સ્વાધ્યાયલોક—૧/કવિ અને વાચકનો સંબંધ


કવિ અને વાચકનો સંબંધ

મારે ભાઈ પીતાંબરને અભિનંદન આપવાના છે. કારણ કે એમની લાંબી શોધને અંતે પણ એ મને મળી શક્યા. હું પણ એમની જેમ જ મને શોધું છું, છતાં હું હજી મને મળી શક્યો નથી. એથી તો કવિતા કરું છું. કારણ કે મને એવી લાલચ છે કે કવિતા કરતો કરતો કદાચને હું ક્યારેક મને મળી શકું. પોતાને પામી શકું. ભાઈ પીતાંબરે મને કોર્ટમાર્શલ કર્યો છે. સાદી અદાલતમાં તો આરોપીને એક લાભ હોય છે. ‘મેં ગુન્હો કર્યો છે.’ એમ કબૂલે એટલે એ બેસી જઈ શકે. ‘મેેં ગુન્હો નથી કર્યો.’ એમ ઇન્કાર કરે તો જ એને ઊભા રહેવું પડે. અહીં એથી ઊલટું જ છે. ‘મેં કવિતા નથી કરી.’ એમ કહું તો બેસી જઈ શકું. અને ‘મેં પ્રાસ કર્યા છે એથી મેં કવિતા નથી કરી, મેં ચાતુરી કરી છે એથી મેં કવિતા નથી કરી.’ એમ કહેવા જેટલું મિથ્યાભિમાન અથવા તો એટલી મિથ્યા નમ્રતા મારામાં નથી. કારણ કે મેં કવિતા કરી છે. અને એથી હું અહીં ઊભો રહીશ. પણ મેં કવિતા કરી હોય એથી મારી કવિતા પર મારે જાહેર પ્રવચન કરવું એવું નહીં! મારી કવિતા વિશે મારે કંઈ જ કહેવાનું ન હોય. જો કોઈએ કંઈ કહેવાનું હોય તો તે બીજાઓએ એટલે કે વાચકોએ! પણ બીજાઓએ એટલે કે વાચકોએ પણ કંઈ જ કહેવાનું ન હોય! મેં એવા અસંખ્ય કવિઓની કવિતા વાંચી છે કે જેમના વિશે હું જીવીશ ત્યાં લગી કદાચ ને કંઈ જ નહિ કહું, આ પણ જાહેર પ્રવચન નહિ કરું, કારણ કે, કવિ અને વાચકનો સંબંધ અંગત સંબંધ છે, પ્રેમનો સંબંધ છે, એકાંતનો સંબંધ છે, ખાનગી મૈત્રીનો સંબંધ છે, પવિત્ર સંબંધ છે, સિનેમાની નટનટી કે સરકસના રંગલા અને પ્રેક્ષક વચ્ચેનો જે સંબંધ હોય છે તેવો કવિ અને વાચક વચ્ચેનો સંબંધ નથી. અને એથી જ તો નટનટી કે રંગલાના પ્રેક્ષકો તરફથી જેમ ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવાય છે તેમ વાચક તરફથી કવિના ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ લેવાતા નથી, અને ન જ લેવાવા જોઈએ, કારણ કે કવિ અને વાચકનો સંબંધ ખાનગી મૈત્રીનો સંબંધ છે. તો કવિતા લખાય પછી તરત એ પર જાહેર પ્રવચન ન કરાય. સ્વયં કવિથી તો નહિ જ. એનું તો માત્ર વાચન જ કરાય. મહિમા કવિતાનો છે, કવિનો નહિ. કવિ કરતાં કવિતાનું વ્યક્તિત્વ વધુ અગત્યનું છે. જ્યારે કવિને પ્રધાન અને કવિતાને ગૌણ ગણવામાં આવે છે ત્યારે વિચિત્રતા અને વિડંબના જન્મે છે. એથી તમારી સમક્ષ હું મારી કવિતા પર જાહેર પ્રવચન નહિ કરું, માત્ર બે કાવ્યોનું વાચન જ કરીશ. (લેખક મિલન, અમદાવાદના ઉપક્રમે કાવ્યવાચન પ્રસંગે પ્રાસ્તાવિક વક્તવ્ય, ૮ ઓગસ્ટ ૧૯૫૯)

*