સ્વાધ્યાયલોક—૧/સાહિત્ય નિમિત્તે


‘સાહિત્ય’ નિમિત્તે

મિતાક્ષરી પરિચય ટ્રસ્ટને વારંવાર સપનાં આવે છે. અને એ સપનાં અનેક મિત્રો. મુરબ્બીઓ અને શુભેચ્છકોના સહકાર અને સદ્ભાવથી સાચાં પડે છે. ગઈ સાલ એને સર્જનાત્મક સાહિત્યનું ત્રૈમાસિક પ્રસિદ્ધ કરવાનું એક નવું સપનું આવ્યું. અને એ પણ આજે આમ આ ‘સાહિત્ય’ ત્રૈમાસિક રૂપે સાચું પડે છે. પરિચય ટ્રસ્ટે એનું આ સપનું મને સાચવવા સોંપ્યું છે. એથી હું કૃતજ્ઞતાનો અનુભવ કરું છું. તો સાથેસાથે એ વાસ્તવનું પણ સ્મરણ કરું છું કે કોઇનાંય સપનાં સાચવવાં સોહ્યલાં નથી પણ મને શ્રદ્ધા છે કે ગુજરાત — ગુજરાતના સર્જકો, ભાવકો અને સાહિત્યપ્રેમીઓ — એ સાચવવામાં સહાય કરશે, બલકે સ્વયં સાચવશે. સાહિત્ય કાલાતીત છે, ‘સાહિત્ય’ નહિ. સાહિત્યનું કોઈ પણ સામયિક એના સમયના સાહિત્યમાં સીમિત હોય છે. સામયિકના પ્રકાશની સમયાવધિમાં જે કંઈ સાહિત્યનું સર્જન થયું હોય અને એ સામયિકના તંત્રીને સુલભ થયું હોય એમાંથી એને જે કંઈ ઉત્તમ હોય એ પ્રસિદ્ધ કરવાનું થાય. સંભવ છે કે આ સાહિત્યમાં જે કંઈ ઉત્તમ હોય તે હંમેશ માટેનું ઉત્તમ હોય — અને ન પણ હોય. હંમેશ માટેનું ઉત્તમ સાહિત્ય મહાન સાહિત્ય એ અંતે એક સુભગ અકસ્માત છે. એ તંત્રીની શુભેચ્છાઓની કે સ્વયં સર્જકની મહેચ્છાઓની સરજત નથી, એ સંકલ્પશક્તિ કે તર્કશક્તિની નિષ્પત્તિ નથી એ સાહિત્યદેવતાનું વરદાન છે. કોઈ પણ સામયિકમાં જે કંઈ સાહિત્ય પ્રસિદ્ધ થાય તે તે સામયિકના પ્રકાશનની સમયાવધિમાં જે સાહિત્યનું સર્જન થયું હોય એમાં ઉત્તમ હોય તો પણ બસ! એમાં સમકાલીન સાહિત્યનો વહેણો અને વલણોનું પ્રતિનિધિત્વ હોય તોપણ બસ! એમાં સમકાલીન સાહિત્યનાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં જે મહત્તા અને મર્યાદા હોય, સર્જકોમાં જે રુચિ અને અરુચિ હોય — એટલું પણ જો પ્રગટ થાય તો એ સામયિક એના સમયનો દસ્તાવેજ સિદ્ધ થાય. અને અંતે એમાં જ આવા સામયિકનું સાર્થક્ય છે! સાહિત્ય કાલાતીત છે છતાં કોઈ પણ સમયનું સાહિત્ય તે સમય સાથે, તે સમયના પ્રાણપ્રશ્નો અને સમગ્ર વાતાવરણ સાથે, પરોક્ષ રૂપે સંબદ્ધ — અને ક્યારેક તો પ્રતિબદ્ધ — હોય છે. આમ, કાવ્યપુરુષ અને કાળપુરુષ વચ્ચે એક સૂક્ષ્મ અને સૂચક સંબંધ હોય છે. સાહિત્ય અધુનાને આરેથી અતીત અને અનાગત વચ્ચે શબ્દસેતુ રચે છે. સાહિત્યમાં આધુનિકતાનો આ એક મુખ્ય અર્થ છે. આ સંદર્ભમાં સાહિત્યનું કોઈ પણ સામયિક એના સમય સાથે અને આધુનિકતા સાથે સંબદ્ધ — અને ક્યારેક તો પ્રતિબદ્ધ — હોય છે. એમાં પણ આવા સામયિકનું સાર્થક્ય છે. આપણા યુગમાં બૌદ્ધિકતાવાદ પદભ્રષ્ટ થયો છે અને ભૌતિકતાવાદ પ્રતિષ્ઠિત થયો છે, અનેક આસુરી અર્થતંત્રો અને રાક્ષસી રાજ્યતંત્રોનું અસ્તિત્વ છે. કહે છે કે આપણો યુગ ન્યાય અને સમાનતા માટેની ક્રાંતિની