હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી/કૃતિ

કૃતિ પારિચય
‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’-જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓનું રહસ્યસભર આલેખન




‘You are getting older, soon you’ll see that life isn’t like your fairy tales. The world is a cruel place. And you’ll learn that even if it hurts. Magic does not exist. Not for you, me or anyone else.’

આ સંવાદ ફિલ્મ ‘પેન્સ લેબિરિન્થ’નો છે. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં આ ફિલ્મ સહજપણે યાદ આવી ગઈ. જીવનની અનુત્તર રહેતી પરિસ્થિતિઓ વડે સર્જાતી ભીંસ, સંબંધોમાં રહેલી તિરાડો, ચેતના પર પડતાં ઉઝરડા અને સમયની સરી જતી રેતીનું વાર્તાકારે કરેલું આલેખન ધ્યાનપાત્ર છે.

વાર્તાસંગ્રહમાં કુલ નવ વાર્તાઓ છે. નવમાંથી છ વાર્તાઓમાં ‘હું’નું કથનકેન્દ્ર છે. બે વાર્તા ‘એક સુગંધી લીલું માંજર’ અને ‘કલ્યાણજીની મૂર્તિ’માં પૌત્રની નજરે દાદાનું નિરૂપણ થયું છે. ‘બીડી બુઝાતી નથી’માં દોહિત્રની નજરે નાનાનાં બે રૂપ આલેખ્યાં છે. ‘બંગલો’વાર્તામાં બધી જ ઘટનાઓ પુત્રની નજરે રજૂ થઈ છે. બાળકોની નિર્દોષ સૃષ્ટિની પડખે મોટેરાઓની રહસ્યમયી સૃષ્ટિ મૂકી આપીને વાર્તાકારે સંકુલ સૃષ્ટિ રચી છે. તેઓ પ્રસ્તાવનામાં નોંધે છે,

‘મારી વાર્તાઓ કોઈ વાદ કે વિભાવનાકેન્દ્રી નથી પણ મનુષ્ય સંવેદનાઓનું નિરૂપણ છે. અનુત્તર જ રહેતી સ્થિતિઓની અપાર મૂંઝવણો મેં અનુભવી છે...પિતા-પુત્ર વચ્ચેના સંબંધો તેમજ મિલકત માટેના માલિકીભાવથી સર્જાતી સ્થિતિઓને મેં નાનપણમાં અનુભવી છે. એ અનુભવો મારાં દુઃસ્વપ્નો બની ગયાં છે.’ (પૃ.૪,૫)

વાર્તાકારે નિવેદનમાં પોતાના પિતાના અવસાનનો પ્રસંગ નોંધ્યો છે. સંગ્રહની બંગલો શ્રેણીની વાર્તાઓમાં આ અંગત પ્રસંગની છાપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં કહી શકાય કે વાર્તાકાર અંગત બનાવનું સફળતાપૂર્વક વાર્તામાં રૂપાંતર કરી શક્યા છે.

પ્રથમ વાર્તા ‘બીડી બુઝાતી નથી’થી વાર્તાકાર રહસ્યમયતાને પ્રયુક્તિ તરીકે ખપમાં લેતા જોવા મળે છે. ‘એક સુગંધી લીલું માંજર’, ‘બંગલો’ અને ‘કલ્યાણજીની મૂર્તિ’- આ વાર્તાઓમાં આ પ્રયુક્તિ વધુ સઘન રીતે પ્રયોજાઇ છે. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ વાર્તા તો આખેઆખી રહસ્યકથા જ છે. જીવન સંદિગ્ધ છે અને અપૂર્ણ પણ છે. જીવનમાં દ્વિધા, લાચારી અને સમસ્યાઓ છે. પ્રશ્નો છે. આ બધાના ઉત્તર મળી શકતા નથી. ‘રહસ્યમયતા’ વડે વાર્તાકાર માનવજીવનની સંદિગ્ધતા, સંકુલતા તથા પ્રશ્નોના ઉત્તર ન મેળવી શકતા માનવીની મનઃસ્થિતિને તાગે છે. તેમની વાર્તાઓમાં રહસ્યમયતા એક માત્ર પ્રયુક્તિ ન રહેતા જીવનની સંકુલતા દર્શાવે છે. તે આ તત્ત્વને કથનકેન્દ્ર અને પરિવેશ વડે અનુભૂતિક્ષમ બનાવે છે. તેમની ઘણીખરી વાર્તાઓમાં કથક કિશોરવયનો છે. આ કિશોર પણ એવો કે જેણે નાની વયે સ્વજનોના બે રૂપ અથવા તેમનાં મૃત્યુ જોયા હોય. આ કિશોર વેદનશીલ અને અંતર્મુખી છે. આ વાર્તાઓ વાંચતી વેળાએ વેદનશીલ અને અંતર્મુખી કિશોરના ભાવવિશ્વને ધ્યાનમાં રાખવું પડે. પરિવેશની દૃષ્ટિએ જોઈએ તો, ઘણીખરી વાર્તાઓમાં ઘર, કુટુંબનો પરિવેશ છે. ચૂલો, રસોડું, ખાટલો, તુલસી ક્યારો, પાણિયારું, જર્મન-સિલ્વરના વાસણો, દુકાન, ચા-રોટલા, ભગવાનની મૂર્તિ, સાંકડી શેરી, મંદિર, તુલસીદાસકૃત રામાયણ વગેરેથી આ પરિવેશ જીવંત કર્યો છે. આ પરિવેશ તો જાણીતો છે, પરિચિત છે. વેદનશીલ વાર્તાકથક કિશોર કોઇક બનાવ કે પ્રસંગ જુએ અને પછી આ જ જાણીતો પરિવેશ અજાણ્યો, રહસ્યમય તો ક્યાંક ડરામણો બની જાય છે.

