હયાતી/૧૯. ઝેરનો કટોરો


હવે જીરવશું ઝેરનો કટોરો,
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.

અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
પીવામાં ખ્યાલ કંઈક કરીએ,
પીને હરિને અહીં ભજવા કે ઠેલીને
વૈકુંઠે હેતે વિચરીએ;
વિષના પ્યાલાથી પ્યાસ ઑર કંઈ વધે છે
અને અમરતથી કંઠ રહે કોરો.

રૂંવેરૂંવે તે નવી ચેતનની લ્હેરખી
ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,
પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા
મને એનો યે કેફ ઑર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.

૧૯૫૭