સંપૂર્ણ ક્રાંતિનો યુગ છે. પણ આ ક્રાંતિનાં સાધનો છે પ્રચાર અને નિયંત્રણ. એ દ્વારા ન્યાય અને સમાનતાને નામે મનુષ્યના સ્વતંત્ર વ્યક્તિત્વનો નાશ થયો છે અને વ્યક્તિસ્વાતંત્ર્ય — વિચાર અને વાણીસ્વાતંત્ર્ય સુધ્ધાં — નો હ્રાસ થયો છે. આપણા યુગની આ વક્રતા અને વિકૃતિ છે. એથી વિજ્ઞાન અને સાહિત્ય જેવાં બૌદ્ધિક અને વૈયક્તિક સ્વતંત્ર સર્જનો પર સૌથી વધુ શંકાદૃષ્ટિ થાય છે, સૌથી વધુ જાસૂસી થાય છે. વિજ્ઞાનીઓ અને સાહિત્યકારો પર લાંચ અને ધમકીથી અંકુશ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય છે. એથી આજના યુગમાં વિજ્ઞાનીઓ અને સાહિત્યકારોને મનુષ્ય માત્રનાં સ્વાતંત્ર્ય, વ્યક્તિત્વ અને વ્યક્તિસ્વાતંત્રનું રક્ષણ કરવાનો આજ પૂર્વેના યુગોમાં કદી ન હતો એવો એક વિશેષ યુગધર્મ છે. આપણા યુગમાં સાહિત્યકારો વિરોધપક્ષના આજીવન સભ્યો છે. વેદમાં વાક્ દેવીનું એમને વચન છે, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ’ — હું જેને ચાહું છું તેને ઉગ્ર કરું છું. ‘સાહિત્ય’ના મંગલાચરણની આ ક્ષણે એ જ પ્રાર્થના કે વાક્દેવીના વરદાનથી સાહિત્યકારો વધુ ને વધુ ઉગ્ર હજો, એમનું શાંત આત્મતેજ વધુ ને વધુ પુણ્યોજ્જ્વલ હજો! આ અંકમાં બાર કવિઓનાં લઘુમધ્યમ કદનાં કુલ સત્તર કાવ્યો છે. સૌ ઊર્મિકાવ્યો છે. (ભવિષ્યમાં કથનકવિતા અને નાટ્યકવિતા — દીર્ધ કદનાં કથાકાવ્યો અને પદ્યનાટકો — પ્રગટ થાય એવી આશા છે.) એમાંથી પંદર કાવ્યોમાં એક સમાન તત્ત્વ છે અને તે ગદ્યલય. આ કાવ્યોમાં ભાવ કે વિચારનો જેમ જેમ વિકાસ અને વિસ્તાર થાય છે તેમ તેમ એને અનુકૂળ અને અનુરૂપ એવો લય, લહેકો અને અવાજ અનાયાસ જ, સહજ જ પ્રાપ્ત થાય. છે. સુન્દર ગદ્યલય સુન્દર પદ્યલય જેટલો જ વિરલ દુર્લભ છે. ગદ્યકાવ્ય સિદ્ધ કરવું એ ડાબા હાથનો ખેલ નથી. સંભવ છે કે ગદ્યકાવ્ય દીર્ધ ગંભીર પદ્યસાધનાનું જ ફળ હોય. ઉમાશંકર જોશીનું કાવ્ય ‘પીછો’ એ મનુષ્ય અને પરમેશ્વર વચ્ચેની સનાતન સંતાકૂકડીનું કાવ્ય છે. પરમેશ્વરે મનુષ્યનો પીછો પકડ્યો છે એ અનુભવનાં અનેક કાવ્યો અસ્તિત્વમાં છે. ‘પીછો’માં મનુષ્યે પરમેશ્વરનો પીછો પકડ્યો છે એ અનુભવ છે, મનુષ્યની પરમેશ્વર પ્રત્યેની અભીપ્સા. છે. પકડ્યો છે પીછો અને કરે છે પીછેહઠ, જવું છે નિકટ અને સરે છે દૂર. આ છે મનુષ્યની કરુણતા. કાવ્યમાં આ વિધિવક્રતાને કારણે કટાક્ષ તો છે જ પણ મનુષ્યની આ કરુણતા પ્રત્યે કરુણા પણ છે. ‘છિન્નભિન્ન છું’, ‘શોધ’ અને ‘પીછો’ એ એક જ કુળનાં કાવ્યો છે. શિવ પંડ્યા ચિત્રકાર છે, એમનાં ચિત્રો, વ્યંગચિત્રો અને કેરિકેચર્સ માટે પ્રસિદ્ધ છે. (એમનો પચાસેક અર્વાચીન ગુજરાતી સાહિત્યકારોનાં કેરિકેચર્સનો સંગ્રહ અત્યારે પ્રેસમાં છે.) ચિત્રકાર-કવિનાં કાવ્યો કલ્પનસઘન તો હોય પણ અહીં એમનાં કાવ્યો