સ્વાધ્યાયલોક—૩/સાફો


સાફો

સાફોએ, કદાચને આયુષ્યનાં અંતિમ વર્ષોમાં, જાણે કે ભવિષ્યવાણી ભાખી હોય તેમ, પોતાની અમરતા વિશે આત્મશ્રદ્ધાપૂર્વક એક કાવ્યમાં અંતે કહ્યું છે:

‘…dead, I won’t be forgotten.’
‘…મૃત્યુ પછી હું નહીં ભુલાઈ જાઉં.’

એને આજે અઢી હજાર વર્ષ થયાં. સાફો ભુલાઈ નથી. છતાં પ્રશ્ન પૂછવાનો રહે છે ઃ સાફો કોણ હતી ? સાફો શું હતી ? સાફોના મિત્ર અને લગભગ સાફો જેટલા જ મહાન સમકાલીન ગ્રીક કવિ આલ્કાયસ (Alkaios)ને નામે આ પ્રશ્નના જાણે ઉત્તરરૂપ અને સાફોને અંજલિરૂપ સંવાદકાવ્યમાં એક પંક્તિ છે,

Violet-haired, holy, sweet-smiling Sappho.
વાયોલેટ-કેશી, પવિત્ર, મધુર-સ્મિતા સાફો.

Alkaios:
Violet-haired, holy, sweet-smiling Sappho!
I wish to say something to you,
But shame prevents me…

Sappho:
If you had a desire for noble and beautiful
                                    things,
And your tongue were not brewing
                  some evil thing to say,
Shame would not hold your eyes,
But you would speak about what you claim.

આલ્કાયસ:
વાયોલેટ-કેશી, પવિત્ર, મધુર-સ્મિતા સાફો !
તને કંઈ કહેવાની મને ઇચ્છા છે,
પણ લજ્જા મને રોકે છે…

સાફો:
કશુંક ઉદાત્ત અને સુંદર કહેવાની તને ઇચ્છા હોત,
અને તારી જીભ કશુંક લવવાને સળવળતી ન હોત,
તો તારી આંખોમાં લજ્જા ન હોત,
અને તારે જે કહેવું છે તે તું કહેત.

(આલ્કાયસ અને સાફોનું સંવાદકાવ્ય. આલ્કાયસનાં કાવ્યોમાં એની ઉક્તિના કાવ્યખંડનો ક્રમ ૧૨૪ છે અને સાફોનાં કાવ્યોમાં એની ઉક્તિના કાવ્યખંડનો ક્રમ ૧૧૯ છે. આ સમગ્ર લેખમાં સાફોનાં કાવ્યોનો જે ક્રમ આપ્યો છે તે જે. એમ. એડમન્ડ્ઝ (J. M. Edmonds) સંપાદિત અને અનુવાદિત ગ્રીક ઊર્મિકાવ્યોના સંચય લીરા ગ્રેકા (Lyra Graeca) — ગ્રીક ઊર્મિકાવ્યો–માંનો ક્રમ છે.) તો ‘પૅલેટાઇન કાવ્યસંચય’ (Palatine Anthology)માં સાફોના અનુગામી મહાન પ્રસિદ્ધ ગ્રીક તત્ત્વચિંતક પ્લાતો (Plato)ને નામે આ પ્રશ્નના જાણે ઉત્તરરૂપ અને સાફોને અંજલિરૂપ એક મુક્તકકાવ્ય, યુગ્મકાવ્ય છે:

‘Some say there are nine muses, so few then ?
Sappho of Lesbos makes their number ten.’

‘કેટલાક કહે છે કલાદેવીઓ છે નવ, આટલી જ બસ ?
લેસ્બસની સાફોને કારણે એમની સંખ્યા થાય છે દસ.’

