સ્વાધ્યાયલોક—૮/પંખી ના જાણે


‘પંખી ના જાણે’

હું નગરનું સંતાન છું, આધુનિક ઔદ્યોગિક નગરનું. વળી હું ૨૦મી સદીના પૂર્વાર્ધનું સંતાન છું. મારું જન્મસ્થળ અમદાવાદ. મારો જન્મસમય ૧૯૨૬. અમદાવાદ અસલ તો ૧૫મી સદીની મધ્યયુગની ઇસ્લામની મુસ્લિમ સરજત છે. ૧૮મી સદી લગી એમાં મુસ્લિમોનું શાસન હતું, ત્યારે એમાં વ્યવસ્થા હતી, શાંતિ હતી. ૧૮મી સદીમાં એમાં મરાઠાઓનું શાસન હતું, ત્યારે એમાં અવ્યવસ્થા હતી, અશાંતિ હતી. ૧૯મી સદીથી એમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એમાં ફરીથી વ્યવસ્થા હતી, શાંતિ હતી. મુસ્લિમો અને અંગ્રેજોએ અહમદાબાદને સાચ્ચે જ વાચ્યાર્થમાં આબાદ કર્યું હતું. અમદાવાદના કોટદરવાજા અને મસ્જિદ-મિનારા મધ્યકાલીન સાંપ્રદાયિક ધાર્મિક સંસ્કૃતિનાં પ્રતીકો છે. મારા જન્મસમયે હજુ એની ચારેકોર દરવાજાઓ સાથેનો કોટ હતો. અમદાવાદ એક નિબદ્ધ નગર હતું. પણ એ કોટની પેલી પાર ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં પાછલા પંચોતેરેક વરસમાં પચાસેક મિલો સ્થાપવામાં આવી હતી. આ અમદાવાદ ૧૯મી સદીની આધુનિક યુગની પશ્ચિમની અંગ્રેજી સરજત છે. આ મિલો અર્વાચીન બિનસાંપ્રદાયિક ઔદ્યોગિક સંસ્કૃતિનાં પ્રતીકો છે. મારા જન્મસમયે કોટની પેલી પાર જ નહિ, સાબરમતી નદીની પણ પેલી પાર દસેક વરસથી ગાંધીજીએ એમનો આશ્રમ સ્થાપ્યો હતો. સાબરમતીના પૂર્વ તટ પર મિલો ને પશ્ચિમ તટ પર રેંટિયો. એક યંત્રની ચીમનીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટ તથા વ્હિસલોની તીવ્ર તીક્ષ્ણ ચીસો અને અન્ય યંત્રની ત્રાકમાંથી શુભ્ર સૂતરના તાર તથા પ્રેમના મંત્રનું મૃદુમધુર ગુંજન. નાનપણમાં મેં અમદાવાદના કોટનું ઉત્ખનન થતું જોયું છે. શેરીઓમાં ધૂળ અને માટીને સ્થાને પથ્થર અને ડામર, રાજમાર્ગોમાં ઘોડાગાડીને સ્થાને બસમોટરો, ઘરમાં ને બહાર દિવેલનાં માટીનાં કોડિયાં અને કેરોસીનનાં કાચનાં ફાનસોને સ્થાને વીજળીના દીવા — અમદાવાદનું આમ પરિવર્તન થતું જોયું છે, અમદાવાદને એક મુક્ત નગર, આધુનિક ઔદ્યોગિક નગર થતું જોયું છે. તો નદીની પેલી પાર ઍલિસ પુલ પાસેથી ગાંધીજીનું દાંડીકૂચનું મહાભિનિષ્ક્રમણ પણ જોયું છે. આમ, અમદાવાદ ત્યારે ભૂત, વર્તમાન અને ભાવિનું સંગમસ્થાન હતું. એમાં યંત્ર અને મંત્ર વચ્ચે સંઘર્ષ હતો. તો સાથે-સાથે એમાં એની પર અને પાર કોઈ અભૂતપૂર્વ અને અદ્ભુત એવા તંત્ર — અર્થતંત્ર અને રાજ્યતંત્ર — દ્વારા એ બન્નેના સમાધાનનું આહ્વાન પણ હતું. આ સંઘર્ષ અને સમાધાન, આ આહ્વાન મારા શિશુજીવનનો જ નહિ પણ સમગ્ર જીવનનો, મારી આજ લગીની કવિતાનો જ નહિ પણ આજ પછીની પણ કવિતાનો સમાજસંદર્ભ છે, યુગસંદર્ભ છે. મારા કયા પૂર્વજ ક્યાંથી, ક્યારે ને કેમ આ અમદાવાદમાં આવીને વસ્યા એની ખબર નથી. નરહરિ હરિ ત્રિકમ ગોવિંદ — પિતામહના પિતામહ લગીના પૂર્વજોનાં નામની ખબર છે. પિતામહ હરિલાલ મધ્યમવર્ગના તજ-લવિંગના વેપારી. એથી કુટુંબની અસલ અટક ગાંધી હતી. પણ હરિલાલ ઉત્તરજીવનમાં જમાલપુરમાં ટોકરશાની પોળમાં મગન ભગતની ભજનમંડળીમાં સક્રિય એથી સૌએ એમને ‘ભગત’નું લાડકું નામ આપ્યું હતું. ત્યારથી એમની અટક ભગત અને પછીથી વંશજોને એ અટકનો વારસો. આમ, મારી અટક એ તો માત્ર એક અકસ્માત છે. મારા જન્મના દસેક વરસ પૂર્વે હરિલાલનું અવસાન થયું હતું. ઘરમાં એક પટારામાં એમનાં મંજીરાં, કરતાલ ને કાંસીજોડાની સામગ્રી હતી. નાનપણમાં ક્યારેક મેં સ્વહસ્તે એનો પ્રયોગ કર્યો હતો. પણ મારે માટે એ માત્ર બાલસહજ સંગીતકૌતુક હતું. દાદીમા જેકોરબા રોજ રાતે હીંચકા પર બેસીને મને ખોળામાં સુવાડીને ભક્તજનો વિશેનાં આખ્યાનો ગાય. પણ મારે માટે એ માત્ર નિદ્રાલોકમાં સરી જવાનું હાલરડું હતું. બાપદાદાનું ઘર કાળુપુરમાં દોશીવાડાની પોળમાં સાચોરાના ખાંચામાં. (આ ઘર હજુ અસ્તિત્વમાં છે, હમણાં એનું સમારકામ થાય છે.) જીવનનાં આરંભનાં દસ વરસ મારે આ ઘરમાં વસવાનું થયું હતું. પાસેના ખાંચામાં અમદાવાદનું મોટામાં મોટું વૈષ્ણવ મંદિર. પણ મારે માટે એ માત્ર સાતતાળી ને સંતાકૂકડી રમવાનું તથા રાજભોગની પત્રાળી જમવાનું સ્થાન હતું. એમાં રોજ-રોજ ભજનકીર્તન અને હવેલીસંગીત થાય. પણ મારે માટે એ માત્ર લલિત લયસ્વરોથી વિશેષ કંઈ ન હતું. વળી એમાં રોજ રોજ દર્શનો થાય અને ઋતુએ-ઋતુએ ઉત્સવો થાય. પણ મારે માટે એ માત્ર સુન્દર દૃશ્યોથી વિશેષ કંઈ ન હતું. એમાં રોજ-રોજ અબીલગુલાલ ઊડે અને અત્તરનો અભિષેક થાય. પણ મારે માટે એ માત્ર માદક સુગંધ હતી. મંદિરના મુખિયાજીઓ મારા પાડોશીઓ એટલે રોજ રોજ ઘરમાં ઘીથી મઘમઘ ખાસાપુરી અને સાકરથી રસબસ ઠોરનો નાસ્તો થાય. પણ મારે માટે એ માત્ર મધુર સ્વાદ હતો. ઘરમાં અનેક વિલાયતી રમકડાંની સાથે લાલજીની મૂર્તિ પણ હતી. પણ મારે માટે એ માત્ર એક રમકડું હતી. ઘરમાં પૂજાપાઠ કરતો નથી. મંદિરમાં જતો નથી. ભગવાન સાથેનો સંબંધ ખાનગીમાં વિચાર રૂપે કે જાહેરમાં વાણી અને વર્તન રૂપે વ્યક્ત કરતો નથી. એકાંતમાં મારી જાત પાસે કે બહાર કોઈની પાસે હું કદી અકારણ ઈશ્વરનું નામ ઉચ્ચારતો નથી. કાકા રામ હરિ ભગત અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી. કસ્તૂરભાઈ લાલભાઈના એ પરમ મિત્ર. બન્ને સમવયસ્ક. કસ્તૂરભાઈના કુટુંબમાં કાકાનું કુટુંબીજન તરીકેનું સ્થાન. કાકા લંડન ગયા હતા. ૧૯૧૯થી ૧૯૨૩ પાંચેક વર્ષ લિંકન્સ ઇનમાં રહ્યા હતા ને બૅરિસ્ટર થયા હતા. લંડનથી પાછા આવ્યા પછી તરત જ માત્ર ત્રીસ જ વરસની અતિકાચી વયે કસ્તૂરભાઈના શાહીબાગના ઘરમાં ક્ષયરોગથી એમનું અવસાન થયું હતું. મારા જન્મ પૂર્વે ભગતકુટુંબની આ સૌથી કરુણ ઘટના હતી. કસ્તૂરભાઈની મૈત્રી અને લંડનની યાત્રાને કારણે એમની અનેક — કપડાં, ક્રૉકરી આદિ કીમતી વિલાયતી વસ્તુઓ — ઘરમાં હતી. મારા કદ પ્રમાણે કપાવીને નવેસરથી સિવડાવીને એમનાં કપડાંનો તો વરસો લગી ઉપયોગ કર્યો હતો. એક વિલાયતી પટારામાં એમનાં ત્રણસો જેટલાં અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકો હતાં. નાનપણમાં મેં એમાંથી એક પણ પુસ્તક ક્યારેક ખોલ્યું ન હતું. એમાં સાથે લાલ પૂંઠાનો પીળા કાગળનો લંડનનો એક મોટો પુસ્તિકાકાર નકશો હતો. નાનપણમાં મેં આ નકશો વારંવાર ખોલ્યો હતો. ત્યારે એ નકશાના લંડનના રાજમાર્ગો પર મેં વારંવાર નેત્રપ્રવાસ કર્યો હતો અને ક્યારેક લંડનના અસલ રાજમાર્ગો પર પદપ્રવાસ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. આજે મારી પાસે એ નકશો નથી. થોડાંક વરસો પર એ નકશો મેં એક મિત્રનો પુત્ર લંડન જવાનો છે એ શ્રદ્ધાને કારણે એને ભેટ આપ્યો હતો. આજે મારી પાસે કાકાના હસ્તાક્ષરમાં એમનાં સૌ પુસ્તકોની યાદી છે પણ ત્રણેક પુસ્તકોના અપવાદ સિવાય આજે મારી પાસે એમાંનું એક પણ પુસ્તક નથી. વિલાયતી કપડાં, અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકો અને લંડનનો નકશો — આ હતો કાકા રામ હરિ ભગતનો વારસો. ૧૯૩૨થી ૧૯૩૬ ચાર વરસ પ્રાથમિક શિક્ષણ દોશીવાડાની પોળની નિકટ હાજા પટેલની પોળમાં કાળુપુર મ્યુનિસિપલ શાળા નં. ૧માં. પિતાજી વારંવાર ડાકોર, અંબાજી ને મુંબઈ જાય ત્યારે મને ચારઆઠ આના કે રૂપિયો બે રૂપિયા આપે. એમાંથી શાળાની સામે પુસ્તકોની દુકાન હતી ત્યાંથી એકાદ પુસ્તક તો ખરીદ્યું જ હોય. ઘરમાં એક નાનકડી ઓરડીમાં મારી અંગત લાઇબ્રેરી હતી. એમાં કવિતા, વારતા, પ્રવાસ, ઇતિહાસ, જીવનચરિત્ર આદિ ખાસ્સો બસો-ત્રણસો પુસ્તકોનો સંગ્રહ હતો. (એથી જ આજે હવે એમાં બેત્રણ હજાર જેટલાં પુસ્તકોનો સંગ્રહ છે.) પડોશમાં મારી વયની માત્ર છોકરીઓ જ હતી. પાંચસાત છોકરીઓમાં હું એક જ છોકરો. એટલે નાનપણમાં ઘરની બહાર પત્તાં, લખોટીઓ કે ગિલ્લીદંડાની રમતો નહિ પણ ઘરમાં કૂકા, દોરડાં ને ઘરઘરની રમતો જ રમ્યો હતો. એથી પછીથી મોટપણમાં મને કદી