ભાવસઘન છે એ એમની વિશેષતા છે. શિવ પંડ્યા સવ્યસાચી છે, ચિત્રકાર-કવિ નથી, ચિત્રકાર અને કવિ છે. અચ્યુત યાજ્ઞિકના કાવ્ય ‘પાંડુલિપિ’માં પૌરાણિક પાત્રો અને પ્રસંગોનો અર્વાચીન અનુભવની અભિવ્યક્તિ માટે પ્રતીકો રૂપે, પુરાકલ્પનો રૂપે સર્જનાત્મક ઉપયોગ થયો છે. અચ્યુત યાજ્ઞિકે આ પૂર્વે અલ્પસંખ્ય પણ આવી જ કલાત્મક ટૂંકી વાર્તાઓ રચી હતી એનું અહીં સહજ સ્મરણ થાય છે. સરૂપ ધ્રુવના કાવ્ય ‘ઇચ્છાકુંવરી!’માં મા દીકરીને કોમળતાથી લાડ લડાવે અને સાથે સાથે કઠોરતાથી લપડાક પણ લગાવે ત્યારે પ્રગટ થાય તેવો લય, લહેકો અને અવાજ આબાદ પ્રગટ વાય છે. સરૂપ ધ્રુવને નાટ્યલેખન અને નાટ્યાભિનયનો પણ અનુભવ છે એનું અહીં સહજ સ્મરણ થાય છે. રઘુવીર ચૌધરી લગભગ સર્વતોમુખી સર્જક છે. અહીં એમનું ત્રિઅંકી નાટક ‘સિકંદર સાની’ પ્રગટ થાય છે. એમાં ભૂતકાળ અને વર્તમાનનો તથા સાહિત્ય અને રંગભૂમિનો સફળ સમન્વય સિદ્ધ થાય છે. એમાં મોહ (અલાઉદ્દીન) અને પ્રેમ (કુન્તલ) વચ્ચેનો સંઘર્ષ પ્રગટ થાય છે. કોઈ પણ યુગમાં કોઈ પણ ધનલોલુપ, સત્તાલોલુપ, કીર્તિલોલુપ — અને અહીં વધુમાં સૌંદર્યલોલુપ — મનુષ્યની જે ગતિવિધિ થાય એ આ નાટકના કેન્દ્રમાં છે. એમાં મોહની અનિવાર્ય નિષ્ફળતા અને વિશેષ તો નિઃસારતાનું દર્શન છે. અહીં નાયકનું ઇતિહાસકારની દૃષ્ટિએ નહિ પણ કવિની દૃષ્ટિએ દર્શન કર્યું છે. એથી એમાં, ‘પીછો’માં છે તેમ, વિધિવક્રતાને કારણે કટાક્ષ તો છે જ પણ મનુષ્યની આ કરુણતા પ્રત્યે કરુણા પણ છે. પાત્રાલેખન, વસ્તુવિધાન, સંવાદ, નાટકમાં નાટક, પેજન્ટ આદિને કારણે આ નાટક માત્ર સાહિત્યરસિકોને માટે જ નહિ પણ રંગભૂમિનાં કલાકારોને માટે પણ આકર્ષણરૂપ છે. નલિન રાવળની ટૂંકી વાર્તા ‘સોનેરી સળી જેવું પંખી’માં બે એકલતાઓ, બે અપૂર્ણતાઓ(અનિકેત અને અનંતા)ના સરવાળામાંથી એક અખિલાઈ, એક પૂર્ણતા નહિ પણ કદાચને અનંત એકલતા, અસંખ્ય અપૂર્ણતાઓ જ સિદ્ધ થાય એવી શક્યતાના ભવ્યકરુણ અનુભવની નરી ઋજુસુન્દર કવિતા છે. રાધેશ્યામ શર્માની અપ્રકટ નવી લઘુ નવલકથા ‘સ્વપ્નતીર્થ’માંથી એક પ્રકરણ ‘ચોથો દિવસ’ અહીં પ્રકટ થાય છે. એ વિશે રાધેશ્યામ શર્મા એમની ‘પ્રસ્તાવના’માં નોંધે છે, ‘ ‘સ્વપ્નતીર્થ’નો નાયક કિશોરાવસ્થાના ઉંબરાને અંડોળી યુવાવસ્થામાં લગભગ પહોંચી ગયો છે પણ એનું અપૂરતું શિક્ષણ તથા એની અત્યંત સંકીર્ણ સંકુચિત અર્ધચેતન સૃષ્ટિ તેમ જ ન દીઠેલ પિતાની શોધ માટે આતુર દૂરબીનશી એકમેવ દૃષ્ટિ એની સ્વપ્ન- યાત્રાને કેવા પરિમાણો અર્પે એ આલેખી જોવાનો આ આ કથા-પ્રયોગ છે. રસનિષ્પતિ માટે અજમાવાતી પરાકાષ્ઠા બાંધવાની પ્રચલિત પદ્ધતિનો અહીં પરિત્યાગ કર્યો છે. નિરર્થક દેખાતી ક્રિયાઓ અને ચેષ્ટિતોના પુનરાવર્તન દ્વારા જન્મેલા વિરતિમિશ્રિત વાતાવરણમાં સ્વપ્ન કે સ્વપ્નની અંદર સ્વપ્નનો ટેક્નીક તરીકે વિનિયોગ અહીં કેવો લાગે છે? તમે જ કહો...’ એક જ શબ્દમાં કર્યું? કલાત્મક. ભોળાભાઈ પટેલના નિબંધ ‘વિદિશા’માં સાહિત્યિક યાત્રાના અનુભવમાંથી રસિક, પ્રાસાદિક શૈલીમાં યાત્રિકસાહિત્ય સિદ્ધ થયું છે. એમાં જીવનાનંદ દાસ અને કાલિદાસ સહયાત્રીઓ છે. એથી એમાં પ્રાચીન વિદિશાનું અર્વાચીન દૃષ્ટિએ દર્શન શક્ય થયું છે. ભોળાભાઈ પટેલ એમની આવી અનેક સાહિત્યિક યાત્રાઓ અંગે એક નિબંધમાળા ‘સાહિત્ય’માં લખશે એ સૌને માટે સુખદ સમાચાર છે. વર્ષાન્તે ‘સાહિત્ય’ આ અંક સાથે એનું એક વરસ પૂરું કરે છે. આ ક્ષણ એ પશ્ચાત્‌દર્શન અને આંતર્‌દર્શનની ક્ષણ છે. ‘સાહિત્ય’ જેવાં માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકોના તંત્રીઓનાં અનેક સદ્ભાગ્યો હોય છે : સમકાલીન સાહિત્યના સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણોના નિકટથી સાક્ષી થવું; પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત ન થયાં હોય એવાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રસિદ્ધ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું; પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાનાં સામયિકોમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તેત્રીઓના અનુકૂળ તેમ જ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજી સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે — બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ અધિકાર છે. પણ આવાં સામયિકોના આયુષ્યને અંતે ભરતવાક્યમાં નોંધવું કે ‘આ મહાન સર્જક અથવા આ — આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રસિદ્ધ થયું હતું.’ એ આ સદ્ભાગ્યોનું સદ્ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્ભાગ્ય છે, પરમ સદ્ભાગ્ય છે. વર્ષાન્તે અહીં નોંધવું રહ્યું કે એક પણ સર્જકનું પ્રથમ લખાણ ‘સાહિત્ય’માં એના પ્રથમ વર્ષમાં પ્રસિદ્ધ થયું નથી. એથી આવું સદ્ભાગ્ય ‘સાહિત્ય’ના પ્રથમ વર્ષમાં તો એના તંત્રીને પ્રાપ્ત થયું નથી. આશા છે આવું લખાણ અસ્તિત્વમાં હશે. શુભેચ્છા છે કે આ લખાઈ રહ્યું છે ત્યારે જ કોઈ સર્જક અથવા સર્જકો એમનું પ્રસિદ્ધિયોગ્ય પ્રથમ લખાણ આ તંત્રીને મોકલી રહ્યા હોય... અટૂલાપણું, એકાકીપણું — મનુષ્યનો આ અનુભવ એના તાત્ત્વિક અર્થમાં તો સાહિત્ય જેટલો, સાહિત્યથી યે વધુ પ્રાચીન છે, મનુષ્ય જેટલો પ્રાચીન છે. અટૂલાપણું, એકાકીપણું એ અર્વાચીન કે આધુનિક કે અદ્યતન યુગની આગવી સરજત છે એ એક આત્મશ્લાઘા છે; એ અર્વાચીનતાનું, આધુનિકતાનું કે અદ્યતનતાનું અનન્ય લક્ષણ છે. એ અતિશયોક્તિ અલંકાર છે. અટૂલાપણું, એકાકીપણું એના તાત્ત્વિક અર્થમાં તો મનુષ્યજીવનની અનિવાર્ય અવસ્થા છે. પણ આ ક્ષણે જો સમગ્ર જગતમાં, સમસ્ત