સ્વાધ્યાયલોક—૪/વન અને વચન વચ્ચેના દ્વૈતનું કાવ્ય


વન અને વચન વચ્ચેના દ્વૈતનું કાવ્ય

STOPPING BY WOODS ON A SNOWY EVENING Whose woods these are I think I know. 
His house is in the village though; 
He will not see me stopping here 
To watch his woods fill up with snow. My little horse must think it queer 
To stop without a farmhouse near 
Between the woods and frozen lake 
The darkest evening of the year. He gives his harness bells a shake 
To ask if there is some mistake. 
The only other sound’s the sweep 
Of easy wind and downy flake. The woods are lovely, dark and deep. 
But I have promises to keep, 
And miles to go before I sleep, 
And miles to go before I sleep. Robert Frost સમય જૂન ૧૯૨૨. સ્થળ સ્ટોન હાઉસ, વરમૉન્ટ. ફ્રૉસ્ટે પ્રવાહી પદ્યમાં બોલચાલની ભાષાના લયલ્હેકામાં ૪૧૩ પંક્તિનું એક કટાક્ષકાવ્ય ‘New Hampshire’ આખી રાત બેસીને લખ્યા કર્યું અને પરોઢે પૂરું કરીને આછા અજવાળામાં ઘરની બહાર આસપાસમાં સહેજ ફરીને એ ઘરે પાછા આવ્યા ત્યારે થાક્યા હતા. એમને થાકનું ઘેન ચડ્યું હતું. કલમના એક જ લસરકે — ‘in one stroke of pen’ — એમણે ‘New Hampshire’થી ઊલટા જ પ્રકારનું શ્લોકબદ્ધ એકોક્તિની ભાષાના લયલહેકામાં ૧૬ પંક્તિનું એક ઊર્મિકાવ્ય રચ્યું ઃ ‘Stopping by Woods on a Snowy Evening.’ આ કાવ્ય કદાચને ફ્રૉસ્ટનું સૌથી વધુ લોકપ્રિય કાવ્ય હશે. કેનેડી અને નેહરુથી માંડીને અસંખ્ય અનામી વાચકોએ આ કાવ્યનું અમોઘ આકર્ષણ અનુભવ્યું છે. સંચયકારોનું આ માનીતું કાવ્ય છે. વિવેચકોનું આ લાડીલું કાવ્ય છે. ખાસ્સું એક પુસ્તક થાય એટલું વિવેચન આ એક નાનકડા કાવ્ય વિશે થયું છે. ફ્રૉસ્ટના લઘુ કે મધ્યમ કદના અન્ય કોઈ પણ એક કાવ્ય વિશે આટલું વિવેચન ભાગ્યે જ થયું હશે. ફ્રૉસ્ટે આ કાવ્યનો જાહેરમાં અનેક વાર પાઠ કર્યો હતો. ફ્રૉસ્ટ સ્વરચિત કાવ્યોના અતિ લોકપ્રિય અને અચ્છા પાઠક હતા. ફ્રૉસ્ટે એમના આ કાવ્યવાચનની પ્રિય પ્રવૃત્તિને એમની લાક્ષણિક શૈલીમાં ‘barding round before town and gown audiences’ કહી હતી. ફ્રૉસ્ટે આ કાવ્ય વિશે અને આ કાવ્ય વિશેના વિવેચન, કહો કે ગંજાવર ઉદ્યોગ વિશે એમની વાતચીતોમાં અને વ્યાખ્યાનોમાં વારંવાર ઉલ્લેખ કર્યો હતો. ફ્રૉસ્ટ ભારે વાતોડિયા માણસ હતા. એક વાર એમણે કહ્યું હતું, ‘Now, that’s all right, it’s out of my hands once it’s published.’ (અબ હોની થી સો હો ગઈ, આ કાવ્ય એક વાર પ્રગટ થયું પછી હવે મારા હાથમાં નથી.) અનેક વાચકો-વિવેચકો આ કાવ્યને સામાજિક-રાજકીય બેજવાબદારીનું કાવ્ય અથવા મૃત્યુકાવ્ય માને છે. એ વિશે એમણે કહ્યું હતું, ‘I never intended that but I did have the feeling it was loaded with ulteriority.’ (મારી એવી યોજના ન હતી પણ મને લાગતું તો હતું કે એમાં એવો ધ્વનિ ભર્યો હતો.) એમણે આ કાવ્ય વિશે અને આ કાવ્યને નિમિત્તે એમનાં અનેક કાવ્યો વિશે, એમનાં સૌ કાવ્યો વિશે સર્વસામાન્ય વિધાન કર્યું હતું, ‘A poem is never planned beforehand. Many, many other poems of mine have been written in one stroke. Some have trouble in one spot and I may never get them right. But I always write with the hope that I shall come on something like a woman’s last word.’ (કાવ્ય કદી પૂર્વયોજિત હોતું નથી. મારાં બીજાં ઘણાં બધાં કાવ્યો કલમને એક જ લસરકે લખાયાં છે. કેટલાંકમાં એકાદ સ્થાને મુશ્કેલી હોય છે અને એ મુશ્કેલી હું કદાચ કદી ઉકેલી ન પણ શકું. પણ હું હંમેશાં એવી આશા સાથે લખું છું કે હું નારીના અંતિમ શબ્દ જેવું કંઈક પામી શકીશ.) આ કાવ્ય વિશે આ કાવ્યના સર્જનની ક્ષણે પોતાના ચિત્તની સ્થિતિ વિશે એમણે કહ્યું હતું, ‘A little excited from getting over-tired — they call it autoin-toxicated.’ (વધુ પડતું થાકી ગયું હોવાથી કંઈક ઉત્તેજિત — જેને લોકો સ્વયંઉત્તેજિત કહે છે.) ચિત્તની આ સ્થિતિ, આ થાક કાવ્યનો નાયક વનપ્રાન્તે ક્ષણેક થંભી જાય છે (‘stop-ping here’) એમાં અને સવિશેષ તો કાવ્યના ચોથા — અંતિમ શ્લોકમાં જે મંદવિલંબિત લય છે એમાં પ્રગટ થાય છે. બીજા શ્લોકની પ્રથમ પંક્તિ વિશે, શક્ય છે કે સવિશેષ તો એમાંના ‘queer’ (વિચિત્ર) શબ્દને કારણે, એમણે કહ્યું હતું, ‘There’s an indulgent smile I get for the recklessness of the unnecessary commitment I made when I came to the first line of the second stanza… I was riding too high to care what trouble I incurred. And it was all right so long as I didn’t suffer deflection.’ (બીજા શ્લોકની પહેલી પંક્તિ લખી ત્યારે મેં જે બિનજરૂરી બંધન વહોર્યું એની બેજવાબદારી પર મને ભારે હસવું આવે છે. હું એવો ઊડતો હતો કે હું પેટ ચોળીને પીડા ઊભી કરું છું એનું મને ભાન ન રહ્યું. પણ હું નીચે ન પટકાઉં ત્યાં લગી શો ભો?) આ પીડા (trouble) વિશે એમણે અન્યત્ર કહ્યું હતું. ‘I tri-umphed over it.’ (હું પાર પડ્યો). ફ્રૉસ્ટ આમ આ પંક્તિ પછીની ૧૧ પંક્તિઓમાં આ પીડામાંથી કેવા તો પાર પડ્યા છે એ આખું જગત હવે જાણે છે. એમાંના ભવ્યસુન્દર આશ્ચર્ય ને અકસ્માતને કારણે તો આ કાવ્ય એક મહાન કાવ્ય સિદ્ધ થયું છે. આ અને આવા અનુભવથી તો એમણે આ કાવ્ય વિશે અને આ કાવ્યને નિમિત્તે એમનાં અન્ય કાવ્યો વિશે, એમનાં સૌ કાવ્યો વિશે એક સર્વસામાન્ય વિધાન કર્યું હતું, ‘There was that thing about every poem. I didn’t see the end until I got to it. Every poem is a voyage of discovery. I got in to see if I can get out, like you go to the North Pole. Once you have said the first line, the rest of it’s got to be.’ (પ્રત્યેક કાવ્ય વિશે આ સાચું હતું. હું કાવ્યના અંત લગી પહોંચું નહિ ત્યાં લગી મને કાવ્યના અંતનો ખ્યાલ ન હતો. પ્રત્યેક કાવ્ય એ શોધની યાત્રા, શોધયાત્રા છે. હું કાવ્યની બહાર — પાર જઈ શકું છું કે નહિ એ જોવા હું કાવ્યમાં પ્રવેશતો-જતો હતો, તમે જેમ ઉત્તર ધ્રુવ જાઓ છો તેમ. એક વાર પ્રથમ પંક્તિ રચો એટલે સમગ્ર કાવ્યને, અન્ય પંક્તિઓને જન્મવું જ રહ્યું.) આનું નામ સાહસ! સર્જનનું સાહસ, સર્જકનું સાહસ તે આ! ફ્રૉસ્ટે અનેક ઉપમા-રૂપકમાં-અલંકાર-પ્રતીક દ્વારા અનેક વ્યાખ્યાનો અને લેખોમાં અનેક વાર કહ્યું છે કે એમણે એમનું એક પણ કાવ્ય આરંભે અંતનો સહેજ પણ ખ્યાલ હોય એમ રચ્યું નથી. એનું ઉત્તમ ઉદાહરણ એમના સમગ્ર કાવ્યોના સંગ્રહની પ્રસ્તાવના (૧૯૩૯) ‘The Figure a Poem Makes’ (કાવ્ય–પ્રતીકરૂપ)ને અંતે એક વાક્યમાં છે, ‘Like a piece of ice on a hot stove the poem must ride on its own melting.’ (સળગતા ચૂલા પરના બરફના ટુકડાની જેમ કાવ્યે પોતાના જ પીગળેલા પાણી પર કૂદવાનું હોય છે.) ફ્રૉસ્ટે કાવ્યની વ્યાખ્યાની સીમા લગી પહોંચી જાય એવા અનેક વિધાનો કર્યાં છે ઃ ‘There are many other things I have found myself saying about poetry but the chiefest of these is that it is metaphor, saying one thing and meaning another, saying one thing in terms of another, the pleasure of ulteriority. Poetry is simply made of metaphor… Every poem is a new metaphor inside or it is nothing. And there is a sense in which all poems are the same old metaphor always.’ (કાવ્ય વિશે બીજી અનેક વસ્તુઓ હું કહેતો રહ્યો છું પણ એમાં મુખ્ય મુદ્દાની વસ્તુ એ કે કાવ્ય એટલે રૂપક, કહેવું કંઈ ને સૂચવવું કંઈ, નામરૂપ એક વસ્તુનું ને તત્ત્વ બીજી વસ્તુનું, ધ્વનિનો આનંદ. કાવ્ય રૂપકથી જ સિદ્ધ થાય, ન અન્યથા. કાવ્ય માત્ર એના અંતરતમમાં તો એક નવું રૂપક જ છે, એમ ન હોય તો એ કશું જ નથી. અને એક અર્થમાં તો સૌ કાવ્યો એક આદિરૂપક સમાન જ છે, સર્વથા.) ‘It (poetry) begins in delight and ends in wisdom.’ (એનો આરંભ આનંદમાં છે અને અંત ડહાપણમાં.) ‘It begins in delight, it inclines to impulse, it assumes direction with the first line laid down, it runs a course of lucky events, and ends in a clarifica-tion, not necessarily a great clarification, such as sects and cults are founded on, but in a momentary stay against confusion.)’ (એનો આરંભ આનંદમાં છે, એ વળે છે વૃત્તિમાં, પ્રથમ પંક્તિ સિદ્ધ થતાંની સાથે જ એ વિશિષ્ટ દિશા પામે છે, સદ્ભાગી ઘટનાઓના ક્રમમાંથી એ પસાર થાય છે અને એનો અંત આવે છે જીવન વિશેની સૂઝ-સમજમાં — પણ જેમાંથી પંથો અને પ્રણાલિઓ જન્મે એવી સૂઝ-સમજમાં નહિ પણ જીવનની અવ્યવસ્થા પરના ક્ષણિક નિયંત્રણમાં.) ફ્રૉસ્ટની કાવ્ય વિશેની આ સૂઝ-સમજનું રહસ્ય એમની જીવન વિશેની સૂઝ-સમજમાંથી પામી શકાય. ફ્રૉસ્ટે ક્યાંક કહ્યું છે કે એમણે જીવનમાં કેટલાક મનુષ્યોના મુખેથી જે કેટલાક સૂઝ-સમજભર્યાં ઉદ્ગારો સાંભળ્યા એમાંનો એક ઉદ્ગાર એક ખડતલ ખેડૂત (કવિનો ન્યૂ ઇંગ્લેન્ડનો પડોશી હશે!) પાસેથી સાંભળ્યો હતો, ‘There is always something more to everything.’ (વસ્તુ માત્રમાં ભાસે છે એથી હંમેશાં કંઈક વિશેષ હોય છે.) ફ્રૉસ્ટ એમનું સમગ્ર જીવન, કવિતા સુદ્ધાં, આ સૂઝ-સમજ સાથે જીવ્યા હતા. આ કાવ્ય સમજવામાં ફ્રૉસ્ટની જીવન અને કવિતા વિશેની આ સૂઝ-સમજમાંથી જેવી અને જેટલી સહાય પામી શકાય એવી અને એટલી સહાય ભાગ્યે જ અન્યત્ર ક્યાંયથી યે પામી શકાય. આ કાવ્ય સમજવાના, આરંભે કહ્યું તેમ, અસંખ્ય પ્રયત્નો થયા છે એવો એક વધુ પ્રયત્ન કર્યા પછી પણ ફ્રૉસ્ટના આ આહ્વાનનો તો સામનો કરવાનો રહેશે જ ઃ ‘We dance round in a ring and suppose, 
But the Secret sits in the middle and knows.’ (આપણે ગોળ ગોળ ફર્યા કરીએ છીએ અને ધાર્યા કરીએ છીએ. રહસ્ય કેન્દ્રમાં બેસી રહે છે અને જાણે છે.) કાવ્યનો મધ્યમ વયનો નાયક (એ કવિ પોતે હોય — આ કાવ્ય રચ્યું ત્યારે ફ્રૉસ્ટનું વય અડતાલીસ વર્ષનું હતું — અથવા અન્ય કોઈ વ્યક્તિ પણ હોય) શિયાળાની એક સાંજે એક અશ્વ જોડેલી બરફગાડીમાં ઘેર પાછા ફરતાં વન(ન્યૂ ઇંગ્લન્ડમાં હશે!)