સ્વાધ્યાયલોક—૩/કાવ્યખંડ ૩૮
(આનાક્તોરિઆને)
કેટલાક કહે છે જગતમાં સુન્દરમાં સુંદર વસ્તુ સૈન્ય છે, કેટલાક કહે છે અશ્વસૈન્ય છે, કેટલાક કહે છે નૌકાસૈન્ય છે. પણ હું કહું છું મનુષ્ય જે વસ્તુને ચાહે છે તે વસ્તુ જગતમાં સુંદરમાં સુંદર વસ્તુ છે.
પ્રત્યેક મનુષ્યને આ વાત સમજાવવી સાવ સહેલી છે. કારણ કે સુન્દરતામાં જે સૌ મનુષ્યોમાં શ્રેષ્ઠ હતી તે હેલેનેએ એના ઉદાત્ત એવા પતિનો ત્યાગ કર્યો.
અને એની પુત્રીનો અને એનાં માતાપિતાનો સહેજ પણ વિચાર કર્યા વિના એ ત્રોયામાં વસી.
કિપ્રિસે પ્રથમ દૃષ્ટિએ જ એને આકર્ષી હતી. આનાક્તોરિઆ, તું અત્યારે મારાથી દૂર છો, મને તારું સ્મરણ થાય છે.
લીડિયાની પ્રજાના રથો અને એમના સૈન્યથી મને તારી સુંદર ગતિ અને તારી તેજસ્વી મુખકાંતિ જોવાનું વિશેષ ગમે.
‘કાવ્યખંડ ૩૮’માં સાફોનાં પ્રેમ અને મૈત્રીનાં કાવ્યોનું રહસ્ય જ માત્ર નહિ પણ સાફોનું જીવનદર્શન પ્રગટ થાય છે. એથી પ્રથમ અહીં એ કાવ્યનો કંઈક વિગતે રસાસ્વાદ કરીએ. ઈ. ૨જી સદીના એક ‘જીર્ણપત્ર’ — પૅપીરસ (Papyrus) પર આ કાવ્ય પ્રાપ્ત થયું છે. સાફિક (Sapphic) છંદમાં પાંચ શ્લોકનું, વીસ પંક્તિનું આ કાવ્ય છે. (એડમન્ડ્ઝના સંપાદનમાં આ કાવ્ય ‘કાવ્યખંડ ૩૮’ રૂપે છે. એમાં છ શ્લોક અને ચોવીસ પંક્તિ છે. એમાં અંતે એક શ્લોક વિશેષ છે.) એમાં સત્તર પંક્તિમાં કોઈ કોઈ શબ્દખંડ, શબ્દ અથવા પંક્તિખંડ લુપ્ત થયો છે. સંભવ છે કે આ કાવ્ય ખંડિત કાવ્ય હોય, એમાં આરંભે અથવા અંતે એક શ્લોક લુપ્ત થયો હોય અથવા બન્ને સ્થાનેથી એક એક શ્લોક અથવા એકથી વધુ શ્લોકો લુપ્ત થયા હોય. જો કે આમ તો, હવે પછી જોઈશું તેમ, આ કાવ્ય અખંડિત કાવ્ય લાગે છે. જીર્ણપત્રમાં આ કાવ્યના શીર્ષકનો ઉલ્લેખ નથી. પણ કાવ્યની વાચનામાં ‘આનાક્તોરિઆ’ શબ્દનો ઉલ્લેખ છે. એ પરથી સ્પષ્ટ છે કે સાફોએ આ કાવ્ય એની એક શિષ્યા આનાક્તોરિઆને સંબોધન રૂપે અથવા પત્ર રૂપે રચ્યું છે, આ કાવ્યપત્ર છે અથવા પત્રકાવ્ય (Epistle) છે. એથી સંપાદકોએ એને ‘આનાક્તોરિઆને’ એવું શીર્ષક અર્પણ કર્યું છે. તિરસના માક્સિમસના ‘નિબંધો’માં અને ઓવિડના ‘નાયિકાઓના પત્રો’માં સાફોને આનાક્તોરિઆ નામે એક શિષ્યા, સખી હતી એવો ઉલ્લેખ છે. આ કાવ્ય પરથી સમજાય છે કે આનાક્તોરિઆ એ સાફોની પ્રિયમાં પ્રિય શિષ્યા હતી, સાફો આનાક્તોરિઆના પ્રેમમાં હતી. આ કાવ્ય પરથી એ પણ સમજાય છે કે આનાક્તોરિઆ એ સાફોની સુંદરમાં સુન્દર શિષ્યા હતી. આનાક્તોરિઆની ચાલ સુન્દર હતી અને એનું મુખ તેજસ્વી હતું. વળી આ કાવ્ય પરથી એ પણ સમજાય છે કે કાવ્યના સર્જનસમયે આનાક્તોરિઆ મિતિલેનેમાં ન હતી, સાર્દિસમાં હતી, સાફો અને આનાક્તોરિઆ વચ્ચે વિરહ હતો. કહે છે કે આનાક્તોરિઆ મિલેસિઆ (Milesia)માંથી