ક્રિકેટ સિવાય કોઈ રમતગમતનું કે કસરતવ્યાયામનું આકર્ષણ થયું નથી. માતાપિતા પાસેથી ઝાઝો ધનસંપત્તિનો વારસો તો પામ્યો નથી. પણ મારો ઉગ્ર મિજાજ અને ઊંચો અવાજ એ પિતાનો વારસો છે અને મારા શબ્દોના સ્પષ્ટ ઉચ્ચાર અને અક્ષરોના સુંદર મરોડ એ માતાનો વારસો છે. વળી મારામાં હૃદય અને બુદ્ધિનું જે કંઈ બળ હશે, જે કંઈ સહનશીલતા અને સ્વમાનશીલતા હશે તે પણ અનુક્રમે માતાપિતાનો વારસો છે. મારો જન્મ અમદાવાદમાં પણ એના બરોબર વચ્ચોવચ્ચ મધ્ય ભાગમાં હૃદય સમા ખાડિયામાં લાખા પટેલની પોળમાં દેવની શેરીમાં મહાદેવના ખાંચામાં મોસાળના ઘરમાં. (આ ઘર આજે અસ્તિત્વમાં નથી.) પિતાનું ઘર ને મોસાળનું ઘર બન્ને વચ્ચે પાંચેક મિનિટનું અંતર. જીવનના આરંભનાં દસ વરસ લગભગ રોજ મારે બન્ને ઘર વચ્ચે આવવા-જવાનું, બન્ને ઘરમાં અરધું અરધું વસવાનું થયું હતું. માતામહ વિદ્યમાન હતા. એ અમદાવાદના સો અગ્રણી શ્રીમંત કુટુબોમાંના એક શરાફી કુટુંબ — માણેકચંદ ગોરધનના વંશજ. વિચક્ષણ બુદ્ધિના ચતુર વેપારી. એમને સાહિત્ય-સર્જનમાં પણ રસ. પિતામહ ભગત, એમના ઘરમાં — અને પાસેના ખાંચામાં મંદિરમાં પણ — ભક્તિ અને ધર્મનું વાતાવરણ પણ આસપાસના સમગ્ર વિસ્તારમાં વ્યાપાર અને વાણિજ્ય માટે પ્રસિદ્ધ એવાં જૈન કુટુંબોનો નિવાસ. માતામહ વેપારી, એમના ઘરમાં વ્યાપાર અને વાણિજ્યનું વાતાવરણ પણ આસપાસના સમગ્ર વિસ્તારમાં વિદ્વત્તા અને વ્યવસ્થા માટે પ્રસિદ્ધ એવાં નરસિંહરાવ, આનંદશંકર, કેશવલાલ આદિ નાગર કુટુંબોનો નિવાસ. જૈનોનાં વસ્ત્રો અને પહેરવાની રીત તથા નાગરોના ઉચ્ચારો અને બોલવાની રીત અત્યંત સ્વચ્છ અને સુંદર, સુઘડ અને સફાઈદાર. મેં બન્નેમાં શિસ્ત, સંયમ અને વ્યવસ્થાનું, નગરજનોનાં લક્ષણો અને ગુણધર્મોનું દર્શન કર્યું હતું. મારા ચિત્ત પર બન્નેનો પ્રબળ પ્રભાવ. આમ, હું સંસ્કારિતા અને નાગરિકતાના વાતાવરણમાં જન્મ્યો — જીવ્યો છું. ઘરમાં અને મંદિરમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવધર્મ અને ભક્તિનું વાતાવરણ હતું; છતાં મારા ચિત્ત પર મધ્યકાલીન સાંપ્રદાયિકતા કે ધાર્મિકતાનો કોઈ પ્રભાવ ન હતો. એમાં મારે માટે ભક્તિ કે ધર્મનો અનુભવ ન હતો. એમાં મારે માટે આત્માની નહિ પણ આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોની કેળવણી હતી. એમાં મારે માટે ઇન્દ્રિયરાગનો અનુભવ હતો. હું મારા માતાપિતાનું પહેલા ખોળાનું લાડકું સંતાન હતો. મારું શૈશવ એ મારા જીવનનો સંપૂર્ણ સુખનો સમય હતો. શૈશવના એક પણ દુઃખના દિવસનું મને સ્મરણ નથી. મારે પણ શૈશવ નામનું એક સ્વર્ગ હતું — ‘levert paradis des amours enfantines’ (શૈશવના લાડકોડનું લીલું લીલું સ્વર્ગ). એ સ્વર્ગમાં પુન:પ્રવેશ કરવાનો, એ સ્વર્ગની પુન:પ્રાપ્તિ કરવાનો મેં કવિતામાં પ્રયત્ન કર્યો છે, નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, કદાચ હજુ પણ વધુ પ્રયત્ન કરીશ. કવિતામાં હું શૈશવ શોધું છું. કાકાના અવસાન પછી કસ્તૂરભાઈના કુટુંબમાં હવે પિતાનું લગભગ એક કુટુંબીજન તરીકેનું સ્થાન હતું, attor-ney power — સહી કરવાની સત્તા — આદિ અધિકાર સાથેનું સ્થાન હતું. પણ પછી બારેક વરસમાં પિતાને કસ્તૂરભાઈ પ્રત્યે કોઈ કારણે પ્રતિકૂળ પ્રતિભાવ થયો હતો. એથી બન્ને વચ્ચેના સંબંધમાં સંઘર્ષ થયો. પરિણામે ૧૯૩૬માં પિતાએ ગૃહત્યાગ કર્યો હતો. મારા જન્મ પછી મારા કુટુંબની અને મારા જીવનની આ સૌથી કરુણ ઘટના હતી. કસ્તૂરભાઈ અને કાકા તથા પિતા વચ્ચેના સંબંધ વિશે એમની અનુપસ્થિતિમાં લખવું એ કદાચ અનુચિત હશે, પણ અહીં તો એ અપ્રસ્તુત જ છે. પિતાએ ગૃહત્યાગ કર્યો ત્યારે મારું દસ વરસનું વય. ત્યારથી જેમ કવિતામાં હું શૈશવ શોધું છું તેમ જીવનમાં હું પિતા શોધું છું. આજ લગી પિતા ક્યાં છે એ વિશે કોઈને કંઈ જ ખબર નથી. મારે બે નાના ભાઈઓ, ત્યારે એકનું છ વરસનું વય અને