‘બીડી બુઝાતી નથી’માં કથનકેન્દ્ર નાનાના લાડકવાયા દોહિત્ર સુનીલનું છે. સુનીલ નાનાના બે રૂપ જુએ છે. કથક દોહિત્ર પણ છે અને કરશનમામાનો ભાણો પણ છે. તેની બાળપણની સ્મૃતિઓમાં નાનાનું પ્રેમાળ રૂપ સચવાયેલું છે. મામી સાથેના જાતીય સંબંધો એ નાનાનો બીજો ચહેરો છે. તે નાનાને કહે છે,

‘તમારું મોત થશે ત્યારે હું તમને યાદ નહિ કરું! મારે મન તમે કરશનમામાની હત્યા કરી છે.’ (પૃ.૧૭)

કથક સુનીલ બેવડા સગપણથી જોડાયેલો છે. તેથી વધુ ભીંસ અનુભવે છે. આની સમાંતરે વાર્તાકાર નગરજીવનના નિર્જીવ પરિવેશને પણ સુનીલની નજરે નિરૂપે છે. બંને પરિવેશ સુનીલને પીડે છે. ક્યાંય તેની ચેતના જોડાઈ શકતી નથી. મામીનો માંસલ હાથ,તેમનાં ઝાંઝર અને વસ્ત્રોનો ઉલ્લેખ મામી એ ઘરની વહુ નહીં પણ ઉપભોગનું સાધન માત્ર છે એ તરફ ઇંગિત કરે છે. બીડીની દુર્ગંધનો ઉલ્લેખ એક સાથે બે બાબતો સૂચવે છે: મામાની મૂક વેદના અને નાનાની વિકૃતિની દુર્ગંધ. ધ્વનિ અને દૃશ્યના સાયુજ્યથી વાર્તાકાર આ આખી સંકુલ પરિસ્થિતિની અનુભૂતિ ભાવકને કરાવે છે.

‘એક સુગંધી લીલું માંજર’ વાર્તા પૌત્રના કથનકેન્દ્રથી કહેવાઈ છે. દાદાનો વટ, વૈભવ, માંદગી અને મૃત્યુ- આ બધું જ પૌત્ર જુએ છે. પૌત્ર સંસ્મરણો અને દિવાસ્વપ્નો વડે જીવનની સંકુલતા તાગવા મથે છે.

જયેશ ભોગાયતાની સમય નિરૂપણની એક આગવી રીતિ છે. તેઓ વાસ્તવિક સમય અને ચૈતસિક સમયની સેળભેળ સહજતાથી કરીને એક નવું જ પરિમાણ સિદ્ધ કરે છે. તેઓ ‘હું’નું કથનકેન્દ્ર પસંદ કરે છે ત્યારે જે-તે પાત્રની ચેતના શી રીતે પ્રસંગ અને સમયને ઝીલે છે, અનુભવે છે તેને શબ્દબદ્ધ કરે છે. તેમની વાર્તાઓમાં સમયનું રૈખિક ગતિએ નિરૂપણ થયેલું જોવા મળતું નથી. તેમની વાર્તાઓમાં સમય રહસ્યના તત્ત્વને સઘન બનાવે છે. સમયની આ સેળભેળ ‘બંગલો’, ‘કલ્યાણજીની મૂર્તિ’ અને ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’માં જોવા મળે છે. ‘કલ્યાણજીની મૂર્તિ’ વાર્તા ચુસ્ત સમય સંકલના, કથનકેન્દ્રની પસંદગી અને રહસ્યમયતાને લીધે નોંધપાત્ર બને છે. વાર્તામાં કુલ પાંચ દિવસનો સમય છે. વાર્તાકારે પ્રથમ દિવસનું વિગતપ્રચુર વર્ણન કર્યું છે. સવારનો દાદા અને પિતાનો ઝઘડો અને તેની સમાંતરે સાંજે ઘરમાં પ્રસરેલો સન્નાટો, સુનીલનું ‘રામાયણ’ની ચોપાઈ ગાવા બેસવું, દાદાનું મંજીરા વડે તાલ પુરાવવું,સુનીલના સવારની ઘટના વિશેના પ્રશ્નો અને દાદાએ આપેલા જવાબો તથા દાદાનો પિતાને મુંબઈ મોકલવાનો નિર્ણય-આ બધાં પ્રસંગો પ્રથમ દિવસે બને છે.

બીજો દિવસ તુલસી વિવાહનો છે. આ દિવસે પહેલીવાર સુનીલ જીવણની આંખે પોતાના પિતાને જુએ છે. અત્યાર સુધી તે દાદાની નજરે જ દુનિયાને જોતો હતો. જીવણની પત્નીની માંદગી, પિતાએ તેને કરેલી મદદ અને પિતાની લાગણીઓ વિશે તે જાણે છે. પ્રથમ દિવસની દાદા અને સુનીલની વાતચીતની સામે આ દિવસે જીવણ અને સુનીલ વચ્ચે થયેલ વાતચીત સુનીલની સાથે જ ભાવકને પણ નવેસરથી વિચારતાં કરે છે. મંદિરની ભવ્ય કલ્યાણજીની મૂર્તિની સામે જીવણના ઘરમાં નાના ગોખલામાં રહેલી સાદા વસ્ત્રોવાળી કલ્યાણજીની મૂર્તિનો સંદર્ભ વાર્તાના પરિમાણને વિસ્તારે છે. તેના પછીના દિવસે સવારે પિતા મુંબઈથી પાછા આવી પહોંચે છે. રાત્રે સુનીલના પિતા ઘર છોડીને જતાં રહે છે. અહીં ત્રીજો દિવસ પૂરો થાય છે. ચોથા દિવસે સવારે પિતાએ લખેલો કાગળ સુનીલ માને વાંચી સંભળાવે છે. સુનીલને થાય છે કે તે પિતાને શોધવા માટે ઘરમાંથી નીકળી પડે પરંતુ તેની હિંમત ચાલતી નથી.

દાદા પુત્રને શોધવાને બદલે દુકાન સજાવી તૈયાર કરી દે છે અને સુનીલને મંદિરના પૂજારીને વસ્ત્રો આપી આવવા કહે છે. અહીં પહેલીવાર સુનીલ દાદાની વાત માનતો નથી. તે વસ્ત્રોના લીરેલીરા કરી નાંખે છે અને જીવણના ઘરે પહોંચી જાય છે. રાત્રે સૂતી વેળાએ સુનીલને કલ્યાણજીની મૂર્તિ પર કાળો વહાણના સઢ જેવો પડદો પડતો દેખાય છે. પાંચમા દિવસે પિતાની લાશ લઈને જીવણ આવે છે. દાદા દુકાન વેચી નાંખે છે. આ બધાં પ્રસંગોની સુનીલના ચિત્ત પર શી અસર થઈ? તે શું ઝંખી રહ્યો છે તેનો ખ્યાલ અંતિમ વર્ણન દ્વારા મળે છે.

‘હું કૅલેન્ડરનું પાનું પકડીને ઊભો રહ્યો...મેં નીચા વળીને જોયું તો મને એક અદભુત ચિત્ર દેખાયું. કલ્યાણજીની મૂર્તિ કૅલેન્ડરનાં પાનાં પર મીણની જીમ ઓગળતી શૂન્ય બનતી જતી હતી...મેં જોયું તો બાપુનું શબ કાળા બૂટ પહેરીને બેઠું હતું. હું બૂટ લેવા નીચે નમ્યો તો જોયું કે બૂટના તળિયે અમારી દુકાન કચડાતી ચીસો પાડતી હતી. હવે તો મને નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નહોતો.’ (પૃ-૪૮,૪૯)