મિતિલેનેમાં સાફોની શિક્ષણસંસ્થામાં આવી હતી અને શિક્ષણને અંતે એણે એશિયા માઈનરના સર્વશ્રેષ્ઠ રાજ્ય લીડિયાના રાજા અલીઆતીસ (Alyattes) અથવા એના પુત્ર ક્રીસસ (Croe-sus)ના સૈન્યમાંના એક ગ્રીક સૈનિકની સાથે લગ્ન કર્યું હતું અને લીડિયાના પાટનગર સાર્દિસમાં વસી હતી. ‘કાવ્યખંડ ૮૬’ એ સાફોનું એની લગભગ આનાક્તોરિઆ જેટલી જ પ્રિય એવી એક અન્ય શિષ્યા આતથિસને સંબોધનરૂપ કાવ્ય છે. એમાં કાવ્યના આદિથી અંત લગી સતત સાફો પોતે આનાક્તોરિઆનું સ્મરણ કરે છે અને આતથિસને એનું સ્મરણ કરાવે છે. એમાં આરંભે જ સાફોએ આનાક્તોરિઆ અંગે ‘આપણી પ્રિય’ એવું વ્હાલભર્યું વિશેષણ યોજ્યું છે. અને કાવ્યના રચનાસમયે એ સાર્દિસમાં છે અને એ પણ સાફો અને આતથિસનું સ્મરણ કરે છે એવો ઉલ્લેખ કર્યો છે. એ કાવ્ય પરથી સમજાય છે કે આનાક્તોરિઆ મિતિલેનેમાં સાફોની શિક્ષણસંસ્થામાં હતી ત્યારે આતથિસના પ્રેમમાં હતી અને એથી એની દૃષ્ટિમાં આતથિસ એક દેવી સમાન હતી અને એને આતથિસનું ગીત-સંગીત સૌથી વધુ પ્રિય હતું. હવે સાર્દિસમાં એ લીડિયાની સ્ત્રીઓની વચ્ચે સૂર્યાસ્ત પછી તારાઓની વચ્ચે ચન્દ્રની જેમ પ્રકાશે છે. એ અનેક વાર જ્યારે એકાન્તમાં ભ્રમણ કરે છે ત્યારે આતથિસના પ્રેમનું સ્મરણ કરે છે અને ત્યારે એનું મૃદુ હૃદય આતથિસ અને સાફોને માટે ઝૂરે છે, એમને ઝંખે છે, સાર્દિસમાં એમનું સાન્નિધ્ય તીવ્રપણે ઇચ્છે છે. સુઈદાસના ‘ચરિત્રકોશ’માં અને તિરસના માક્સિમસના ‘નિબંધો’માં સાફોને આતથિસ નામે એક શિષ્યા, સખી હતી એવો ઉલ્લેખ છે. કહે છે કે આતથિસ આથેનાઈમાંથી મિતિલેનેમાં સાફોની શિક્ષણસંસ્થામાં આવી હતી. સાફોનાં અન્ય ત્રણ કાવ્યો ‘કાવ્યખંડ ૪૮’, ‘કાવ્યખંડ ૮૧’ અને ‘કાવ્યખંડ ૮૨’માં આતથિસનો ઉલ્લેખ છે. ‘કાવ્યખંડ ૮૩’માં કોઈ નામનો ઉલ્લેખ નથી. પણ એ કાવ્યની પ્રથમ પંક્તિમાંથી પંક્તિખંડ લુપ્ત થયો છે. એમાં સંભવ છે કે ‘આતથિસ’ નામનો ઉલ્લેખ હોય. સાફોનાં એ ચારે કાવ્યો પણ આતથિસને સંબોધનરૂપ કાવ્યો છે. એ કાવ્યો પરથી સમજાય છે કે આતથિસ સુન્દર ન હતી, પણ સાફો આતથિસના પ્રેમમાં હતી. અંતે આતથિસે સાફોનો દ્રોહ અને ત્યાગ કર્યો હતો અને એ મિતિલેનેમાં સાફોની પ્રતિસ્પર્ધી આન્દ્રોમેદાની શિક્ષણસંસ્થામાં હતી. એ કાવ્યોના સર્જનસમયે સાફો અને આતથિસ વચ્ચે વિરહ હતો. એથી સંભવ છે કે ‘કાવ્યખંડ ૮૬’ સાફોએ આતથિસ પોતાની પાસે પાછી આવે એવી ઇચ્છાથી ચંચલ આતિથસમાં એને માટેના પોતાના અને આનાક્તોરિઆના પ્રેમની સ્મૃતિઓ જાગ્રત કરવા રચ્યું હોય. ‘કાવ્યખંડ ૩૮’ અને ‘કાવ્યખંડ ૮૬’ પરથી સમજાય છે કે આ કાવ્યોના સર્જનસમયે સાફો અને એની પ્રિયમાં પ્રિય બે શિષ્યાઓ, સખીઓ વચ્ચે વિરહ હતો. શૈશવમાં પિતાનું અવસાન, કિશોરવયમાં માતાનું