ની કોરે વન અને એના પર વરસતી હિમવર્ષા જોવાને થોભે છે. પાસે એકાદું ઝૂંપડું પણ નથી. સર્વત્ર એકાન્ત છે. થોડેક દૂર એક થીજી ગયેલું સરોવર છે. આસપાસ ઘેરો અંધકાર છે. વાયુનો અને હિમનો આછો અવાજ છે. ચોમેર શાંતિ છે. વન સુન્દર છે, મલિન છે, ગહન છે. પણ નાયકને વચનો પાળવાનાં છે, સૂતા પહેલાં હજુ ગાઉના ગાઉ કાપવાના છે. એથી એ અહીં ઘડીક થોભીને પછી ઘર ભણી ચાલવા માંડે છે. આમ, આ કાવ્ય સપાટી પર તો સરલ છે. પણ કાવ્યમાં આટલું જ નથી, કંઈક વિશેષ છે. કાવ્યમાં આ એક વસ્તુ જ નથી, બીજી વસ્તુ પણ છે. કાવ્યમાં આટલું જ હોય, એક વસ્તુ જ હોય તો કાવ્ય શેનું? ફ્રૉસ્ટે કહ્યું છે તેમ કાવ્યમાં કંઈક વિશેષ હોય, બીજી વસ્તુ પણ હોય તો જ કાવ્યમાં કાવ્ય સિદ્ધ થાય. આ કાવ્ય સૂક્ષ્મ, માર્મિક અને પ્રતીકાત્મક છે. આ કાવ્યમાં એક ઉત્કટ નાટ્યાત્મક અનુભવ છે. એમાં ત્રણ પાત્રો છે. બે પાત્રો હાજર છે અને એક પાત્ર ગેરહાજર છે. એમાં એક તીવ્ર સંઘર્ષ છે અને અંતે એ સંઘર્ષનું ક્ષણિક સમાધાન છે. આ બધું આ કાવ્યમાં દૃશ્ય અને શ્રાવ્ય પ્રતીકો દ્વારા અને સ્વરવ્યંજનની સૂચક સંકલના તથા ડેન્ટિના ‘The Divine Comedy’ (દિવ્ય આનંદકાવ્ય)માંના પ્રસિદ્ધ શ્લોકસ્વરૂપ ‘terza rima’ (ત્રિપદી)ના રૂપાન્તર જેવા સંકુલ શ્લોકસ્વરૂપ દ્વારા પ્રગટ થાય છે. કાવ્યનો નાયક વનના સૌંદર્યનું અમોઘ આકર્ષણ અનુભવે છે, એની અપૂર્વ મોહિની અનુભવે છે, એનું પ્રબલ ચુંબકત્વ અનુભવે છે. આ અનુભવને અનુકૂળ એવું વનનું એકાન્ત છે. આ એકાન્ત વિના આ અનુભવ અશક્ય છે એ ભાગ્યે જ કહેવાનું હોય. કાવ્યનો નાયક આ સૌંન્દર્યના જાદુથી ક્ષણેક તો જાણે કે સ્તબ્ધ, ચકિત થાય છે અને સહસા થંભી — થોભી જાય છે. પણ જેવો થોભી જાય છે તેવો જ ચિત્તમાં સંઘર્ષ અનુભવે છે. એ વનના માલિકનું સ્મરણ કરે છે. એને લાગે છે કે માલિકને એ જાણે છે. જો કે માલિક અહીં રહેતો નથી, ગામમાં રહે છે. પોતે પણ ગામમાં રહે છે પણ આ ક્ષણે એ અહીં થોભી ગયો છે. કદાચને હંમેશનો આ વનમાં વસી પણ જાય. તો પછી આ વનનો સાચો માલિક કોણ? જે ગામમાં રહે તે કે હંમેશનો વનમાં વસી જાય તે? આમ, નાયક અને માલિક વચ્ચેનો સંઘર્ષ કાવ્યના આરંભથી જ, પ્રથમ પંક્તિથી જ પ્રગટ થાય છે. માલિક એ નાયકને આમ વન અને વન પર વરસતી હિમવર્ષા જોવાને થોભતો જોશે નહિ, માલિક નાયકને કદાચને મૂરખ માનશે. તો નાયક પણ માલિકને એ અહીં રહેતો નથી અને ગામમાં રહે છે એથી કદાચને મૂરખ માને છે. માલિક અહીં રહેતો નથી અને ગામમાં રહે છે કારણ કે એ દુનિયાદારીનો જીવ છે, વ્યવહારુ માણસ છે, કામકાજનો માણસ છે. એ જગતનો ઉપભોગ, ઉપયોગ કરે છે. નાયક ગામમાં રહે છે પણ આ ક્ષણે એ અહીં થોભી ગયો છે. કદાચને હંમેશનો આ વનમાં વસી પણ જાય. કારણ કે એ પટુકરણ પ્રાણી છે, સંવેદનનો માણસ છે, સૌંદર્યપ્રેમી માણસ છે. એ જગતનું ચિંતન-દર્શન કરે છે. આમ, કાવ્યના પ્રથમ શ્લોકમાં નાયક અને માલિક વચ્ચેનો સંઘર્ષ પ્રગટ થાય છે. નાયકના અવાજમાં માલિક પ્રત્યેનો કટાક્ષ — સવિશેષ તો ‘હું માનું છું કે હું જાણું છું’ (‘I think I know’) અને ‘જો કે (‘though’) જેવા નમ્ર, વક્ર વચનોમાં પ્રતીત થાય છે. કાવ્યના બીજા શ્લોકમાં નાયકના નાનકડા અશ્વ — વછેરો જ કહોને! — અને નાયકની વચ્ચે સંઘર્ષ પ્રગટ થાય છે. એક જ માણસ માટેની બરફગાડી છે એથી એક જ અને તે ય નાનકડો અશ્વ જોડ્યો છે. પણ આ અશ્વ કોઈ સામાન્ય, સાધારણ અશ્વ નથી. આસપાસ ક્યાંય ઝૂંપડું નથી એટલે કે અન્ય કોઈ મનુષ્ય નથી, નિર્જનતા છે એટલું જ નહિ પણ આજની સાંજ એ વરસની ઘેરામાં ઘેરી સાંજ છે. છતાં