સ્વાધ્યાયલોક—૬/સત્તાવનનું સાહિત્ય


સત્તાવનનું સાહિત્ય

સત્તાવનની સાલ એટલે કે મહાન શતકનો અંત. ૧૮૫૭માં બે ઐતિહાસિક ઘટનાઓ બની — કેળવણી અને ક્રાંતિ, એટલે કે યુનિવર્સિટીની સ્થાપના અને સિપાઈનો બળવો. અર્વાચીન ભારતના આધ્યાત્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નો અંગેની બૌદ્ધિક સભાનતા યુનિવર્સિટીએ અને રાષ્ટ્રીય સભાનતા બળવાએ સર્જી. આ બૌદ્ધિક સભાનતા સમગ્રપણે ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં પ્રગટ થાય છે. ગાંધીજીની જીવનશૈલી ‘સત્યાગ્રહ’માં બીજી સભાનતા પરાકાષ્ઠાએ પહોંચે છે. આજ લગીનું ગુજરાતી સાહિત્ય આ બે પરિબળોમાંથી પ્રેરણા પામ્યું છે. આજે, બરોબર એક સૈકા પછી, આ બન્ને પરિબળો નષ્ટપ્રાય : બન્યાં છે. ભારતના સ્વાતંત્ર્યની સિદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવનાર આ કેળવણી અને રાજકારણની પ્રવૃત્તિઓ એ સ્વાતંત્ર્યના પ્રથમ દાયકામાં જ નાકામયાબ નીવડે એ જેટલું વિચિત્ર છે એટલું જ વેદનામય છે. કારણ કે આજે આપણે એક સંધ્યામાં — એક યુગ અને મહાન યુગના અસ્તકાળમાં જીવીએ છીએ એથી આધુનિક સર્જકની સર્જકતા જાણે કે પક્ષઘાતથી પીડાય છે અને સંવેદનશીલતા જાણે કે બુઠ્ઠી બની છે. અત્યારે મંદતાયુગ પ્રવર્તે છે. પણ સર્વત્ર અને સર્વદા હોય છે તેમ એકસાથે આ નિષ્ફળતાનો અને નવપ્રસ્થાનનો સમય છે. એમાં ગુજરાતી સાહિત્યનાં વસ્તુ અને સ્વરૂપમાં એક નૂતન સૌંદર્યની ઝાંખી થાય છે. નવલકથા, કદાચ કોઈ પણ સાહિત્યસ્વરૂપથી સવિશેષ, આ પ્રકારની મંદતાની પારાશીશી છે. આ વર્ષે લાંબાં ગદ્યકથાનકોનાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાંનાં કેટલાંક જોકે નવલકથાના નામને લાયક પણ છે પણ એકેમાં નવલકથાના સ્વરૂપમાં કોઈ સૂચક વિકાસનો પુરાવો પ્રાપ્ત થતો નથી. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને ચુનીલાલ મડિયા — આ ત્રણ પ્રસિદ્ધ નવલકથાકારો, ત્રણે અકસ્માત જ પ્રાદેશિક નવલકથાના સર્જકો – એ આ વર્ષે દૈનિકપત્રોમાં ચાલુ નવલકથા આપી છે. હજુ આ નવલકથાઓ અપૂર્ણ છે એથી કદાચ એમનું અહીં મૂલ્યાંકન કરવું કવેળાનું ગણાય, તે છતાં જેટલાં પ્રકરણો પ્રગટ થયાં છે એ પરથી કહી શકાય કે આ નવલકથાકારોની કળાએ એમાં કોઈ નોંધપાત્ર વિકાસ સાધ્યો નથી. આ પરિસ્થિતિ સવિશેષ કમનસીબ તો એ કારણે છે કે ’૨૦ અને ’૩૦માં નવલકથાની ઐતિહાસિક અને સામાજિક રોમેન્સમાં અધોગતિ થયા પછી, ’૩૦માં અને ’૪૦માં મુખ્યત્વે આ ત્રણ નવલકથાકારોએ નવલકથાને એક પ્રાણવાન કલાસ્વરૂપ તરીકે સ્થાપી હતી. મનુભાઈ પંચોળી (‘દર્શક’) ‘દીપનિર્વાણ’ નામની ઐતિહાસિક રોમેન્સમાં સાચી નવલકથા લખ્યા પછી હવે ત્રણ ભાગની એક સામાજિક રોમેન્સ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પર કામ કરે છે. એનો પ્રથમ ભાગ પ્રગટ થયો છે તે પરથી આ પણ સાચી નવલકથા બનશે એની પ્રતીતિ થાય છે. જાતીય આકર્ષણના નિષ્ણાતો, ઇતિહાસ જંગલના શિકારીઓ અને જીવનમાંગલ્યના ઇજારદારોના ચિત્ર-વિચિત્ર ખ્યાલોમાંથી અનેક પુસ્તકો જન્મ્યાં છે જેની અહીં વિગતે નોંધ લેવાની ભાગ્યે જ જરૂર હોય. ગુજરાતીમાં ટૂંકી વારતાના લેખકને ’૨૦થી બે સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન પરંપરાઓ સુલભ છે. એક છે ગૌરીશંકર જોશી (‘ધૂમકેતુ’)ના નામ સાથે જોડી છે એ જાતની ગ્રામપ્રદેશની રંગદર્શી પરંપરા અને એક છે રામનારાયણ પાઠક (‘દ્વિરેફ’)પ્રણીત માનસપ્રદેશની વાસ્તવિકતાની પરંપરા. આ વર્ષે પ્રગટ થયેલા સંગ્રહો પન્નાલાલ પટેલકૃત ‘દિલની વાત’, ચુનીલાલ મડિયાકૃત ‘અંત:સ્રોતા’, ગુલાબદાસ બ્રોકરકૃત ‘પ્રકાશનું સ્મિત’, સુરેશ જોષીકૃત ‘ગૃહપ્રવેશ’ આદિની ટૂંકી વારતાઓ આ બન્ને પરંપરાઓ અત્યારે નિર્જીવ જેવી બની છે એવો નિર્ણય ન લેવાનું મુશ્કેલ બનાવી મૂકે છે. વળી દૈનિકો અને સામયિકોના વાચકોની માંગ માટે લખાતી અસંખ્ય ટૂંકી વારતાઓમાં થતું આ બન્ને પરંપરાનું હીનકરણ તો એ નિર્ણયને દુઃખદ બનાવી મૂકે છે. એથી જ જયંતિ દલાલના વાર્તાસંગ્રહ ‘આ ઘેર, પેલે ઘેર’ની તાજપ અને તેજસ્વિતા સવિશેષ આનંદજનક જણાય છે. આ સંગ્રહમાં માત્ર લેખકની જ નહિ પણ આપણા સાહિત્યની શ્રેષ્ઠ વારતાઓનો સમાસ થાય છે. એમાંનાં શહેરી મધ્યમ વર્ગનાં પાત્રો, અલબત્ત, એમની આત્માસાક્ષાત્કારને ક્ષણે જાણે કે ત્રિપરિમાણ પ્રાપ્ત કરે છે. લક્ષ્મીકાંત ભટ્ટે આ વર્ષે ‘સંસ્કૃતિ’માં અલ્પસંખ્ય વારતાઓ પ્રગટ કરી છે, પણ એ અનલ્પસત્ત્વ વારતાઓએ એક નવી જ દિશા ઉઘાડી છે. એમાં ટૂંકી વારતા એક અત્યંત વ્યક્તિગત કલા રૂપે પ્રગટ થાય છે. આ વારતાકાર એમની શક્તિઓ પૂર્ણ રૂપે ખીલવશે તો તેઓ ગુજરાતી ટૂંકી વારતાના માત્ર વિકાસ માટે જ નહિ પણ એક નવપ્રસ્થાન માટે પણ જવાબદાર ગણાશે. ગુજરાતી ગદ્ય અત્યંત સમૃદ્ધ છે. માત્ર મુખ્ય મુખ્ય નામ ગણાવીએ તો મણિલાલ, મણિશંકર, ગોવર્ધનરામ, આનંદશંકર, બલવન્તરાય, મોહનદાસ, મહાદેવભાઈ, કિશોરલાલ જેવા વિદ્વાનો અને વિચારકોએ એને વિકસાવ્યું છે. આ સૌ ગદ્યકારો યુનિવર્સિટી કે સત્યાગ્રહની સરજતો છે. એ સૌ આજે અવિદ્યમાન છે અને એમને પોષનારાં પરિબળો આજે નષ્ટપ્રાય : છે. એથી ગદ્યના સૌ પ્રકારો – નિબંધ, આત્મકથા, જીવનચરિત્ર, ઇતિહાસ, પ્રબંધ આદિમાં ત્યાર પછીની પેઢીનું પ્રદાન નહિવત્ હોય એમાં નવાઈ નહિ. સુખલાલ સંઘવીના નિબંધો, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા અને કાલેલકરનાં પ્રવાસવર્ણનો એ આગલી પેઢીના અવશેષ જેવી વ્યક્તિઓનું જેટલું વિશિષ્ટ એટલું જ વિરલ અર્પણ છે. સાહિત્યના શિષ્ટ વિવેચનનું આ વર્ષે એની ગેરહાજરીને કારણે જ સ્મરણ થાય છે. દૈનિકો અને સામયિકોમાં અઢળક અવલોકનો પ્રગટ થયાં છે. પણ એ જવલ્લે જ જવાબદાર કે પ્રમાણિક હોય. એક બાજુ નકલી છાપાળવી વિવેચન લઢણ ઉપજાવવામાં આવી છે, જ્યારે બીજી બાજુ મૂલ્યવાન માપદંડ જેવા શબ્દો ‘સત્ય’, ‘સૌંદર્ય’, ‘કળા’ આદિનો ફાવે તેમ બેફામ ઉપયોગ થયો છે. ગુજરાતમાં સાચી રંગભૂમિ એટલે કે જ્યાં જીવનનું, સવિશેષ સમકાલીન જીવનનું નાટ્યકલાની પરિભાષામાં રહસ્યદર્શન થતું હોય એવી રંગભૂમિ હજી જન્મી નથી. અલબત્ત, ગુજરાતમાં નાટક વિષે ઉમંગ, ઉત્સાહ અને આવેશ છે; એક શંકાસ્પદ પ્રકારનું નાટ્યરંજન પણ છે. સંગીતનાટક અને પ્રહસનોની સ્પર્ધા છે. ટૂંકમાં ગુજરાતમાં પ્રાકૃત રંગભૂમિ છે. સળંગ નાટકના અભાવે સર્જેલી શૂન્યતા અંશત: એકાંકીના અસ્તિત્વે ખાળી-ટાળી છે. ઉત્તર ગુજરાતના ગ્રામપ્રદેશના જીવનવાસ્તવ વિશેની ઊંડી સમભાવી સમજ અને વક્રોક્તિયુક્ત તટસ્થતામાંથી ઉમાશંકર જોશીએ રચેલા વેધક કાવ્યમય એકાંકીઓનાં પૂરક છે શહેરી શૈલી અને માનસમાંથી જયંતિ દલાલે સર્જેલાં સચોટ કટાક્ષમય એકાંકીઓ, જેનો એક સંગ્રહ ‘ચોથો પ્રવેશ’ અત્યારે છપાય છે. ચુનીલાલ મડિયાએ આ વર્ષે ‘રક્તતિલક’માં એકાંકીઓ આપ્યાં છે. પણ એમાં સિદ્ધિઓ વિરલ છે. આ વર્ષે કવિતાની કથા કંઈક સૌથી વધુ મધુર છે. ‘૩૦ અને ’૪૦માં જેમણે કાવ્યપ્રદેશ સર કર્યો હતો એ કવિઓએ કોઈ મહત્ત્વનો વિકાસ સાધ્યો નથી. એમાંના કેટલાક હજુ પણ છંદશાસ્ત્રના નિયમોથી પોતે પરિચિત છે એનું પોતાને અને પોતાના વાચકોને સતત સ્મરણ કરાવે છે, વળી કેટલાક પોતાનાં જ સિદ્ધ કાવ્યોનું અનુલેખન, પ્રતિકાવ્ય રૂપે કરે છે, બાકીના વિવેકપૂર્વક ચૂપ છે. તો વળી ’૩૦ના એક અગ્રણી અને છેલ્લી પચ્ચીશીની ગુજરાતી કવિતામાં ધીંગી વાસ્તવિકતા અને સમકાલીન સમાજ વિશેની સચિંત સભાનતામાં અદ્વિતીય એવા કવિ સુન્દરમે જાણે કે એમના કવિસ્વરૂપનો ત્યાગ કર્યો લાગે છે. એમનાં તાજાં કાવ્યો વાંચતાં જાણે કે કવિતાને એ યોગસાધનાના સાધન તરીકે યોજતા હોય એવી લાગણી થાય છે. આ સમયના કવિઓમાંથી આજે પણ જો કોઈ કવિ સજીવ હોય તો તે ઉમાશંકર જોશી. એમણે એમનું સંવેદન અકબંધ સાચવ્યું છે. અને એમની કવિતાના ‘આગે કદમ’ માટે એ પ્રમાણિકપણે મથે છે. આ વર્ષે પુનરાવૃત્તિ પામતા ‘પ્રાચીના’નાં સંવાદકાવ્યોના સ્વાભાવિક જ અનુગામી એવા નાટ્યકાવ્યના સ્વરૂપના સર્જનની શક્યતા એમના કેટલાક તાજા પ્રયોગોમાં પ્રગટ થાય છે. એક દાયકા જેટલો સમય પરદેશમાં પત્રકારત્વમાં વિતાવીને કૃષ્ણલાલ શ્રીધરાણી એમનાં ‘કોડિયાં’ની સંવર્ધિત આવૃત્તિ સાથે કવિતાના પ્રદેશમાં આ વર્ષે સ્વદેશાગમન કરે છે. એમનાં નવાં કાવ્યોમાં સ્વસ્થ વાસ્તવિકતા છે, જોકે એ સર્વથા કટુતામુક્ત તો નથી જ. શ્રીધરાણી એમની આરંભની કવિતાની ઇન્દ્રિયાસક્ત રંગદર્શિતા અને યૌવનમસ્ત ભાવનાશીલતામાંથી મુક્તિ અનુભવે છે એનું એમાં સ્પષ્ટ સૂચન પણ છે. ’૪૦ના બે કવિઓ પ્રજારામ રાવળ અને નટવરલાલ પંડ્યા(‘ઉશનસ્‌’)એ એમનાં કાવ્યસંગ્રહો આ વર્ષે પ્રગટ કર્યાં છે. પ્રજારામ રાવળના કાવ્યસંગ્રહ ‘પદ્મા’માં મુખ્યત્વે ઊર્મિકાવ્યો છે, કેટલાંકમાં પ્રકૃતિના વિવિધ ભાવોને અનુરૂપ એવી કવિની સુન્દર પ્રતીકરચના અને સૂક્ષ્મ લયસૂઝ પ્રગટ થાય છે. નિર્દોષ આનંદ અને સરલ આશાવાદ સમગ્ર સંગ્રહને વ્યાપી વળ્યો છે. નટવરલાલ પંડ્યા (‘ઉશનસ્‌’)ના કાવ્યસંગ્રહ ‘નેપથ્યે’માં કથાકાવ્યો અને સંવાદકાવ્યો છે. એમાં કવિએ કેટલાંક પ્રાચીન પાત્રોને નવો અર્થ અર્પવાનો પ્રયત્ન કર્યો છે. પણ એમાં અભિવ્યક્તિ અપક્વ છે, વસ્તુને અનુરૂપ નથી. ઉશનસ્‌‌ની ઊર્મિશક્તિ જ્યારે આવા પ્રયત્નોમાં યોજાય છે ત્યારે પરિણામે ૧૯મી સદીના મહાન કવિ કાન્તનાં કથાકાવ્યોનું કે ઉમાશંકર જોશીનાં સંવાદકાવ્યોનું કઢંગું અનુકરણ પ્રાપ્ત થાય છે. આત્યંતિક સંગીતમાધુર્ય કે રહસ્યવાદ સર્વત્ર અને સર્વદા કવિતાને વિઘાતક છે એવો મહાન કવિ-વિવેચક બલવન્તરાય ઠાકોરનો માત્ર અરધી સદી પરનો મહામૂલો બોધપાઠ, જેમની સરેરાશ રચનાઓ કાં તો કૃતક-લોકગીતશાઈ છે કાં તો કૃતક-રહસ્યવાદી છે એવા આજના અનેક કવિતાલેખકો જાણે કે વીસરી ગયા લાગે છે. આ ભૂમિકાની પડછે પ્રિયકાંત મણિયાર અને હસમુખ પાઠકની કવિતાનો વિચાર કરવો રહ્યો. આ બન્નેનો ’૫૦માં કવિ તરીકે જન્મ થયો છે. અને હજુ તેઓ પોતાની પ્રૌઢિ માટે મથે છે. પણ એમની મથામણ સાચી દિશામાં છે. આધુનિક પરિસ્થિતિએ એમની સંવેદનશીલતા ઘડી છે એથી એ સભાનતાના અનેક સ્તરો પર એકસાથે પ્રવૃત્ત થાય છે. આધુનિક મનુષ્ય પ્રત્યે એમને તીવ્ર સહાનુભૂતિ છે અને એની કરુણ સ્થિતિની એમને પૂર્ણ સભાનતા છે. બોલચાલની લઢણો, પ્રતીતિજનક પ્રતીકો અને નાટ્યાત્મકતા દ્વારા એમણે એક નવીન સૌન્દર્ય અને નવીન વાસ્તવિકતાનું સર્જન કર્યું છે. સંપૂર્ણપણે શક્ય છે કે એમની કવિતા દ્વારા ગુજરાતી કવિતાની પુન:પ્રતિષ્ઠા થાય. આશા છે કે આ મિતાક્ષરી સમીક્ષામાં એટલું સૂચન થાય છે કે જૂનાં પરિબળો નિષ્ફળ નીવડ્યાં કે નીવડવામાં છે, તો નવાં પરિબળો ક્યારનાં પ્રવૃત્ત બની ચૂક્યાં છે. અદૂરના ભવિષ્યમાં કવિતા, ટૂંકી વારતા અને એકાંકીના પ્રદેશમાં રસિક ઘટનાઓની સકારણ અપેક્ષા રહે છે. આજના સર્જકનું કાર્ય કદાચ ક્યારેય ન હતું એટલું વિકટ અને વિષમ છે. જૂનાં પરિબળો એને પ્રેરી શકે એમ નથી. એણે પ્રેરણાના નવા સ્રોત શોધવા રહ્યા. બહિર્જગતમાં એ સાંપડવાનો સંભવ નથી. એને એના એકાંતમાં કે એની અંગત વેદનામાં એ પામી શકે. ‘મૂરખ… અંતરનું ધ્યાન ધર અને સર્જન કર’ એવી સીડનીની સ્વગતોક્તિનો એ હજુ સદુપયોગ કરી શકે. એની સૌંદર્યયાત્રામાં જો એ સફળ થશે — અને આ સમીક્ષામાં સફળ ન થવાનું એકે કારણ નથી — તો ૧૯૫૭ની સાલ માત્ર એક મહાન યુગનો અસ્ત જ નહિ, પણ બીજા એવા જ એક મહાન યુગનો આરંભ પણ ગણાશે.

ઑગસ્ટ ૧૯૫૭


*