અવસાન, યુવાનવયમાં એકમાત્ર કવિમિત્રની મૈત્રીનું અવસાન, ભાઈના ભ્રાતૃપ્રેમનું અવસાન અને પતિનું અવસાન, પોતાના યૌવનનો અંત, પુત્રીના લગ્ન પછી પુત્રીની વિદાય અને અંતે આ બે પ્રિયમાં પ્રિય શિષ્યાઓ, સખીઓનો વિરહ — આમ, જીવનનાં અંતિમ વર્ષોમાં મધ્યમ વયમાં સાફોના જીવનમાં ભારે શૂન્યતા હતી, સાફો એકલવાયી હતી. ત્યારે કદાચ એની શિક્ષણસંસ્થા પણ બંધ હોય અથવા તો બંધ કરવાનો એના મનમાં વિચાર હોય. ત્યારે ભૂતકાળની સ્મૃતિઓ ભૂતાવળની જેમ એને ઘેરતી હોય, ભવિષ્યની શૂન્યતા આત્મહત્યાનો વિચાર પ્રેરતી હોય. અને આ બધું હોય છતાં અથવા આ બધું હોય એથી જ એણે આ ‘કાવ્યખંડ ૩૮’ જેવું એનું એક ઉત્તમ કાવ્ય રચ્યું, અસાધારણ આત્મસંયમ અને અદ્વિતીય આત્મગૌરવથી રચ્યું. સાફોએ પ્રથમ આનાક્તોરિઆને ‘કાવ્યખંડ ૩૮’ કાવ્યપત્ર લખ્યો હોય અને એનો ઉત્તર આવ્યો હોય અને પછી એણે આતથિસને ‘કાવ્યખંડ ૮૬’ કાવ્યપત્ર લખ્યો હોય એવો ક્રમ આ બે કાવ્યોના વિષય-વસ્તુને આધારે સમજાય છે. આ સાફોની સર્જકતાની પુનશ્ચ પરાકાષ્ઠા છે અને કવિતાનાં અનેક આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. કાવ્યના પ્રથમ શ્લોકમાં જ સાફોનું જીવનદર્શન પ્રગટ થાય છે. આ વિશિષ્ટ જીવનદર્શન છે. આ સાફોનું પોતાનું, સ્ત્રીનું, સ્ત્રી માત્રનું જીવનદર્શન છે. આગળ જોયું તેમ, સાફોને રાજકારણ, મિતિલેનેમાં આંતર્વિગ્રહ અને એને પરિણામે બે વાર નિર્વાસનનો અંગત અનુભવ હતો. છતાં સાફોએ રાજકારણ, આંતર્વિગ્રહ કે નિર્વાસનના આ અંગત અનુભવ વિશે એકે કાવ્ય રચ્યું નથી. સાફોને રાજકારણ કે યુદ્ધમાં રસ ન હતો. એને રસ હતો એક માત્ર પોતાના પ્રેમના અંગત અનુભવમાં, પ્રેમમાં. એણે પ્રેમ સિવાય કદી અન્ય કોઈ વિષય પર કાવ્ય કર્યું નથી. મિતિલેનેના સમકાલીન કવિમિત્ર આલ્કાયસને રાજકારણ, મિતિલેનેમાં આંતર્વિગ્રહ અને એને પરિણામે બે વાર નિર્વાસનનો અંગત અનુભવ હતો. એને રાજકારણ અને યુદ્ધમાં રસ હતો. એણે રાજકારણ સિવાય ભાગ્યે જ અન્ય કોઈ વિષય પર કાવ્ય કર્યું હશે. સ્ત્રાબોની ‘ભૂગોળ’માં અને ડાયોનીસિયસના પ્રાચીન સર્જકો પરના વિવેચનમાં એ એનાં ‘રાજકીય કાવ્યો’ને કારણે પ્રસિદ્ધ છે એવો ઉલ્લેખ છે. આલ્કાયસનાં કાવ્યોમાં એનું જીવનદર્શન પ્રગટ થાય છે. એ વિશિષ્ટ જીવનદર્શન છે. એ આલ્કાયસનું, પુરુષનું, પુરુષ માત્રનું જીવનદર્શન છે. પુરુષને શૌર્યનો પ્રેમ. સ્ત્રીને પ્રેમનું શૌર્ય. આમ, પ્રથમ શ્લોકમાં જ સાફોએ આલ્કાયસના, પુરુષના, પુરુષ માત્રના જીવનદર્શનની વિરુદ્ધ પોતાનું, સ્ત્રીનું, સ્ત્રી માત્રનું જીવનદર્શન અને યુદ્ધ, શૌર્યની વિરુદ્ધ પ્રેમ પ્રગટ કર્યો છે; દ્વિવિધ સંઘર્ષ પ્રગટ કર્યો છે. કાવ્યના કેન્દ્રમાં આ સંઘર્ષ છે. કાવ્યના આરંભથી જ આ સંઘર્ષ પ્રગટ થાય છે અને સાફોની કવિતાકલા દ્વારા કાવ્યના અંત લગીમાં એની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. આ પ્રથમ શ્લોકમાં જ સાફોએ ગ્રીક કવિતામાં પ્રચલિત વાક્યખંડશ્રેણિ (Parataxis)ના અલંકારનો ઉપયોગ કર્યો છે. ‘ડેલિઅન મુક્તક’ (Delian epigram) તરીકે ઍરિસ્ટોટલ (Aristotle)ને પરિચિત અને થીઓગ્નિસ (The-ognis)ને નામે પ્રસિદ્ધ એક યુગ્મ અસ્તિત્વમાં છે, એમાં આ અલંકારનો ઉપયોગ થયો છે ઃ ‘ન્યાય એ સુંદરમાં સુંદર વસ્તુ છે, સ્વાસ્થ્ય એ શિવમાં શિવ વસ્તુ છે, પણ મનુષ્ય જેને ચાહે છે તે એને માટે મધુરમાં મધુર વસ્તુ છે.’ આ યુગ્મમાં નૈતિક અને ભૌતિક સદ્ગુણો અને પ્રેમના સદ્ગુણ વચ્ચે સમતુલા છે. અને એ ભિન્ન ભિન્ન વિશેષણોના શ્રેષ્ઠતાવાચક રૂપ દ્વારા સિદ્ધ થાય છે. પણ આ રૂપ દ્વારા એમની સમતુલા જ માત્ર આ યુગ્મમાં સિદ્ધ થાય છે જ્યારે સાફોના કાવ્યમાં સાફોનો નિર્ણય પ્રગટ થાય છે. સાફોના કાવ્યમાં સૈન્ય, અશ્વસૈન્ય, નૌકાસૈન્ય અને પ્રેમ વચ્ચે સમતુલા નથી, પણ ઉચ્ચાવચતાક્રમ સિદ્ધ થાય છે. સાફોને જગતની સૌ સુંદર વસ્તુઓમાંથી પોતાની દૃષ્ટિએ કઈ સુંદરમાં સુંદર વસ્તુ છે એમાં રસ છે, એ વિશેનો પોતાનો નિર્ણય કાવ્યમાં પ્રગટ થાય છે. એમાં અન્ય મનુષ્યોના નિર્ણયની સાથે પોતાના નિર્ણયનો સંઘર્ષ પણ પ્રગટ થાય છે. સોક્રાતેસે આ અલંકારનો સાફોની જેમ આ પ્રકારનો ઉપયોગ કર્યો છે. સોક્રાતેસ એના એક સંવાદ ‘લીસિસ ૨૧૧’ (Lysis ૨૧૧)માં કહે છે, ‘કેટલાક તો અશ્વો મેળવવાની ઇચ્છા કરે છે, કેટલાક તો શ્વાનો મેળવવાની ઇચ્છા કરે છે, કેટલાક તો સુવર્ણ મેળવવાની ઇચ્છા કરે છે, કેટલાક તો પ્રતિષ્ઠા મેળવવાની ઇચ્છા કરે છે, પણ હું તો મિત્રો મેળવવાની ઇચ્છા કરું છું.’ તિરસના માર્ક્સ્મિસે એના ‘નિબંધો’માં સાફો અને સોક્રાતેસ વચ્ચે સામ્ય છે એવો ઉલ્લેખ સકારણ કર્યો છે. પિન્દારસે અને તીર્તીઅસે પણ આ અલંકારનો આ પ્રકારનો ઉપયોગ કર્યો છે. પિન્દારસે એના ‘ઑલીમ્પિઅન ૧’ (Olympian)માં અલંકારનો આ પ્રકારનો ઉપયોગ કર્યો છે. એમાં એણે કાવ્યના આરંભે જ પ્રથમ શ્લોકમાં પ્રથમ જલનો ઉલ્લેખ કર્યો છે, પછી સુવર્ણનો ઉલ્લેખ કર્યો છે અને પછી ઑલીમ્પિક રમતો જેવું આ જગતમાં કશું જ શ્રેષ્ઠ નથી એવો નિર્ણય પ્રગટ કર્યો છે. અને પછી આ રમતોની નૌકાઓ અને રથો સાથે તુલના છે. સાફોના પુરોગામી ગ્રીક કવિ આલ્કમાનના ‘કાવ્યખંડ ૧’માં નૌકાઓ અને રથો સાથે આવી તુલના છે. તીર્તીઅસે એના ‘કાવ્યખંડ ૯’માં આ અલંકારનો આ પ્રકારનો ઉપયોગ કર્યો છે. એમાં એણે કાવ્યના આરંભે જ પ્રથમ શ્લોકમાં પ્રથમ સાયક્લોપ્સ (Cyclops)ની શક્તિનો ઉલ્લેખ કર્યો છે, પછી બોરીઆસ (Boreas)ની ત્વરિત ગતિનો ઉલ્લેખ કર્યો છે. પછી તિથોનસ (Tithonus)ના સૌંદર્યનો ઉલ્લેખ કર્યો છે, પછી મિદાસ(Midas)ની સમૃદ્ધિનો ઉલ્લેખ કર્યો છે અને પછી વીર સૈનિક જેવું આ જગતમાં કશું જ શ્રેષ્ઠ નથી એવો નિર્ણય પ્રગટ કર્યો છે. અને પછી વીરતાનાં ભિન્ન ભિન્ન ઉદાહરણો છે. સાફોએ પણ આ કાવ્યના આરંભે જ પ્રથમ શ્લોકમાં પ્રથમ સૈન્યનો ઉલ્લેખ કર્યો છે, પછી અશ્વસૈન્યનો ઉલ્લેખ કર્યો છે, પછી નૌકાસૈન્યનો ઉલ્લેખ કર્યો છે અને પછી પ્રેમ જેવું આ જગતમાં કશું જ સુંદર નથી એવો નિર્ણય પ્રગટ કર્યો છે. અને પછી પ્રેમનાં ઉદાહરણો છે. આમ, આ અલંકાર પ્રાચીન, પરંપરાગત અને પ્રચલિત છે. જો કે સાફોએ આ કાવ્યમાં આલ્કાયસનું, પુરુષનું, પુરુષ માત્રનું જીવનદર્શન વિરુદ્ધ પોતાનું, સ્ત્રીનું, સ્ત્રી માત્રનું જીવનદર્શન તથા શૌર્ય વિરુદ્ધ પ્રેમ એવા દ્વિવિધ સંઘર્ષ દ્વારા સવિશેષ પરિમાણ સાથે અને અંતે આ સંઘર્ષની પરાકાષ્ઠારૂપ એના પુનરાવર્તન દ્વારા સવિશેષ કવિતાકલા, સુશ્લિષ્ટ એકતા સાથે આ અલંકારનો ઉપયોગ કર્યો છે. એથી ઊર્મિકવિ તરીકે ગ્રીક ઊર્મિકવિઓમાં સાફોની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. કાવ્યના બીજા, ત્રીજા અને ચોથા શ્લોકમાં સાફોએ કાવ્યના પ્રથમ શ્લોકમાં જેનું કથન કર્યું છે તે પોતાના જીવનદર્શનનું પ્રતિપાદન કર્યું છે, એક ઉદાહરણ દ્વારા, હેલેનેના ઉદાહરણ દ્વારા. કાવ્યના બીજા શ્લોકને આરંભે જ પ્રથમ પંક્તિમાં પ્રતિપાદનનો આરંભ થાય છે, ‘પ્રત્યેક મનુષ્યને આ વાત સમજાવવી સાવ સહેલી છે.’ આમ, આ પ્રતિપાદનનો અને આ ઉદાહરણનો હેતુ પોતાની આ વાત પ્રત્યેક મનુષ્યને સમજાવવાનો તો છે જ, પણ એથી વિશેષ પોતાને અને એથી યે વિશેષ તો આનોક્તોરિઆને સમજાવવાનો છે. સાફોના પિતાનું નામ સ્કામાન્દ્રોનિમસ હતું. એથી નાનપણથી સાફોના પિતાના નામથી સ્ક્રામાન્દ્રોસ નદીનું, અને એથી સ્ક્રામાન્દ્રોસ નદીના તટ પરના ત્રોયા નગરનું અને એથી ત્રોયા નગરની હેલેનેનું જીવનભર સતત સ્મરણ થયું હશે. વળી નાનપણથી સાફોએ હોમેરોસની કવિતાનું જીવનભર સતત વાચન કર્યું હતું. ઇલિયાદની નાયિકા હેલેનેનો એના ચિત્ત પર પ્રગલ્ભ પ્રભાવ હશે. હેલેને એની આદર્શમૂર્તિ હશે. એથી નાનપણથી સાફોએ હેલેનેની સાથે જીવનભર સતત પોતાનું સ્વરૂપસંધાન (identification) કર્યું હશે. હોમેરોસે ઇલિયાદમાં હેલેનેનું સર્જન કર્યું છે એમાં કવિની કેવળ કરુણા છે. હોમેરોસે કાવ્યમાં હેલેને પર કદી ક્યાંય કોઈ નૈતિક નિર્ણય આપવાનો પ્રયત્ન કર્યો નથી. પણ સાફોના સમકાલીન મિત્રકવિ આલ્કાયસે હેલેને વિશે બે કાવ્યો રચ્યાં છે. આલ્કાયસે આ બન્ને કાવ્યોમાં હેલેને પર નૈતિક નિર્ણય આપ્યો છે ઃ હેલેનેનાં માતાપિતા, પતિ, પુત્રી આદિ પ્રત્યેના દ્રોહને કારણે ત્રોયાનો નાશ થયો હતો. દ્રોહને કારણે નાશ થાય