માનસશાસ્ત્રીય અભિગમથી આ વર્ણન જોઈએ તો સુનીલના અચેતન મનમાં રહેલી ઈચ્છા દિવાસ્વપ્ન વડે પૂર્ણ થતી દેખાય છે. દાદાનો કલ્યાણજી માટેનો ભક્તિભાવ અને સુનીલ પર તેમનો પ્રભાવ એ હવે ઓગળી રહ્યા છે. દાદાની જીદ પિતાને ભરખી ગઈ. આ સત્ય સુનીલ જાણે છે. અહીં અચેતન મનની રમત સમજવા જેવી છે. દાદા સાથેનો લોહીનો સંબંધ છે. અહમ દાદા વિશે નકારાત્મક વિચાર કરતાં અટકાવે જે સહજ છે. પિતાના અવસાનના આઘાતને લીધે જન્મેલો રોષ છે, પિતાને બચાવી ન શક્યાનો અફસોસ પણ છે. આ દબાણમાંથી છૂટવા સુનીલનું મન દિવાસ્વપ્ન જુએ છે જેમાં પિતાના બૂટ નીચે દુકાન કચડાઈ રહી છે. વાસ્તવ જીવનમાં પિતા એટલાં સક્ષમ ન હતા. સુનીલના સ્વપ્નમાં સક્ષમ પિતાની છબીની ઝંખના જોવા મળે છે.

પ્રશ્ન થાય કે સુનીલ આવું દિવાસ્વપ્ન શા માટે જુએ છે? વાર્તાના આરંભે સુનીલ પિતાને ઓળખતો નથી. દાદાએ સુનિલના મનમાં તેના પિતાની નકારાત્મક છબી રચી છે. જીવણ સાથેની વાતચીતથી આ છબી તૂટે છે. સુનીલ પિતાને હજુ તો માંડ સમજતો થાય ત્યાં જ પિતાનું અવસાન થાય છે. એટલે પિતાને ગુમાવ્યાના દુ:ખની સાથે જ તેમની સંવેદનાઓ ન સમજી શક્યાનો ભાર પણ તેની ચેતના પર રહે જ. દિવાસ્વપ્ન આ સંકુલ મન:સ્થિતિમાંથી જન્મ્યું છે. અંતે સુનીલ નોકરને જે વાર્તા કહે છે તેનું શીર્ષક ‘કલ્યાણજીની મૂર્તિ’ છે. સુનીલના ઘરની સમાંતરે આવતું જીવણના ઘરનું વર્ણન વાર્તાને નક્કર બનાવે છે. ‘રામાયણ’, કેલેન્ડરના પાના પરનો સુવિચાર, તુલસી-સાકરનો પ્રસાદ-આ બધાંથી એક સરેરાશ સામાન્ય પરિવારનો પરિવેશ રચાય છે. કૌટુંબિક પરિવેશથી તદ્દન સામા છેડાનું દાદાનું વર્તન આપણી કુટુંબવ્યવસ્થામાં રહેલી તિરાડને તીવ્રતાથી ઉપસાવે છે. ‘બંગલો’માં કથનકેન્દ્ર ‘હું’નું છે. બંગલો બિહામણો છે. કાકાની ઊર્જાને શોષી લે છે. નાયકને ડરાવે છે. બીમાર પિતાનું મૃત્યુ બંગલામાં થાય છે. પિતા લીવરનું ઑપરેશન કરાવીને ઘરે પાછા ફર્યા છે તે ક્ષણથી ‘બંગલો’વાર્તાનો આરંભ થાય છે. કથક સુરેશ જાસૂસી કથા વાંચતો બેઠો છે .બા-બાપુની વાતચીત સાંભળતા સુરેશના કાને ‘બંગલો’ શબ્દ પડે છે. એ સાથે જ સુરેશ બંગલાની સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે. વાર્તાકાર ભાવકને વર્તમાનમાંથી ભૂતકાળમાં, પાત્રની સ્મૃતિઓમાં સહજતાથી લઈ જાય છે. વાર્તાના આરંભે ખુલતો નાનો દરવાજો અને સુરેશના ચિત્તમાં ખુલતો ભૂતકાળ બંને એકરૂપ બની જાય છે. સુરેશની સ્મૃતિઓના દ્વારમાંથી ભાવક પણ ડોકિયું કરીને તેની ચેતના પર ઝીલાયેલ બંગલાની સ્મૃતિઓને જુએ છે. આ સંસ્મરણોમાં બહુ ઓછી ક્ષણો સુખદ છે.