નાયક અહીં આમ થોભે એ એને વિચિત્ર લાગે છે. આવા સ્થળમાં આવે સમયે કોઈ પણ મનુષ્ય આમ થોભી જ કેમ શકે એનું એને આશ્ચર્ય છે. વનનો માલિક ગેરહાજર પાત્ર છે પણ એના જ પશુકક્ષાએ અનુસંધાન જેવો આ અશ્વ એ હાજર પાત્ર છે. માલિકની જેમ આ અશ્વ પણ દુનિયાદારીનો જીવ છે, વ્યવહારુ પ્રાણી છે. આમ, કાવ્યના બીજા શ્લોકમાં નાયક અને એના અશ્વ વચ્ચેનો સંઘર્ષ પ્રગટ થાય છે. કાવ્યના ત્રીજા શ્લોકમાં નાયક અને એના અશ્વ વચ્ચેનો આ સંઘર્ષ વધુ સ્પષ્ટપણે, સક્રિયપણે પ્રગટ થાય છે. ફ્રૉસ્ટે બીજા શ્લોકની પ્રથમ પંક્તિ વિશે, આપણે આગળ જોયું તેમ, કહ્યું હતું કે એમણે એમાં ‘બિનજરૂરી બંધન’ (‘unnecessary commitment’) કર્યું હતું. પણ એ ‘બિનજરૂરી બંધન’ને કારણે જ હવે પછી કાવ્યના ત્રીજા અને ચોથા શ્લોકમાં એક પછી એક ‘સદ્ભાગી ઘટનાઓ’ સિદ્ધ થાય છે. એથી ‘બિનજરૂરી બંધન’ એ હવે ‘બિનજરૂરી’ રહેતું નથી, જરૂરી પુરવાર થાય છે. બીજા શ્લોકની પ્રથમ પંક્તિમાં નાયક એના અશ્વ વિશે ‘must think it queer’ (એને વિચિત્ર લાગવું જ જોઈએ) એમ વિચારે છે. અહીં ‘must’, ‘think’ અને ‘queer’ એ ત્રણે શબ્દો અત્યંત સૂચક છે. એમાં ત્રિવિધ બંધન છે. નાયક અશ્વમાં માનવભાવનું, માનવ-મનન-ચિંતનનું આરોપણ કરે છે. અને એથી જ હવે કાવ્યના ત્રીજા શ્લોકમાં નાયક અને અશ્વ વચ્ચેનો સંઘર્ષ વધુ સ્પષ્ટપણે, સક્રિયપણે પ્રગટ થાય છે. એથી જ હવે નાયકને અશ્વની ક્રિયામાં અર્થો સૂઝે છે. આમ, ત્રીજા શ્લોકની પ્રથમ પંક્તિનું ‘બિનજરૂરી બંધન’ હવે પછી ‘સદ્ભાગી ઘટનાઓ’માં પરિણમે છે, એ ‘બિનજરૂરી બંધન’માંથી જ ‘સદ્ભાગી ઘટનાઓ’ પ્રગટ થાય છે. આ અશ્વ એ અસામાન્ય, અસાધારણ અશ્વ છે, વિશિષ્ટ અશ્વ છે. એનામાં ‘horse sense’ — અશ્વબુદ્ધિ છે. ફ્રૉસ્ટે એક વાર સ્મિતપૂર્વક વાતચીતમાં કહ્યું હતું કે કાવ્યના ત્રીજા શ્લોકની પ્રથમ બે પંક્તિઓ વાંચીને એક અધ્યાપકે ટેક્સસના પ્રસિદ્ધ અશ્વપાલ ફ્રૅન્ક ડૉલીને પૂછ્યું હતું કે અશ્વ પ્રશ્ન પૂછી શકે. ફ્રૉસ્ટે સંમતિપૂર્વક ડૉલીના ઉત્તરનો ઉલ્લેખ કર્યો હતો કે અશ્વ અનેક અધ્યાપકો પૂછી શકે એથી વધુ સારો પ્રશ્ન પૂછી શકે. એ એની કાંધ પરના સામાનની ઘંટડીઓ વગાડે છે. ત્રીજા શ્લોકની પ્રથમ બે પંક્તિઓમાં ‘shake, ‘ask’ અને ‘mistake’ એ ત્રણ શબ્દોમાં ‘k’ વ્યંજનના કઠોર, કર્કશ અવાજમાં આપણે ઘંટડીઓ સાંભળી શકીએ છીએ. આ કઠોર, કર્કશ અવાજમાં એ જાણે કે નાયકને પૂછતો ન હોય કે આવા જનહીન એકાન્તમાં, આવા અંધકારમાં, આવા શીતમાં, આવા સ્થળે, આવા સમયે આમ થોભવામાં કંઈ ભૂલ તો નથી થતી ને? કદાચ એ મઝાક-મશ્કરીમાં સૂચવતો ન હોય કે નાયક ઊંઘી તો નથી ગયો ને! અને જો ઊંઘી ન ગયો હોય તો એનું ખસી તો નથી ગયું ને! કે જેથી અહીં આમ થોભે છે. સાચ્ચે જ નાયકનું ખસી ગયું છે! એ મોહમાં છે, મોહિનીમાં છે, મૂર્છામાં છે, ઘંટડીઓના અવાજથી એ માત્ર અહીંની શાંતિનો જ ભંગ કરે છે એટલું નહિ — અહીં અન્ય અવાજ માત્ર સરલ વહેતા વાયુનો અને પંખીની ડોક જેવા સુંવાળા હિમકણનો જ છે. ત્રીજા શ્લોકની અંતિમ બે પંક્તિઓમાં ‘sound’, ‘sweep’, ‘easy’, એ ત્રણ શબ્દોમાં ‘s’ વ્યંજનના સરલ, સુંવાળા અવાજમાં આપણે સરલ વાયુનો અને સુંવાળા હિમકણનો મંદ, મધુર, માદક અવાજ સાંભળી શકીએ છીએ. વળી ‘easy’ (સરલ) અને ‘downy’ (પંખીની ડોક જેવાં સુંવાળા) વિશેષણોમાં વાયુ અને હિમકણની અપરિચિત, અદ્વિતીય વિશેષતા પ્રગટ થાય છે. વળી ‘k’ વ્યંજનના પુનરાવર્તનમાંના