સ્વાધ્યાયલોક—૮/હરિશ્ચંદ્ર ભટ્ટ


હરિશ્ચંદ્ર ભટ્ટ

ગઈ ૧૮મી મેની સાંજે મુંબઈમાં આપણા આ એક સાચા કવિ ને સૌંદર્યોપાસકે આત્મત્યાગ કર્યો, એ આપણું મોટું દુર્ભાગ્ય છે. જગતમાં અ-કલાનો અંત આણવો એ જ જાણે કે હરિશ્ચન્દ્રના જીવનનો પરમ પુરુષાર્થ હતો. એમના વ્યક્તિત્વની સુરેખ છબિ જો એક જ વાક્યમાં આંકવી હોય તો એમના જ પરમ મિત્ર (અને ગુજરાતના એક અગ્રગણ્ય કવિ)ની, એમને અર્પણ થયેલી એક કાવ્યપંક્તિના શબ્દોથી આંકી શકાય:

‘અકલાંત જેહ સહપાન્થ કલા-પ્રવાસે.’

આમ, આવા અકલાંત કલાપ્રવાસીને જીવનનો થાક લાગે એ તો જીવનની પોતાની જ કરુણતા છે. વાતવાતમાં એક વાર એમણે કહ્યું હતું, ‘નાનપણથી મારે બે સ્વપ્નો હતાં : એક યુરોપ જવાનું ને બીજું ચિત્રકાર થવાનું.’ આ બન્ને સ્વપ્નો પોતાને વિશે તો પોતે સિદ્ધ કરી શકે એવા સંજોગો ન હતા એટલે એમણે બીજી રીતે સિદ્ધ કર્યાં : પહેલું એમણે પોતાના નાના ભાઈ (પ્રબોધ ભટ્ટ, જેઓ સોરબોન (પૅરિસ) યુનિવર્સિટીના પીએચ.ડી. છે તે)માં એમણે સિદ્ધ કર્યું; અને બીજું અનેક ચિત્રકારો અને એમનાં ચિત્રોની સેવા કરવામાં. પોતે યુરોપ ન ગયા, પણ યુરોપના એક આપણા જેવા જ, એ સમયના ‘દુર્દૈવી દેશ’ પોલૅન્ડનો કલાવારસો એ અહીં લાવ્યા, અને પોલૅન્ડના તારણહાર ‘જોસેફ પિલ્સુદ્સ્કી’નું એક સ્વતંત્ર જીવનચરિત્ર તથા પોલૅન્ડના એક યુવાન કવિ વોઇચેહ બાંકનાં કાવ્યોનો ‘कोजाग्रि’ અનુવાદ, એમ પોલૅન્ડ વિષયક બે પુસ્તકોનું ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યું. જોકે એમની માતૃભૂમિ હિંદ છે, પણ એમની હૃદયભૂમિ તો જાણે પોલૅન્ડ જ. અને એમનો એ પોલૅન્ડપ્રેમ અનેક પોલિશ કલાકારો તથા લેખકોની અંગત અને ગાઢ મૈત્રીમાં એમણે પ્રગટ કર્યો. પોતે જાણે કે વૉર્સોના રસ્તાઓ ઉપર જ ચાલે છે એવા ગૌરવસ્વપ્નમાં મુંબઈના રસ્તાઓ પર તે ફરતા. ને પછી તો પોલૅન્ડ દ્વારા સારા યે યુરોપે એમના સૌંદર્યપ્રિય માનસ પર કોઈ અજબ ભૂરકી નાખી. પોતાનાં ત્રણ પરમ પ્રિય પુસ્તકોમાં એ ‘ગીતા’ની સાથે ગ્રીક ફિલસૂફ પ્લેટો અને જર્મન કવિ રિલ્કેની કૃતિઓ ગણાવતા. હોલ્ડરલીન, હાઇન, ગટે, શ્ટેફાન ગેઑર્ગ અને રિલ્કે જેવા જર્મન કવિઓ; બૉદલેર, પોલ વર્લેન અને વાલેરી જેવા ફ્રેંચ કવિઓ, લીઓપાર્ડી અને લૉર્કા જેવા ઇટાલિયન અને સ્પેનિશ કવિઓ તથા અન્ય યુરોપી દેશોના પણ જાણીતા કવિઓના પોતે એક ‘સહપાન્થ કલાપ્રવાસે’ નીકળ્યા જેવા બની ગયા હતા. આ પરથી એમની અદ્ભુત રસિકતા અને સંવેદનશીલતાનો પરિચય થાય છે. હરિશ્ચંદ્રના વ્યક્તિત્વનું આ પાસું એમના જીવનનું ગૌરવ છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે. આર્ય સંસ્કૃતિ પ્રત્યેનો એમનો પ્રેમ એમના ‘महिमा’નાં કાવ્યો પરથી કલ્પી શકાય છે; તોપણ હરિશ્ચંદ્ર સાચી રીતે તો પોલૅન્ડના જ સંસ્કારવારસ છે. આવા એક વારસની પોતાના સંસ્કારોની માતૃભૂમિ પ્રત્યેની ‘છેલ્લી મનીષા’ પિલ્સુદ્સ્કીના મૃત્યુ પરના એમના પોતાના જ કાવ્યની નીચેની પંક્તિઓ પરથી કંઈક કલ્પી શકાય :

‘અને છેલ્લી મારી ઉરધબકને એક મનીષા :
હૂંફાળા હૈયાને શિશુ સમયની હોંસ પૂરવા
તહીં દાટો મારા વતન મહીં એકાંત કબરે,
સૂતેલી માતાના પદકમળની આરતી કરી
રમું કાલાન્તે યે ચરણરજ થૈ એ જ પદમાં.’

‘સફરનું સખ્ય અને બીજાં કાવ્યો’ તથા ‘કેસૂડો અને સોનેરુ’ — આ બે પ્રકટ કાવ્યસંગ્રહો, તેમ જ હજુ અપ્રગટ એવાં થોડાંક કાવ્યો એ હરિશ્ચંદ્રનું ગુજરાતને અર્પણ થયેલું કાવ્યસર્જન. ‘સફરનું સખ્ય’માંનાં ‘ — ને’ તથા ‘વસંતપંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ એ બે કાવ્યો ગુજરાતી કવિતામાં સરલતા અને સચ્ચાઈના અજોડ નમૂના રૂપે જીવશે; અને ‘કેસૂડો અને સોનેરુ’માંના ‘महिमा’નાં કાવ્યો એમના છંદપ્રભુત્વના તથા અર્થપ્રેમના સદાયના સાક્ષીરૂપ ચિરંજીવ રહેશે. તેમાં આત્માની અમરતાનું દર્શન એમણે–

‘આ સૃષ્ટિના અંતકાલે ય, ત્યારે,
અશ્વત્થે જે એક પર્ણે સૂવાનું,
તારું પેલું શૈશવી રૂપ તેમાં
અંગૂઠો હું ધાવતો તારી સાથે.’

એ પ્રતીકમાં પ્રગટ કર્યું છે; તો પૃથ્વી પ્રત્યેનો આશ્ચર્યમુગ્ધ પ્રેમ એમણે ‘પૃથ્વીને’ નામક કાવ્યમાં

‘બ્રહ્માંડોના વૃક્ષનું તું જ સાચે
સ્રષ્ટાનું છે એક આશ્ચર્ય-પુષ્પ.’

એ પ્રતીકમાં પ્રગટ કર્યો છે. અને જીવનનું મધુર દર્શન ‘ઇન્દ્રને’ નામના કાવ્યમાં આ રીતે કર્યું છે :

‘નવે ખંડમાં, ધરતીમાં જ્યાં,
એક પ્રયાસે વજ્રપાશમાં
બાંધે એવો, પ્રેમપાશ હું
માગું તારો, ઇન્દ્ર, આપ તું.’

તો, મૃત્યુનું મંગલ દર્શન આ પંક્તિઓમાં માણ્યું છે :

‘નયનમાં કરુણા થકી જો ગ્રહે,
જીવન મૃત્યુ બધું સરખું જ છે!

હરિશ્ચન્દ્રનું જીવન અને મૃત્યુ બન્ને જગતની આ કરુણા પાસે જાણે કે જવાબ માગી રહ્યાં છે! ‘ઉરમથનનાં પ્હેલાં પીવાં ઝહેર!…’ એમ એમણે ગાયું છે; અને એ ઝેર પી લઈને પછી પણ પોતાને પક્ષે તો ઉદારભાવે આપણને કહી જ રાખ્યું છે :

‘વિધિવશ મળે સૌએ, સૌએ છૂટા વિધિથી થવું,
જીવતર મહીં થોડું જીવી ઘણું ન બગાડવું,
ગત વિસરવું, ભાવિ સાચું પુન : સરજાવવા.’

એટલે, ગત વિસરીને એમનો આત્મા તો ક્યારનોય સાચું ભાવિ પુન : સરજવા પ્રવૃત્ત થઈ ગયો હશે. આવા આત્માઓએ કદી ય જંપ જાણ્યો નથી. ઈશ્વર શું આવા આત્માઓને આમ ઓછું જિવાડીને ઘણું બગાડતો હશે? કો જાને! આપણે તો એટલું જ જાણીએ કે આવા જીવન તથા મૃત્યુને માટે તો જગતમાં અકલાનો અંત આણીને જ સાચું તર્પણ કે પ્રાયશ્ચિત્ત થઈ શકે. જ્યાં-જ્યાં કવિતા-કલા જીવે છે ત્યાં ત્યાં આજે પણ હરિશ્ચંદ્ર જીવે છે. આપણે પ્રભુને એટલી પ્રાર્થના કરીએ કે જીવનમાં અસુન્દરનો અંત આવો, કારણ કે એમાં જ હરિશ્ચંદ્રના આત્માની શાંતિ છે!

૧૯૫૦

*