આલ્કાયસે એની પંક્તિમાં જે વિશેષણો યોજ્યાં છે તે હેલાસ (Hellas)ના હોમેરસ (Homeros) આદિ સૌ પુરોગામી કવિઓની કવિતામાં મનુષ્યને માટે નહિ પણ દેવીઓને માટે અને તે પણ મુખ્યત્વે સૌંદર્યદેવી આફ્રોદિતેસ (Aphrodites)ને માટે યોજવાની પ્રણાલી હતી. એથી આ વિશેષણો પરથી આલ્કાયસ અને અન્ય સૌ સમકાલીનો પર સાફોનો કેવો પ્રભાવ હશે એ કલ્પી શકાય છે. સાફો મનુષ્ય ભલે હોય પણ જેમ સાફોના કોઈ કોઈ કાવ્યમાં સૂચવાય છે કે સાફોએ પોતે પોતાનામાં દેવીનું, સવિશેષ પોતાની જ ઇષ્ટદેવી આફ્રોદિતેસનું દર્શન કર્યું હતું તેમ એનામાં એમણે માર્મિકપણે અલૌકિકતાનું, લોકોત્તરતાનું, દિવ્યતાનું, દેવીનું, સવિશેષ આફ્રોદિતેસનું દર્શન કર્યું હશે. આલ્કાયસે વ્યંગ્યાર્થમાં સાફોને દેવી કહી છે તો પ્લાતોએ તો એમના મુક્તકકાવ્યમાં, યુગ્મકાવ્યમાં, વાચ્યાર્થમાં સાફોને દેવી, કલાદેવી કહી છે. આમ, આલ્કાયસ અને પ્લાતો દ્વારા મનુષ્ય સાફો વિશે કોઈ સત્ય સુલભ થતું નથી. એથી પ્રશ્ન પૂછવાનો રહે છે ઃ સાફો કોણ હતી ? સાફો શું હતી ? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે કોઈ પ્રમાણ કે આધાર નથી. સાફો વિશે જે કંઈ અસ્તિત્વમાં છે તે એનાં (લગભગ બસો જેટલાં) કાવ્યો, અને તે પણ બધાં તો નહિ જ. અને જે કંઈ કાવ્યો અસ્તિત્વમાં છે તેમાં એક કે બે કાવ્યોના અપવાદ સિવાય બધાં જ અપૂર્ણ. એથી આ પ્રશ્નનો આટલો ઉત્તર આપી શકાય કે સાફો એક ગ્રીક કવિ હતી. સાફોનાં આ સૌ કાવ્યોનું સૂક્ષ્મ સૂઝસમજથી વાચન-મનન-ચિંતન કર્યા પછી અને અન્ય સૌ ગ્રીક કવિઓનાં કાવ્યો સાથે સાફોનાં કાવ્યોની તુલના કર્યા પછી વધુમાં વધુ આટલો ઉત્તર આપી શકાય કે સાફો સર્વશ્રેષ્ઠ ગ્રીક ઊર્મિકવિ હતી. સાફોના પુરોગામી ગ્રીક કવિ આલ્કમાન (Alkman)ના એક કાવ્યમાં મેગાલોસ્ત્રાતા (Megalostrata) નામે કોઈ ગ્રીક સ્ત્રીકવિનો ઉલ્લેખ છે, પણ એનું એકે કાવ્ય અસ્તિત્વમાં નથી, એથી આટલો ઉત્તર પણ આપી શકાય કે સાફો જગતની સૌ પ્રથમ સ્ત્રીકવિ હતી. મીરાંને કેવળ કવિ નહિ પણ સંતકવિ ગણીએ તો મીરાંનાં કાવ્યોના અપવાદ સિવાય આજ લગીની જગતની સૌ સ્ત્રીકવિઓનાં કાવ્યો સાથે સાફોનાં કાવ્યોની તુલના કર્યા પછી વધુમાં આટલો ઉત્તર પણ આપી શકાય કે સાફો જગતની સર્વશ્રેષ્ઠ સ્ત્રીકવિ હતી. આમ, સાફો સર્વશ્રેષ્ઠ ગ્રીક ઊર્મિકવિ છે અને જગતની સૌ પ્રથમ અને સર્વશ્રેષ્ઠ સ્ત્રીકવિ છે. સાફો, અલબત્ત, ભુલાઈ નથી. તો સાથે સાથે સાફોનું જીવનચરિત્ર પણ સુલભ નથી. સાફો વિશેના આનુષંગિક પ્રમાણ કે આધાર પરથી અને સાફોનાં કાવ્યોમાં અંતર્ગત પ્રમાણ કે આધાર પરથી સાફોના જીવનચરિત્ર વિશે, એટલે કે ‘સાફો’ એનું ઉપનામ હતું ? તો એનું અસલ નામ શું હતું ? એનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? એનું જીવન ક્યાં, ક્યારે અને શી રીતે ગયું ? એનું મૃત્યુ ક્યાં, ક્યારે અને શી રીતે થયું ? વગેરે વિશે અનેક અનુમાનો, અલબત્ત, છે. સાફોનું અસલ નામ સાફો હોય. વા ન હોય. સાફો એ સાફોનું ઉપનામ પણ હોય, સાફોએ એનાં કેટલાંક કાવ્યોમાં પોતાના નામ રૂપે સાફો નામનો ઉલ્લેખ કર્યો છે. એથી જો સાફો એ સાફોનું ઉપનામ હોય અને સાફોનું અસલ નામ વિસ્મૃત હોય તો પણ સાફોને સાફો નામ સ્વીકૃત છે. જો કે એમાં નામની જોડણી Sappho નહિ પણ Psappho છે. સાફોના નામની જોડણી સમગ્ર ગ્રીક જગતની આંતરરાષ્ટ્રીય ગ્રીક ભાષામાં Sappho થાય છે પણ સાફોની જન્મભૂમિ લેસ્બસની પ્રાદેશિક એવી લોકભાષામાં Psappho થાય છે. સાફોને Psappho જોડણી સ્વીકૃત હતી. અને તો એનો ઉચ્ચાર ‘પ્સાફો’ થાય છે. સાફો નામનો સંબંધ જેના રત્ન અને નીલ એમ બે અર્થ થાય છે તે સેફાયર (Sapphire) સાથે હશે. અથવા સાફોની ઇષ્ટદેવી આફ્રોદિતેસ હતી, એનો જન્મ સમુદ્રફેનમાંથી થયો હતો, એથી એનું નામ Aphros — સમુદ્રફેન–માંથી dite — જન્મી–તે આફ્રોદિતેસ હતું, અને જન્મ પછી એ ઐગિયા (Aigea)ના સમુદ્રમાં પ્રથમ કિતેરા (Kuthera) ટાપુના તટ પર ને પછી કિપ્રસ (Kupros) ટાપુના તટ પરના પાફસ (Paphos) નગરમાં સમુદ્રજલની સાથે વહી આવી હતી, એથી એનાં અન્ય નામો કિપ્રિસ, કિપ્રયસ, કિતેરિયા, પાફસની રાજ્ઞી (Kupris, Kuprios, Kutherea, Queen of Paphos) પણ હતાં, એથી સાફો નામનો સંબંધ એની વિશિષ્ટ જોડણીને કારણે પાફસ સાથે હોય. અને એ દ્વારા આફ્રોદિતેસ સાથે એના સંબંધનું, બલકે સામ્યનું સૂચન હોય. સુઈદાસ (Suidas)ના ‘ચરિત્રકોશ’ (Lexicon)માં સાફોની જન્મતિથિ વિશે વિધાન છે એમાં સુઈદાસે જે ક્રિયાપદ યોજ્યું છે એનો પ્રચલિત અર્થ છે ‘પ્રસિદ્ધ થવું’. પણ જો એનો વિશેષ અર્થ ‘જન્મવું’ હોય તો સાફોનો જન્મ ઈ. પૂ. ૬૧૨-૬૦૯નાં વર્ષોમાં, એટલે કે ઈ. પૂ. ૬૧૦ની આસપાસ થયો હતો. પણ જો એનો અર્થ ‘જન્મવું’ ન હોય અને ‘પ્રસિદ્ધ થવું’ જ હોય તો સાફો ઈ. પૂ. ૬૧૨-૬૦૯માં પ્રસિદ્ધ હતી, એટલે કે એનો જન્મ ઈ. પૂ. ૬૧૨-૬૦૯નાં વર્ષો પૂર્વે થયો હતો. યુસેબિયસ (Eusebius)ના ‘ઇતિહાસ’ (Chronicle)માં સાફો વિશે નોંધ છે એ પ્રમાણે સાફો ઈ. પૂ. ૫૯૮માં પ્રસિદ્ધ હતી. સ્ત્રાબોન(Strabon) મિતિલેને (Mutilene, Mitulene) વિશેની ‘ભૂગોળ’ (Geography)માં અને સુઇદાસ તથા યુસેબિયસના પૂર્વોક્ત ગ્રંથોમાં સાફો આલ્કાયસ, રાજપુરુષ પિતાકસ (Pittakos) અને કવિ સ્તેસીખોરસ (Stesichor-os)ની સમવયસ્ક હતી એવી નોંધ છે. તો સમગ્રતયા, સાફોનો જન્મ ઈ. પૂ. ૬૧૨-૬૦૯નાં વર્ષો પૂર્વે થયો હતો. ઐગાયસ (Aigaios) સમુદ્રમાં જે મુખ્ય ટાપુઓ છે એમાં એશિયા માઈનરની વાયવ્યે લેસ્બસ ટાપુના પૂર્વ સમુદ્રતટ પરના મિતિલેને નગરમાં સાફોનો જીવનભર નિવાસ હતો એ પરથી કહી શકાય કે સાફોનો જન્મ મિતિલેને નગરમાં થયો હતો. સ્ત્રાબોનની મિતિલેને વિશેની પૂર્વોક્ત ભૂગોળમાં, પ્લાતોના ‘ફૈદ્રસ’ (Phaidros) પરના અને ‘પિન્દારસ’ (Pin-daros) પરના કોઈ અનામી વિવેચકના વિવેચનમાં, આરિસ્તોતેલેસ (Aristoteles)ના ‘ર્હેટરિક્સ’ (Rhetorics)માં પોલુક્સ (Pollux)ના ‘શબ્દકોશ’ (Vocabulary)માં તથા પૅલેટાઇન કાવ્યસંચયમાં પણ સાફોનો મિતિલેનેમાં નિવાસ હતો અથવા સાફોનો જન્મ મિતિલેનેમાં થયો હતો એમ ઉલ્લેખ છે. પોલુક્સના પૂર્વોક્ત શબ્દકોશમાં મિતિલેનેમાં, પછીથી, મુદ્રાઓ પર સાફોની આકૃતિ અંકિત કરવામાં આવી હતી એમ ઉલ્લેખ છે. સુઈદાસના પૂર્વોક્ત ‘ચરિત્રકોશ’માં સાફોનો એરેસસમાં નિવાસ હતો એમ ઉલ્લેખ છે એથી સાફોનો જન્મ લેસ્બસના પશ્ચિમ સમુદ્રતટ પરના એરેસસ (Eresos, Eresus, Eressus) નગરમાં થયો હતો એવું પણ અનુમાન થયું છે. ઐલિયાનસ (Aelianos)નાં ‘ઐતિહાસિક પ્રકીર્ણલખાણો’ (Historical Miscellanies)માં લેસ્બસમાં એક અન્ય સાફો છે અને આ સાફો કવિ નથી પણ વેશ્યા છે એમ ઉલ્લેખ છે. અથનાયસ (Athenaios)ના ‘જમતાં જમતાં’ (Doctors at Dinner) નામના ગ્રંથમાં નિમ્ફિસ (Nymphis)ના ‘એશિયાની યાત્રા’ (Voyage around Asia)નામના ગ્રંથમાં કવિ સાફોની નામેરી એવી એરેસસની સાફો નામની વેશ્યા વિશે નોંધ છે એમ ઉલ્લેખ છે. સિનેકા (Seneca)ના ‘લુસિલિયસને પત્રો’ (Letters to Lucilius)માં વ્યાકરણાચાર્ય દિદિમસ (Didumos)ના એક નિબંધમાં કવિ સાફો વેશ્યા હતી કે નહિ એમ વ્યર્થ ચર્ચા આવે છે એમ ઉલ્લેખ છે. આમ, સાફોના સમયમાં એરેસસમાં સાફો નામે એક પ્રસિદ્ધ વેશ્યા હતી. એ સમયમાં લેસ્બસ સિવાયના સમગ્ર ગ્રીક સમાજમાં કોઈ સ્ત્રી કાવ્યોનું સર્જન કરે અને એનું મૌખિક પ્રકાશન પણ કરે એ ચારિત્ર્યહીનતાનું વર્તન ગણાતું એથી અને સાફોએ એના એક કાવ્ય–Fragment ૧૨–માં ગ્રીક ભાષામાં સખીઓ માટે હેતાઈરાઈ — hetairai શબ્દ છે તે પોતાની સખીઓ માટે યોજ્યો છે અને પછીના સમયમાં આ શબ્દ વેશ્યાઓ માટે પણ પ્રચલિત હતો એથી પછીના સમયમાં એ સાફો તે જ આ સાફો એવી ગેરસમજને પરિણામે સાફો વેશ્યા હતી અને સાફોનો જન્મ એરેસસમાં થયો હતો એવું અનુમાન થયું છે. અને પછીના સમયમાં, ગ્રીક સમાજ, સંસ્કૃતિ, સાહિત્ય આદિ સમગ્ર ગ્રીક જગત વિશે એલેક્સાન્દ્રૈયા (Alexandreia) અને રોમમાં સંપૂર્ણ અણસમજના સમયમાં સાફો વિશે વધુ ગેરસમજને પરિણામે આ અનુમાનનું અનુમોદન થયું હતું. વળી એરેસસમાં, પછીથી, મુદ્રાઓ પર સાફોની આકૃતિ અંકિત કરવામાં આવી હતી એથી પણ આ અનુમાનનું અનુમોદન થયું હતું. આ અનુમાનના અનુસંધાનમાં સાફોના પિતાનું નગર એરેસસ અને સાફોની માતાનું નગર મિતિલેને, સાફોનો જન્મ એરેસસમાં. પણ ઓવિડ (Ovid)ના કાવ્યસંગ્રહ ‘નાયિકાઓના પત્રો’ (Letters of the Heroines)માં સાફોના એના પ્રેમી ફાઓન (Phaon) પરના કાલ્પનિક પત્રમાં પોતાની છ વર્ષની વયે પોતાના પિતાનું અવસાન થયું હતું એવો સાફોનો ઉલ્લેખ છે. એ પરથી સાફોની છ વર્ષની વયે