છે. આલ્કાયસને દ્રોહ પ્રત્યે તિરસ્કાર હતો. એણે જીવનભર સતત નિષ્ઠાનો પુરસ્કાર કર્યો હતો. હેલેનેએ ત્રોયાના નગરજનોને નિષ્ઠાની અને શૌર્યની પ્રેરણા આપી હતી પણ હેલેનેમાં પોતાનામાં નિષ્ઠાનો અભાવ હતો અને એને કારણે અંતે ત્રોયાનો નાશ થયો હતો. એથી આલ્કાયસનાં આ બન્ને કાવ્યોમાં હેલેને એ દ્રોહનું અને દ્રોહને કારણે નાશનું પ્રતીક છે. અને એથી આલ્કાયસે આ બન્ને કાવ્યોમાં હેલેને પર નૈતિક નિર્ણય આપ્યો છે. આલ્કાયસનાં કાવ્યોમાં હેલેને પ્રત્યેક મનુષ્યને માટે એક ચેતવણી સમાન છે. જ્યારે સાફોના આ કાવ્યમાં હેલેને પ્રત્યેક મનુષ્યને માટે એક અનુકરણીય આદર્શ સમાન છે. એટલું જ નહિ પણ સાફોએ કાવ્યના ચોથા શ્લોકને આરંભે જ પ્રથમ પંક્તિમાં હેલેનેનાં માતાપિતા, પતિ, પુત્રી આદિ પ્રત્યેના દ્રોહમાં કિપ્રિસની, આફ્રોદિતેસની, દેવીની પ્રેરણા છે એવું સૂચન કર્યું છે. આમ, સાફોએ પણ આ કાવ્યમાં હેલેને પર નૈતિક નિર્ણય આપ્યો છે. હેલેનેના પ્રેમને ધાર્મિક પરિમાણ છે. આલ્કાયસે દ્રોહને કારણે પ્રેમનો તિરસ્કાર કર્યો છે. સાફોએ પ્રેમને કારણે દ્રોહનો પુરસ્કાર કર્યો છે. સાફોએ જાણે કે આલ્કાયસના વિરોધમાં આ કાવ્ય રચ્યું ન હોય ! સાફોએ આ કાવ્ય પ્રથમ રચ્યું હોય અને એના વિરોધમાં આલ્કાયસે એનાં કાવ્યો પછી રચ્યાં હોય અથવા આલ્કાયસે એનાં કાવ્યો પ્રથમ રચ્યાં હોય અને એના વિરોધમાં સાફોએ આ કાવ્ય પછી રચ્યું હોય. ક્રમ જે હોય તે. પણ સાફોના આ કાવ્ય અને આલ્કાયસનાં કાવ્યો વચ્ચે સંપૂર્ણ વિરોધ છે. કાવ્યના બીજા, ત્રીજા અને ચોથા શ્લોકમાં પ્રતિપાદન અને ઉદાહરણનો હેતુ જે હોય તે. સાફોએ હેલેનેની સાથે આનાક્તોરિઆનું સ્વરૂપસંધાન કર્યું છે. સાફોએ આ કાવ્યમાં હેલેનેના ઉદાહરણ દ્વારા, અનુકરણીય આદર્શ દ્વારા આનાક્તોરિઆને સૂચન કર્યું છે કે આનાક્તોરિઆએ હેલેનેનું અનુકરણ, અનુસરણ કરવું એટલે કે આનાક્તોરિઆએ માતાપિતા, પતિ, પુત્રી (અથવા પુત્ર અથવા બન્ને, જો હોય તો) આદિ સર્વસ્વનો ત્યાગ કરવો ! જેથી આનાક્તોરિઆ પોતાની પાસે પાછી આવે. જેથી પોતાને આનાક્તોરિઆની પુનઃપ્રાપ્તિ થાય. આ કાવ્યમાં સાફોનો ભલે આ સ્વલક્ષી, અંગત, તાત્કાલિક હેતુ હોય, પણ અંતે આ કાવ્યમાં સાફોનો પરલક્ષી, બિનઅંગત, સર્વકાલીન હેતુ છે. અને એથી આ કાવ્ય એક મહાન ઊર્મિકાવ્ય છે. સર્વસ્વનો ત્યાગ અને સંપૂર્ણ સાહસની પ્રેરણા પ્રેમ છે. એથી આ કાવ્ય એ સાફોનો પ્રેમનો પુરસ્કાર છે. અને પ્રેમની પ્રેરણા આફ્રોદિતેસ છે. એથી આ કાવ્ય એ આફ્રોદિતેસનું પૂજન છે. સાફોના જીવનમાં પ્રેમ કેન્દ્રસ્થાને હતો. કારણ ? પ્રેમનો આ કે તે ગુણ માત્ર એનું કારણ નથી. એનું કારણ છે પ્રેમની અનિરુદ્ધ અને અનિર્વચનીય શક્તિ. એથી અંતે આ કાવ્ય એ પ્રેમના આ કે