સ્વાધ્યાયલોક—૬/એક ઝાડ


‘એક ઝાડ’

જળને ઝંઝાવાતે પણ નહીં નમે 
એવું એક દરિયાઈ ઝાડ મને ગમે 
પારેવાના શ્વાસની જેમ 
પવન તો ઊપડે અને શમે. 
પોતાના વિક્રમે મત્ત અને ઉન્મત્ત એવો 
ગરુડ જેવો ઝંઝાવાત પણ એને નહીં દમે. 
ફૂલનો જ્વાળામુખી ફાટ્યો હોય એમ 
કેટલીયે હોડીઓ મઝધારે કિનારે 
સવારે બપોરે મધરાતે 
દીવાદાંડીની દૃષ્ટિ લઈ ભમે, મોજાંઓના પારદર્શક ભીતરમાં 
ગલપક્ષીઓના પડછાયાઓ માળો બાંધીને વિરમે. 
સૂરજનાં કિરણો માછલીઓને વાદળની હથેળીએ પંપાળે 
અને આખું આકાશ શંખલાં અને છીપલાંમાં પૂરી દઈને આથમે. 
રાતનો જિપ્સી ટિપ્સી ચંદ્ર 
ઝાડનાં મૂળમાં પ્રવેશી જઈ 
જળને સગર્ભ કરી પાંદડે પાંદડે રમે. 
મિલનના ફૂલદુપટ્ટાઓ અને વિદાયના પાનખરી રૂમાલથી 
ગર્ભાશય ઘેરાય અને વ્હેરાય. 
ગમે તે થાય, 
પણ જળને ઝંઝાવાતે નહીં નમે 
એવું એક દરિયાઈ ઝાડ મારા લોહીમાં લ્હેરાય. સુરેશ દલાલ ઝાડનું નામ પડે અને અનેક કાવ્યપંક્તિઓ તથા કાવ્યો યાદ આવી જાય છે (જોકે ઝાડના વિશિષ્ટ ગુણધર્મોને કારણે એમાંનાં કેટલાંક કાવ્યો બોધાત્મક હોય છે.), જેમ કે આંદ્રે બ્રેતોની સંકુલ સુર્રીઆલિસ્ટ પંક્તિ ‘The perfect flowering apple tree of the sea.’ અને જોઈસ કિલ્મરનું સરલ જગપ્રસિદ્ધ કાવ્ય ‘Trees’. જોઈસ કિલ્મરને તો આ કાવ્ય માટે એક નગરનો આખો ને આખો પાર્ક જોઈસ કિલ્મર પાર્કને નામે અર્પણ કરવામાં આવ્યો છે. ભાગ્યે જ એવો કોઈ યુગ હશે કે જેમાં જગતની સૌ ભાષાઓમાં અને એવી કોઈ ભાષા હશે કે જેમાં સૌ યુગોમાં ઝાડ વિશે અનેક સુંદર કાવ્યો ન રચાયાં હોય. મને ખાતરી છે કે જગતની પ્રત્યેક ભાષામાં એક સંચય થાય એટલાં કાવ્યો ઝાડ પર રચાયાં જ હશે. થોડાંક વર્ષો પર આ લખનારે એક મિત્રના સૂચનથી ગુજરાતી ભાષામાં ઝાડ પરનાં કાવ્યોનો એક સંચય કરવાનું વિચાર્યું હતું. આમ ઝાડ એ આવો પ્રચલિત અને આટલો લોકપ્રિય કાવ્યવિષય છે. એથી સ્તો ઝાડ પર નવું કાવ્ય રચવું અઘરું છે. આ અઘરું કામ સુરેશ દલાલે આ કાવ્યમાં આસાનીથી સિદ્ધ કર્યું છે. હમણાં જ કહ્યું તેમ, ગુજરાતી ભાષામાં ઝાડ પર અનેક સુંદર કાવ્યો રચાયાં છે. એમાં આ કાવ્યથી એકનો ઉમેરો થાય છે. વળી એ સૌ કાવ્યોમાં આ કાવ્ય વિશિષ્ટ છે. આ કાવ્યની વિશિષ્ટતાનાં બે કારણો છે : વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ. આ કાવ્યના આસ્વાદમાં વસ્તુવિષયમાં આશ્ચર્ય અને શૈલીસ્વરૂપમાં આહ્લાદનો અનુભવ થાય છે. કોઈ પણ કાવ્યમાં બીજું ઘણું બધું હોય કે ન હોય પણ જો આશ્ચર્ય અને આહ્લાદ હોય તો પછી કોઈ પણ ભાવકને એથી વિશેષ શું જોઈએ? આરંભે જ કાનમાં કહું કે આ કાવ્યમાં જે વસ્તુવિષય છે, જે ઝાડ છે એ વિશિષ્ટ છે, એવું તો કાવ્યના શીર્ષક — ‘એક ઝાડ’ – માં જ સૂચન છે. ‘એક ઝાડ’ એટલે કોઈ પણ ઝાડ નહિ. પણ ‘એક’ એટલે કે વિશિષ્ટ ઝાડ. પછી કાવ્યના આરંભે જ ‘એક ઝાડ’ એટલે ‘એક દરિયાઈ ઝાડ’ જમીનમાં ઊગેલું ઝાડ નહિ, પણ દરિયામાં ઊગેલું ઝાડ — બલકે દરિયારૂપી ઝાડ. આમ રૂપક દ્વારા આ ઝાડ એક વિશિષ્ટ ઝાડ છે. એક વધુ સૂચન છે. વળી, આ ઝાડ ‘જળને ઝંઝાવાતે પણ નહીં નમે.’ એમાં ‘પણ’ જેવા એક સીધા, સાદા શબ્દ દ્વારા આ દરિયાઈ ઝાડ જો જળને ઝંઝાવાતે પણ નહિ નમે તો પછી બીજા કશાથી તો શાનું જ નમે? એવું સૂચન છે. આ ઝાડ અણનમ છે. એનામાં નમનતા, નમ્રતા છે જ નહિ. એટલું એ અડગ અને અડીખમ છે. એમાં આ ઝાડમાં કોઈ અજેય, અમેય બળ છે એવું સૂચન છે. અને એથી જ કાવ્યનાયક યુગ્મને અંતે એવું ઝાડ ‘મને ગમે’ એવો અંગત એકરાર કરે છે. આમ, સમગ્ર કાવ્યના કેન્દ્રમાં ઝાડનું બળ — બલકે માત્ર બળ — છે એવું સૂચન છે. પછીની ૧૭ પંક્તિમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, કલ્પન આદિની રમઝટ છે, આતશબાજી છે. એમાં આ દરિયાઈ ઝાડની ઊર્ધ્વ શાખાથી તે અધોમૂલ લગીનાં સૌ અંગોપાંગની અનંત લીલા – દિવસરાતની બારે માસની શાશ્વતીની લીલા – નું વર્ણન છે. એની શાખોમાં પારેવાના શ્વાસ જેવો પવન તો ઊપડે ને શમે. એની કોઈ ગણના નથી, કોઈ વિસાત નથી. પારેવાના શ્વાસ જેવો છે ને એથી. પણ ઝંઝાવાત – પોતાના વિક્રમે મત્ત અને ઉન્મત્ત એવો ઝંઝાવાત — પણ એને નહિ દમે. એમાં પ્રથમ પંક્તિનું પુનરાવર્તન છે. પણ સાથે સાથે ‘ગરુડ જેવો ઝંઝાવાત’ એ ઉપમાનું ઉમેરણ પણ છે. વળી આ પુનરાવર્તનમાં ઔચિત્ય પણ છે. કાવ્યના કેન્દ્રમાં ઝાડનું બળ છે ને! આ પુનરાવર્તન દ્વારા આ બળ પર ધ્યાન કેન્દ્રિત થાય