હયાતી/૩૭. આવી જાઉં તો


૩૭. આવી જાઉં તો

વહેતા પવનની ત્યારે વિમાસણ વધી હશે,
દરિયામાં તારું નામ તરંગો બની જશે.

સ્પર્શે છે કોઈ, તોય ન આંખો ઉઘાડતો,
કોઈ અવર જો હોય તો શમણાનું શું થશે?

હસતો રહું છું, વાત કરું છું અલપઝલપ,
જો ચૂપ રહું તો ભય કે તું એ વાત પૂછશે.

શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.

હમણાં તો ‘આવજો’ કહી છૂટા પડ્યા હતા,
હમણાં જ આવી જાઉં તો તું આવકારશે?

૧૫–૩–૧૯૭૦