કાકાનું અપમૃત્યુ, કાકાનું શબ, કાકીનું રૂદન, કાકાની ડાયરી, કાકીનું ટી.બી.થી થતું અવસાન, ગાયનું મૃત્યુ, બંગલાની ચિંતામાં બાપુના શરીરમાં પ્રવેશતી બીમારી–આ બધું સુરેશની સ્મૃતિઓમાં જળવાયેલું છે. સુરેશને લાગતું કે કોઈક જાણે તેનું ગળું ભીંસી રહ્યું છે. ડાયરી વડે બંગલાથી ભય અનુભવતા કાકાની સંવેદનાઓ વર્ણવી છે. વાર્તાકારે સુરેશની ચેતનામાં ઊંડે સુધી વ્યાપી વળેલો બંગલાનો ભય તાદૃશ કરી બતાવ્યો છે. તેરસના દિવસે પિતા સુરેશને લઈને બંગલે પહોંચે છે. ડરીને પિતાને શોધવા જતો સુરેશ જુએ છે તો ખુરશીમાં લાંબા થઈને પડેલા પિતાના નાક, કાન, મોંમાંથી લોહી વહી રહ્યું છે. વાર્તાકારે સુરેશના પિતાના મૃતદેહનું બે વાર વર્ણન કર્યું છે. પ્રથમ વર્ણન સુરેશની ભીતિ ને વેદનાને વ્યક્ત કરે છે. બીજીવારનું વર્ણન તેના ચિત્તમાં ઊંડે ઊતરી ગયેલી એક ક્ષણને, એ દૃશ્યને દર્શાવે છે. પહેલું વર્ણન ધનતેરસના દિવસનું છે જ્યારે બીજું વર્ણન કાળી ચૌદશની સવારનું છે. પ્રથમ વર્ણન કંઈક અંશે સરરિઅલ કહી શકાય તેવું છે. જ્યારે બીજું વાસ્તવિક છે. પિતાના અંતિમ સંસ્કાર પછી પણ સુરેશને પિતાનું શબ ચાવીનો ઝૂડો પકડીને બેઠેલું દેખાય છે. એ દિવસ પછી સુરેશ રોજ સાંજે બંગલે પહોંચી જાય છે અને શબ પાસે બેસીને જ બંગલા વિશેની વાર્તા લખે છે.

‘ખુરશીમાં પડેલા બાપુના શબની પાસે બેસીને બંગલા વિશેની એક નવી વાર્તા લખતો. તમે જે વાંચી તે બંગલા વિશેની મારી પહેલી વાર્તા હતી.’ (પૃ-૩૫)

સર્જકે કરેલી સમયની કરામત જોવા જેવી છે. આ વિધાનો વડે વાર્તાકાર ભાવકને પણ વાર્તા વિશ્વમાં સંડોવી લે છે. સાથે જ ઘટનાઓના ત્રણ દિવસથી એક અંતર ઊભું કરી દે છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો અહીં ત્રણ સ્તર છે. સુરેશ પિતાને ઘરમાં આવતાં જુએ છે ત્યાંથી માંડીને તેમનું અવસાન થાય છે એ વર્ણન ભૂતકાળનું છે. બીજું સ્તર તે સુરેશની સ્મૃતિઓ રૂપે અને કાકાની ડાયરી વડે આવતી ઘટનાઓનું છે, જે વધારે દૂરના ભૂતકાળનું છે. જ્યારે ત્રીજું સ્તર એ ભાવક વાર્તા વાંચે ત્યારનું વર્તમાન કાળનું છે. આ પ્રકારની સમયની સંરચના વાર્તાને નવું જ પરિમાણ અર્પે છે.

‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ એ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. વાર્તામાં બે હરકાન્ત મલ્કાની છે. એક, જામ-ખંભાળિયાનો વાર્તાકાર હરકાન્ત. જેની સાથે રામશંકરની મુલાકાત સ્ટીમર પર થાય છે. તે રામશંકરને પોતાની વાર્તા કહે છે. બીજો હરકાન્ત જે વાર્તા રામશંકર સાંભળે છે, તેમાં પાત્રરૂપે આવે છે. વાર્તામાં પણ બે વાર્તા છે. એક વાર્તાનો નાયક રામશંકર છે. બીજી વાર્તાનો નાયક હરકાન્ત છે. વાર્તામાં સમય પણ બે છે. એક, રામશંકર સ્ટીમરમાં બેસીને આફ્રિકા જવા માટે રવાના થાય છે તે સમય. બીજો સમય વાર્તાકાર હરકાન્તની વાર્તામાં આવે છે. વાર્તાકારની વાર્તા પણ ભુલભુલામણીવાળી છે. આ વાર્તામાં સર્જક અને ભાવક વચ્ચેનો સંકુલ સંબંધ પણ કલાત્મક રીતે રજૂ થયો છે. રામશંકર અને વાર્તાકારના સંવાદો આ સંબંધને રજૂ કરે છે. વાર્તાકારની વાર્તામાં જયાબેન,મનસુખ, દાદા, દુર્લભજીકાકા અને હરકાન્તના પાત્રો જોવા મળે છે. એક તરફ માણસ મિલકત માટે કેવો લોભી બની જાય છે અને કઈ હદે તેનું પતન થાય છે તે વાત દર્શાવી છે. સ્ટીમર પર હરકાન્ત મલ્કાની પોતાની ઓળખ જામ-ખંભાળિયાના જાણીતા વાર્તાકાર તરીકે આપે છે ત્યારે રામશંકર વિચારે છે કે ‘મેં આમને ક્યારેય કેમ જોયો નથી?’ હરકાન્ત મલ્કાની જે વાર્તા કહે છે તેમાં જયાબેન દીકરા મનસુખને ટપાલ આપે છે. દાદાના આ પત્રની વિગત મનસુખ વાંચે છે. મરણપથારીએ પડેલા દાદાને આફ્રિકાથી હરકાન્ત મલ્કાનીએ ખાનગી કાગળ મોક્લ્યો છે. મનસુખના મનમાં સવાલ છે, આ હરકાન્ત મલ્કાની કોણ છે? દાદાએ પોતાની બધી મિલકત હરકાન્તને નામે કરી હોવાનું જાણીને મનસુખ પિત્તળનો લોટો ઉપાડી દાદાના કપાળ તરફ ઝનૂનથી ફેંકે છે. તે ઉપરના માળે પુસ્તકોના કબાટવાળા ઓરડામાં પહોંચે છે ત્યાં ખુરશીમાં બેઠેલા ઊંચા પ્રૌઢ વયના પુરુષને જુએ છે, જે પોતાની ઓળખ હરકાન્ત મલ્કાની તરીકે આપે છે. પણ દાદાના પત્ર મુજબ તો હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો છે. આ વાર્તાનું ત્રીજું રહસ્ય છે. આ પુરુષ મનસુખને જે વાર્તા કહે છે તે મુજબ દુર્લભજીએ વર્ષો પહેલાં મિલકતના લોભમાં હરકાન્તની રામપુરી ચાકુથી હત્યા કરી નાંખી હતી. જો આ વાત સાચી હોય તો દાદાને પત્ર લખ્યો કોણે? અને જો હત્યા થઈ ગઈ છે તો હરકાન્ત આ ઓરડામાં આવ્યો શી રીતે? મનસુખ આ પૈકીના કોઈ પણ પ્રશ્નોનો ઉત્તર મેળવી શકતો નથી. રામશંકર સમુદ્રના પ્રવાસને ખમી ખાવા માટે વાર્તાકાર પાસે બેસીને વાર્તા સાંભળે છે. એ જ રીતે કારાવાસમાં પણ મુક્તિ ઝંખતો રામશંકર વાર્તાઓ લખીને જીવનની સંકુલતાને તાગવા મથે છે. જયેશ ભોગાયતાની ‘બંગલો’, ‘કલ્યાણજીની મૂર્તિ’ અને ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’–આ ત્રણેય વાર્તાઓમાં મુખ્ય પાત્ર જીવનની ભુલભુલામણીને ઉકેલવા માટે વાર્તા લખતાં જોવા મળે છે. રામશંકર મૃત્યુ પછી જામ-ખંભાળિયામાં જાણીતો વાર્તાકાર બને છે.

આ વાર્તામાં વાર્તાકાર, વાર્તાસર્જન પ્રક્રિયા તથા સર્જક- ભાવકના સંબંધ વિશેના સંકેતો જોવા મળે છે. હરકાન્ત કહે છે કે પોતે વાર્તાને કોઈ શીર્ષક આપ્યું નથી. જો વાર્તા સાંભળીને રામશંકરને કંઈ સૂઝી આવે તો તે બોલે. આ સાંભળીને તેને ભેટવા જતા રામશંકરને વાર્તાકાર અટકાવીને કહે છે, ‘આવા ભેટવા- ફેટવાનાં નાટક નહીં.’ (પૃ-૭૨) આ સંદર્ભો વાર્તાકારની સ્વાયત્તતા અને ભાવકની તટસ્થતાનું મહત્ત્વ સૂચવે છે.

