હનુમાનલવકુશમિલન/કૃતિ-પરિચય



કૃતિ-પરિચય

‘હનુમાનલવકુશમિલન’

ભૂપેશ અધ્વર્યુ આપણા એક વિચક્ષણ વાર્તાકાર હતા. એમની લગભગ દરેક વાર્તામાં રચનાગત પ્રયોગશીલતાનું આલેખન થયેલું હોવા છતાં વાર્તાઓ દુર્વાચ્ય બની નથી બલકે એનું વાચન રસપ્રદ બન્યું છે. ઝડપી ગતિવાળાં ફિલ્મદૃશ્યો જેવી ચિત્રાત્મકતા(‘વડ’ વાર્તા), વર્ણનોનો સર્જનાત્મક વિનિયોગ(‘અંત’, ‘લીમડાનું સફેદ ઝાડ’, ‘એક ખંડ આ —’), સ્ત્રીપુરુષ-સંબંધોનું કંઈક પ્રગલ્ભ પણ સંબંધનાં વિભિન્ન મનોરૂપોને ઉપસાવતી માર્મિકતા(‘છિનાળ’, ‘અલવિદા’) અને પુરાકથાને આધુનિક સંવેદન-આલેખનમાં લઈ જતી, લોકવાર્તાની શૈલીએ નિરૂપતી વિશિષ્ટ સર્જનાત્મકતા(‘હનુમાનલવકુશમિલન’) — ભૂપેશની વાર્તાઓની, આધુનિક ગુજરાતી વાર્તાઓમાં પણ એક આગવી મુદ્રા બાંધે છે. સુવાચ્યતાથી પણ વાચકને સાદ્યંત રોકી રાખતી આ રસપ્રદ વાર્તાઓમાં હવે આપણે પ્રવેશીએ.

— રમણ સોની