માનવસમાજમાં, સવિશેષ ભારતમાં, ભારતના સમાજમાં નિમ્ન સમાજકારણ, પામર રાજકારણ અને અધમ અર્થકારણ હોય એથી અટૂલાપણું, એકાકીપણું એના સામાન્ય અર્થમાં પણ મનુષ્યનો અનુભવ હોય અને સર્જક સમગ્ર પ્રજાને માટે કે પ્રજાના કોઈ આ વર્ગને માટે કે પોતાના અંગત મિત્રોને માટે નહિ, અરે વિવેચકોને માટે કે તંત્રીઓને માટે પણ નહિ, પણ માત્ર પોતાને માટે જ સર્જન કરે તો નવાઈ નહિ. એના સર્જનમાં આશા, આનંદ કે આદર્શ ન હોય, પ્રતિકાર કે પ્રતિબદ્ધતા ન હોય તો નવાઈ નહિ. ‘આજના સર્જકની કોઈ માન્યતા છે?’ એવો પ્રશ્ન પૂછીએ તે પૂર્વે ‘આજના જગતમાં સર્જકને માન્ય થાય એવું કંઈ છે?’ એવો પ્રશ્ન પૂછવો જોઈએ. ‘આજના સર્જકની કોઈ શ્રદ્ધા છે?’ એવો પ્રશ્ન પૂછીએ તે પૂર્વે ‘આજના જીવનમાં સર્જકને માટે શ્રદ્ધેય હોય એવું કંઈ છે?’ એવો પ્રશ્ન પૂછવો જોઈએ. ‘સહિત્ય’માં જે લખાણો આ વર્ષમાં પ્રસિદ્ધ થયાં કે હવે પછીનાં વર્ષોમાં પ્રસિદ્ધ થશે એ લખાણોનું આ કોઈ અંગત બચાવનામું નથી. આ તો આજના જગતની અને આજના જીવનની જે પ્રસિદ્ધ હકીકતો છે એનું માત્ર બિનઅંગત બ્યાન છે. ‘સાહિત્ય’ એ કોઈ વય, વર્ગ કે વાદ — સાહિત્યિક વાદ સુધ્ધાં — નું આંદોલન નથી. ‘સાહિત્ય’ને કોઈ — આધુનિકતા સુધ્ધાંનું — ઘોષણાપત્ર નથી. સર્વગ્રાહી રસ અને સર્વલક્ષી રુચિ એ ‘સાહિત્ય’નો પ્રયત્ન છે. પ્રાચીનતા પૂર્વેની અર્વાચીનતા અને અર્વાચીનતા પછીની પ્રાચીનતા એ ‘સાહિત્ય’નો પ્રયોગ છે. ‘સાહિત્ય’માં આ વર્ષમાં તેંતાલીસ કાવ્યો, ચાર નાટકો, પાંચ ટૂંકી વાર્તાઓ, નવલકથાનું આ પ્રકરણ, પાંચ નિબંધો અને આત્મકથાનું એક પ્રકરણ — આટલાં લખાણો પ્રસિદ્ધ થયાં. સમકાલીન સહિત્યમાં કવિતાના સ્વરૂપમાં મધ્યમ કદનાં કાવ્યો અલ્પસંખ્ય છે. નાટક, નિબંધ, આત્મકથા અને જીવનચરિત્રનાં સ્વરૂપો કવિતા, ટૂંકી વાર્તા અને નવલકથાનાં સ્વરૂપો જેટલાં — જથ્થામાં અને ગુણવત્તામાં બન્નેમાં — સમૃદ્ધ કદાચને ન હોય! આ સંદર્ભમાં ‘સાહિત્ય’માં આ વર્ષમાં મધ્યમ કદનાં સાતેક કાવ્યો, ચાર પ્રવાસનિબંધો અને ત્રણ સળંગ નાટકો પ્રસિદ્ધ થયાં એવું અહીં નોંધી શકાય છે એનો આનંદ છે. ભોળાબાઈના પ્રવાસનિબંધો એમના વિષયને કારણે, એમાં જે સ્થળો છે એને કારણે, એ સ્થળોનો ઇતિહાસ-ભૂગોળને કારણે એ સ્થળોના વર્ણનને કારણે તો આકર્ષક છે જ, પણ એથી ય વિશેષ તો એમની શૈલીને કારણે, એમાં જે પ્રવાહી અને પ્રાસાદિક ગદ્ય છે એને કારણે, એમાં ય સવિશેષ તો ભોળાભાઈની પરિપક્વ રસિકતા અને તીવ્ર સૂક્ષ્મ સંવેદનાને કારણે સંતર્પક છે. હરીન્દ્ર અને લાભશંકરનાં નાટકોમાં ઘટનાની વિપુલતા કે વિવિધતા નહિ પણ ઘટનાની વિશિષ્ટતા અને વિચિત્રતા છે. બન્ને નાટકોમાં એક તરંગ છે, બલવંતરાયના પ્રિય શબ્દમાં, આ બુટ્ટો છે પણ એને કારણે બન્ને નાટકોમાં પાત્રોની સહજતા અને સજીવતા સિદ્ધ થાય છે. રંગભૂમિમાં બાકીનું બધું જ હોય અને શબ્દ ન હોય તો? નાટકમાં બાકીનું બધું જ હોય અને અભિનયક્ષમ ભાષા, અભિનયક્ષમ સંકલના ન હોય, અભિનયક્ષમતા ન હોય તો? સદ્ભાગ્યે આ નાટકોમાં એવી ભાષા, સંકલના અને ક્ષમતા છે. હરીન્દ્રએ આરંભમાં બે અંકનો મુસદ્દો રચ્યો હતો અને અંતે એનો અહીં એક અંકમાં સંક્ષેપ કર્યો છે. લાભશંકરે આરંભમાં એક દૃશ્યનું ઇમ્પ્રોવાઇઝેશન રચ્યું હતું અને અંતે એનો અહીં એક અંકમાં વિસ્તાર કર્યો છે. ‘સાહિત્ય’માં એના પ્રથમ વર્ષમાં કોઈ પણ સર્જકનું પ્રથમ લખાણ પ્રસિદ્ધ થયું નથી એથી ભલે એવું સદ્ભાગ્ય એના તંત્રીને પ્રાપ્ત થયું નથી. પણ આ પ્રવાસનિબંધો અને આ નાટકો પ્રસિદ્ધ થયાં છે એટલું સદ્ભાગ્ય એના તંત્રીને પ્રાપ્ત થયું છે. ભોળાભાઈના પ્રવાસનિબંધો ‘સાહિત્ય’માં એના દ્વિતીય વર્ષમાં પણ પ્રગટ થશે એ સુખદ સમાચાર છે એવા પુનરુચ્ચારણ સાથે શુભં ભૂયાત્! અંતરાલે આ અંક પ્રગટ થશે પછી બરોબર બે અઠવાડિયે, જુલાઈની ૧૪મીએ સદ્ગત શિવ પંડ્યાની પ્રથમ પુણ્યતિથિ છે. ‘સાહિત્ય’ સાથે આરંભથી જ એમનો સક્રિય સંબંધ હતો. ‘સાહિત્ય’ના નામાક્ષરોથી માંડીને એનાં રૂપ-રંગ, કદ-આકાર આદિમાં એમનું અર્પણ હતું. ‘સાહિત્ય’ પર એમનું અંગત ઋણ છે. અહીં એનો જાહેર સ્વીકાર કરવાનું મારું કર્તવ્ય છે. એમનાં બે અંતિમ કાવ્યો આ અંકમાં અન્યત્ર પ્રગટ થાય છે. એ દ્વારા ‘સાહિત્ય’ એમની પ્રથમ પુણ્યતિથિએ એમને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરે છે. ગુજરાતી ભાષામાં કેટલાંક કાવ્યો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક — પચાસેક જેટલા — સર્જકોનો કેરિકેચર્સ રચીને એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની મહત્ત્વની સેવા કરી છે. પ્રથમ પુણ્યતિથિએ એમનો કાવ્યોનો સંગ્રહ અને નિકટના ભવિષ્યમાં એમનાં કેરિકેચર્સનો સંગ્રહ પ્રગટ થશે. એમનાં કેરિકેચર્સ અંગેની એક વાતનો હું હવે એકમાત્ર સાક્ષી છું એથી એ વાતની અહીં જ નોંધ કરું. ૧૯૭૭માં એક સવારે ભાઈ શિવ કેટલાંક કેરિકેચર્સ લઈને રવિશંકર રાવળને ઘરે ગયા. હું સાથે હતો. કેરિકેચર્સ ભોંય પર ચારે બાજુ ગોળાકારે ગોઠવ્યાં. રવિભાઈએ ઝીણી નજરે જોયાં. કેટલાંક સૂચનો કર્યા અને અંતે શિવભાઈને કહ્યું, ‘એક વાત જે મેં કોઈને કહી નથી તે આજે તમને કહું છું. આરંભમાં કેરિકેચરિસ્ટ થવાની મારી મહત્ત્વાકાંક્ષા હતી. હું સફળ ન થયો. તમે સંપૂર્ણ સફળ થયા છો. તમને મારાં અભિનંદન! હું વારંવાર દેશમાં અને ક્યારેક દુનિયામાં ફર્યો છું અને મેં કળાનું કામ ઠીક ઠીક જોયું છે. એમાં મને કેરિકેચરની આ કક્ષાની કળાનું દર્શન ભાગ્યે જ થયું છે.’ ‘ગુજરાતમાં ભજવાય છે તે નાટકો નથી ને નાટકો છે તે ભજવાતા નથી.’ — ત્રણેક દાયકા પર આ વાક્ય એવું તો પ્રચલિત હતું કે અનુસ્નાતક પરીક્ષામાં મને એ વિષય પર નિબંધનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઉત્તરમાં મેં કંઈક આમ લખ્યું હતું, ‘આ વાક્યનો પૂર્વાર્ધ સાચો છે પણ ઉત્તરાર્ધ સાચો નથી. કારણ કે ગાંડી ગુજરાત ગમે એટલી ગાંડી હશે પણ નાટકો હોય અને ન ભજવાય એટલી ગાંડી નથી. નાટકો હોય તો ભજવાય જ. પણ નાટકો જ નથી.’ પણ છેલ્લાં કેટલાંક વરસોથી જે નાટકો લખાય અને ભજવાય છે એ પરથી ‘૨૦મી સદીના નવમા દાયકામાં ગુજરાતમાં નાટકનું અવતરણ થશે.’ એવી પયગંબરવાણી કોઈ ઉચ્ચારે તો એ પોકળ પુરવાર નહિ થાય. રંગભૂમિને એની એક સ્વતંત્ર અને સંપૂર્ણ ‘ભાષા’ છે. સંવાદો, અભિનય, વેશભૂષા, રંગરાગ, સામગ્રી, પરદા, પ્રકાશ, પાર્શ્વસંગીત — અને પ્રેક્ષકગૃહ સુધ્ધાં — એ ભાષાના મૂળાક્ષરો છે. આ સૌ દ્વારા જે સર્જાય છે તે નાટક છે. નાટ્યલેખક જે લખે છે તે ‘નાટક’ તો આ મૂળાક્ષરોમાંનો એક મૂળાક્ષરમાત્ર છે — પછી ભલેને એ સૌથી મહત્ત્વનો મૂળાક્ષર હોય. એ ‘નાટક’ તો માત્ર સંવાદો છે. નાટક સમગ્રનું આ અંગ માત્ર છે. એથી જ બેન જોન્સને એમનાં નાટકોને ‘ગ્રંથ’ રૂપે કલ્પ્યાં પણ શેક્‌સ્પિયરે એક પણ નાટક એમના જીવનકાળમાં ‘ગ્રંથ’ રૂપે કલ્પ્યું ન હતું. એથી ઇષ્ટ તો એ છે કે નાટ્યલેખક જે લખે તે ‘નાટક’ રંગભૂમિ દ્વારા તખ્તા પરથી શ્રોતાઓ-પ્રેક્ષકો પાસે પહોંચવું જોઈએ. પણ રંગભૂમિ અને નાટક જ્યારે અવધાનની અવસ્થામાં હોય ત્યારે અન્ય અનેક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે હમેશાં એમ થતું નથી. ત્યારે ઓછામાં ઓછું એ ‘નાટક’ કોઈ સામયિક દ્વારા વાચકો પાસે તો પહોંચવું જોઈએ. ‘સાહિત્ય’માં નાટકો પ્રગટ થાય છે તે આવી સમજ સાથે અને હવે પછીના દાયકાઓમાં ‘ગુજરાતમાં ભજવાય છે તે નાટકો છે અને નાટકો છે તે ભજવાય છે.’ — એવું વાક્ય પ્રચલિત થાય એવી આશા અને શુભેચ્છા સાથે. અંતે આ વરસની અધવચમાં ‘અંતરાલે’નું લખાણ કર્યું ત્યારે આ પાના પર અત્યારે ‘વર્ષાન્તે’ને સ્થાને ‘અંતે’નું લખાણ કરવાનું થશે એવી કલ્પના સુધ્ધાં ન હતી. આ અંકના આરંભે પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નિવેદનમાં જાહેર કર્યું છે તેમ ‘સાહિત્ય’નો આ અંતિમ અંક છે. તંત્રીની આગ્રહપૂર્વકની વિનંતીથી પરિચય ટ્રસ્ટીમંડળે ‘સાહિત્ય’ બંધ કરવું એવો નિર્ણય કર્યો છે. ‘સાહિત્ય’ની જન્મક્ષણે ‘મિતાક્ષરી’માં એને માટે પરિચય ટ્રસ્ટનું સપનું એવા પ્રતીકનો પ્રયોગ કર્યો હતો. પણ ત્યારે એ પ્રયોગ પ્રતીકરૂપ નહિ પણ અભિધારૂપ હશે એની પણ કલ્પના સુધ્ધાં ન હતી. પરિચય ટ્રસ્ટનું એ સપનું સાચું તો પડ્યું. પણ એ વાચ્યાર્થમાં પણ સપનું જ નીવડ્યું. સપનું લાગે લાંબું, હોય ટૂંકું. મનોવિજ્ઞાન પ્રમાણે સ્વપ્નનું ક્ષણ, ક્ષણાર્ધનું જ આયુષ્ય હોય છે. સ્વપ્ન સ્વયં અલ્પકાલીન હોય છે. સ્વપ્નમાં જે ઘટનાઓ થાય એ દીર્ઘકાલીન હોય એવું સ્વપ્નનું