ભાવકે વાર્તાનું વાંચન સક્રિય રીતે કરવાનું છે. વાર્તાકાર ભાવકને મુક્તપણે વિહરવા અવકાશ આપે તે પણ જરૂરી છે. વાર્તા વાંચતા પહેલાં હરકાન્ત પાસેથી રામશંકર રામપુરી ચાકુ લઈ લે છે. રામપુરી ચાકુ એ ધારદાર વાર્તાનો સંકેત બને છે.

વાર્તાના આરંભે રામશંકર પ્રવાસી અને શ્રોતા છે. પછી હત્યારો અને કેદી. બાહ્ય રીતે તે કેદી છે. વાર્તાલેખન વડે તે આંતરિક મુક્તિ મેળવે છે. વાર્તામાં વાસ્તવ અને કલ્પનાની સેળભેળથી એક નવું જ વિશ્વ રચાયું છે. દુર્લભજી હરકાન્તની હત્યા કરે છે ત્યાં સુધીનું વર્ણન વાસ્તવિક છે અને ત્યારબાદનું વર્ણન મેજિક રિયાલિઝમવાળું છે. આવો જ રહસ્યસભર વાર્તાનો અંત છે.

આ વાર્તામાં રહસ્યને પોષક એવી આબોહવા પણ વાર્તાકારે રચી છે. ધન કમાવવા માટે આફ્રિકા જવા નીકળતો રામશંકર,સમુદ્રની યાત્રાથી તેને થતી બેચેની, સમુદ્રનો પવન, વાર્તાકારના કપડાં અને તેણે પહેરેલી ચેન અને વીંટીના ઉલ્લેખો, રામશંકરને થતી ઊલટીઓ, રામપુરી ચાકુ વગેરેથી આખી આબોહવા બંધાય છે. એ જ રીતે મનસુખવાળી વાર્તામાં જેઠ મહિનો, વાતાવરણમાંનો ઉકળાટ,ભેજથી ગંધાતો ઓરડો, પરસેવાથી તરબતર મનસુખ, કરચલીઓથી ભરેલું દાદાનું મોઢું ઉપરાંત દાદાના પુત્રો-વહુ અને દુર્લભજીના પ્રણયભંગની ઘટના-આ બધાં વડે ગામનો, એક કુટુંબનો ચિતાર વાર્તાકાર આપી દે છે.

‘એની પાસે કોઈ ઉત્તર ન હતો’ વાર્તા એક વેદનશીલ વ્યક્તિની લાગણીઓ અને સ્વતંત્રતા પર શી રીતે અન્ય વ્યક્તિઓ અને સમાજ દ્વારા તરાપ મારવામાં આવે છે તેની વાત કહે છે. નાયક પોતાની સ્વતંત્રતા જાળવવા મથે છે કાવ્યલેખન દ્વારા. વાર્તામાં કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે. નાયક ટેલિફોન ઓપરેટર છે. તેનું એક આગવું વિશ્વ છે સવારે પાંચ વાગ્યે ઊઠીને રાતના ઊંઘી જવા સુધીની નાયકની ક્રિયાઓનું ઝીણવટસભર નિરૂપણ વાર્તાકારે કર્યું છે. આ નિત્યક્રમ બેંક મેનેજરના બાળકોનાં ટ્યુશન શરૂ કરે છે ત્યારે તૂટે છે. બાળકોના વિશ્વમાં પ્રવેશીને તે ખુશ છે. પોતાની મરજી થાય ત્યારે બોલાવવું અને નજીવી વાતે તરછોડી દેવું-મેનેજરનું આ વર્તન નાયકને આઘાત આપે છે. મેનેજર સાથેના કટુ અનુભવ પછી પણ તે મેનેજર સાથે જે રીતે વર્તે છે તેમાં તેનું સંવેદનશીલ વ્યક્તિત્વ છતું થાય છે.