સાફોના પિતાનું અવસાન થયું એથી સાફો પિતાના અવસાન પછી માતાના નગર મિતિલેનેમાં વસી હતી અને એમ મિતિલેનેમાં સાફોનો જીવનભર નિવાસ હતો એવું અનુમાન પણ થયું છે. આથેનાઈ (Athenai) અને લેસ્બસ વચ્ચે સિગેઉમ(Sigeum) પરના વર્ચસ્‌ માટેના આંતરવિગ્રહમાં સાફોના પિતાનું અવસાન થયું હતું એથી પછી સાફોની માતા એનાં ચારે સંતાનો સાથે સાફોના પિતાના કાકા યુરિગિયસ (Eyrygyos)ના નગર મિતિલેનેમાં વસી હતી એવું પણ અનુમાન થયું છે. આ આંતરવિગ્રહ દસ વર્ષ ચાલ્યો હતો. આંતરવિગ્રહના આરંભ સમયે સાફોનું છ વર્ષનું, અંત સમયે સોળ વર્ષનું વય હતું. સ્ત્રાબોનની એરેસસ વિશેની ભૂગોળમાં જે પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મ એરેસસમાં થયો હતો એમનાં નામનો ઉલ્લેખ છે પણ એમાં સાફોના નામનો ઉલ્લેખ નથી. જો સાફોનો જન્મ એરેસસમાં થયો હોત તો એમાં સાફોના નામનો ઉલ્લેખ અવશ્ય હોત. હેરેદોતસ (Herodotos)નાં ‘સંશોધનો’ (Researches)માં, પ્લાતોના ‘ફૈદ્રસ’ પરના કોઈ અનામી વિવેચકના પૂર્વોક્ત વિવેચનમાં અને ઐલિયાનસના પૂર્વોક્ત ઐતિહાસિક પ્રકીર્ણ લેખોમાં સાફોના પિતાનું નામ સ્કામાદ્રોનિમસ (Skamandronymos) હતું એમ ઉલ્લેખ છે. પિન્દારસ પરના કોઈ અનામી વિવેચકના પૂર્વોક્ત વિવેચનમાં સાફોના પિતાનું નામ યુરિગિયસ (Eyrygyos) હતું એમ ઉલ્લેખ છે. તો સુઈદાસના પૂર્વોક્ત ચરિત્રકોશમાં સાફોનો પિતાનું નામ સ્કામાન્દ્રોનિમસ હતું એમ ઉલ્લેખ તો છે પણ એમાં સાથે સાથે સિમોન, યુનિમિનસ, યુરિગિયસ, એક્રિતસ, સેમસ, સ્કામોન અને યુઆર્ખસ (Simon, Euominos, Eyrygyos, Ekrytos, Semos, Skamon, Euarchos) એમ અન્ય સાત નામોનો પણ વિકલ્પ રૂપે ઉલ્લેખ છે. એમાં સ્કામોન એ સ્કામાન્દ્રોનિમસનું લઘુરૂપ પણ હોય. સ્કામાન્દ્રોનિમસ સિવાયનાં અન્ય સૌ નામો એ સાફો વિશે પછીથી જે અનેક હાસ્યપ્રધાન નાટકો (Middle and New Comedy)નું સર્જન થયું એમાં એ નાટકોના સર્જકોની કલ્પના માત્ર છે. હવે પછી જોઈશું તેમ, યુરિગિયસ એ સાફોના સૌથી નાના ભાઈનું નામ હતું. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, સાફોના વચેટ ભાઈ વિશે જે સંદર્ભો છે અને સાફોના સ્વદેશત્યાગ વિશે જે સંદર્ભો છે તે પરથી સૂચવાય છે કે સાફોના પિતા મિતિલેને નગરના નિવાસી હતા અને અત્યંત અમીર તથા અગ્રણી નાગરિક હતા. સાફોને પિતાના નામથી સ્કામાન્દ્રસ(Skamandros) નદીનું સ્મરણ થયા કર્યું હશે. સ્કામાન્દ્રસ નદીના તટ પર ત્રોયા(Troia) નગર હતું એથી સાફોને ત્રોયાનું સ્મરણ થયા કર્યું હશે અને ત્રોયાનાં સ્ત્રીશાસિત સમાજ અને જીવનદર્શનનું તથા જેને આફ્રોદિતેસની પ્રેરણાથી પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો હતો અને પ્રેમને ખાતર જેણે પતિ, પુત્રી, માતાપિતા, સ્વદેશ એમ સર્વસ્વનો ત્યાગ કર્યો હતો તે જગતની સર્વશ્રેષ્ઠ સુંદરી હેલેને (Helene)નું, સાફોનું એક ઉત્તમ કાવ્ય — Fragment-૩૮ સૂચવે છે તેમ, સ્મરણ થયા કર્યું હશે. સુઈદાસના પૂર્વોક્ત ચરિત્રકોશમાં અને પિન્દારસ પરના કોઈ અનામી વિવેચકના પૂર્વોક્ત વિવેચનમાં સાફોની માતાનું નામ ક્લેઇસ (Kleis) હતું એમ ઉલ્લેખ છે. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, સાફોની પુત્રી વિશે જે સંદર્ભો છે તે પરથી સૂચવાય છે કે સાફોની માતા અતિ સુન્દર હતી. સાફોના હમણાં જ ઉપલબ્ધ એવા કાવ્ય — Fragment ૯૮ L — P — માં સાફોની માતાનો એના નામ વિના અસ્પષ્ટ અને સંદિગ્ધ ઉલ્લેખ છે. સાફોની કિશોર વયમાં સાફોની માતાનું અવસાન થયું હતું એવું અનુમાન થયું છે. સુઈદાસના પૂર્વોક્ત ચરિત્રકોશમાં સાફોને ખારાક્સસ, લારિખસ અને યુરિગિયસ (Charaxos, Larichos, Eyrygyos) નામે ત્રણ ભાઈઓ હતા એમ ઉલ્લેખ છે. હેરોદોતસનાં પૂર્વોક્ત ‘સંશોધનો’માં, સ્રોબોનની પૂર્વોક્ત ‘ભૂગોળ’માં સાફોને ખારાક્સસ નામે ભાઈ હતો એમ ઉલ્લેખ છે. તો અથનાઅસના પૂર્વોક્ત ‘જમતાં જમતાં’માં એક સ્થાને સાફોને ખારાક્સસ નામે ભાઈ હતો એમ ઉલ્લેખ છે અને અન્ય એક સ્થાને સાફોને લારિખસ નામે ભાઈ હતો એમ ઉલ્લેખ છે. આ ત્રણે ભાઈઓ સાફોથી નાના હતા એવું અનુમાન થયું છે. આ ત્રણ ભાઈઓમાં ખારાક્સસ સૌથી મોટો, લારિખસ વચેટ અને યુરિગિયસ સૌથી નાનો હતો. પિતાના કાકાના નામ પરથી સૌથી નાના ભાઈનું નામ પાડવામાં આવ્યું હતું. જોકે યુરિગિયસ વચેટ અને લારિખાસ સૌથી નાનો હતો એવું અનુમાન પણ થયું છે. ખારાક્સસ મદ્યનો વ્યાપારી હતો. વ્યાપાર અર્થે એ દેશવિદેશ જતો-આવતો હતો. રાજા આમાસીસ(Amasis)ના સમયમાં સામિયસ (Samios)ની સુન્દર અને પ્રસિદ્ધ વેશ્યા દોરિખા (Doricha) — જેને હેરોદોતસ એનાં ‘સંશોધનો’માં રોદોપિસ (Rhodopis) કહે છે — સામિયસના કસાન્થસ (Xanthos)ની સાથે આવીને ઇજિપ્તમાંના ગ્રીક સંસ્થાન નૌક્રાતિસ(Naukratis)માં વસી હતી. ખારાક્સસ વ્યાપાર અર્થે નૌક્રાતિસમાં હતો ત્યારે એ દોરિખાના પ્રેમમાં હતો. મોટી રકમ ચૂકવીને એણે દોરિખાને કસાન્થસના સ્વામિત્વમાંથી મુક્તિ અપાવીને એની સાથે લગ્ન કર્યું હતું. ખારાક્સસ દોરિખાને મુક્તિ અપાવીને મિતિલેને આવ્યો હતો તે સમયે સાફોએ એક કાવ્ય — Fragment ૩૫ — માં ખારાક્સસ પ્રત્યે રોષ પ્રગટ કર્યો હતો એમ અનુમાન થયું છે. સાફોએ અન્ય એક કાવ્યમાં ખારાક્સસનું આર્થિક શોષણ કરવા માટે દોરિખાને શાબ્દિક શિક્ષા આપી હતી એમ અનુમાન થયું છે. આ કાવ્ય અસ્તિત્વમાં નથી. સાફોના એક કાવ્ય — Fragment ૩૭ — માં દોરિખાનો ઉલ્લેખ છે. એમાં સાફોએ કદી દોરિખાને ક્ષમા આપી ન હતી એવું સૂચવાય છે. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, સાફોએ એક કાવ્ય — Fragment ૩૬ — માં ખારાક્સસનું, એના સ્વદેશાગમનને પ્રસંગે, એના ભૂતકાળની ભૂલો, વર્તમાનની સુરક્ષિતતા અને ભવિષ્યની શુભેચ્છાઓના ઉલ્લેખ સાથે સમુદ્રદેવી આફ્રોદિતેસ અને અન્ય દેવીઓને પ્રાર્થનારૂપ સ્વાગત કર્યું હતું. અને એ દ્વારા સાફોએ ખારાક્સસને ક્ષમા આપી હતી. સાફોનો વચેટ ભાઈ લારિખસ મિતિલેનેના પ્રિતાનૈયન — Prytanaion — નગરગૃહમાં મદ્યવાહકનું પદ પામ્યો હતો. આ પદ જન્મથી જે મિતિલેનેનો નિવાસી હોય અને જે ગર્ભશ્રીમંત અને સુન્દર હોય એને જ આપવામાં આવતું હતું. આમ, આ પરથી લારિખસના પિતા શ્રીમંત હતા અને મિતિલેનેના નિવાસી હતા એવું સૂચવાય છે. ત્રણે ભાઈઓમાંથી લારિખસ પ્રત્યે સાફોને સૌથી વધુ સ્નેહ હતો અને એણે લારિખસને સંબોધીને પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું એમ અનુમાન થયું છે. આ કાવ્ય અસ્તિત્વમાં નથી. યુરિગિયસ વિશે કોઈ માહિતી અસ્તિત્વમાં નથી. સુઇદાસના પૂર્વોક્ત ‘ચરિત્રકોશ’માં સાફો પરિણીત હતી અને એનું લગ્ન જેનો લેસ્બસ લગી વ્યાપાર હતો અને જે મિતિલેનેમાં વસ્યો હતો તે આન્દ્રસ(Andros)ના શ્રીમંત વ્યાપારી કેરકોલાસ (Kerkolas) સાથે થયું હતું. સાફોના પતિનું યુવાન વયે અવસાન થયું હતું એવું અનુમાન થયું છે. અથનાયસના પૂર્વોક્ત ‘જમતાં જમતાં’માં કવિ આલ્કાયસ, આર્ખિલોખસ (Archilochos), હિપોનક્સ (Hipponax) એ સાફોના પ્રેમીઓ હતા એમ ઉલ્લેખ છે. આ ઉપરાંત કવિ આનાક્રિઓન (Anakreon) અને, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, ફાઓન પણ એના પ્રેમીઓ હતા એમ અનુમાન થયું છે. સુઈદાસના પૂર્વોક્ત ‘ચરિત્રકોશ’માં અને તિરસના માક્સિમસ (Maximus of Tyros)ના ‘નિબંધો’ (Disserta-tions)માં સાફોને ક્લેઇસ (Kleis) નામે પુત્રી હતી એમ ઉલ્લેખ છે. સાફોની પુત્રી સાફોની માતા જેવી જ અતિ સુન્દર હતી એથી સાફોએ માતાના નામ પરથી પુત્રીનું નામ પાડ્યું હતું એમ અનુમાન થયું છે. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, સાફોએ કેટલાંક કાવ્યોમાં — સવિશેષ Fragment ૧૩૦ — માં પુત્રીના નામ અને સૌંદર્યના ઉલ્લેખ સાથે પુત્રી પ્રત્યે પૂર્ણ વાત્સલ્ય પ્રગટ કર્યું છે. ‘પૅરીઅન ઇતિહાસ’ (Parian Chronicle)માં ઈ. પૂ. ૫૯૮માં સાફોએ સિકેલિયા (Sikelia)માં બીજી વારનો દેશવટો ભોગવ્યો હતો એમ ઉલ્લેખ છે. સાફોએ પ્રથમ વારનો દેશવટો પિર્હા (Pyrrha)માં ભોગવ્યો હતો એમ અનુમાન થયું છે. સાફોના પિતા ઉમદા અને ઉચ્ચ કુટુંબના મોટા જમીનદાર હતા. એમનું કુટુંબ લાંબા સમયથી સમૃદ્ધિ અને સત્તા ભોગવતું હતું. ઈ. પૂ. ૭મી સદીમાં લેસ્બસ બાહ્ય આક્રમણોથી મુક્ત હતું. પણ ઈ. પૂ. ૬ઠ્ઠી સદી લગી આંતર્ વિગ્રહથી ક્ષુબ્ધ હતું. રાજાશાહીનો અંત આવ્યો હતો. રાજાઓને સ્થાને સત્તા પર સ્થાનિક પ્રાચીન શ્રીમંત કુટુંબો હતા. આ કુટુંબોમાં સર્વોચ્ચ સત્તાસ્થાન માટે સ્પર્ધા હતી એથી એમની વચ્ચે પરસ્પર સંઘર્ષ હતો. વળી, નીચા સ્તરની પ્રજાનો પણ સત્તા માટે એમની સાથે સંઘર્ષ હતો. નવા નવા લોકનેતાઓ (tyrants)નો ઉદય અને અસ્ત થતો હતો. લોકનેતા પિતાકસ અન્ય લોકનેતા મિર્સિલસ (Myrsilos)ની સહાયથી પુરોગામી લોકનેતા મેલાન્ખ્રસ (Melanchros)ને પરાજય આપીને મિતિલેનેમાં સર્વોચ્ચ સત્તાસ્થાને આવ્યો હતો. અને ‘સપ્તર્ષિ’ઓમાંના એક તરીકે પિતાકસે અનેક નવા ધારાઓ દ્વારા અને વિરોધી વ્યક્તિઓ અને વર્ગો વચ્ચે સમાધાન અને સંવાદ દ્વારા અંતે સ્પર્ધા અને સંઘર્ષને સ્થાને રાજકીય સ્થિરતા, સદ્ધરતા અને શાંતિ સ્થાપી હતી. પિતાકસના આગમનથી મિતિલેનેમાં જે રાજકીય અશાન્તિ હતી એમાં સાફોના પિતા સંડોવાયા હતા અથવા સાફોના પિતા જો ત્યારે સદ્ગત હોય તો મિતિલેને નગરના જ નિવાસી અને સાફોના મિત્ર કવિ આલ્કાયસ અને એની સાથે સાથે સાફો એમ બન્ને સંડોવાયાં હતાં અને એથી જેમ આલ્કાયસને પ્રથમ વાર પિર્હામાં અને બીજી વાર ઇજિપ્તમાં અલ્પ સમયનો દેશવટો ભોગવવો પડ્યો હતો તેમ સાફોને પણ પ્રથમ વાર ઈ. પૂ. ૬૦૫માં લેસ્બસના જ પિર્હા નગરમાં અને બીજી વાર ઈ. પૂ. ૬૦૫-૫૯૧નાં વર્ષોના સમયમાં કોઈ પણ એક વર્ષમાં પૂર્વોક્ત ‘પૅરીઅન ઇતિહાસ’માં સૂચવાય છે તેમ ઈ. પૂ. ૫૯૮માં અથવા ઈ. પૂ. ૬૦૦ની આસપાસમાં સિકેલિયામાં સિરાકુસાઈ (Sirakousai) નગરમાં અલ્પ સમયનો દેશવટો ભોગવવો પડ્યો હતો. સિસેરોના ‘વેરેસ વિરુદ્ધ વક્તૃત્વો’ (Orations against Verres)માં સિરાકુસાઈના નગરગૃહમાં પ્રસિદ્ધ શિલ્પી સિલાનિયન(Silanion)સર્જિત સાફોની મૂર્તિનું એક સુંદર શિલ્પ સાફોના મૃત્યુ પછી અનેક વર્ષો પછી સાફોની સ્મૃતિમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું, અને એ શિલ્પની નીચે પીઠિકા પર એક ગ્રીક યુગ્મકાવ્ય અંકિત કરવામાં આવ્યું હતું, પછીથી આ શિલ્પ વેરેસે લૂંટ્યું હતું એમ ઉલ્લેખ છે. આ પરથી સાફોએ સિરાકુસાઈમાં દેશવટો ભોગવ્યો હતો એમ અનુમાન થયું છે. જો કે સાફોના એકે કાવ્યમાં દેશવટાનો ઉલ્લેખ નથી અથવા તો સિકેલિયાનો, સિરાકુસાઈનો ઉલ્લેખ નથી. આફ્રોદિતેસને પ્રાર્થનારૂપ એક કાવ્ય — Fragment ૫-માં કિપ્રસ, પાફસ અને પાનોર્મસ(Panormos)નો ઉલ્લેખ છે જે પરથી સાફોને પરિચિત એવા જગતની સીમા સૂચવાય છે. જો કે આ નિર્વાસનના પરિણામરૂપ નિર્ધનતાનો અનુભવ સાફોને થયો એનો સાફોના એક કાવ્ય — હમણાં જ ઉપલબ્ધ એવા Fragment ૯૮ L-P — માં ઉલ્લેખ છે. આમ, સાફોને રાજકીય અશાંતિને પરિણામે નિર્વાસન અને નિર્વાસનને પરિણામે નિર્ધનતાનો અનુભવ થયો હતો છતાં એ વિશે એણે એકે કાવ્ય રચ્યું નથી. સાફોને રાજકારણમાં કોઈ રસ ન હતો. એને રસ હતો એક માત્ર પ્રેમમાં. એણે પ્રેમ સિવાય કદી અન્ય કોઈ વિષય પર કાવ્ય કર્યું નથી. જ્યારે આલ્કાયસને રાજકારણમાં સક્રિય અને સતત રસ હતો. એણે રાજકારણ સિવાય ભાગ્યે જ અન્ય કોઈ વિષય પર કાવ્ય કર્યું હશે. અથનાયસના પૂર્વોક્ત ‘જમતાં જમતાં’માં સાફો ફાઓનની પ્રિયતમા હતી એમ ઉલ્લેખ છે. મેનાન્દ્રસ (Me-nandros) આદિ હાસ્યપ્રધાન નાટક (Middle and New Comedy)ના સર્જક અનેક ગ્રીક અને રોમન નાટકકારોએ અને કવિઓએ અને સવિશેષ ઓવિડે સાફો ફાઓનના પ્રેમમાં હતી અને પ્રણયવૈફલ્ય, પ્રણયવૈકલ્યને કારણે ઈથાકે (Ithake) અને કોર્ફુ (Corfu)ની વચ્ચે લૈકાસ (Leykas) ટાપુમાં સમુદ્રતટ પરના એક નાના પર્વત — લૈકાદોસ પેત્રે — (Ley-kados Petre) પરથી જલસમાધિ દ્વારા આત્મઘાત કર્યો હતો એવી સાફોના મૃત્યુ વિશે સૈકાઓ સુધી એક કથા કલ્પી છે. સ્ત્રાબોનની પૂર્વોક્ત ‘ભૂગોળ’માં મેનાન્દ્રસના નાટકમાંથી એક અવતરણ અને આ કથાનો ઉલ્લેખ અને તે પર સ્ત્રાબોનનું વિવરણ છે. સુઈદાસના પૂર્વોક્ત ‘ચરિત્રકોશ’માં સાફોની નામેરી એક અન્ય સાફો મિતિલેનેમાં હતી અને એ વાદક (lyre-player) હતી, અને કોઈ કોઈ જાણકારના અભિપ્રાય પ્રમાણે તો કવિ પણ હતી અને એ ફાઓન નામના મિતિલેનેના એક નગરજન સાથે પ્રેમમાં હતી અને પ્રેમમાં નિષ્ફળતાને કારણે એણે લૈકાસના પર્વત પરથી આત્મઘાત કર્યો હતો એમ ઉલ્લેખ છે. આમ, સ્પષ્ટ છે કે અનુગામી નાટકકારો અને કવિઓમાં સાફો વિશે ભારે ગેરસમજ છે. આ ગેરસમજનું કારણ સાફોનાં કોઈ કાવ્યો હોય. એક ગ્રીક પુરાકલ્પન (myth, legend) પ્રમાણે આફ્રોદિતેસ આદોનિસ(Adonis)ના પ્રેમમાં હતી અને આદોનિસનું અન્ય એક નામ ફાઓન હતું. અન્ય એક ગ્રીક પુરાકલ્પન પ્રમાણે ફાઓન એક ઉપદેવતા (demon) હતો અને આફ્રોદિતેસ એના પ્રેમમાં હતી એથી આફ્રોદિતેસે પોતાના વરદાનથી સૌ સ્ત્રીઓ એનું અદ્ભુત આકર્ષણ અનુભવે એવું ચુંબકત્વ એને અર્પ્યું હતું. અન્ય એક ગ્રીક પુરાકલ્પન પ્રમાણે ફાઓન નામનો એક નાવિક હતો. એ જ્યારે વૃદ્ધ હતો ત્યારે એણે આફ્રોદિતેસને પોતાની નાવમાં લેસ્બસથી ખિયસ (Chios)નો પ્રવાસ કરાવ્યો હતો અને એથી આફ્રોદિતેસે એને રૂપ અને યૌવનનો પુરસ્કાર આપ્યો હતો. અન્ય એક ગ્રીક પુરાકલ્પન પ્રમાણે નાવિક ફાઓને વૃદ્ધાવેશી આફ્રોદિતેને પોતાની નાવમાં પ્રવાસ કરાવ્યો હતો અને એથી આફ્રોદિતેસે એને અંજનની મંજૂષાનો પુરસ્કાર આપ્યો હતો અને સાથે આ અંજન એ રોજ આંજે તો સ્ત્રીઓ એના પ્રેમમાં પડી જાય એવું એને વરદાન આપ્યું હતું. પરિણામે સ્ત્રીઓ એનું આકર્ષણ અનુભવ્યા વિના રહી શકતી ન હતી, પણ એ કોઈ સ્ત્રીનું આકર્ષણ અનુભવતો ન હતો. પરિણામે એક સ્ત્રીએ લૈકાસના પર્વત પરથી આત્મઘાત કર્યો હતો. અને આમ આત્મઘાત કરવાથી પ્રેમીનો મોક્ષ થાય અને પ્રિયપાત્રનું હૃદય પરિવર્તન થાય એવી માન્યતા પ્રચલિત હતી. ‘પૅલેટાઇન કાવ્યસંચય’માં દિઓસ્કોરિદેસ(Dioskorides)ના એક કાવ્યમાં સાફોએ આદોનિસ વિશે કાવ્યો રચ્યાં હતાં એમ ઉલ્લેખ છે. સાફોએ અનેક ધાર્મિકવિધિ પ્રસંગે કાવ્યો રચ્યાં હતાં. લેસ્બસનો એશિયા સાથે સંબંધ હતો. એથી આથેનાઈમાં આ પૂર્વના, એશિયાના દેવનો મહિમા ન હોય પણ લેસ્બસમાં આદોનિસનો મહિમા હતો, આદોનિસનો સંપ્રદાય હતો. અને પ્રતિવર્ષ શરદમાં એની મૃત્યુતિથિએ એનો પૂજનવિધિ-ઉત્સવ થતો હતો. સાફોએ આ પ્રસંગે સવિશેષ તો પોતાની ઇષ્ટદેવી આફ્રોદિતેસ આદોનિસના પ્રેમમાં હતી એથી કાવ્યો રચ્યાં હશે. એમાંનાં કેટલાંક કાવ્યો — Frag-ments ૨૫, ૮૬, ૧૦૩, ૧૩૬ — અસ્તિત્વમાં છે. સાફોએ આદોનિસ, એટલે ફાઓન, પ્રત્યેના આફ્રોદિતેસના પ્રેમ વિશે આફ્રોદિતેસનું નામ આપ્યા વિના આ પ્રકારનું કોઈ કાવ્ય રચ્યું હશે અને એમાં એણે લૈકાસના પર્વતનો અને જલસમાધિ દ્વારા આત્મઘાતનો ઉલ્લેખ કર્યો હશે. એથી પછીથી નાટકકારો અને કવિઓએ એ કાવ્ય સાફોએ ફાઓન નામના મિતિલેનેના કોઈ યુવાન નાવિક પ્રત્યેના પોતાના પ્રેમ વિશે રચ્યું છે એવી ગેરસમજથી સાફોના પ્રેમ અને મૃત્યુ વિશેની આ કથા કલ્પી હશે. સાફોનું મૃત્યુ ક્યાં, ક્યારે અને શી રીતે થયું ? — એ પ્રશ્નનો સપ્રમાણ અને સાધાર ઉત્તર નહિ આપી શકાય. સાફોનાં પોતાનાં વૃદ્ધત્વ અને મૃત્યુ વિશેનાં કેટલાંક કાવ્યો — Fragments ૪૨, ૮૫, ૧૦૮, ૧૧૮ — અસ્તિત્વમાં છે. એમાંના એક કાવ્ય — Fragment ૧૦૮ — વિશે તિરસના માકિસમસના પૂર્વોક્ત ‘નિબંધો’માં જેમ સોક્રાતેસ (Sokrates) પોતાના મૃત્યુ સમયે રુદન કરવા માટે પોતાની પત્ની કસાન્તિપેસ (Xanthippes)ને ઠપકો આપે છે તેમ આ કાવ્યમાં સાફો પોતાની પુત્રીને ઠપકો આપે છે એમ ઉલ્લેખ છે. આ પરથી સૂચવાય છે કે સાફોનું મૃત્યુ એના ઘરમાં થયું હશે. અને મૃત્યુ સમયે એનામાં પરમ શાંતિનો અનુભવ હશે. અન્ય કાવ્યોમાં પોતે હવે વૃદ્ધ છે અને મૃત્યુની ઇચ્છા કરે છે એવું સૂચન છે. આમ, સાફોનું મૃત્યુ પોતાના ઘરમાં વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્વક થયું હશે. અથનાયસના પૂર્વોક્ત ‘જમતાં જમતાં’માં, પ્લાતોના પૂર્વોક્ત ‘ફૈદ્રસ’માં, સોક્રાતેસના ફૈદ્રસ સાથેના સંવાદમાં અને જુલિયન (Julian)ના ‘પત્રો’ (Letters)માં આલિપિયસ (Alypios) પરના પત્રમાં સાફો સુન્દર હતી એમ ઉલ્લેખ છે. પણ તિરસના માકિસમસના પૂર્વોક્ત ‘નિબંધો’માં અને લુસિયન (Lucian)નાં ‘શબ્દચિત્રો’ (Portraits) પરના કોઈ અનામી વિવેચકના વિવેચનમાં સાફો કદમાં નાની અને ભીને વાન હતી એમ ઉલ્લેખ છે. માકિસમસમાં તો સાફો સુન્દર હતી એવું જે સોક્રાતેસ કહે છે એનું કારણ છે સાફોની ઊર્મિકવિતાની સુન્દરતા એમ પણ ઉલ્લેખ છે. તો અનામી વિવેચકના વિવેચનમાં ઉપમા દ્વારા અસુન્દર દેહની સાફો નાનકડા દેહ પર અસુન્દર આકારનાં પિચ્છ ધારણ કરનાર કોયલ જેવી છે એમ પણ ઉલ્લેખ છે. બે મુદ્રાઓ પર અને ત્રણ પાત્રો પર સાફોની આકૃતિ અંકિત છે પણ તે શ્રદ્ધેય નથી. સાફોમાં કદાચ દેહનું સૌંદર્ય નહિ હોય પણ સાફોના આત્મામાં, સાફોની કવિતામાં અલૌકિકતાનું, લોકોત્તરતાનું, દિવ્યતાનું સૌંદર્ય છે. અને એથી સ્તો સાફોના મિત્ર અને સમકાલીન કવિ આલ્કાયસની પંક્તિમાં સત્ય છે:

‘Violet-haired, holy, sweet-smiling Sappho.’
‘વાયોલેટ-કેશી, પવિત્ર, મધુર-સ્મિતા સાફો.’

આલ્કાયસ જ્યારે પિર્હામાં દેશવટે હતા ત્યારે એમણે એક કાવ્ય — Fragment ૧૩૦ L. — P. — રચ્યું હતું એમાં દૂરના ગ્રામ પ્રદેશમાં પોતાનું એકાકી જીવન છે, ચિત્ત મિતિલેનેની અનેક સ્મૃતિઓથી સભર છે, આ દેશવટાના દુઃખની વચ્ચે પણ કન્યાઓની વાર્ષિક સૌંદર્યસ્પર્ધાના ઉત્સવના દર્શનથી પોતે કંઈક આનંદ અનુભવે છે એવો ઉલ્લેખ છે, ‘જ્યાં લેસ્બસની કન્યાઓ, સુન્દર વસ્ત્રોથી સુસજ્જિત, ઉપર જાય છે, નીચે આવે છે; એમના સૌંદર્યની સ્પર્ધા અને તુલના થાય છે, અને વર્ષોવર્ષની જેમ એમની આસપાસ પ્રેક્ષકસ્ત્રીઓનાં પવિત્ર પ્રશંસાવચનોનો અદ્ભુત ધ્વનિ ગુંજે છે.’ લેસ્બસમાં વર્ષે વર્ષે સ્ત્રીઓના સૌંદર્યની સ્પર્ધા યોજવાની પરંપરા હતી એમ આલ્કાયસના આ કાવ્ય પરથી સૂચવાય છે. માત્ર લેસ્બસમાં જ નહિ અન્યત્ર પણ આ પ્રકારની સૌંદર્ય સ્પર્ધાની પરંપરા હતી. થેઓફ્રાસ્તોસ (Theophrastus) સૂચવે છે તેમ તેનેદોસ (Tenedos)માં કાલિસ્તેઈઆ (Kallisteia)ની, સૌંદર્યસ્પર્ધાની પરંપરા હતી. પારાસીઅન્સ (Parrhasians)માં પણ કિપ્સેલોસે (Cypselus) દેમેતેર એલેઉસિનિઆ (Deme-ter Eleusinia)ની વેદી પાસે આવી સૌંદર્યસ્પર્ધાનું આયોજન કર્યું હતું. પણ સમગ્ર ગ્રીકજગતમાં સૌથી વધુ સ્ત્રીસ્વાતંત્ર્ય લેસ્બસમાં હતું એથી લેસ્બસમાં આ સૌંદર્યસ્પર્ધાનો, સ્ત્રીસૌંદર્યનો સૌથી વિશેષ મહિમા હતો. ગ્રીકજગતમાં આ ભિન્ન ભિન્ન પ્રદેશોમાં આ સૌંદર્યસંપ્રદાય ભિન્નભિન્ન દેવદેવીઓને અર્પણ થયો હતો. લેસ્બસમાં એ સૌંદર્યદેવી આફ્રોદિતેસને અર્પણ થયો હતો. લેસ્બસ યુરોપ અને એશિયાનું જ્યાં મિલન થાય છે તે સીમાભૂમિ પાસેનો ટાપુ છે. એથી લેસ્બસમાં આફ્રોદિતેસનું પૌર્વાત્ય પરંપરાની ફલદ્રુપતાની દેવી તરીકે પૂજન થતું હતું પણ વિશેષ તો ગ્રીકજગતમાં સર્વત્ર થતું હતું તેમ એનું પાશ્ચાત્ય પરંપરાની સૌંદર્યની દેવી તરીકે પૂજન થતું હતું. આફ્રોદિતેસ સૌંદર્યની અને સૌંદર્યપ્રેરિત પ્રેમની દેવી છે. હોમેરસના ઇલિઆદ (Iliad)માં એનો ઝેઉસ (Zeus) અને દીઓને (Dione)ની પુત્રી તરીકે ઉલ્લેખ છે. પણ, આગળ જોયું તેમ, એનો જન્મ સમુદ્રફેનમાંથી થયો હતો એમ પણ મનાય છે. એ એના હાસ્ય માટે અને અનેક દેવો તથા મનુષ્યોની છલના માટે પ્રસિદ્ધ છે. પવન, મેઘ, સમુદ્ર, પુષ્પો આદિ પર એનો પ્રભાવ છે. એની આસપાસ આનંદ અને આહ્લાદનું વાતાવરણ છે. આનંદની દેવીઓ — ખારિતેસ (Charites) સાથે એનો સંબંધ છે. પારેવું એનું પ્રિય પંખી છે. એ જેના પર પ્રસન્ન થાય એના દેહમાં જોનારને પાગલ બનાવી મૂકે એવું અમોઘ આકર્ષણ, જાદુ એ જન્માવે છે. આમ, લેસ્બસમાં સૌંદર્યસંપ્રદાય જેને અર્પણ થયો હતો તે આફ્રોદિતેસનો સંપ્રદાય હતો એથી લેસ્બસમાં સૌંદર્ય અને સૌંદર્યપ્રેરિત પ્રેમનો સવિશેષ મહિમા હતો. ગ્રીકજગતમાં ક્યાંય, ઇઓનિઆ(Ionia) કે સ્પાર્તે (Sparte)માં ન હતું એવું લેસ્બસમાં સ્ત્રીસ્વાતંત્ર્ય હતું. લેસ્બસમાં સ્ત્રીઓનો પુરુષો સાથેનો મુક્ત સહચાર, વ્યવહાર હતો, સ્ત્રી-પુરુષનું હળવું-મળવું સહજસરલ અને સ્વાભાવિક હતું. પણ સાથે સાથે માત્ર આધુનિક યુગના અપવાદ સિવાય કોઈ પણ યુગમાં ક્યાંય કર્યો ન હતો એવો પુરુષોથી સ્વતંત્રપણે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સ્ત્રીઓએ લેસ્બસમાં સિદ્ધ કર્યો હતો. પરિણામે લેસ્બસની સ્ત્રીઓમાં ગીત, સંગીત, નૃત્યની કળાઓ અત્યંત લોકપ્રિય અને પ્રચલિત હતી અને આ કળાઓમાં સ્ત્રીઓની સિદ્ધિ અસાધારણ હતી. ઈ. પૂ. ૭મી સદીમાં લેસ્બસમાં રાજાશાહીનો અંત આવ્યો હતો. રાજાઓને સ્થાને સત્તા પર સ્થાનિક પ્રાચીન શ્રીમંત કુટુંબો હતાં. આ શ્રીમંત કુટુંબોની કન્યાઓનું શિક્ષણ એક વિશિષ્ટ શિક્ષણસંસ્થામાં થતું હતું. આ શિક્ષણસંસ્થા મોઇસોપોલોન દોમોસ (moisopolon domos) કલાદેવીઓની સાધિકાઓની સંસ્થાને નામે પ્રસિદ્ધ છે. આ અસામાન્ય પ્રકારની શિક્ષણસંસ્થા હતી; કારણ કે એને માત્ર સામાજિક કે સાંસ્કૃતિક પરિમાણ જ ન હતું, એને ધાર્મિક પરિમાણ પણ હતું. આ શિક્ષણસંસ્થા આફ્રોદિતેસના સંપ્રદાય સાથે સંલગ્ન હતી. આ શિક્ષણસંસ્થામાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓથી સ્વતંત્ર એવું એક વૃન્દ, કન્યાવૃન્દ થિઆસોસ (thiasos) રચ્યું હતું. લેસ્બસમાં ઇરેસસ, પારોસ (Paros), મિતિલેને આદિ અનેક સ્થળે આવી અનેક શિક્ષણસંસ્થાઓ હતી અને આવાં અનેક કન્યાવૃન્દો હતાં. મિતિલેનેમાં આવી એકથી વિશેષ શિક્ષણસંસ્થાઓ હતી. અને એમાં એકથી વિશેષ કન્યાવૃન્દો હતાં. સાફો જીવનભર આવી એક શિક્ષણસંસ્થાની સંચાલિકા હતી, આવા એક કન્યાવૃન્દની શિક્ષિકા હતી, સાફોનાં અનેક, લગભગ સૌ, ઉત્તમ કાવ્યોની પ્રેરણા આ શિક્ષણસંસ્થામાં છે, આ કન્યાવૃન્દમાં છે, આ કન્યાઓમાં છે. સાફોની શિક્ષણસંસ્થામાં જે કન્યાઓ, શિષ્યાઓ–માથેત્રિઆઈ (matheriai) હતી તે સાફોના જ સમાજની, શ્રીમંત કુટુંબોના પ્રશિષ્ટ, વિશિષ્ટ અને સીમિત સમાજની સભ્ય હતી. આ કન્યાવૃન્દ પણ પ્રશિષ્ટ, વિશિષ્ટ અને સીમિત હતું. આ કન્યાવૃન્દમાં અલ્પસંખ્ય કન્યાઓ હતી. સૌ સુસંસ્કૃત અને સંસ્કારી હતી, કુલીન અને ભદ્રિક હતી, નાગર હતી. સાફોનો આ કન્યાઓ સાથેનો અને આ કન્યાઓનો પરસ્પરનો સંબંધ અનૌપચારિક અને આત્મીય હતો. આ સંબંધ સંકુચિત નહિ, ઉદાર હતો; કૃત્રિમ નહિ, નૈસર્ગિક હતો; સહજ સરલ અને મૃદુ મુક્ત હતો. આ કન્યાઓનો સમાજ સાથેનો સંબંધ નહિવત્ હતો; ધાર્મિક ઉત્સવ જેવા વિરલ પ્રસંગે જ એમનું સમાજ સાથે મિલન થતું હતું. એમનું જીવન એકંદરે એકાન્તનું જીવન હતું. એથી આ કન્યાઓ સમાજના દિનપ્રતિદિનના જીવનથી અલિપ્ત હતી, પણ તે હંમેશ માટે નહિ, નિશ્ચિત સમય માટે જ, એમનાં લગ્ન થાય ત્યાં લગી જ અલિપ્ત હતી. આ કન્યાઓનું આરંભથી લગ્ન લગીનું શિક્ષણ, કહો કે લગ્ન માટેનું શિક્ષણ આ શિક્ષણસંસ્થામાં થતું હતું. એમને સ્ત્રીમાં અપેક્ષિત અને અનિવાર્ય એવા સૌ સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવતું હતું. સારી રીતભાત, સારું વર્તન, વસ્ત્રો-અલંકારો આદિ સાધનોથી દેહનું પ્રસાધન-સુશોભન, દેહની રક્ષા, દેહના સૌંદર્યની વૃદ્ધિ વગેરે તો હોય જ. આગળ જોયું તેમ, લેસ્બસમાં સૌંદર્યસ્પર્ધાની પરંપરા હતી. સૌંદર્યસંપ્રદાય હતો, સ્ત્રી-સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓમાં ગીત, સંગીત, નૃત્યની કળાઓ અત્યંત લોકપ્રિય અને પ્રચલિત હતી. વળી, આગળ જોયું તેમ, આ શિક્ષણસંસ્થા આફ્રોદિતેસના સંપ્રદાય સાથે સંલગ્ન હતી. એથી આફ્રોદિતેસની પૂજાના ઉત્સવ પ્રસંગે સાફોની સાથે આ કન્યાઓને દિવસે કે પૂર્ણિમાની રાત્રિએ જાહેર સમારંભોમાં ભાગ ભજવવાનો થતો હતો ત્યારે પૂજા અર્થે મિતિલેનેની ધાર્મિક વિધિઓ કાલિકોરોન મિતિલેને (Kallichoron Mitylene)માં ગીતો ગાવામાં, એ ગીતોની સાથે વાદ્ય વગાડવામાં, નૃત્ય કરવામાં આ કન્યાઓ સક્રિય હતી. એથી આ કન્યાઓને ગીત, સંગીત, નૃત્યની કળાઓનું શિક્ષણ વિશેષ ધ્યાનથી આપવામાં આવતું હતું અને સાથે સાથે પુરાણકથાઓ અને ધર્મવિધિઓ વગેરેનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. આ શિક્ષણસંસ્થામાં આ કન્યાઓ અને સાફોનું એક વિરલ અને વિશિષ્ટ એવું સહજીવન હતું, કુટુંબજીવન હતું. એની એક વિશેષ શૈલી હતી. તિરસના માકિસમસે સાફો અને આ કન્યાઓના સંબંધને સોક્રાતેસ અને એમના શિષ્યોના સંબંધ સાથે સરખાવ્યો છે. પણ એક અત્યંત મહત્ત્વનો ભેદ અહીં નોંધવો જોઈએ. સાફો અને આ કન્યાઓને આફ્રોદિતેસનો સંપ્રદાય હતો. એથી એમના સંબંધને ધાર્મિક પરિમાણ હતું. સોક્રાતેસ અને એમના શિષ્યોને આવો કોઈ સંપ્રદાય ન હતો. એથી એમના સંબંધને આવું કોઈ ધાર્મિક પરિમાણ ન હતું. સુઈદાસના ‘ચરિત્રકોશ’માં સાફોને ત્રણ સખીઓ હતી, આતથિસ (Atthis) તેલેસિપ્પા (Telesippa) અને મેગારા (Megara) તથા એને ત્રણ શિષ્યાઓ હતી, મિલેસિઆ (Mi-lesia)માંથી આનાગોરા (Anagora), કોલોફોનિઆ (Colophonia)માંથી ગોન્ગિલા (Gongyla) અને સાલામાનિઆ (Salamania)માંથી એઉનેઇકા (Euneica) એવો ઉલ્લેખ છે. ઓવિડના ‘નાયિકાઓને પત્રો’માં સાફોની બે વધુ શિષ્યાઓ આનાક્તોરિઆ (Anactoria) અને સિદ્રો (Cydro)નો ઉલ્લેખ છે. તિરસના માક્સિમસના ‘નિબંધો’માં સાફોની એક વધુ શિષ્યા ગીરિન્ના (Gyrinna)નો ઉલ્લેખ છે. આ ઉપરાંત અન્યત્ર સાફોને ગીઆરા (Gyara), હિરો (Hero), તિમાસ (Timas), પ્રાકિસનોઆ(Parxinoa) મનાસિદિકા અથવા દિકા (Mnasidica અથવા Dica), આરિગ્નોતા (Arignota), આર્ખેનાસ્સા (Archeanassa) શિષ્યાઓ હતી એવો ઉલ્લેખ છે. વળી ફોકાઇઆ (Phokaia)માંથી પણ સાફોને એક શિષ્યા હતી એવો ઉલ્લેખ છે. ઓવિડના ‘હેરોઇદેસ’ (Heroides)માં પીર્હા (Pyrrha) અને મેથીમ્‌ના (Methymna)માંથી પણ સાફોને શિષ્યાઓ હતી એવો ઉલ્લેખ છે. સાફોના કેટલાંક કાવ્યોમાં આમાંથી કેટલીક શિષ્યાઓનાં નામોનો ઉલ્લેખ છે. સાફો માત્ર શ્રીમંત કુટુંબની સભ્ય ન હતી. સાફો માત્ર શિક્ષિકા ન હતી. સુઈદાસના ‘ચરિત્રકોશ’માં એક વાદક હતી એમ ઉલ્લેખ છે. ‘પેલૅટાઈન કાવ્યસંચય’માં એ મધુરકંઠી હતી એટલે કે મધુર ગાયક હતી એમ ઉલ્લેખ છે. પ્લુતાર્ક (Plu-tarch)ના સંગીત પરના નિબંધમાં આરિસ્તોખ્સેનોસ (Aris-toxenus)ને આધારે એ મિક્સોલિદિઅન (Mixolydian)ને નામે એક વિશિષ્ટ સંગીતશૈલીની સર્જક હતી એમ ઉલ્લેખ છે. અથનાયસના ‘જમતાં જમતાં’માં એ પીક્તિસ (Pectis) નામનું તંતુવાદ્ય શોધવામાં અને વગાડનારાઓમાં સૌપ્રથમ હતી એમ ઉલ્લેખ છે. આમ, સાફો મધુર ગાયક અને કુશળ વાદક હતી. પણ સૌથી વિશેષ તો એ ગ્રીસની સર્વશ્રેષ્ઠ ઊર્મિકવિ હતી. એથી એની શિક્ષણસંસ્થા મિતિલેનેમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણસંસ્થા હતી. અન્ય શિક્ષણસંસ્થાઓની કવિ-સંચાલિકા-શિક્ષિકાઓની ઇર્ષ્યાનું એ ભાજન હતી. તિરસના માક્સિમસના ‘નિબંધો’માં સાફોને ગોર્ગો (Gorgo) અને આન્દ્રોમેદા (Andromeda) બે પ્રતિસ્પર્ધીઓ હતી એમ ઉલ્લેખ છે અને સાફો અને આ પ્રતિસ્પર્ધીઓના સંબંધને સોક્રાતેસ અને એમના પ્રતિસ્પર્ધીઓ –સૉફિસ્ટ્સ–ના સંબંધ સાથે સરખાવ્યો છે. સાફોએ આ બે પ્રતિસ્પર્ધીઓ વિશે ચારેક કાવ્યો રચ્યાં છે. આમ, સાફોએ મધુર ગાયક, ઉત્તમ વાદક અને ગ્રીસની સર્વશ્રેષ્ઠ કવિ તરીકે આ કન્યાઓને કળાઓનું શિક્ષણ આપ્યું હતું. જોકે સાફોની એકે શિષ્યા મહાન કે મધ્યમ ગાયક, વાદક કે કવિ તરીકે પ્રસિદ્ધ નથી. સાફો કવિ હતી અને કવિનો તો દેવદેવીઓની સાથે કોઈ પણ મનુષ્યથી વિશેષ નિકટ એવો સંબંધ હોય, કવિ તો મનુષ્યજાતિને દેવદેવીઓની વાણીનું રહસ્યદર્શન કરાવી શકે, કવિને તો સ્વયં દેવદેવીઓની પ્રેરણા હોય — ગ્રીક લોકોમાં કવિ વિશે આવી આવી માન્યતા હતી. એથી આફ્રોદિતેસના સંપ્રદાય સાથે સંલગ્ન એવી શિક્ષણસંસ્થામાં એ આદર્શ સંચાલિકા-શિક્ષિકા કહેવાય. ગ્રીસમાં ત્યારે ધર્મગુરુની ઔપચારિક સંસ્થા અસ્તિત્વમાં ન હતી. કોઈ પણ વ્યક્તિ, પોતાને સુપાત્ર માને તો ધર્મગુરુ તરીકે સમાજમાં કાર્ય કરી શકે. જો કોઈ વ્યક્તિ મંદિરમાં ઔપચારિકપણે ધર્મગુરુ તરીકે નિયુક્ત થાય તો તે અન્ય નાગરિકોની જેમ ગૃહસ્થીનું, સંસારીનું જીવન જીવી શકે. અને આવી નિયુક્તિ નિયતકાલીન હોય, અલ્પકાલીન હોય. ધર્મ અને રાજ્ય વચ્ચે ત્યારે સંઘર્ષ ન હતો. ધર્મગુરુઓનો ઉચ્ચાવચતાક્રમ ન હતો. કોઈ ધર્મશાસ્ત્ર કે ઈશ્વરશાસ્ત્ર ન હતું. હતી માત્ર પુરાણકથાઓ અને ધર્મવિધિઓ. આ સંદર્ભમાં સાફોએ આફ્રોદિતેસની પૂજારિણી તરીકે પણ આ કન્યાઓને ધાર્મિક શિક્ષણ આપ્યું હતું. આ કન્યાઓનું આ શિક્ષણસંસ્થામાં આરંભથી લગ્ન લગીનું શિક્ષણ થતું હતું, કહો કે લગ્ન માટેનું શિક્ષણ થતું હતું. અંતે લગ્ન તો છે જ એની સાફોને બરોબર સમજ હતી. એથી કન્યાઓ સાથેનો પોતાનો સંબંધ નિયતકાલીન, અલ્પકાલીન છે એથી એ પૂરેપૂરી સભાન હતી. અંતે વિચ્છેદ છે, વિરહ છે એનું એને જ્ઞાન હતું. આ કન્યાઓના સહવાસમાં એને એક પ્રકારના યૌવનનો, પોતાના યૌવનનો, ચિરયૌવનનો અનુભવ થતો હતો, તાજગીનો અનુભવ થતો હતો. એથી આ કન્યાઓ સાથેનો વિચ્છેદ એક અર્થમાં પોતાના યૌવન સાથેનો, તાજગી સાથેનો વિચ્છેદ હતો. એથી એ બેવડો અસહ્ય હતો. વળી, કન્યાઓ માટે પણ આ અનુભવ એટલો જ અસહ્ય હતો. ત્યારે સ્વેચ્છાલગ્નો ન હતાં. ક્યારેક તો કન્યા લગ્નની ક્ષણે જ વરનું મુખ પ્રથમવાર જોવા પામતી હતી. લગ્ન એ કન્યાને માટે માત્ર કૌમાર્યનો જ ત્યાગ ન હતો. પ્રિયજનો, પરિચિત જનોનો પણ એમાં ત્યાગ હતો. કન્યાઓને લગ્નનો આનંદ તો હતો જ પણ સાથે સાથે ભય પણ હતો. આનંદ હતો ચરિતાર્થતાનો, ભય હતો ભાવિની રહસ્યમયતાનો. સાફોએ કન્યાઓના આ મિશ્ર અનુભવને અત્યંત ઋજુ એવાં એનાં લગ્નગીતોમાં પ્રગટ કર્યો છે. સાફોએ આ કન્યાઓના લગ્નપ્રસંગે લગ્નગીતો–કાર્મિના, એપિથાલામિઆ Carmina, Epithalamia — રચ્યાં હતાં. લગ્નની વિધિને સમયે યુવાન સ્ત્રી-પુરુષોનાં વૃન્દ આ ગીતો ગાય એવી પરંપરા હતી. લગ્નની વિધિ એ ધાર્મિક વિધિ પણ હતી. એથી આ ગીતોને ધાર્મિક પરિમાણ હતું. લગ્નની સાંજે ભોજન થતું. એ સમયે વર અને કન્યાનું દેવદેવીઓને, સવિશેષ તો આફ્રોદિતેસને આરાધન થતું. રાત્રે વરકન્યાનો જે વાસરગૃહમાં વાસ હોય ત્યાં એક રથમાં વરકન્યાને વિદાય આપવામાં આવતી ત્યારે એમની સાથે સાથે તંતુવાદ્ય અને વાંસળીની સાથે ગીતો ગાતું ગાતું સાજનવૃન્દ જતું. વરકન્યા વાસરગૃહમાં પ્રવેશે પછી વાસરગૃહની સામે ઊભું ઊભું સાજનવૃન્દ આ શુભક્ષણે અશુભ તત્ત્વો આ વાસરગૃહથી દૂર રહે એ માટે ગીતો ગાતું. આ હતો લગ્નગીતોનો અને લગ્નવિધિનો ઉપક્રમ. આ કન્યાઓ સાથેનો અંગત સંબંધ એ સાફોનાં અનેક ઉત્તમ કાવ્યોની પ્રેરણા છે. એમાં મૈત્રી અને પ્રેમનો સૂક્ષ્મતમ અનુભવ છે. એમાં મૈત્રી અને પ્રેમના ભાવની તીવ્રતા અને એના રસની ઉગ્રતા છે. એમાં મૈત્રી અને પ્રેમનો અનુભવ અનેક સ્વરૂપે અને અનેક સ્તરે પ્રગટ થાય છે. એમાં મિલન છે, વિરહ છે, મિલનોત્કંઠાનો આનંદ છે, વિરહોત્તર વેદના છે, આશા છે, નિરાશા છે, મોહ છે, ત્યાગ છે, સુખ છે, દુઃખ છે, રીસ અને રોષ છે, લાડ અને કોડ છે. એમાં કન્યાઓનો પરસ્પર સંબંધ અને સાફોનો કન્યાઓ સાથેનો સંબંધ એની સ્થૂલતા અને સૂક્ષ્મતા ઉભય સમેત પ્રગટ થાય છે. જગતકવિતામાં આ મૈત્રીકાવ્યો, પ્રેમકાવ્યો અદ્વિતીય છે. આફ્રોદિતેસ સાથેનો અંગત સંબંધ એ સાફોનાં કેટલાંક ઉત્તમ કાવ્યોની પ્રેરણા છે. સાફોનાં કેટલાંક કાવ્યોમાં અન્ય કેટલાંક દેવદેવીઓ આર્તેમિસ (Artemis), આપોલ્લો (Apol-lo) અને હિરા (Hera)નો ઉલ્લેખ છે. પણ આ કે અન્ય કોઈ દેવદેવીઓમાં સાફોની કોઈ વિશેષ શ્રદ્ધા નથી. પણ આફ્રોદિતેસમાં તો સાફોની માત્ર વિશેષ શ્રદ્ધા જ નહિ પણ એની સાથે સાફોને વિશેષ અંગત સંબંધ છે, કહો કે મૈત્રી છે. આફ્રોદિતેસની પૂજાના ઉત્સવ પ્રસંગે કન્યાઓની સાથે દિવસે કે પૂર્ણિમાની રાત્રિએ જાહેર સમારંભોમાં ગાવા માટેનાં આફ્રોદિતેસનાં પૂજાગીતો, પ્રાર્થનાગીતો, સ્તવનો, સ્તોત્રો જ માત્ર સાફોએ રચ્યાં ન હતાં. પણ આફ્રોદિતેસ સાથેના અંગત સંબંધનાં, એની સાથેની મૈત્રીનાં કાવ્યો પણ રચ્યાં હતાં. આફ્રોદિતેસનો આનંદની દેવીઓ ખારિતેસ સાથે અને આનંદની દેવીઓનો કળાની દેવીઓ–મોઈસાઈ (Moisai) સાથે સંબંધ હતો. સાફોએ આનંદની દેવીઓ અને કળાની દેવીઓનાં કાવ્યો પણ રચ્યાં હતાં. સાફોનાં કન્યાઓ સાથેના સંબંધ વિશેનાં કાવ્યોને કારણે સાફોનો કન્યાઓ સાથે સજાતીય સંબંધ હતો એવું કેટલાક માને છે. એમણે આ સજાતીય સંબંધનું ‘લેસ્બિઆનિઝમ’ એવું નામાભિમાન પણ કર્યું છે. એમાં કંઈ અણસમજ અને કંઈક ગેરસમજને કારણે કંઈ અતિશયોક્તિ જેવું થયું છે. લેસ્બસના સમાજમાં સ્ત્રીનું વિશિષ્ટ સ્થાન, સ્ત્રી-સ્વાતંત્ર્ય હતું. આ સંદર્ભમાં આ કાવ્યોને અને આ સંબંધને જોવાં જોઈએ. પછીથી આથેનાઈમાં પ્લાતો આદિ અનેકના જીવનમાં આવો સંબંધ હતો એવું કેટલાક માને છે. પણ એ સંબંધમાં, પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અને સાફોના આ કન્યાઓ સાથેના સંબંધમાં, સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધમાં ભેદ છે. સાફોના કન્યાઓ સાથેના સંબંધમાં ધર્મનું, આફ્રોદિતેસનું પરિમાણ છે. જ્યારે આથેનાઈમાં અનેક મનુષ્યોના જીવનમાં જે સંબંધ હતો એમાં આવું કોઈ પરિમાણ નથી. પછીથી ગ્રીસમાં અને રોમમાં સાફોના અંગત જીવનના વસ્તુ-વિષય પર વિકૃત હાસ્યના હેતુથી વિકૃત શૈલી-સ્વરૂપમાં હાસ્યપ્રધાન નાટકો (Middle and New Comedy) રચવામાં આવ્યાં હતાં. એમાં સાફોના કન્યાઓ સાથેના સંબંધ વિશે શક્ય એટલી વિકૃતિઓ અને અતિશયોક્તિઓ છે. સાફોના કન્યાઓ સાથેના સંબંધનાં કાવ્યોમાં મૈત્રીની, પ્રેમની પ્રેરણા દેહમાં છે, સ્થૂલમાં, ભૌતિકમાં, પાર્થિવમાં છે પણ કાવ્યોના કેન્દ્રમાં દેહ નથી; સ્થૂલ, ભૌતિક, પાર્થિવ નથી. ભાવની તીવ્રતા અને રસની ઉગ્રતાને કારણે કાવ્યો દેહને, સ્થૂલ, ભૌતિક, પાર્થિવને અતિક્રમી જાય છે. અને એથી અંતે કાવ્યોના કેન્દ્રમાં આત્મા છે, સૂક્ષ્મ, આધ્યાત્મિક, ધાર્મિક છે. સાફોના કન્યાઓ સાથેના સંબંધનાં કાવ્યોમાં મૈત્રીની, પ્રેમની પરિણતિ આત્મામાં છે, સૂક્ષ્મમાં, આધ્યાત્મિકમાં, ધાર્મિકમાં છે. સાફોની પ્રતીતિ હતી કે કન્યાઓ સાથેના પોતાના આ સંબંધમાં, આ મૈત્રીમાં, આ પ્રેમમાં આફ્રોદિતેસની પ્રેરણા હતી. આ સંબંધ, આ મૈત્રી, આ પ્રેમ પણ આફ્રોદિતેસને અર્ઘ્યરૂપ, અંજલિરૂપ હતાં; આફ્રોદિતેસની પ્રાર્થનારૂપ, પૂજારૂપ હતાં. એથી આ સંબંધ, આ મૈત્રી, આ પ્રેમ આ અર્થમાં ભક્તિરૂપ હતાં. કાવ્યોની પ્રેરણા આ સંબંધ, આ મૈત્રી, આ પ્રેમમાં છે; દેહમાં છે, સ્થૂલમાં ભૌતિકમાં, પાર્થિવમાં છે. પણ આ સંબંધની, આ મૈત્રીની, આ પ્રેમની પ્રેરણા આફ્રોદિતેસમાં છે; આત્મામાં છે. સૂક્ષ્મમાં, આધ્યાત્મિકમાં, ધાર્મિકમાં છે. એથી આ સંબંધ, આ મૈત્રી, આ પ્રેમ અંતે દિવ્ય છે, આ કન્યાઓ દિવ્ય છે, પોતે દિવ્ય છે એવી સાફોની પ્રતીતિ હતી. એથી જ સાફો વિશેના આલ્કાયસના ‘પવિત્ર’ વિશેષણમાં અને પ્લાતોના ‘દસમી કલાદેવી’ નામમાં સત્ય છે. સાફોનો સમય મનુષ્યજાતિના ઇતિહાસમાં મહાન બૌદ્ધિક વિકાસનો સમય હતો, પશ્ચિમની સંસ્કૃતિના જન્મનો સમય હતો. સાફોના જન્મના અલ્પ સમય પૂર્વે જ આથેનાઈના દ્રાકો (Draco)એ વણલખ્યા ધારાઓને સ્થાને વ્યવસ્થિત ધારાઓના ગ્રંથનું સર્જન કર્યું હતું અને એથી શ્રીમંત વર્ગના વર્ચસ્‌નો અંત આવ્યો હતો. સાફોનો સમકાલીન સોલોન (Solon) આથેનાઈની ભાવિ મહાનતાનો સર્વ પ્રથમ સર્જક હતો. અન્ય સમકાલીનોમાં મિલેતુસ (Mi-letus)નો થાલેસ (Thales) ગ્રીક ફિલસૂફીનો પિતા અને ભૂમિતિ તથા ખગોળના વિજ્ઞાનોનો આદિ પ્રણેતા હતો. થાલેસનો મિત્ર આનાક્સિમાંદ્રોસ (Anaximandros) આદિ ઉત્ક્રાંતિશાસ્ત્રી હતો અને એણે જગતનો નકશો રચવાનો સર્વપ્રથમ પ્રયત્ન કર્યો હતો. સર્વ પ્રથમ વૈદ્ય, ક્રીતોન (Criton)ના દેમોસીડીસ(Democedes)નો અને રહસ્યવાદી છતાં પ્રસિદ્ધ પદાર્થવિજ્ઞાની સામિયસના પીથાગોરસ (Py-thagoras)નો જન્મ સાફોના જીવનકાળમાં થયો હતો. સાફોનો સમય ગ્રીક જગતમાં મહાન રાજકીય અને સામાજિક પરિવર્તનોનો સમય હતો. હોમેરોસના સમયમાં ગ્રીક રાજ્યોમાં રાજાશાહી હતી. સાફોના જન્મ સમયે રાજાશાહીને સ્થાને શ્રીમંતશાહીની પ્રતિષ્ઠા હતી. સાફોના જીવનકાળમાં શ્રીમંતોના વર્ચસ્‌ને સ્થાને પ્રજાનો જેમને સહકાર હતો એવા ગેરબંધારણીય લોકનાયકોનું વર્ચસ્‌ હતું. આ લોકનાયકોનું જેમને પ્રોત્સાહન હતું એવી પ્રજાએ પછીથી શ્રીમંતોનો અને એમના રાજકીય તથા ધાર્મિક અધિકારોનો પ્રતિકાર કર્યો હતો અને પરિણામે લોકશાહીનો જન્મ થયો હતો. આ રાજકીય અને સામાજિક પરિવર્તનો અનેક ગ્રીક કવિઓની કવિતાની પ્રેરણા હતી. શું કવિ કે શું અ-કવિ, સમાજનો કોઈ પણ સભ્ય ત્યારે રાજકારણ, સક્રિય રાજકારણથી અલિપ્ત રહ્યો ન હતો; અલિપ્ત રહેવું હોય તોપણ રહી શકે એમ ન હતું. આથેનાઈમાં સોલોને આંતરવિગ્રહ સમયે જે નાગરિક આ કે તે, બેમાંથી એકે પક્ષે સક્રિય ન હોય તેને મતાધિકારથી વંચિત કર્યો હતો. સાફોને પણ, આગળ જોયું તેમ, આ પરિવર્તનોમાં સંડોવાવાનું થયું હતું. સાફો ઐયોલિયન (Aeolian) જાતિની સભ્ય હતી. આ જાતિના સભ્યોમાં, અન્ય જાતિઓ–ઈઓનિયન (Ionian) અને દોરિયન (Dorian) જાતિઓ-માં ન હતું તેવું, રાજકારણ આદિનું એક પ્રબલ અંગત ભાવ અને સ્વાનુભવ રૂપે સ્થાન હતું. વળી સાફો તો મિતિલેનેમાં જેનું વર્ચસ્‌ હતું એવા એક શ્રીમંત કુટુંબની પણ સભ્ય હતી એથી એને તો પ્રથમ પિર્હામાં અને પછી સિકેલિયામાં એમ બે વાર દેશવટાનો અનુભવ પણ થયો હતો. પણ સાફોને રાજકારણમાં કોઈ સક્રિય રસ ન હતો. અને કદાચ હોય તોપણ એણે રાજકારણ વિશે એક પણ કાવ્ય રચ્યું નથી. સાફોના સમયમાં ગ્રીક સંસ્કૃતિના વિકાસમાં માતૃભૂમિ ગ્રીસના નાગરિકોનું નહિ પણ દૂરના સંસ્થાનોના, સમુદ્રતટ પરનાં નગરોના અને ટાપુઓના, પશ્ચિમમાં ઈઓનિઆના અને પૂર્વમાં ઐગિયાના ટાપુઓના નાગરિકો– મુખ્યત્વે વિજ્ઞાનીઓ અને ફિલસૂફો–નું અર્પણ હતું. ઈ. પૂ. ૧૦મી સદીમાં બીઓશીઆ (Boeotia)ના સંસ્થાનવાસીઓએ લેસ્બસમાં સદાનો નિવાસ કર્યો હતો. સાફો ઐગાયસ સમુદ્રના એક મુખ્ય ટાપુ લેસ્બસની નાગરિક હતી. અને એનું એને સ્વાભાવિક જ ગૌરવ હતું. હોમેરોસના ઓડીસિઆ (Odessia)માં પણ લેસ્બસનો ‘સુપ્રતિષ્ઠિત લેસ્બસ’ રૂપે ઉલ્લેખ થયો હતો. સાફોના સમયમાં તો એશિયા માઇનરમાં લેસ્બસના નાગરિકોનું ગ્રીક પ્રજાના અગ્રણીઓ લેખે માનભર્યું સ્થાન હતું. સાફોના જન્મ સમયે લેસ્બસની સમૃદ્ધિની પરાકાષ્ઠા હતી. સ્પાર્તેના શ્રીમંતો મુખ્યત્વે યોદ્ધાઓ હતા. આથેનાઈના શ્રીમંતો મુખ્યત્વે કૃષિકારો અથવા મોટા જમીનદારો હતા. જ્યારે લેસ્બસના શ્રીમંતો દીર્ઘ દૃષ્ટિના આંતરરાષ્ટ્રીય વ્યાપારીઓ હતા. એમના ટાપુના પ્રદેશ પારના દૂરદૂરના જગતમાં એમને સ્વાભાવિક જ રસ હતો. સાફોના સમયમાં ગ્રીક જગતમાં સામાન્ય પુરુષોની દૃષ્ટિમાં સ્ત્રી એટલે અબળા. કરિન્થ, સિકેલિયા, સિરાકુસાઈ આદિ પ્રદેશોના સમાજમાં સ્ત્રીઓનું મર્યાદિત સ્થાન હતું. ‘પ્રતિષ્ઠિત સન્નારીઓ’ સ્ત્રીઓના આવાસ — ગીનાઇકોનિતિસ (gynaikonitis) — માં સીમિત હતી. ગ્રીક સામ્રાજ્યમાં સ્ત્રીઓ કુંભકલશ પરનાં રંગ-ચિત્રોની રચના જેવા તથા આથેનાઈની કન્યાઓ પ્રત્યેક ચાર વર્ષે આથેને દેવીના ઉત્સવ–પાનાથિનાયા (Panathenaia) પ્રસંગે આથેને પાર્થેનોસ (Athene Parthenos)ની પ્રતિમા માટે પેપ્લોસ(Peplos)નું ભરતગૂંથણ જેવા ગૃહવ્યવસાયોમાં પ્રવૃત્ત હતી. હેલેનેને પણ ત્રોયામાં સોનાની શાળ અને સૂતર સાચવવા માટે રૂપાની છાપ આપવામાં આવી હતી. આથેનાઈમાં સોલોને અને કરિન્થમાં પરિઆન્દ્રોસે (Peri-andros) નવા ધારાઓ રચીને સ્ત્રી-સ્વાતંત્ર્યનું નિયંત્રણ કર્યું હતું. કન્યાદાનને ગેરકાનૂની ઠરાવ્યું હતું. કન્યાદાન લેખે સ્ત્રીને માત્ર ત્રણ વસ્ત્રોનો જ અધિકાર હતો. ગ્રીક જગતમાં અન્યત્ર સ્ત્રીઓનું જે આ સ્થાન હતું એની સરખામણીમાં લેસ્બસના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન માન, આદર અને ગૌરવભર્યું હતું, મહિમા અને મહત્ત્વનું સ્થાન હતું. સમાજમાં સ્ત્રીનું હરવુંફરવું, હળવુંમળવું સહજ સરલ હતું. સૌંદર્યની, દેહસૌંદર્યની સાધના અને પૂજા હતી. એથી સ્ત્રીઓમાં સ્વમાન હતું, સ્વતંત્રતા હતી. વળી, સાફો શ્રીમંત કુટુંબની સભ્ય હતી અને કવિ હતી. એથી લેસ્બસના સમાજમાં સાફો સામાજિક અને બૌદ્ધિક દૃષ્ટિએ પુરુષસમોવડી હતી. સાફોનાં માતા-પિતા યુવાન, સુન્દર અને સમૃદ્ધ, અતિસમૃદ્ધ હતાં. એમનું દાંપત્ય શાંત, મધુર અને સંવાદી હતું. ઘરમાં સુખ-વૈભવનું વાતાવરણ હતું અને ઘરની આસપાસ ચોમેર પ્રકૃતિનું સૌંદર્ય હતું. સાફો જ્યેષ્ઠ સંતાન અને એકની એક પુત્રી હતી. એને ત્રણ નાના ભાઈઓ હતા અને એમની પર એનું વર્ચસ્‌ હતું. માતા-પિતાનો આજ્ઞાઓ અને આદેશો-ઉપદેશો આપવાનો સ્વભાવ ન હતો. સાફોને કુટુંબમાં આમ સંપૂર્ણ સ્વતંત્રતા હતી. શૈશવથી જ એનું સબળ, સમૃદ્ધ અને સ્વતંત્ર વ્યક્તિત્વ હતું. એનો ઓર મિજાજ હતો. હવે પછી જોઈશું તેમ, સાફોમાં અદ્ભુત હાસ્યની શક્તિ હતી; પ્રકૃતિ પ્રત્યે, સવિશેષ ગ્રામપ્રદેશની વસંતઋતુની પ્રકૃતિ પ્રત્યે અસાધારણ પ્રેમ હતો. પ્રાચીન ગ્રીસમાં ખાનગી શાળાઓમાં અઢાર વર્ષની વય લગી વિદ્યાર્થીઓને જે પરંપરાગત પ્રચલિત શિક્ષણ આપવામાં આવતું હતું એની પ્રત્યે સાફોને સ્વાભાવિક જ અણગમો હતો. પણ એને સાહિત્ય, સંગીત અને નૃત્ય પ્રત્યે અપાર પ્રેમ હતો. હોમેરસની કવિતાનો અને સવિશેષ તો અર્ધમાનવી, અર્ધદેવી, દેવની પુત્રી અને યુદ્ધનું કારણ એવી હેલેનેનો એના શિશુચિત્ત પર પ્રબળ પ્રભાવ હતો. કિશોરવયમાં જ એણે કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. સાફોના જન્મના અલ્પ સમય પૂર્વ જ પ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક સંગીતકાર અને કવિ તેર્પાન્દ્રોસ (Terpandros) એરેસસની નિકટના અન્તિસા (Antissa) નગરમાં વસ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. હેબ્રુસ (Hebrus)ના મુખમાંથી પ્રસિદ્ધ પૌરાણિક ગ્રીક સંગીતકાર અને કવિ ઓર્ફેઓસ(Orpheos)નું શિર અને વાદ્ય લેસ્બસમાં લાવવામાં આવ્યાં હતાં એવી પુરાણકથા ત્યારે પ્રચલિત હતી. સૌંદર્યપ્રેમી ગ્રીક પ્રજામાં નૃત્યનો એક વિશિષ્ટ અને વિરલ આદર્શ હતો. નૃત્ય એ દેહની, દેહનાં અંગોપાંગોની કળા તો હતી જ. પણ એ માત્ર સ્થૂલ કે ભૌતિક કળા ન હતી. એ સૂક્ષ્મ ને આધ્યાત્મિક કળા હતી. મનુષ્યનાં દેહ, દેહનાં અંગોપાંગો દ્વારા મનુષ્યના ચિત્તનું, મન-હૃદય-બુદ્ધિનું પ્રગટીકરણ થાય છે. એથી નૃત્ય એ મનુષ્યની આંતરિક પ્રક્રિયાના બાહ્ય પ્રગટીકરણની કળા પણ હતી. સૌંદર્યપ્રેમી ગ્રીક પ્રજાના જાહેર ઉત્સવોમાં, ધાર્મિક વિધિ-પૂજનોમાં, સમારંભોમાં અને ખાનગી મિલનોમાં નૃત્યનું મહત્ત્વનું સ્થાન હતું. વળી લેસ્બસમાં તો, આગળ જોયું તેમ, સૌંદર્યની સાધના અને પૂજા હતી. સૌંદર્યની સ્પર્ધા પણ હતી. કિશોર વયમાં જ સાફોએ સંગીત અને નૃત્યની કળાઓની સાધના અને સિદ્ધિનો આરંભ કર્યો હતો. સંગીતની કળામાં, આગળ જોયું તેમ, સાફોની અસાધારણ સિદ્ધિ હતી. આલ્કાયસે એક કાવ્યમાં એનો ઋજુ, હાસ્યપૂર્ણ અવાજ હતો એવો ઉલ્લેખ કર્યો છે. નૃત્યની કળામાં પણ એની એવી જ અસાધારણ સિદ્ધિ હતી. એથી એને અને એની શિષ્યાઓને જાહેર ધાર્મિક વિધિ પ્રસંગે અને લગ્ન પ્રસંગે ગીત-સંગીત-નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવતું હતું. શૈશવમાં પણ કુટુંબમાં અતિથિઓ સમક્ષ સમારંભો — સીમ્પોસિઆ (symposia)માં એને એની ગીત-સંગીત-નૃત્યની કળાઓ પ્રગટ કરવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. સાફોમાં ઉત્તમ રસિકતા હતી, સુરુચિ હતી. ઈઓનિયન ફૅશનનું એને ભારે આકર્ષણ હતું. વૈભવ, વિલાસ પ્રત્યે એને ઈઓનિયન પ્રકારનો પ્રેમ હતો. અંગ પર રંગબેરંગી વસ્ત્રો, આછું લિનનનું ટ્યુનિક, વસ્ત્રપરિધાનમાં અતિરેક, વસ્ત્ર ધારણ કરવામાં કુશળતા, પગમાં ઊંચી એડીના સ્લિપર્સ, મુખ પર રંગરાગ, પોપચાં પર લીલું કોહલ, કેશમાં સુગંધિત તેલ. સર્વત્ર અત્તર–સાફોના શૃંગારમાં રસિકતા અને સંયમનું એક સાથે દર્શન થતું હતું. ગુલાબ એનું પ્રિય ફૂલ હતું. એના કેશ શ્યામ હતા. એને આછા સોનેરી બ્લૉન્ડ કેશ પ્રિય હતા. છતાં કેશનું રંગપરિવર્તન કરવાની ક્રિયા દ્વારા એણે કદી સુરુચિનો, સંયમનો ભંગ કર્યો ન હતો, રસિકતાનો દ્રોહ કર્યો ન હતો. ચકચકિત ધાતુની સુન્દર ચકતીનો એનો હાથઅરીસો હાથાને સ્થાને આફ્રોદિતેસની નાનકડી મૂર્તિથી સુશોભિત હતો. લેસ્બસમાં દિઓનીસસ (Dionysus)નો ગ્રીક જગતમાં અન્યત્ર હતો એથી વિશેષ મહિમા હતો છતાં સાફોને અતિ મદ્યપાન પ્રત્યે અણગમો હતો. એનાં કાવ્યોમાં મદ્યનો, મદ્યપાનનો ભાગ્યે જ ઉલ્લેખ થયો છે. સાફોનું સૌંદર્ય દેહનું નહિ, પણ હૃદયમનનું સૌંદર્ય, બુદ્ધિનું સૌંદર્ય હતું. એનું વ્યક્તિત્વ, એનું સ્મિત, એનું હલનચલન મોહક હતું. એની ગતિ, એની અંગભંગિ, એની છટા સુંદર હતી. એના હાથ સુંદર હતા. એની નાની આંખોમાં જાદુ હતું. એની આંખો ચંચલ, તરલ, તેજસ્વી હતી. પણ એનું મોં બહુ પહોળું હતું અને એનું નાક બહુ લાંબું હતું. એના કેશ બરછટ, જાડા અને શ્યામ હતા. એનો દેહ નાનો, નીચો હતો. એની માતા, પુત્રી, એના ભાઈઓ–સૌનો દેહ ઊંચો હતો, સુંદર હતો. એક પોતે જ કદમાં સામાન્ય હતી, સાધારણ હતી. સાફો એના કદથી, એની આકૃતિથી સભાન હતી, અતિસભાન હતી. પોતે લગભગ કદરૂપી છે એવી એની સતત અને તીવ્ર સભાનતા હતી. સૌંદર્યના દેશમાં, સૌંદર્યપૂજાના યુગમાં પોતે વિરૂપ છે એ વાતની એને અસહ્ય વેદના હતી. પોતાની આ અપૂર્ણતાના વિચારથી એ વિક્ષુબ્ધ અને વિહ્વલ હતી. પોતાની આ મર્યાદાના જ્ઞાનથી એ સ્વાભાવિક જ સલજ્જ અને સંકોચશીલ હતી. એક સ્ત્રી તરીકે પોતાને ઇષ્ટ એવો પોતાનો દેહ ન હતો. તો કોઈ પણ સ્ત્રીને ઇષ્ટ હોય એથી અનેક ગણી વિશેષ પોતાની બુદ્ધિ હતી એ વાતથી એ ઓછી સભાન ન હતી. પોતાની પ્રતિભાની એને પૂર્ણ પ્રતીતિ હતી. કોઈ પણ સ્થિતિમાં પોતે સ્વસ્થ હોય છે, કોઈ પણ પ્રશ્નનો પોતે ઉત્તર આપી શકે છે, પોતાનું માનસ સ્ત્રૈણ નથી, પોતે એક પૌરુષી સ્ત્રી છે એનું એને માત્ર ગૌરવ જ ન હતું, એનો એને ગર્વ પણ હતો. એના દેહને કારણે એનામાં આત્મજ્ઞાન હતું, તો એની બુદ્ધિને કારણે એનામાં આત્મશ્રદ્ધા હતી, સ્ત્રી કે પુરુષમાં વિરલ એવી એની સૂઝસમજને કારણે એનામાં આત્મવિશ્વાસ હતો. એના દેહને કારણે, હવે પછી જોઈશું તેમ, અન્ય સ્ત્રીઓને પોતાનું આકર્ષણ થાય એની એને તીવ્ર ઇચ્છા હતી. તો એની બુદ્ધિને કારણે એને પુરુષનું આકર્ષણ થાય એ શક્ય ન હતું. તો પછી એણે લગ્ન કેમ કર્યું ? એવો પ્રશ્ન પૂછી શકાય. પણ હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, સાફોને કોઈ એક પુરુષનું આકર્ષણ થયું હતું એથી એણે એ પુરુષની સાથે લગ્ન કર્યું હતું એવો ઉત્તર નહિ આપી શકાય. સાફોને એની શિક્ષણસંસ્થાની અનેક સુન્દર શિષ્યાઓને, કન્યાઓને અનેક વાર, અનેક પ્રકારે, અનેક સ્તરે, અનેક કક્ષાએ પોતાનું આકર્ષણ થયું હતું એથી ભારે આત્મસંતોષ હતો. એમ થાય એ એને ઇષ્ટ, ઇપ્સિત પણ હતું. એની, હમણાં જ જોયું તેમ, આંતર જરૂરિયાત હતી, માનસિક માગ હતી. તો સાથે સાથે પોતાની છ વર્ષની વયે પિતાનું મૃત્યુ, પોતાની વીસ વર્ષની વય પૂર્વે માતાનું મૃત્યુ, પોતે જીવનના આરંભે જ આમ અનાથ. પોતાને ત્રણ ભાઈઓ હતા પણ ત્રણે પોતાનાથી વયમાં નાના, પોતાનાથી વયમાં દસ વર્ષ મોટો પોતાનો પતિ, પ્રેમ વિનાનું પોતાનું લગ્ન, લગ્ન પછી બે ત્રણ વર્ષમાં જ યુવાન વયમાં જ પતિનું મૃત્યુ, આલ્કાયસ પોતાનો એક માત્ર મિત્ર, પણ સિકેલિયામાં બીજી વારના દેશવટા પછી આલ્કાયસનું કદી મિલન ન થયું એથી યુવાન વયમાં જ આ મૈત્રીનો અંત. આમ, જીવનની પ્રથમ પચ્ચીસીમાં જ, જીવનના આરંભમાં જ સર્વસ્વનો લોપ, નાશ, અંત. જાણે મૃત્યુની પરંપરા. સાફોના જીવનમાં એક માત્ર આધાર એની પુત્રી. પુત્રી સુન્દર, અતિસુન્દર હતી, એની પ્રત્યે એનો અપાર પ્રેમ હતો. પણ એ પ્રેમથી એને જીવનનો પૂર્ણ સંતોષ ન હતો. એ પ્રેમ માતા-પુત્રીનો પ્રેમ હતો, એમાં માતૃત્વ હતું, વાત્સલ્ય હતું; પણ પૂર્ણ પ્રેમ ન હતો. આમ, સાફોના જીવનમાં આરંભથી જ એકલતા હતી. એથી એને પણ આ અનેક સુંદર શિષ્યાઓનું, કન્યાઓનું અનેક વાર, અનેક પ્રકારે, અનેક સ્તરે, અનેક કક્ષાએ આકર્ષણ થયું હતું. સાફોની શિક્ષણસંસ્થામાં મિતિલેને નગરની સ્થાનિક શિષ્યાઓ અને અન્ય પ્રદેશની અપરિચિત આગંતુક શિષ્યાઓ હતી. એથી એમનું સહજીવન ક્યારેક વિષમ થતું હતું. ક્યારેક એમને પરસ્પરનું આકર્ષણ થતું હતું. એમના આ સંબંધ વિશે કોઈનો ક્યાંય નિષેધ ન હતો. ક્યાંય પૂર્વગ્રહ ન હતો, કોઈનું ક્યાંય નિયંત્રણ ન હતું, ક્યાંય નિયમન ન હતું. પણ ક્યારેક એમને પરસ્પરની ઈર્ષા પણ થતી હતી. ત્યારે એમને દુઃખ થતું હતું. અને ત્યારે કુટુંબથી દૂર, અલગ એવી અનેક એકાકી શિષ્યાઓ સાફોનું સાન્ત્વન, આશ્વાસન પામતી હતી, અન્ય મનુષ્યો પ્રત્યે નિઃસ્વાર્થ થવાનું, ઉદાર થવાનું શિક્ષણ પામતી હતી. આમ, સાફો આ શિષ્યાઓની માતા સમાન હતી. પણ સાફો પણ આ શિષ્યાઓ પાસેથી ક્વચિત્ કંઈક પામતી હતી. એથી સાફો આ શિષ્યાઓની કવચિત્ પુત્રી સમાન પણ હતી. એકંદરે આ શિષ્યાઓ અને સાફોનો સખ્યનો, મૈત્રીનો, પ્રેમનો સંબંધ હતો. સાફોએ એમને હેતાઈરાઈ એવું સંબોધન કર્યું હતું. સાફોનો આ કન્યાઓ સાથેનો પ્રેમ અસમાન, અસમકક્ષ હતો. એથી એકંદરે એકપક્ષી હતો. આ કન્યાઓ સાફોથી વયમાં તો નાની હતી જ. પણ હૃદયથી અને બુદ્ધિથી પણ એ સાફોની સમકક્ષ ન હતી. એમનું હૃદય અબૂઝ હતું, એમની બુદ્ધિ અપક્વ હતી. એમનો અનુભવ અલ્પ હતો, એમની કલ્પના પણ મંદ હતી. એમનામાં પ્રેમ કરવાની શક્તિ તો ન હતી, પણ પ્રેમને સમજવાની શક્તિ પણ ન હતી. એમનામાં પ્રગલ્ભતા તો ન હતી, પણ તીવ્રતા પણ ન હતી. એમનામાં વિરલ પ્રતિભા તો ન હતી, પણ વિશિષ્ટ વ્યક્તિતા પણ ન હતી. એમનામાં ગાંભીર્ય તો ન હતું, પણ હાસ્ય પણ ન હતું. અને સૌથી વિશેષ તો ભવિષ્યમાં એમનો વિકાસ થાય, આમાંનું કશું પણ સિદ્ધ થાય એવી શક્યતા પણ ન હતી. પ્રેરણા તો શું, પણ કશું યે પામવું નહિ અને બસ સતત આપવું, આપવું અને આપવું — આ સાફો માટે અંતે ક્લાન્તિનો, ગ્લાનિનો, ખેદનો અને ખિન્નતાનો અનુભવ હતો; અસહ્યતાનો અનુભવ હતો. સાફોનો આ કન્યાઓ સાથેનો પ્રેમ, આગળ જોયું તેમ, અલ્પજીવી પણ હતો. સાફોની શિક્ષણસંસ્થામાં આ કન્યાઓનું લગ્ન લગી જ અસ્તિત્વ હતું. જોકે એક અર્થમાં એ સાફોને માટે અનુકૂળ હતું. સાફોએ આ કન્યાઓ વિશેનાં મૈત્રીકાવ્યોમાં આ કન્યાઓની આદર્શ, અને એટલે અંશે અવાસ્તવિક, મૂર્તિનું સર્જન કર્યું છે. પોતાના મૈત્રી અને પ્રેમના આદર્શને અનુકૂળ, પોતાની આંતર જરૂરિયાત અને માનસિક માગને અનુકૂળ એવી કલ્પનામૂર્તિનું સર્જન કર્યું છે. પોતે ભાવની તીવ્રતા અને રસની ઉત્કટતા અનુભવી શકે માટે આ કન્યાઓ પણ ભાવની તીવ્રતા અને રસની ઉત્કટતા અનુભવી શકે છે એવું પ્રેમી અને કવિ તરીકેના અધિકારથી સાફોએ એમનું દર્શન કર્યું છે. સાફોની શિક્ષણસંસ્થામાં આ કન્યાઓનું અસ્તિત્વ અનલ્પજીવી હોત તો સાફોના ભાગ્યમાં અંતે ક્રૂર-નિષ્ઠુરપણે નિર્ભ્રાન્ત થવાનું જ રહ્યું હોત ! અને તો વળી સાફોના આ કન્યાઓ સાથેના મૈત્રી અને પ્રેમના સંબંધમાં અનેક વિષમતાઓ અને વિકટતાઓ, અનેક સંકુલતાઓ અને સમસ્યાઓની પરંપરાનું સર્જન પણ થયું હોત ! સાફો પૂર્ણતાવાદી હતી. એને પ્રતીતિ હતી કે આ મર્ત્યલોકમાં પૂર્ણ પ્રેમ, સંપૂર્ણ માનવસંબંધ અશક્ય છે. છતાં પૂર્ણ પ્રેમ, સંપૂર્ણ માનવસંબંધ માટે એની અનંત શોધ હતી. સાથે સાથે એ શોધ અનંત પ્રશ્નાર્થો સમેતની શોધ હતી. પ્રેમ નિર્બળ છે. એક વાર પ્રેમનું મૃત્યુ થાય પછી એનો પુનર્જન્મ નથી. સાફોનો પ્રેમનો અનુભવ એ અનેક મૃત્યુનો અનુભવ હતો. પ્રેમ એ મનુષ્યનો અંતિમ અને કરુણમાં કરુણ ભ્રમ છે. છતાં આ મિથ્યાલોકમાં ક્ષણ માટે, ક્ષણાર્ધ માટે કશું પણ સત્ય હોય તો તે પ્રેમ. માનુષી પ્રેમ શાશ્વત નથી, ક્ષણિક છે; અમર નથી, મર્ત્ય છે. પ્રેમનો અનુભવ ભલે મર્ત્ય હોય, ક્ષણિક હોય, પણ જીવનનો સર્વોત્તમ અનુભવ છે. પ્રેમના જન્મની ક્ષણ, પ્રેમની પ્રથમ ક્ષણ એ મનુષ્યજીવનની સુન્દરતમ અને મધુરતમ ક્ષણ છે. એથી સ્તો સાફોનાં મૈત્રી અને પ્રેમનાં કાવ્યોમાં પ્રેમની ક્ષણે, તત્ક્ષણે, તત્કાલ ભાવની તીવ્રતા અને રસની ઉગ્રતા છે. સાફોના આ સજાતીય પ્રેમનાં કાવ્યોમાં જગતભરનાં વિજાતીય પ્રેમનાં કાવ્યોમાં પણ નથી એવી અને એટલી ભાવની તીવ્રતા અને રસની ઉગ્રતા છે. એમાં આપણા યુગના સજાતીય પ્રેમમાં અને પ્રેમના સાહિત્યમાં હોય છે એવો દેહ માટેનો, રુધિર-મજ્જા-અસ્થિ માટેનો આવેગ અને આવેશ નથી, દેહનાં નર્યાં નગ્ન વર્ણનો નથી, અશ્લિલતા, બિભત્સતા કે વિકૃતિઓ નથી. સાફોનો પ્રેમ અને સાફોની પ્રેમની કવિતા આપણા યુગના અર્થમાં સજાતીય પ્રેમ અને સજાતીય પ્રેમની કવિતા છે એમ કહેવું એ થાપ ખાવા જેવું થાય. એમ કહેવું એ સાફોના પ્રેમ વિશે અને સાફોના પ્રેમની કવિતા વિશે સાફોના ભાઈ-ભાભી, પ્લાતો-સોક્રાતેસ પછીનો ગ્રીક-સમાજ, પ્રાચીન નાટકકારો, મધ્યકાલીન ધર્મસંસ્થાઓ આદિને કારણે અઢી હજાર વર્ષ લગી પૂરતી અણસમજ અને ગેરસમજ છે એમાં એક વધુ કારણ રૂપે આપણા યુગનું નામ ઉમેરવા જેવું થાય. સાફોના પ્રેમમાં અને સાફોની પ્રેમની કવિતામાં તટસ્થતા છે, અનાસક્તિ છે, વૈરાગ્ય છે. અલબત્ત, સાફોનો પ્રેમ એ યૌવનનો, સૌંદર્યનો, આનંદનો પર્યાય છે. પણ સાફોનો પ્રેમ અંતે વિરહનો, વેદનાનો પર્યાય છે. આ વિરોધભાવ એ જ સાફોના પ્રેમનું અને સાફોની પ્રેમની કવિતાનું અંતિમ રહસ્ય છે. સાફોના જીવનમાં અંતે જ્યારે પ્રેમ અદૃશ્ય થયો ત્યારે સાફોએ, કહે છે, આત્મઘાત કર્યો હતો. પ્રેમમાં અંતે સફળતા નહિ પણ ક્ષણના, ક્ષણાર્ધના પ્રેમમાંથી કવિતામાં અમરતા એ સાફોના જીવનનું અંતિમ આશ્વાસન છે.

૧૯૭૩


*