હયાતી/૧૮. પીંજરામાં રહી ગઈ કાયા


૧૮. પીંજરામાં રહી ગઈ કાયા

કોઈ આઘે આઘેથી વેણુ વાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે
હોઠ મરડીને નણદી પગ પછાડે,
લ્હેરિયે ચડેલ મારાં લોચનિયાં જોઈ
ઊભો નાવલિયો બારણાંની આડે;
ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

એક એ દુવાર બંધ કીધું તો
કેટલાયે મારગ આ આંખમાં સમાયા,
ધૂપ થઈ ઊડી હું ચાલી, સંભાળો,
હવે પીંજરામાં રહી ગઈ કાયા;
હતું છાનું એ છલછલ છલકાય છે
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.

૧૯૬૩