કઠોર, કર્કશ અને ‘s’ વ્યંજનના પુનરાવર્તનમાંના સરલ, સુંવાળા અવાજના વિરોધ દ્વારા ઘંટડીઓના અવાજ તથા વાયુ અને હિમકણના અવાજનો વિરોધ પ્રગટ થાય છે. આ અવાજો પરસ્પરને વધુ સજીવ, સચેત કરે છે, વધુ ઉપકારક થાય છે, એકમેકના અસ્તિત્વને વધુ ઉપસાવે છે. ત્રીજા શ્લોકની અંતિમ બે પંક્તિઓના લય દ્વારા પ્રતીત થાય છે કે નાયક આ ક્ષણે મોહમાં છે, મોહિનીમાં છે, મૂર્છામાં છે; સૌદર્યના મદમાં છે, કેફમાં છે, ઘેનમાં છે. ફ્રૉસ્ટ પોતે પણ આ કાવ્ય રચ્યું એ ક્ષણે, આપણે આગળ જોયું તેમ, એમણે કહ્યું હતું કે વધુ પડતા થાકને કારણે ઉત્તેજિત, સ્વયં-ઉત્તેજિત હતા. ઘંટડીઓના અવાજથી એ નાયકના દિવાસ્વપ્નનો પણ ભંગ કરે છે. આ ક્ષણે જ નાયકને તીવ્રપણે, સ્પષ્ટપણે જ્ઞાન-ભાન થાય છે કે પોતે અહીં આ એકાન્તમાં એકલો નથી. અશ્વ જાણે કે નાયકને મૂંગા મૂંગા પ્રશ્ન કરે છે, પડકાર કરે છે અને જાણે કે નાયકના ઉત્તરની, નિર્ણયની અને અહીંથી હવે તરત જ ચાલવા માંડવાના કર્મની અધીરપણે, આતુરતાથી પ્રતીક્ષા કરે છે. કાવ્યના પહેલાં શ્લોકમાં, કાવ્યના આરંભે, અથવા એથી પણ પૂર્વે વનના માલિકે તો પોતે વનનો માલિક હોવા છતાં વનમાં રહેતો નથી, ગામમાં વસે છે એ દ્વારા નાયકને આ પ્રશ્ન પૂછ્યો જ છે, આ પડકાર કર્યો જ છે. આમ, કાવ્યના પહેલા શ્લોકમાં નાયક અને માલિક વચ્ચે તથા કાવ્યના બીજા શ્લોકમાં નાયક અને એના અશ્વ વચ્ચેના સંઘર્ષનું માત્ર કથન જ છે. પણ કાવ્યના ત્રીજા શ્લોકમાં નાયક અને એના અશ્વ વચ્ચેના સંઘર્ષની ક્રિયા છે. કાવ્યના ચોથા શ્લોકમાં આ સંઘર્ષની પરાકાષ્ઠા છે. અને અંતે આ સંઘર્ષનું ક્ષણિક સમાધાન છે. આપણે આગળ જોયું તેમ ફ્રૉસ્ટે કોઈ પણ કાવ્યમાં અંતે જે સૂઝ-સમજ પ્રગટ થાય છે એને ‘a momentary stay against confusion’ જીવનની અવ્યવસ્થા પરનું ક્ષણિક નિયંત્રણ કહ્યું છે. કાવ્યના પહેલા શ્લોકમાં માલિકના પરોક્ષ પ્રશ્ન અને પડકાર પછી એ પ્રશ્ન અને પડકારને કારણે તથા કાવ્યના બીજા અને ત્રીજા શ્લોકમાં અશ્વના પ્રત્યક્ષ અને સક્રિય પ્રશ્ન અને પડકાર પછી એ પ્રશ્ન અને પડકારને કારણે નાયકે પોતે અહીં આમ કેમ થોભ્યો એ કહેવું અનિવાર્ય થાય છે. કાવ્યના પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં નાયક પોતે અહીં આમ કેમ થોભ્યો એનું સૂચન તો કરે જ છે. પણ કાવ્યના ચોથા શ્લોકની પ્રથમ પંક્તિમાં નાયક પોતે અહીં આમ કેમ થોભ્યો એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. વન સુંદર છે, મલિન છે, ગહન છે. અહીં ‘lovely’ શબ્દ દ્વારા સૂક્ષ્મતા, આધ્યાત્મિકતાનું સૂચન છે. ‘dark’ શબ્દ દ્વારા દુરિત, અસદ્‌નું સૂચન છે. અને ‘deep’ શબ્દ દ્વારા અનંતતા, મૃત્યુનું સૂચન છે. આ કહેતાં કહેતાં જ નાયકના ચિત્તમાં એક તીવ્ર આંતરિક સંઘર્ષ કાવ્યના આરંભથી જ, આરંભની પણ પૂર્વેથી હતો એ પ્રતીત થાય છે. અને એ દ્વારા કાવ્યના પહેલા શ્લોકમાં નાયક અને લગભગ પશુ જેવા માલિક વચ્ચેનો સંઘર્ષ તથા કાવ્યના બીજા અને ત્રીજા શ્લોકમાં નાયક અને પશુ-અશ્વ વચ્ચેનો સંઘર્ષ એ નાયકના આ વધુ તીવ્ર એવા આંતરિક સંઘર્ષનું જ માત્ર બાહ્ય અને વ્યક્ત સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. વન અને હિમ મૃત્યુનાં પ્રતીકો છે. આ ક્ષણે હિમાચ્છાદિત વન એટલે કે મૃત્યુનું સુન્દર, મલિન અને ગહન (‘lovely, dark and deep’) શબ્દો સૂચવે છે તે સૌ વાનાંને કારણે નાયકને આકર્ષણ અમોઘ છે. એનું પ્રલોભન અસાધારણ છે. એની