તે ગુણ માત્રનું કાવ્ય નથી. આ કાવ્ય એ સ્વયં પ્રેમનું કાવ્ય છે. કાવ્યના પાંચમા અને અંતિમ શ્લોકમાં કાવ્યનો સંઘર્ષ અને કાવ્યની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. સાફોને આનાક્તોરિઆનું સ્મરણ થાય છે. આનાક્તોરિઆના દેહનું સ્મરણ થાય છે. સાફોને આનાક્તોરિઆના કોઈ સૂક્ષ્મ, આધ્યાત્મિક, ધાર્મિક ગુણ કે ગુણોનું સ્મરણ થતું નથી, આનાક્તોરિઆની ગીત-સંગીત-નૃત્યની કલાનું સ્મરણ થતું નથી. કદાચને આનાક્તોરિઆમાં આ ગુણ કે ગુણો અને કલા હશે જ નહિ. પણ સાફોને આનાક્તોરિઆના સ્થૂલ, ભૌતિક, પાર્થિવ ગુણોનું સ્મરણ થાય છે. આનાક્તોરિઆની સુંદર ગતિ અને એના તેજસ્વી મુખનું સ્મરણ થાય છે. એમાં માત્ર સાફોનો જ નહિ પણ સમગ્ર ગ્રીક પ્રજાનો સૌંદર્ય અને પ્રેમનો આદર્શ પ્રગટ થાય છે. અન્ય કવિઓનાં કાવ્યોમાં આવા અનેક ગુણોનું બહુધા સ્મરણ થાય છે. સાફોના કાવ્યમાં માત્ર બે જ ગુણોનું સ્મરણ થાય છે. અને તે પણ સીધી, સાદી, સરલ, સ્વાભાવિક, અનલંકૃત, અનૌપચારિક વાણીમાં. સાફોને આનાક્તોરિઆની ગતિનું અને એના મુખનું સ્મરણ થાય છે એમાં આનાક્તોરિઆની પદશિર મૂર્તિ, સમગ્ર આકૃતિ, સુન્દર અને ગતિશીલ આકૃતિ પ્રગટ થાય છે. એનું વર્ણન સાફોએ માત્ર બે જ વિશેષણોથી કર્યું છે, ‘સુંદર’ અને ‘તેજસ્વી.’ સાફોની પૂર્વે ઈ. પૂ. ૮મી સદીમાં હેસિયડ (Hesi-od)ના એક કાવ્યમાં કોઈ દેવી કે નાયિકાના મુખની કાંતિ માટે અને સાફોની પછી ઈ. પૂ. ત્રીજી સદીમાં ઍપોલોનિયસ (Apollonius)ના એક કાવ્યમાં મીડીઆ (Medea)ના નેત્રની કાંતિ માટે જે શબ્દ યોજાયો છે તે જ શબ્દ સાફોએ આ કાવ્યમાં આનાક્તોરિઆના મુખની કાંતિ માટે યોજ્યો છે. અને એમાં ‘તેજસ્વી’ વિશેષણ ઉમેર્યું છે. લેખિનીના લસરકા માત્રથી કેવું સુંદર ગતિશીલ ચિત્ર અંકાય છે ! આ લાઘવની કળા છે, સંયમની કળા છે. અને એથી પણ આ કાવ્ય એક મહાન ઊર્મિકાવ્ય છે. કાવ્યના પાંચમા અને અંતિમ શ્લોકમાં સાફોને કાવ્યના પ્રથમ અને આરંભના શ્લોકનું પણ સ્મરણ થાય છે. આમ, કાવ્યના અંતે કાવ્યના આરંભનું પુનરાવર્તન થાય છે. પણ આ માત્ર પુનરાવર્તન નથી. એમાં કાવ્યનો સંઘર્ષ અને કાવ્યની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. વચમાં હેલેને અને આનાક્તોરિઆ વિશેનો સાફોનો તીવ્ર ભાવ પ્રગટ થાય છે. કાવ્યનાં પાંચમા અને અંતિમ શ્લોકમાં, કાવ્યના અંતે કાવ્યના પ્રથમ શ્લોકનું, કાવ્યના આરંભનું પુનરાવર્તન અને કાવ્યના બીજા, ત્રીજા અને ચોથા શ્લોકમાંના આ તીવ્ર ભાવનું સંમિશ્રણ થાય છે અને એ દ્વારા કાવ્યનો સંઘર્ષ અને કાવ્યની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. આમ, આ કાવ્ય વર્તુલાકારે સંપૂર્ણ કાવ્ય છે. કાવ્યમાં શબ્દખંડો, શબ્દો, પંક્તિખંડોનો લોપ થયો છે. કદાચને કાવ્યના આરંભે અથવા અંતે એક શ્લોક અથવા બન્ને સ્થાને એક એક અથવા એકથી વધુ શ્લોક લુપ્ત થયા હોય. છતાં કાવ્ય જે સ્વરૂપે અસ્તિત્વમાં છે તે સ્વરૂપે આદિ-મધ્ય-અંત સમેતનું એક સાદ્યંતસંપૂર્ણ, સુશ્લિષ્ટ, સુગ્રથિત, સર્વાંગસુંદર કાવ્ય છે, કલાકૃતિ છે. એથી પણ આ કાવ્ય એક મહાન ઊર્મિકાવ્ય છે. આ કાવ્યના સર્જનસમયે આનાક્તોરિઆ મિતિલેનેમાં, લેસ્બસમાં ન હતી; પૂર્વમાં સાર્દિસમાં, લીડિયામાં હતી. એનો પતિ લીડિયાના સૈન્યમાં સૈનિક હતો. આ સંદર્ભને કારણે સ્વાભાવિક જ સાફોને લીડિયાના સૈન્યનું અને રથોનું સ્મરણ થાય છે. આ કાવ્યના સર્જનસમયે સમગ્ર ગ્રીક જગતમાં લીડિયા એ સર્વશ્રેષ્ઠ સૈન્યશક્તિરૂપ હતું. એશિયા માઈનરની ગ્રીક પ્રજા પર એના અશ્વસૈન્યનો પ્રબળ પ્રભાવ હતો. કૉલોફોનિઆ(Colophonia)ના કવિ મિમ્નેર્મસ (Mim-nermus)ના એક કાવ્યમાં એનો અલ્પ સમય પૂર્વે જ ઉલ્લેખ થયો હતો. લીડિયાના આ સૈન્ય અને અશ્વસૈન્ય તથા ગ્રીક પ્રજાના સૈન્ય અને અશ્વસૈન્ય વચ્ચે વારંવાર યુદ્ધ થતું હતું. ઈ. પૂ. ૬ઠ્ઠી સદીના મધ્ય ભાગના સમયના એક શ્યામવર્ણના ઍટિક પાત્ર પર આવા એક યુદ્ધનું રેખાંકન અસ્તિત્વમાં છે. લીડિયાના રથો ત્યારે લીડિયાની એક વિશેષતા હતી. કીરીની (Kyrene) અને કિપ્રસ (Kupros) સિવાયના લગભગ સમગ્ર ગ્રીક જગતમાંથી રથ ત્યારે અદૃશ્ય થયો હતો. પર્શિયન યુદ્ધોના સમય લગી એશિયાનાં કેટલાંક રાજ્યોમાં રથ અસ્તિત્વમાં હતો. આ યુદ્ધોમાં લીડિયાના સૈન્યે રથોનો ઉપયોગ કર્યો હતો એવો ઉલ્લેખ ઇસ્કિલસ (Aeschylus)ના ‘ધી પર્શિયન્સ’ (The Persians) નાટકમાં છે. પછીથી ઝીનોફોન (Xenophon)નાં લખાણોમાં પણ એ અંગેનો ઉલ્લેખ છે. એથી, સાફોને લીડિયાની પ્રજાની આ વિશેષતાનું વિશેષભાવે સ્મરણ થાય છે. આ પુનરાવર્તનનો અને આ સ્મરણનો હેતુ સ્પષ્ટ છે. આનાક્તોરિઆ સાર્દિસમાંથી, લીડિયામાંથી એના સૈનિક પતિનો (અને અસ્તિત્વમાં હોય તો માતાપિતા અને સંતાનોનો), હેલેનેએ જેમ આર્ગસ (Argos)માંથી એનાં માતાપિતા, પતિ, પુત્રી આદિ સર્વસ્વનો ત્યાગ કર્યો હતો તેમ ત્યાગ કરે અને સાફો પ્રત્યેના પોતાના પ્રેમને કારણે લેસ્બસમાં, મિતિલેનેમાં, જેમ હેલેને પૅરિસ (Paris) પ્રત્યેના પોતાના પ્રેમને કારણે ત્રોયામાં આવી હતી તેમ, આવે એવું એમાં સૂચન છે. એથી આયુષ્યનાં અંતિમ વર્ષોમાં, એની એકલતામાં આનાક્તોરિઆ પોતાની પાસે પાછી આવે, પોતાને આનાક્તોરિઆની પુનઃપ્રાપ્તિ થાય. કારણ ? કારણ તો કાવ્યના આરંભે જ પ્રથમ શ્લોકમાં સાફોએ પ્રગટ કર્યું છે. કારણ પ્રેમ. આમ, ‘કાવ્યખંડ ૩૮’માં સાફોનાં પ્રેમ અને મૈત્રીનાં કાવ્યોનું રહસ્ય જ માત્ર નહિ પણ સાફોનું સૌંદર્યનું દર્શન, સત્યનું દર્શન, સાફોનું જીવનદર્શન પ્રગટ થાય છે.
૧૯૭૪