બીજાનું બે વરસનું વય. આમ, માતાને ત્રણ નાનાં-નાનાં સંતાનો, એક રૂપિયાની પણ આવક નહિ ને રોકડ મિલકત પણ નહિ. માતાનું બત્રીસ વરસનું વય. માતા ત્રણ સંતાનો સાથે પિયર — માતામહ હવે લાખા પટેલની પોળમાંથી એલિસબ્રિજમાં એલિસ પુલને નાકે જે ઘરમાં વસ્યા હતા તે ચંદનભવનમાં આવીને વસ્યાં હતાં. પિયરમાં પાંચ નાના ભાઈઓ અને પાંચ ભાભીઓ સાથે જીવવાનું અને હિંદુ સંયુક્ત કુટુંબનું સુખદુઃખ જીરવવાનું. પિતાનું પીઠબળ અને પોતાનું આત્મબળ — એથી એ કંઈક શક્ય થયું, કંઈક સહ્ય થયું. માતા સંપૂર્ણ સહનશીલતાની મૂર્તિ! પણ મને હવે અહીં દસ વરસની વયે એકાંત અને એકલતાનો પ્રથમ અનુભવ થયો અને એ આજ લગી રહ્યો. થોડાક જ સમયમાં પાસે માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય અસ્તિત્વમાં આવ્યું હતું. વરસો લગી રોજ રોજ હું ત્યાં ગયો હતો (આજે પણ વારંવાર ત્યાં જાઉં છું.) ક્યારેક રોજનું એક પુસ્તક વાંચું એમ કલાકોના કલાકો ત્યાં રહ્યો હતો. આમ, મારે માટે પણ એકાંતમાં જીવવાનું અને એકલતાને જીરવવાનું કંઈક શક્ય થયું હતું, કંઈક સહ્ય થયું હતું. વાંચવું, વાંચવું ને બસ વાંચવું. વિચારવું. વિચારવું ને બસ વિચારવું. આમ, મોસાળમાં કુટુંબના પંદરેક સભ્યોની વચમાં વસવાનું અને લાઇબ્રેરીમાં એકાંત અને એકલતામાં વસવાનું. એથી હૃદયનો વિસ્તાર અને બુદ્ધિનો વિકાસ એ બન્નેને માટે અવકાશ હતો. સદ્ભાગ્યે, હૃદય અને બુદ્ધિ વચ્ચે સમતુલા રચાતી આવતી હતી. એથી જીવનમાં એક પ્રકારની તટસ્થતા હતી. પછીથી જીવનભર આ એકાંત અને એકલતાને સભર અને સમૃદ્ધ કરવાનો મેં કવિતામાં પ્રયત્ન કર્યો છે, નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, કદાચ હજુ પણ વધુ પ્રયત્ન કરીશ. ૧૯૩૬થી ૧૯૩૮ બે વરસ આરંભનું માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. ઉત્તમ શાળા, બલ્લુભાઈ અને દીવાનસાહેબ બે ઉત્તમ શિક્ષકો. પણ હું શાળામાંથી ઝાઝું કંઈ પામ્યો નહિ. એ મારી મર્યાદા. વળી ઝાઝો સમય પણ ન હતો એ પણ એક મર્યાદા. ૧૯૩૮થી ૧૯૪૪ છ વરસ બાકીનું માધ્યમિક શિક્ષણ નવચેતન હાઈસ્કૂલમાં. અમુભાઈ પંડ્યા ગુજરાતીના એક ઉત્તમ શિક્ષક, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, સુન્દરમ્‌ના સહાધ્યાયી અને પાઠકસાહેબના શિષ્ય. ગુજરાતીમાં કાવ્યો કરે પણ એથીયે વિશેષ તો વિદ્યાર્થીઓને કાવ્ય કરવા પ્રેરે. એમણે વર્ગમાં ‘પૂર્વાલાપ’નાં કાવ્યોનું ભાવવાહી પઠન કર્યું હતું અને તેની સહાયથી પિંગળ ભણાવ્યું હતું. આ હતો ગુજરાતી કવિતાનો મારો સૌપ્રથમ સંસ્કાર. ત્યારથી ‘પૂર્વાલાપ’ મારો પ્રિયમાં પ્રિય કાવ્યસંગ્રહ. ‘પૂર્વાલાપ’માં નાગરિકતા — urbanism — ની કવિતા છે. નગર એટલે વ્યવસ્થા — order. ‘પૂર્વાલાપ’માં સર્વત્ર સર્વથા વ્યવસ્થા છે. ‘પૂર્વાલાપ’નો કાવ્યદેહ કચના દેહ સમો છે. શૈશવમાં સ્વચ્છ, સુંદર વસ્ત્રો અને ઉચ્ચારોનો જે પ્રબળ પ્રભાવ અને ઇન્દ્રિયરાગ, સંસ્કારિતા, નાગરિકતા, શિસ્ત, સંયમ, વ્યવસ્થા આદિનો જે અનુભવ અને પરિણામે મારી જે કંઈ રસરુચિ એને પોષે-સંતોષે એવો સંતર્પક આ કાવ્યસંગ્રહ હતો. એથી એ મારો પ્રિયમાં પ્રિય કાવ્યસંગ્રહ. આ સંદર્ભમાં મને એલિયટની કવિતા વિશે એક માર્મિક વિધાન થયું છે એનું સ્મરણ થાય છે : ‘His lines are as clean as his cuffs and collars.’ (એમની પંક્તિઓ એમના કફ અને કૉલર જેવી સ્વચ્છ છે.) આ જ સમયમાં બાળાશંકરનો કાવ્યસંગ્રહ ‘ક્લાન્ત કવિ’ પ્રથમ વાર પ્રગટ થયો હતો. એનું મેં સ્વપ્રયત્નથી વાચન-પઠન કર્યું હતું. ઉપરાંત પ્રહ્લાદ, શ્રીધરાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકરના કાવ્યસંગ્રહોનું પણ સ્વપ્રયત્નથી વાચન-પઠન કર્યું હતું. ઘરે સ્વપ્રયત્નથી સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. શાળામાં ફ્રેન્ચનો અભ્યાસ કર્યો હતો. ત્યારે લંડનની જેમ પૅરિસના રાજમાર્ગો પર ક્યારેક પદપ્રવાસ કરવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું. ૧૯૪૧માં રવીન્દ્રનાથનું અવસાન થયું. તરત જ મેં અંગ્રેજી ‘ગીતાંજલિ’નું વાચન કર્યું. અનિર્વચનીય હતો આ અનુભવ. એકાદ વરસમાં મેં પણ અંગ્રેજીમાં સો ગદ્યકાવ્યો રચ્યાં. પછી ક્યાંક વાંચ્યું કે રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનું સૌંદર્ય તો કંઈક અનન્ય જ છે. એનું વાચન-પઠન કરવું હતું એથી સ્વપ્રયત્નથી બંગાળીનો અભ્યાસ કર્યો. અને રવીન્દ્રનાથનાં સુલભ એટલાં સૌ કાવ્યોનું, લગભગ સમગ્ર કવિતાનું વાચન-પઠન કર્યું. તરત જ મેં બંગાળીમાં પણ એક-બે કાવ્યો રચ્યાં. પછી ક્યાંક વાંચ્યું કે પરભાષામાં કદાચ બીજું બધું રચી શકાય પણ કાવ્યો તો ન જ રચી શકાય. ત્યાં ૧૯૪૨માં એક દિવસ સહાધ્યાયિની સુધા લાખિયા(હવે દિવેટિયા)એ વર્ગમાં એના મધુર કંઠે કેશવદાસનું કાવ્ય ‘મારી નાડ તમારે હાથ’ ગાયું અને એની અદ્ભુત અસરનો અનુભવ કર્યો. આ પછી જ ગુજરાતીમાં કાવ્ય રચવાનું થયું. ૧૯૪૩ના ડિસેમ્બરની એક સાંજે સહાધ્યાયી પરમ મિત્ર બિપિનના ઘર–૪૦, પ્રીતમનગર-માં કમ્પાઉન્ડમાં ફુવારાની પાળ પર ‘મારી પાંપણને પલકારે’ ગીત રચ્યું. આ મારો પ્રથમ પ્રકાશનયોગ્ય કાવ્યપ્રયત્ન હતો. (પછીથી ૧૯૪૭માં એ ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધ થયું.) પછી તરત જ ‘જાગૃતિ’ સૉનેટ રચ્યું. પછીથી ૧૯૪૫માં એ ‘કુમાર’માં પ્રસિદ્ધ થયું. આ મારું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય હતું. નવચેતન હાઈસ્કૂલમાં અનેક મિત્રો, એમાં બિપિન દેસાઈ અને ઈશ્વર પટેલ એ બે આત્મીય મિત્રો. બન્નેના પિતા સત્યાગ્રહમાં સક્રિય એથી એમને કારણે ખાદી પહેરવી, રેંટિયો કાંતવો, ૧૯૪૧ના ડિસેમ્બરમાં બારડોલી આશ્રમમાં કૉંગ્રેસ કારોબારીની સભા સમયે એમની સાથે આશ્રમમાં ત્રણ દિવસ રહેવું અને પરાકાષ્ઠા રૂપે ૧૯૪૨ના ઑગસ્ટની ૮મીની સવારે લૉ કૉલેજના સરઘસમાં જવું — આ હતો સત્યાગ્રહ વિશેનો મારો આગ્રહ. પણ સરઘસમાં ગુજરાત કૉલેજ પાસે લાઠીમારમાં જમણા હાથનું હાડકું સહેજ ભાંગ્યું. મારો જમણો હાથ ભાંગ્યો માટે નહિ પણ કુટુંબનો જમણો હાથ ન ભાંગે માટે એ દિવસે જ એ હાડકાની તડમાંથી મારો સત્યાગ્રહ વિશેનો સમગ્ર આગ્રહ સરી ગયો — મરી ગયો હતો. ત્યારથી કુટુંબપ્રેમ એ જ મારો તો રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમ. શાળાનાં અંતિમ વર્ષોમાં સુધા લાખિયાના મોહક કંઠનું મને લોહચુંબક જેવું આકર્ષણ એથી એની સાથે મારી મુગ્ધ મૈત્રી. શાળામાંથી વિદાય થયો તે પૂર્વે એણે મને ઘરઆંગણામાં પા પા પગલી પાડનારને ‘રંગમંડળ’ના એ સમયના કલાકારો — ઉષા લાખિયા, રજની લાખિયા, ભાલ મલજી, મહેન્દ્ર ભગત આદિ–ની વચમાં અને એ કલાકારોએ પિનાકિન્ ઠાકોર, રાજેન્દ્ર શાહ અને જયંતિ દલાલની વચમાં કલા અને સાહિત્યના એક વિશાળ જગતના રાજમાર્ગ પર રમતો-ભમતો કર્યો હતો. પછી એકાદ દાયકા લગી નિયમિત બુધવારે રાતે રાયપુરમાં ‘કુમાર’ કાર્યાલયમાં ‘બુધસભા’માં, રોજ સાંજે ભદ્રમાં ‘ગતિ-રેખા’ કાર્યાલયમાં, ‘લેખનમિલન’માં સ્થાનિક સભાઓ તથા વાર્ષિક અધિવેશનોમાં સક્રિય રહ્યો હતો. એમાં મને પ્રિયકાન્ત, હસમુખ, નલિન આદિ સમવયસ્ક કવિમિત્રો તથા એસ. વી. દેસાઈ, બી. કે. મઝૂમદાર આદિ મુરબ્બી બૌદ્ધિકોનો પરિચય થયો, જે પછીથી જીવનભરની આત્મીય મૈત્રીમાં પરિણમ્યો અને હૃદય-બુદ્ધિને રસે-કસે એવો ભર્યોભર્યો અનુભવ આપનાર નીવડ્યો. ૧૯૪૪ થી ૧૯૪૬ બે વરસ આરંભનું ઉચ્ચ શિક્ષણ એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. અહીં પાઠકસાહેબના વર્ગોમાં ‘આપણી કવિતાસમૃદ્ધિ’નો આસ્વાદ કર્યો અને અનુપરામ ભટ્ટના વર્ગોમાં ‘સ્વપ્નવાસવદત્તમ્’નો અભ્યાસ કર્યો (પછીથી ૧૯૬૪માં મેં એનો અંગ્રેજી અનુવાદ કર્યો અને Penguin પ્રકાશનગૃહે એનું પ્રકાશન કર્યું). પણ સૌથી વિશેષ તો સન્તપ્રસાદ ભટ્ટના વર્ગોમાં ‘Paradise Lost’નો આસ્વાદ કર્યો. પછીથી ભટ્ટસાહેબ સાથેનો મારો સંબંધ એ માત્ર અલ્પકાલીન ગુરુશિષ્ય સંબંધ રહ્યો ન હતો. પણ એમના અવસાન લગી, ચાર દાયકા લગી મારા જીવનમાં એમનું પિતા, મોટાભાઈ, મુરબ્બી અને મિત્રતુલ્ય સ્થાન હતું, મારા જીવનમાં અન્ય કોઈ વ્યક્તિનું ન હતું એવું એમનું અનોખું, અનેરું સ્થાન હતું. માત્ર શેક્‌સ્પિયર અને અંગ્રેજી સાહિત્ય જ નહિ પણ સમગ્ર વિશ્વસાહિત્ય વિશેની એમની મૌલિક અને માર્મિક સૂઝસમજ. એથી મારી સાહિત્ય વિશે જે કંઈ સજ્જતા હતી તે વધુ સજીવ થાય, મારી જે કંઈ સર્જકતા હતી તે વધુ સતેજ થાય એવી એમની પ્રેરણા હતી. માત્ર સાહિત્ય-સર્જનમાં જ નહિ પણ જીવનમાં પણ અનેક સુખદુઃખના પ્રસંગે એમની પ્રેરણા હતી. વર્ગમાં આ ત્રણ વિદ્વાન અધ્યાપકોનાં વ્યાખ્યાનો અને કૉલેજની કૅન્ટીનમાં દેવેન્દ્ર જોશી, રવીન્દ્ર દેસાઈ, ભાનુ ત્રિવેદી આદિ અનેક મિત્રો સાથેના અનેક વિષયો પરના અનેક કલાકો સુધીના અનેક સંવાદો — આ હતું મારું લગભગ સમગ્ર ઉચ્ચ શિક્ષણ. આ સમયમાં કાન્તના અનુસંધાનમાં મારો પ્રિયમાં પ્રિય કવિ હતો કીટ્સ. ૧૯૪૬થી ૧૯૪૮ બે વરસ બી.એ.નો અભ્યાસ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. અભ્યાસનો વિષય અંગ્રેજી સાહિત્ય. એક ઔદ્યોગિક નગરમાંથી બીજા વધુ મોટા ઔદ્યોગિક નગરમાં બલકે મહાનગરમાં સતત બે વરસ વસ્યો. મુંબઈ સ્વયં એક મહાન શિક્ષણસંસ્થા. એથી આંતરજીવનમાં અસાધારણ પરિવર્તન થયું હતું. ૧૯૪૮થી ૧૯૫૦ બે વરસ એમ. એ.નો અભ્યાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં. અભ્યાસનો વિષય અંગ્રેજી સાહિત્ય. ૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જ અંગ્રેજી સાહિત્યનો અધ્યાપક નિયુક્ત થયો. ત્યારથી તે આજ લગી એક પછી એક અમદાવાદની પાંચ કૉલેજોમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કર્યું છે. ૧૯૫૦થી ૧૯૬૦ એકાદ દાયકા લગી વરસમાં છ મહિના અમદાવાદમાં અને છ મહિના મુંબઈમાં રહેવાનું થયું હતું. ત્યારે મુંબઈમાં પરમ મિત્રો નયના અને સુશીલ ઝવેરી તથા બન્નેનાં કુટુંબીજનોના અનન્ય આતિથ્યનો અનુભવ કર્યો હતો. ૧૯૪૬થી ૧૯૪૮ સતત બે વરસ અને ૧૯૪૮થી ૧૯૬૦ બારેક વરસ ઉનાળા-શિયાળાની લાંબી-ટૂંકી બન્ને રજાઓમાં મુંબઈમાં રખડ્યો હતો. સવાર-સાંજ, મધ્યાહ્ન-મધ્યરાત્રિએ રાજમાર્ગો પર અને ગલીઓમાં રખડ્યો હતો, અને આમ એકાન્ત અને એકલતાનો વધુ સૂક્ષ્મ અને વધુ તીક્ષ્ણ અનુભવ કર્યો હતો. આ અનુભવમાં ‘પ્રવાલદ્વીપ’ની અનેક કાવ્યપંક્તિઓ મને રસ્તામાં ચાલતાં-ચાલતાં સૂઝી હતી. મુંબઈમાં મારે અનેક મિત્રો, એમાં ચાર સાહિત્યિક મિત્રો — રાજેન્દ્ર, મડિયા, હરિશ્ચન્દ્ર અને બલવન્તરાય. એમાં રાજેન્દ્ર તો કવિસહોદર. અન્ય ત્રણ મિત્રો આજે સદ્ગત છે. મુંબઈ સહેજ સૂનું લાગે છે. મડિયાને કારણે યુસિસની લાઇબ્રેરીમાં અમેરિકન કવિતાનો પરિચય થયો. એમાં સૌથી વધુ પ્રિય પાઉન્ડ અને સૌથી વધુ આત્મીય એલિયટ. હરિશ્ચન્દ્રને કારણે એમની અંગત લાઇબ્રેરીમાં વિશ્વકવિતાનો પરિચય થયો. એમાં સૌથી વધુ પ્રિય રિલ્કે અને સૌથી વધુ આત્મીય બૉદલેર. ૧૯૪૬થી ‘પ્રવાલદ્વીપ’ની કવિતા રચવાનો આરંભ કર્યો હતો એથી ‘Les Fleurs du Mal’ અને સવિશેષ તો ‘Tableaux Parisiens’ની કવિતા એ તો જાણે મારી કવિતા જ હોય એટલી આત્મીય. આ સમયમાં પ્રિયમાં પ્રિય અંગ્રેજ કવિઓ ડન, બ્લેઇક, યેટ્સ અને ઑડન. બલ્લુકાકા સાથેની મૈત્રી અને એમની સાથેના સંવાદો એ મારા મૈત્રીજીવનનો એક અનિર્વચનીય અનુભવ છે. જીવનભરના એકાન્ત અને એકલતાના અનુભવને કારણે અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોના સર્જનને કારણે ‘પૂર્વાલાપ’ના અનુસંધાનમાં ‘ભણકાર’ હવે મારો પ્રિયમાં પ્રિય કાવ્યસંગ્રહ. ૧૯૫૦માં અધ્યાપક નિયુક્ત થયો એથી હવે આવક હતી. ૧૯૫૪માં માતામહનું અવસાન થયું ત્યાં લગી કુટુંબ મોસાળમાં જ વસ્યું હતું છતાં ૧૯૫૦થી સ્વેચ્છાએ મારે માથે કુટુંબ — માતા અને બે નાના ભાઈઓ–નો આર્થિક ભાર હતો. માતામહના અવસાન પછી કુટુંબ મોસાળમાંથી વિદાય થયું અને ભાડાના સ્વતંત્ર મકાનમાં વસ્યું હતું. વળી ૧૯૫૭ લગી મારે માથે મુંબઈમાં બન્ને નાના ભાઈઓના અભ્યાસનો આર્થિક ભાર પણ હતો. એથી હું ત્રીસ વરસનો થયો ત્યાં લગી આ આર્થિક-સામાજિક કારણોથી લગ્ન માટે અવકાશ જ ન હતો. અને ત્યાં લગીમાં તો એકાન્ત અને એકલતાનો સ્વેચ્છાપૂર્વક અને સૂઝસમજપૂર્વક સ્વીકાર કર્યો હતો. એટલે ત્યાર પછી પણ અવકાશ ન હતો. થોડાંક વરસ પર એક સન્મિત્રે અત્યંત સંકોચ અને સંયમ સાથે પ્રશ્ન પૂછ્યો હતો, ‘લગ્ન નથી કર્યું તે એકાન્ત અને એકલતા સહન થાય છે?’ ત્યારે ઉત્તર આપ્યો હતો, ‘થાય છે. લગ્ન કરું તો એકાન્ત અને એકલતામાં બાદબાકી કે ભાગાકાર થાય એની ખાતરી છે? એકાન્ત અને એકલતામાં સરવાળો કે ગુણાકાર ન થાય એની ખાતરી છે? વળી એકાન્ત અને એકલતાને કારણે જ લગ્ન કરું તો એ તો અન્ય મનુષ્યનો ઉપ-યોગ થયો, દુરુપયોગ થયો. કોઈ પણ બહાને કોઈ પણ મનુષ્યનો ઉપ-યોગ કરવો, દુરુપયોગ કરવો એ મોટામાં મોટું પાપ છે. તો તો એ પરિણય નહિ પણ પાપ જ ને?’ પચીસ વરસથી કાવ્ય કર્યું નથી. તો શું કર્યું છે? કશું જ કર્યું ન હોય એ તો અશક્ય. પચીસ વરસથી કાવ્ય કર્યું નથી પણ કાવ્ય જીવ્યો છું એવું મિથ્યાવચન નહિ ઉચ્ચારું. પચીસ વરસથી કાવ્ય જીવ્યો નથી, જીવન જીવ્યો છું. ભર્યુંભર્યું જીવન જીવ્યો છું. પૂર્વે તેત્રીસ વરસમાં જીવ્યો નથી એવું અને એટલું જીવન જીવ્યો છું. સાચ્ચા અર્થમાં જીવ્યો છું. એવું જીવ્યો છું કે વધુ જીવવાનું કે ફરી જીવવાનું થાય અને જીવ્યો છું એથી અન્યથા જીવવાનું થાય તો મને એનો કોઈ હરખ ન થાય. એટલું જીવ્યો છું કે વધુ જીવવાનું કે ફરી જીવવાનું ન થાય તો મને એનો કોઈ શોક ન થાય. ઑડને કહ્યું છે, ‘Write one may, live one must.’ (લખવું, ન લખવું મરજિયાત; પણ જીવવું ફરજિયાત.) આ અર્થમાં પચીસ વરસથી કાવ્ય કર્યું નથી, પણ પચીસ વરસથી જીવ્યો છું. ધર્મ, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, ઇતિહાસ, ફિલસૂફી આદિનું યથાશક્તિમતિ વાચન-મનન-ચિન્તન કર્યું છે. દેશ અને દુનિયાની નાનીમોટી ઘટનાઓનું યથાશક્તિમતિ નિરીક્ષણ-પરીક્ષણ કર્યું છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં એક અભિજ્ઞ મનુષ્ય તરીકે યથાશક્તિમતિ સંપૂર્ણ, સંવાદી અને સમૃદ્ધ જીવન જીવવાનો અને સવિશેષ તો જીરવવાનો સહૃદય પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે. અકલ્પ્ય મિત્રોની અમૂલ્ય મૈત્રીનો ઓચિંતો પ્રવેશ અને સૌથી નાના ભાઈથી માંડીને અનેક સ્નેહીઓ, સ્વજનો, મુરબ્બીઓ તથા મિત્રોની જીવનમાંથી અને જગતમાંથી ચિરવિદાય — મનુષ્ય માત્રના જીવનમાં અનિવાર્ય એવો જીવનનો કટુમધુર અનુભવ કર્યો છે. જેમાં ઊર્મિકાવ્ય, નાટ્યકાવ્ય અને મહાકાવ્યના અનુભવનો પણ અણસાર હોય એવો જીવનનો અનુભવ કર્યો છે. જીવન અને મૃત્યુનો મર્મ સમજવામાં જેની મહાન સહાય હોય એવો અનુભવ કર્યો છે. નદીમાં વહેવું ને કોરા રહેવું એ બે ન બને! અનેક મિત્રો, અનન્ય મૈત્રી! મૈત્રી એ મારું સૌથી મોટું સદ્ભાગ્ય છે, વિધાતાનું વરદાન છે. મૈત્રીને કારણે જીવવાની ચરિતાર્થતા, કૃતાર્થતા અનુભવું છું. જીવન જીવવા જેવું લાગતું હોય તો અધઝાઝેરું મિત્રોને કારણે. યેટ્સની જેમ મારા હંસગીતની પણ ધ્રુવપંક્તિ હજો. ‘…my glory was I had such friends.’ (મારું ગૌરવ એ જ કે મારે હતાં આવાં મિત્રો.) મને ભય છે કે ‘છંદોલય’ના અનુસંધાનમાં હું ક્યારેક મૈત્રીનું એક મોટું કાવ્ય રચી બેસીશ! પરિચિત-અપરિચિત મિત્રો-ભાવકો વારંવાર એક પ્રશ્ન પૂછે છે, ‘પચીસ વરસથી કેમ કાવ્ય કર્યું નથી? હવે પછી કાવ્ય થશે? ક્યારે થશે? કેવું થશે?’ એનો કોઈ નિ:શંક, નિશ્ચિત ઉત્તર નથી. જ્યારે કાવ્ય કર્યું હતું ત્યારે પણ કેમ કર્યું હતું એની ખબર નથી. તો જ્યારે કાવ્ય કર્યું નથી બલકે થયું નથી ત્યારે પણ કેમ કર્યું નથી, કેમ થયું નથી એની ખબર નથી. જો ખબર હોત તો-તો એ અંગે કંઈ કર્યું હોત. કાવ્ય કરવું, ન કરવું; કાવ્ય થવું, ન થવું એ કવિના હાથની વાત હતી જ ક્યારે? ક્યારે, ક્યાં, કેવું કાવ્ય કરીશ એ તો ખબર નથી. પણ કદી કેવું કાવ્ય નહિ કરું એની ખબર છે. પૂર્વેના પુનર્લેખન જેવું કાવ્ય નહિ કરું. પોતાના કાવ્યના અનુકરણ જેવું કાવ્ય નહિ કરું, પોતાના કાવ્યના પ્રતિધ્વનિ જેવું કાવ્ય નહિ કરું. પૂર્વેના કાવ્યની કક્ષાથી ભિન્ન કે નિમ્ન કક્ષાનું કાવ્ય નહિ કરું. એથી તો ભલું મારું મૌન! રાજકારણમાં કે સાહિત્યિક રાજકારણમાં મારે કોઈ વાદ નથી, વાડો નથી. મને પ્રશિષ્ટતા અને આધુનિકતા બન્ને પ્રિય છે. એથી હું પ્રશિષ્ટતાવાદી કે આધુનિકતાવાદી નથી. મને પરંપરા અને પ્રયોગ બન્ને પ્રિય છે. એથી હું પરંપરાવાદી કે પ્રયોગવાદી નથી. મને ચિત્ર, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય આદિનું ઝાઝું આકર્ષણ નથી. મને flora and fauna — નું, પશુ, પંખી, વનસ્પતિ, આકાશ, સમુદ્ર, નદી, પર્વત, અરણ્ય, મેદાન, ગ્રામપ્રદેશ, ગ્રામજન આદિનું પણ ઝાઝું આકર્ષણ નથી. આ બધું ભવ્યસુન્દર છે એનું ભાન છે, એટલી સાન છે પણ મને એનું અંગત આકર્ષણ નથી. મને કવિતા, નગરો, નગરોમાં રાજમાર્ગો પર રાતદિન દિનરાત નામહીન, રૂપહીન, વિચરતું-વિહરતું માનવટોળું — આટલાનું અનહદ આકર્ષણ છે. નગરોમાં રખડવું હોય તો ફૂટપાથ જોઈએ. મુંબઈમાં હવે ફૂટપાથ નથી. ૧૯૮૨થી હવે વરસોવરસ યુરોપનાં નગરોમાં, મહાનગરોમાં જવાનું થાય છે, ત્યાં રખડું છું. ૧૯૮૨માં પ્રથમ વાર યુરોપનો પ્રવાસ કર્યો હતો. લંડન, પૅરિસ, રોમ અને ઍથેન્સમાં અઢી મહિનામાં હજારેક માઈલનો પગ વડે પ્રવાસ કર્યો હતો. પશ્ચિમથી પૂર્વનો, અર્વાચીનથી પ્રાચીનનો પ્રવાસ કર્યો હતો. પછી વરસે-વરસે લંડન અને પૅરિસ, સવિશેષ પૅરિસનો પ્રવાસ કરું છું અને હજુ પણ વધુ પ્રવાસ કરીશ. માનવટોળું — અસ્થિર, અમૂર્ત, અનામી, અરૂપ માનવટોળું — એનો મને કેફ છે, નશો છે. મારે માટે ટોળાનું પણ એક mystique — રહસ્યદર્શન — છે. હું ટોળામાંનો નથી, પણ ટોળામાં છું. ટોળામાં હું એકસાથે આસક્તિ અને અનાસક્તિનો અનુભવ કરું છું. ક્યારેક ‘અણજાણ્યા’નો કે ‘અણચિંતવ્યા’નો અનુભવ કરું છું. ટોળામાં કારણ વિના, કામકાજ વિના રખડું છું. આ મારો નિષ્કારણ, નિષ્કામ પ્રેમ છે. એકાન્ત અને એકલતામાં ટોળું અને ટોળામાં એકાન્ત અને એકલતા — આ મારો સ્થાયી ભાવ છે. મને ભય છે કે ‘પ્રવાલદ્વીપ’ના અનુસંધાનમાં હું ક્યારેક એકાન્ત અને એકલતાનું, નગરોનું, નગરોનાં ટોળાઓનું એક મોટું કાવ્ય રચી બેસીશ, એ મહા એટલે કે મહાકાય કાવ્ય હશે? ઊર્મિકાવ્ય હશે? નાટ્યકાવ્ય હશે? ક્યારે, ક્યાં, કેવું સર્જન કરીશ એ તો ખબર નથી. પણ બેત્રણ વરસથી ફ્રેન્ચ ભણું છું, વરસે વરસે પૅરિસ જાઉં છું ને વચમાં-વચમાં બૉદલેરનાં કાવ્યો વાંચું છું. પૅરિસમાં બૉદલેર જે ઘરોમાં વસ્યા હતા તે ઘરો જોઉં છું ને તેઓ જે રાજમાર્ગો અને ગલીઓમાં રખડ્યા હતા તે રાજમાર્ગો અને ગલીઓમાં રખડું છું. બૉદલેરનાં કાવ્યોમાં પૅરિસનું અને પૅરિસની નાગરિકતાનું જે વાતાવરણ છે એ વાતાવરણનો પ્રત્યક્ષ પરિચય અને અંગત અનુભવ કરું છું — બલકે, એ વાતાવરણ વિશે કલ્પના કરું છું. એક-બે વરસમાં બૉદલેરનાં કાવ્યોનો ફ્રેંચમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી શકું એટલો ફ્રેન્ચનો અભ્યાસ અને પૅરિસનો અનુભવ કરીશ. પછી બૉદલેરનાં કાવ્યોનો અનુવાદ કરવાનું એટલે કે અનુસર્જન કરવાનું વિચારું છું. જો સર્જન નહિ જ થાય તો આ અનુસર્જન એ જ મારું સર્જન. મારી જે કંઈ સર્જકતા તે આ અનુસર્જનને અર્પણ થશે. એમાં મને સર્જન જેવો જ રસ અને આનંદ હશે. ક્યારે, ક્યાં, કેવું ઉડ્ડયન થશે? ‘પંખી ના જાણે.’

૧૯૮૪

*