મોહિની અપૂર્વ છે. એનો જાદુ અદ્ભુત છે, એની ભૂરકી અનન્ય છે. ફ્રૉસ્ટના ચિત્તમાં મૃત્યુનો, આત્મહત્યા દ્વારા મૃત્યુનો વિચાર જીવનમાં વારંવાર ચમકી ગયો હતો. અને અંતે શમી ગયો હતો, વળી ફ્રૉસ્ટનાં અન્ય કાવ્યોમાં, ‘સમગ્ર કાવ્યસંગ્રહ’માંના પ્રથમ કાવ્ય ‘Into My Own’ (સ્વત્વ)થી માંડીને ‘Come In’ (આવો!) જેવાં અનેક કાવ્યોમાં વન (એટલે કે મુખ્યત્વે મૃત્યુ)ના પ્રચંડ પ્રલોભનના અનિરુદ્ધ આકર્ષણના અને એના પ્રબળ પ્રતિકારના, અનિવાર્ય અસ્વીકારના અનુભવો વારંવાર વ્યક્ત થાય છે. નાયકના જીવનમાં આ ક્ષણ પણ એવી જ એક ક્ષણ છે એથી સ્તો આ ક્ષણે નાયકના ચિત્તમાં આંતરિક સંઘર્ષ તીવ્રતમ છે. અહીં આમ થોભવું અને હંમેશના વસવું એટલે સંવેદનશીલ થવું, માનવીય થવું, મનુષ્ય થવું. અહીં હંમેશના ન વસવું કે ન થોભવું એટલે પેલા વ્યવહારુ માલિક અને આ અશ્વ જેવા અસંવેદનશીલ થવું, અર્ધ-માનવીય થવું, પશુ થવું, અમાનવીય થવું. તો વળી જીવનની વિષમતા, વક્રતા એવી છે કે મનુષ્ય, બીજા શ્લોકની અંતિમ પંક્તિ સૂચવે છે તેમ, ગમે તેટલો થાક્યોપાક્યો હોય, હાર્યોમાર્યો હોય, ત્રાસ્યોકંટાળ્યો હોય છતાં અહીં આમ થોભવું અને હંમેશના વસવું એટલે પણ અસંવેદનશીલ થવું, અર્ધ-માનનીય થવું, પશુ થવું, અને અહીં હંમેશનાં ન વસવું અને આમ ન થોભવું એટલે જ સંવેદનશીલ થવું, માનનીય થવું, મનુષ્ય થવું. કારણ કે વચનો પાળવાનાં છે અને ઊંઘતા પહેલાં ગાઉના ગાઉ કાપવાના છે અને ઊંઘતા પહેલાં ગાઉના ગાઉ કાપવાના છે. ‘But I have promises to keep, / And miles to go before I sleep, / And miles to go before I sleep. આ ધર્મનું શું? આ કર્મનું શું? એથી સ્તો એને આ ક્ષણે મૃત્યુનો અધિકાર નથી. ભૂતકાળમાં વચનો આપ્યાં છે તે પાળવાનાં હજુ બાકી છે. ભવિષ્યમાં ઊંઘતા પહેલાં ગાઉના ગાઉ કાપવાના હજુ બાકી છે. આમ, ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે આ ક્ષણ છે. ભૂત અને ભાવિથી બદ્ધ એવી આ ક્ષણ છે. આ ક્ષણ સ્વતંત્ર નથી. આ ધર્મનું પાલન કર્યા પછી જ, આ કર્મનું પાલન કર્યા પછી જ એને અનંત નિદ્રા (‘sleep’)નો, મૃત્યુનો અધિકાર છે. (નેહરુએ એમના અંતિમ દિવસોમાં આ શ્લોક સ્વહસ્તે લખીને એમના ટેબલ પર સતત પોતાની સામે રાખ્યો હતો.) આ ક્ષણે મૃત્યુ ગમે તેટલું સુન્દર હોય તો પણ દ્રોહ છે, પાપ છે. આ ક્ષણે વન (The woods) ગમે તેટલું સુન્દર હોય (are lovely) તો પણ મલિન અને ગહન છે (dark and deep). નાયકના ચિત્તમાં જે તીવ્રતમ આંતરિક સંઘર્ષ છે એનું ક્ષણાર્ધમાં સમાધાન થાય છે. નાયક માલિકના પરોક્ષ પ્રશ્ન અને પડકારનો તથા એના અશ્વના પ્રત્યક્ષ અને સક્રિય પ્રશ્ન અને પડકારનો સત્વર સામનો કરે છે. નાયક માલિક અને અશ્વ સાથે એકમત, સંમત થાય છે. નાયક તરત જ નિર્ણય કરે છે. અહીં આમ હવે વધુ એક પણ ક્ષણ ન થોભવાનું સ્વીકારે છે અને ઘર ભણી ચાલવા માંડે છે. ચોથા શ્લોકની અંતિમ પંક્તિઓ એ ચાલતાં ચાલતાં બોલતો હોય એમ આપણે સહેજ કલ્પી શકીએ છીએ. આમ, નાયક ચાલવા તો માંડે છે પણ…પણ કમને, સાચા હૃદયથી નહિ. ‘But’ (પણ) કહેતાં વેંત નાયકને સહેજ માથું હલાવીને ચાલવા માંડતો જાણે કે આપણી આંખ સામે આપણે જોઈએ છીએ. ચાલતાં ચાલતાં એ પોતાનાં કર્મો અને ધર્મો વિચારે છે. અથવા તો પોતાનાં કર્મો અને ધર્મો વિચારતો વિચારતો એ ચાલે છે, પણ ધીમે… ધીમે, ધીમે… ધીમે. ચોથા શ્લોકની અંતિમ ત્રણ પંક્તિઓમાં ‘e’ અને ‘o’ સ્વરોના સંકલન અને પંક્તિઓને