છે. હોડીઓ કેવીક છે? જાણે કે ફૂલનો જ્વાળામુખી ફાટ્યો હોય એવી. ‘ફૂલનો જ્વાળામુખી’ — કેવો વિરોધાભાસ છે! એમાં પણ આ વિશિષ્ટ ઝાડનું બળ પ્રગટ થાય છે! આ દરિયાઈ ઝાડ છે, પણ આ ઝાડમાં માળો પણ છે. ક્યાં છે? મોજાંઓમાં. મોજાંઓરૂપી પાંદડાંઓમાં, મોજાંઓ અને પાંદડાંઓમાં સામ્ય છે ને એથી મોજાંઓરૂપી પાંદડાંઓમાં. કોણ બાંધે છે? દરિયાઈ પંખીઓ, ગલપક્ષીઓ. ના, ગલપક્ષીઓ નહિ, પણ એમના પડછાયાઓ, ગલપક્ષીઓને તે વળી માળો? પડછાયાઓ માળો બાંધે એટલું જ નહિ પણ એ માળામાં વિરમે છે. ગલપક્ષીઓ તો ગયાં પણ એમના પડછાયાઓ રહ્યા. પડછાયાઓ તે વળી પડ્યા રહે? આશ્ચર્ય! સૂરજનાં કિરણો માછલીઓને પંપાળે છે. કેવું વાત્સલ્ય! વાદળની હથેળીએ પંપાળે છે. વાદળની હથેળી આ રૂપકમાં પણ કેવું ઔચિત્ય! અને પછી સૂરજ આખું આકાશ શંખલાં અને છીપલાંમાં પૂરી દઈને આથમે છે. શંખલાં અને છીપલાંમાં આખું આકાશ? હા. સૂરજ આથમે એટલે આકાશ અદૃશ્ય થાય. તો ક્યાં? શંખલાં અને છીપલાંમાં. અવકાશમાં અવકાશ. વામનમાં વિરાટ. કલ્પનાનું કેવું સૌંદર્ય! અહીં ઝાડની દિવસ દરમ્યાનની લીલાનું વર્ણન પૂરું થાય છે. પછી રાત્રિની લીલાનું વર્ણન છે. રાતનો ચન્દ્ર ઊગે છે. પણ કેવોક છે એ ચન્દ્ર? જિપ્સી ટિપ્સી, એક તો જિપ્સી અને પાછો ટિપ્સી. રોમેન્ટિકમાં રૉમેન્ટિક એથી સ્તો ઝાડનાં મૂળમાં પ્રવેશી જઈ જળને સગર્ભ કરી પાંદડે પાંદડે રમે છે. પરિણામે ગર્ભાશય ઘેરાય અને વ્હેરાય છે. પણ શેનાથી? દુપટ્ટાઓ અને રૂમાલથી. પણ કેવા દુપટ્ટાઓ અને રૂમાલથી? ફૂલદુપટ્ટાઓ અને પાનખરી રૂમાલથી. પણ કોના ફૂલદુપટ્ટાઓ અને પાનખરી રૂમાલથી? મિલનના ફૂલદુપટ્ટાઓ અને વિરહના પાનખરી રૂમાલથી. આ રૂપકોમાં મિલન અને વિરહમાં જીવનનાં સૌ સુખ-દુઃખનું, આશા-નિરાશાનું, જય-પરાજયનું તથા ‘ફૂલ’ (વાસંતી) અને ‘પાનખરી’માં ઋતુચક્રનું, બારે માસનું, શાશ્વતીનું સૂચન છે. આ દુપટ્ટાઓ અને રૂમાલથી ઝાડનું ગર્ભાશય ઘેરાય અને વ્હેરાય. અહીં ‘વ્હેરાય’ શબ્દ ‘ઘેરાય’ ‘થાય’, ‘લ્હેરાય’ સાથે પ્રાસને કારણે તો યોજ્યો જ છે પણ ઝાડ કરવતથી વ્હેરાય છે એથી અર્થને કારણે પણ ઔચિત્યપૂર્વક યોજ્યો છે — આવું આવું અને બીજું ઘણું બધું થાય, ગમે તે થાય પણ… ‘પણ જળને ઝંઝાવાતે ય નહીં નમે’ એવું છે આ એક દરિયાઈ ઝાડ. પણ ક્યાં છે આ ઝાડ? ‘મારા લોહીમાં લ્હેરાય.’ આ ઝાડ તો છે કાવ્યનાયકના લોહીમાં. આ ઝાડ બાહ્યજગતમાં ક્યાંય નથી. સમગ્ર કાવ્ય દરમ્યાન કાવ્યનાયકની મૂઠી બંધ હતી, હવે અંતે અચાનક ખૂલે છે. આ ઝાડ તો કાવ્યનાયકના લોહીમાં છે. લોહી અને દરિયામાં પ્રવાહિતાનું સામ્ય છે. એથી આરંભમાં આ ઝાડ એક દરિયાઈ ઝાડ છે એવું વર્ણન છે. આમ, કાવ્યને અંતે, વચમાં અનેક આશ્ચર્યો પછી. આશ્ચર્યોનું આશ્ચર્ય પ્રગટ થાય છે અને તે પણ અચાનક. આમ, આ કાવ્યના કેન્દ્રમાં અંતે કાવ્યનાયકનું આત્મબળ, આત્મશ્રદ્ધાપૂર્વકનું આત્મબળ છે. ‘એવું એક દરિયાઈ ઝાડ મારા લોહીમાં લ્હેરાય’ અંતે આ જે રહસ્યોદ્ઘાટન છે એનું આરંભે જ ‘મને ગમે’માં સૂચન છે. આ કાવ્યની ગતિ ચક્રાકાર ગતિ છે. આરંભમાં એક યુગ્મ, પછી ૧૭ પંક્તિઓ અને પછી અંતમાં એક યુગ્મ. અંતના યુગ્મમાં આરંભના યુગ્મનું પુનરાવર્તન છે, પણ પરિવર્તન સાથેનું પુનરાવર્તન છે. ‘જળને ઝંઝાવાતે પણ’ને સ્થાને ‘પણ જળને ઝંઝાવાતે’ અને ‘મને ગમે’ને સ્થાને ‘મારા લોહીમાં લ્હેરાય’ એવું પરિવર્તન છે. એથી આ પુનરાવર્તન દ્વારા સમગ્ર કાવ્યના અર્થને એક વધુ પરિમાણ પ્રાપ્ત થાય છે અને જે રહસ્ય આરંભથી જ ગોપન હતું એનું ઉદ્ઘાટન થાય છે અને ભાવકને અચાનક આશ્ચર્યનો અનુભવ થાય છે. આમ, આ કાવ્યમાં આદિ, મધ્ય અને અંત છે, એટલે કે સુશ્લિષ્ટ એકતા છે. વળી નમે-ગમે-શમે-દમે-ભમે-વિરમે-આથમે-રમે તથા ઘેરાય-વ્હેરાય-થાય-લ્હેરાય એમ માત્ર બે જ અનિયમિત પ્રાસ-આંતરપ્રાસ-ગુચ્છ દ્વારા સમગ્ર કાવ્યની સંકલના સિદ્ધ થાય છે. કાવ્ય ગદ્યમાં છે પણ એમાં બોલચાલની, વાતચીતની ભાષાનો લયલહેકો અત્યંત સરળ અને સ્વાભાવિક છે. એથી સમગ્ર કાવ્યમાં ભાવકને સતત આહ્લાદનો અનુભવ થાય છે. વળી, હમણાં જ જોયું તેમ, સમગ્ર કાવ્યમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, કલ્પન આદિનો આહ્લાદ તો છે જ. આમ, ‘એક ઝાડ’માં વસ્તુવિષયમાં આશ્ચર્ય અને શૈલીસ્વરૂપમાં આહ્લાદ છે. આ બે કારણે આ કાવ્ય ગુજરાતી ભાષામાં ઝાડ પરનાં અનેક સુંદર કાવ્યોમાં એક વિશિષ્ટ કાવ્ય છે.

૧૯૯૧


*