અંતર્ગત વાસ્તવ હોય છે. ‘સાહિત્ય’ અલ્પાયુષી નીવડ્યું. પણ ‘સાહિત્ય’માં જે ઘટનાઓ એટલે કે સાહિત્યકૃતિઓ છે એ દીર્ઘાયુષી નીવડે એવી આશા અને શુભેચ્છા છે. પરિચય ટ્રસ્ટનું સપનું ભલે વાચ્યાર્થમાં પણ સપનું નીવડ્યું, ‘સાહિત્ય’ ભલે અલ્પાયુષી નીવડ્યું, પણ પરિચય ટ્રસ્ટને આવું સપનું આવ્યું અને એ સપનું સાચું પડ્યું, ‘સાહિત્ય’ પ્રગટ કરવાનું વિચાર્યું અને બે વરસ લગી પ્રગટ થયું એ માટે પરિચય ટ્રસ્ટને અભિનંદન! આ સદીના આરંભે જગતભરમાં — સવિશેષ પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્વેનાં અને પછીનાં વરસોમાં અમેરિકામાં — એક વિશેષ પ્રકારનું સામયિક અસ્તિત્વમાં આવ્યું હતું. અને હવે સાહિત્યના ઇતિહાસમાં એ ‘લિટલ મેગેઝિન’ — અલ્પ સામયિક — ને નામે પ્રસિદ્ધ છે. એનું આયુષ્ય અલ્પ હતું. એના આદર્શો અને આશયો અલ્પ ન હતા. ‘સાહિત્ય’ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ અલ્પાયુષ્યના સંદર્ભમાં એક ‘લિટલ મેગેઝિન’ રૂપે એનું ભાગ્યનિર્માણ થયું છે એવી કલ્પના સુધ્ધાં ન હતી. પણ હવે અંતે એ જ આશા કે અન્ય સંદર્ભમાં પણ એ ‘લિટલ મેગેઝિન’ હોય! આજ પૂર્વે અને આજે પણ એવાં સામયિકો હતાં અને છે જેનો એક જ અંક પ્રગટ થયો હોય. કોઈ કોઈ સામયિકનો તો આરંભ થાય તે પૂર્વે જ એનો અંત થયો છે, સામયિક પ્રગટ થશે એવું જાહેર થયું હોય અને સામયિક પ્રગટ ન થયું હોય. ‘સાહિત્ય’ના આ બે વરસના અલ્પાયુષ્યમાં વિવિધ વયનાં છેતાળીસ સર્જકોની વિવિધ કદની નેવ્યાસી સાહિત્યકૃતિઓનું પ્રકાશન થયું. પ્રથમ વર્ષમાં ચારસો-પચાસેક અને બીજા વર્ષમાં ત્રણસો પચાસેક ગ્રાહકોનો સહયોગ થયો. આ યુગમાં આટલું પ્રકાશન અને આટલો સહયોગ પણ સાનંદાશ્ચર્યનો વિષય છે. ‘સાહિત્ય’ બે વરસના અલ્પાયુષ્ય પછી બંધ થાય એ ચિન્તાનો વિષય નથી. પણ આપણા યુગમાં આસુરી અર્થતંત્રો અને રાક્ષસી રાજતંત્રોને કારણે બૌદ્ધિકતાવાદ પદભ્રષ્ટ થાય અને ભૌતિકતાવાદ પ્રતિષ્ઠિત થાય; એકાંગી માનવ, તંત્રમાનવ સમૂહમાનવ, યંત્રમાનવ આદિ રૂપે મનુષ્યનું અવમાનુષીકરણ થાય, મનુષ્યના સ્વતંત્ર વ્યક્તિતત્વ અને વ્યક્તિસ્વાતંત્ર્યનો નાશ થાય તથા વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યનો હ્રાસ થાય; સમગ્ર જગતમાં, સમસ્ત માનવસમાજમાં સવિશેષ ભારતમાં અને ભારતના માનવસમાજમાં માત્ર એના તાજા અર્થમાં જ નહીં પણ એના સામાન્ય અર્થમાં પણ અટૂલાપણું, એકાકીપણું એ સર્જક માત્રનો અનુભવ હોય એ મહાન ચિન્તાનો વિષય છે. એથી જ બે વરસના અલ્પાયુષ્યમાં ‘સાહિત્ય’માં આટલી સાહિત્યકૃતિઓનું પ્રકાશન થયું અને આટલા સર્જકો — ગ્રાહકોનો સહયોગ થયો એનું આશ્ચર્ય તો છે જ, પણ એનો આનંદ પણ છે. સૌનો હૃદયપૂર્વક આભાર! (પરિચય ટ્રસ્ટ, મુંબઈના ઉપક્રમે ‘સાહિત્ય’ ત્રૈમાસિકમાં પ્રાસંગિક સંપાદકીય નોંધો. ૧૯૭૮-૭૯)

*