આરંભે ‘But’ અને ‘And’ સંધિશબ્દોના સંકલન દ્વારા તથા અંતિમ બે પંક્તિઓના પુનરાવર્તન દ્વારા જે મંદવિલંબિત લય પ્રગટ થાય છે એમાં નાયકની મંદવિલંબિત ગતિ સ્નિગ્ધમધુર વેદનામયતાથી, ઋજુસુન્દર કલામયતાથી પ્રતીત થાય છે. નાયકના ચિત્તમાં જે તીવ્રતમ આંતરિક સંઘર્ષ છે એનું સમાધાન તો થાય છે પણ ક્ષણિક. કારણ કે ચોથા શ્લોકની અંતિમ ત્રણ પંક્તિઓનો લય સૂચવે છે તેમ નાયક માલિકના અને એના અશ્વના પ્રશ્ન અને પડકારનો સામનો કરે છે, એમની સાથે સંમત થાય છે, નિર્ણય કરે છે અને ચાલવા માંડે છે પણ સાચા અને પૂર્ણ હૃદયથી નહિ. કારણ? એ સ્તો આ કાવ્યનું રહસ્ય છે. ફ્રૉસ્ટે આ કાવ્ય વિશે, આ કાવ્યના આ રહસ્ય વિશે એક વાર કહ્યું હતું ઃ ‘The poem has got a spot in it, where it goes off into nowhere, off the edge into nowhere.’ (આ કાવ્યમાં એક એવું બિન્દુ છે, જ્યાંથી કાવ્ય શૂન્યમાં, મૌનમાં, રહસ્યમાં સરી જાય છે.) આ કાવ્યમાં આ બિન્દુ ક્યાં છે? આ બિન્દુ ચોથા શ્લોકની પ્રથમ પંક્તિ અને દ્વિતીય પંક્તિની વચ્ચે છે, ‘deep’ અને ‘But’ એ બે શબ્દોની વચ્ચે છે. (કીટ્સના ‘Ode to a Nightingale’માં આવું જ એક બિન્દુ એ કાવ્યના સાતમા અને આઠમા શ્લોકની વચ્ચે છે, ‘forlorn’ અને ‘Forlorn’ એ બે શબ્દોની વચ્ચે છે.) આ બિન્દુથી કાવ્ય શૂન્યમાં, મૌનમાં, રહસ્યમાં સરી જાય છે. ફ્રૉસ્ટનાં અનેક કાવ્યોમાં, સમગ્ર કાવ્યોમાં અને એમ તો ફ્રૉસ્ટના સમસ્ત જીવનમાં આ બિન્દુ છે. સ્વપ્ન અને વાસ્તવ, સંન્યાસ અને કર્મ, સૌંદર્ય અને ધર્મ, ભૂતભાવિ અને વર્તમાન, મૃત્યુ અને જીવન, અહીં આ કાવ્યમાં વન અને વચન વચ્ચેના દ્વૈતમાં, સંઘર્ષમાં આપણે કોઈ એક અંગનો, એક પક્ષનો સ્વીકાર ન કરી શકીએ. આ દ્વૈતના, આ સંઘર્ષના બન્ને પક્ષોને સમાવીને, શમાવીને એનાથી પર, એનાથી પાર કોઈ નવું અદ્વૈત, કોઈ નવો સંવાદ જેમાં સિદ્ધ થયો હોય એવું જીવન, એવું જગત આપણને જોઈએ; એવા જીવનનો, એવા જગતનો જ આપણે સ્વીકાર કરી શકીએ. ફ્રૉસ્ટને ‘poet of contrarieties’ કહ્યા છે, દ્વૈતના કવિ કહ્યા છે. પણ એમના જીવનની સાધના અને એમની કવિતાની શોધ એ અદ્વૈતની સાધના અને શોધ હતી. ફ્રૉસ્ટનો મનુષ્ય તરીકેનો ધર્મ અને ફ્રૉસ્ટનું કવિ તરીકેનું કર્મ એટલે સૌ દ્વૈતોથી પર અને પાર એવા અદ્વૈતના જીવન અને જગતની સાધના અને શોધ. આયુષ્યભરની એમની મનુષ્ય અને કવિ તરીકેની આ સાધના અને શોધ એમના એક ઉત્તમ કાવ્ય ‘Two Tramps in Mud Time’ (ન કામની ઋતુમાં બે રખડુઓ)ના અંતિમ શ્લોકમાં ગહનગભીર અને પૂર્ણ પ્રતીતિથી પ્રગટ થાય છે ઃ ‘But yield who will to their separation, 
My object in living is to unite 
My avocation with my vocation 
As my two eyes make one in sight. 
Only where love and need are one, 
And the work is play for mortal stakes, 
Is the deed ever really done 
For Heaven and the future’s sakes.’ ફ્રૉસ્ટે ‘Stopping by Woods on a Snowy Evening’ રચ્યું એ પૂર્વે એ જ રાતે, આપણે આરંભે નોંધ્યું તેમ, ‘New Hampshire’ રચ્યું હતું. ‘New Hampshire’માં એક અનામી પરિચિત પાત્ર વિશે ફ્રૉસ્ટે જે શબ્દો યોજ્યા છે એ જ શબ્દોમાં, ફ્રૉસ્ટના જ શબ્દોમાં ફ્રૉસ્ટને આપણે અંજલિ અર્પીએ ઃ ‘He knew too well for any earthly use 
The line where man leaves off and nature starts, 
And never over-stepped it save in dreams.’ ૧૯૭૦

?


*