધી. હું થોડોક ઘવાયો. અનુના ફળિયામાં કોઈએ મારો ભાવ ન પૂછ્યો એટલે હું ડેલી બહાર નીકળી ગયો અને શેરીમાં એકલો એકલો ગરિયો ફેરવવા લાગ્યો. એ ક્ષણે મેં માની લીધું કે અનુએ મારી સાથે કિટ્ટા કર્યા છે. મારા અને અનુના સંબંધમાં ક્યારેય કિટ્ટા થયા નહોતા. કોઈ વાર અનુ મને ખૂબ ચીડવતી ત્યારે હું દાંત પાસે અંગૂઠો લાવીને કિટ્ટા કરતો પણ અનુએ મારી સાથે કોઈ દિવસ કિટ્ટા કર્યા નહોતા. એ બપોરે હું અગાસી ઉપર ચડીને સૂનમૂન બેસી રહ્યો. આકાશમાં લાંબા લાંબા ચકરાવા લેતી સમડીઓને જોતો રહ્યો. અનુના લગનનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે હજી પરોઢનું અજવાળું ફુટે એ પહેલાં જ અનુની ડેલી પાસે ઢમાક્... ઢમાક્ ... ઢોલ વાગવો શરૂ થઈ ગયો. શેરીમાં ઝીણો ઝીણો કોલાહાલ થવા લાગ્યો. થોડોક તડકો ચડ્યો ત્યારે હું એકઢાળિયાના ખખડધજ જાળિયામાંથી અનુના ફળિયામાં જોવા લાગ્યો. માંડવાના લૂગડાથી અનુનું ફળિયું સાવ ઢંકાઈ ગયું હતું એટલે જાળિયામાંથી કાંઈ જોઈ શકાતું નહોતું. હું ઝડપભેર એકઢાળિયાનાં પગથિયાં ઊતરીને નીચે આવ્યો અને ઓસરીની થાંભલી પાસે બેસીને જિંજરા ફોલવા લાગ્યો. એ ક્ષણે નેવાના પડછાયા લાંબા થતા જતા હતા. પપનસના ઝાડ પરથી થોડીક ચકલીઓ ચીંચીં કરતી ઊડતી હતી. છજામાં કબૂતરોની પાંખના ફડફડાટથી થોડાંક પીંછાં ખરીને ઓસરીમાં વેરાતાં હતાં. એવામાં ડેલીનો આગળિયો ઉઘાડીને અનુ ઓચિંતી અમારા ફળિયામાં આવીને ઊભી રહી. આ વખતે એ એકલી નહોતી આવી. એ સહેલીઓથી ઘેરાયેલી હતી એટલે બધા પાડોશીને છેલ્લી વાર મળવા આવી હતી. આ ક્ષણે હું એટલો બધો ઘવાયો હતો કે અનુને જોતાં જ જિંજરાની તિરખી હાથમાં લઈને અગાસી ઉપર ચડી ગયો અને આંખથી પારાપેટ ખોતરવા લાગ્યો. પણ આ વખતે અનુએ એમ ન કર્યું. એ બધી સહેલીઓને ફળિયામાં છોડી ધીમે પગલે મારી પાસે આવીને ઊભી રહી અને રેશમી સાડીની ગાંઠ જેવી પોતાની બે મુઠ્ઠી મારી સામે ધરતાં બોલી : 'તારી મુઠ્ઠી કઈ?' મારી આંખની ફોતરી જેવાં પોપચાં સો મણ જેટલાં ભારે થઈ ગયાં. મેં મહાપ્રયત્ને અનુની સામે જોયું તો એની આંખમાં પાણી હતાં. મેં જિંજરાની તિરખી બાજુ પર ફેંકીને હળવેકથી અનુની એક મુઠ્ઠી પકડી લીધી. પણ આ વખતે અનુએ મુઠ્ઠી ખોલી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એમાંથી જિંજરાનાં ફોતરાંને બદલે લીલાછમ ચણા નીકળી પડ્યા. આ ક્ષણે અનુ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. એની બીજી બંધ મુઠ્ઠીની પકડ ઢીલી પડતાં એમાંથીયે લીલાછમ ચણા નીકળી પડ્યા. અનુની બેમાંથી એકેય હથેળીમાં ફોતરાં નહોતાં પણ એ હથેળીમાં મેંદીની ઝીણી ઝીણી ભાત્ય જોઈને એવું લાગતું કે જાણે કમોદની ઝીણી ઝીણી ફોતરીઓ અનુએ પોતાની હથેળીમાં ચિતરાવી લીધી છે! અનુની વિદાય વેળાએ મુઠ્ઠીદાવની છેલ્લી રમતમાં મારે ભાગે ફોતરાં ન આવ્યાં, એમાં અનુની અંચઈ હતી. પણ એ અંચઈ અનુએ મને જિતાડવા માટે કરી હતી એની મને ખબર હતી. ચાલીસ વરસથી બંધ રાખેલી મુઠ્ઠીને મેં આજે ઉઘાડી તો એમાંથી કેટલાં બધાં ફોતરાં નીકળી પડ્યાં! આ ફોતરાંની રમતમાંથી મને એક સત્ય સમજાયું કે દાણો બગડી જાય છે પણ ફોતરું ક્યારેય બગડતું નથી. દાણો વાસી થઈ જાય છે પણ ફોતરું ક્યારેય વાસી થતું નથી. ફોતરું સુકાઈને બેવડ વળી જાય, પણ એની તાજગી જાળવી રાખે છે. થોડાક ગંભીર અને ઠાવકા થઈને કહેવું હોય તો એમ કહી શકાય કે દાણો એ ફોતરાનો અહંકાર છે. દાણા ડૂબી જાય છે અને ફોતરાં તરે છે, પણ આ વિધાન સાર્વત્રિક નથી. કપાસની ફોતરી ડૂબી જાય છે અને રૂ તરી જાય છે. કોઈ વાર હું કપાસના ખેતરમાં જઈ ચડતો ત્યારે મને એવું લાગતું કે અહીં સફેદ વાદળાંઓનું વાવેતર થયું છે. કપાસનું કાલુ હાથમાં ઊંચકીને હું ફોલતો ત્યારે એમાંથી સફેદ વાદળું નીકળી પડતું. કાલાની હિટલર જેવી કડક ફોતરી સફેદ દૂધ જેવા રૂને જન્મ આપીને છૂટી પડતી ત્યારે મને એવું લાગતું કે હળવાફૂલ રૂએ ક્યા શસ્ત્રથી ફોતરાની કડકાઈને તાડી નાખી છે? બાજરીના ડૂંડામાંથી ઊડતી ઝીણી ઝીણી ફોતરીઓ મચ્છર જેવી લાગે છે. આ બધી ફોતરીઓમાં મગની ફોતરી સાવ અલગ તરી આવે છે. મગની ફોતરી સુકાઈને કોરડું થઈ જાય તો પણ એનો રંગ નથી બદલતી. એ ફોતરી કાયમ લીલીછમ રહે છે. કોઈવાર શિંગોડાનાં ફોતરાં હાથમાં આવે ત્યારે અંધારાનો કાળો ટુકડો આપણા હાથમાં આવી ગયો હોય એવું લાગે. શબ્દની મોસમ બેઠી છે. હું સૂંડલો ભરીને શબ્દ ફોલવા બેઠો છું પણ દાણા છટકી જાય છે ને હાથમાં ફોતરાં રહી જાય છે.