‘સંભારણું’ વાર્તાને શિક્ષણ જગતમાં વ્યાપ્ત જડતા અને સંવેદનહીનતાના સંદર્ભે જોવા જેવી છે. ‘હું’નું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તાનો આરંભ સરોવરના વર્ણનથી થાય છે. વાર્તાકથક કૉલેજનો અધ્યાપક છે. વાર્તામાં બે દિવસનો સમય છે. કૉલેજની પાસે જ મોટું સરોવર હોવા છતાં કૉલેજમાં પીવાના પાણીની સગવડ નથી. વિદાય થતાં વિદ્યાર્થીઓ ગાંઠના પૈસે પાણીની ટાંકી ખરીદીને કૉલેજને ભેટ આપે છે. પણ એ ટાંકી સ્ટોરરૂમમાં મુકી દેવામાં આવે છે. ટાંકીમાં નળ નથી માટે તેનો ઉપયોગ ન થઈ શકે! પાણીની ટાંકી વિદ્યાર્થીઓ અને અધ્યાપકની સંવેદનશીલતાની સાથે જ આચાર્ય અને સંચાલક મંડળની સંવેદનહીનતા અને સત્તાના ખોખલા દમામનો સંકેત બની રહે છે. વાર્તાના અંતે એ ટાંકી સ્ટોરરૂમમાં પડી રહે છે. અહીં ટાંકી એ નિષ્ઠુર સંચાલક મંડળ અને આચાર્યનું ‘સંભારણું’ બનીને સંવેદનશીલ અધ્યાપકની (ભાવકની પણ) સ્મૃતિમાં જડાઈ જાય છે.

‘સ્વપ્ન-દુ:સ્વપ્ન’ એ તેમની ડાયરીની પ્રયુક્તિથી લખાયેલી વાર્તા છે. અધ્યાપકની પાસે વિદ્યાર્થીઓ પ્રયોગશીલ વાર્તા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે. અધ્યાપક વાર્તા વાંચી સંભળાવે. વાર્તા પર વિદ્યાર્થીઓ પોતાના વિચારો વ્યક્ત કરે. વાર્તામાં જ વાર્તાનું વિવેચન ગૂંથી લેવાની આ રીતિ દ્વિરેફની ‘મહેફિલે ફેસાનેગુયાન’ની શ્રેણીની વાર્તાઓની યાદ અપાવે. ડાયરી વડે વાર્તાકારે પંદર વર્ષનો સમય આવરી લીધો છે. ડાયરીમાં કુલ ચાળીસ નોંધ છે. આ વાર્તાની સંરચનાની તપાસ ભાષાવિજ્ઞાન અને ભાવકલક્ષી અભિગમથી કરવા જેવી છે. સર્જકે વાસ્તવને પૂરેપૂરું ઓગાળી નાંખવાનો પ્રયાસ કર્યો છે. વાર્તા ભાવકની ગ્રહણશીલતા તરફ પણ સંકેત કરે છે. તેમની અન્ય વાર્તાઓ કરતાં આ રચના પ્રમાણમાં નબળી જણાય. વાર્તામાંથી માત્ર નાયકની ચેતનાનો જ આલેખ મળે છે. તેમની અન્ય વાર્તાઓમાં બાહ્યજગત અને નાયકની ચેતના વચ્ચેનો જે સૂક્ષ્મ સંઘર્ષ જોવા મળે છે તેનો અહીં અભાવ છે.

આ સંગ્રહમાં નારીપાત્રોનો લગભગ અભાવ છે, વાર્તાઓમાં કૌટુંબિક પરિવેશ હોવા છતાં. આ અભાવ પણ સૂચક છે. પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થામાં નારીનું હોવું ન હોવું સરખું જ છે એ વાતનો સંકેત આ અભાવથી મળે છે. વાર્તાકારની ભાષાને જોઈએ તો, તેઓ નાના નાના સાદા સરળ વિધાનોથી વાર્તા રચે છે. સંકેતોથી સભર તેમની વાર્તાઓમાં સંકુલ વાક્યો પ્રમાણમાં નહીવત્ છે. વળી તેઓ સ્પર્શ, સ્વાદ, સુગંધ, સ્મૃતિઓને ગૂંથી લઈને પરિવેશ રચવામાં નિપુણ છે. આ સંગ્રહની રહસ્યસભર સૃષ્ટિમાંથી પસાર થતાં વાર્તાકાર જયેશ ભોગાયતાને ભાવક તરીકે આગ્રહ કરીએ કે તેઓ નવી રહસ્યમય વાર્તાસૃષ્ટિ રચે અને આગામી સંગ્રહ તરીકે પ્રગટ કરે.

-ડૉ.હીરેન્દ્ર પંડ્યા, આશકા પંડ્યા

E-Mail: hirendra.pandya@gmail.com

aashkahpandya@gmail.com



સંદર્ભ:

૧.‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’, જયેશ ભોગાયતા, લજ્જા પબ્લિકેશન, પ્રથમ,૨૦૧૨

૨.‘દ્વિરેફની વાતો: મનોવિશ્લેષણાત્મક અભિગમ’, આશકા પંડ્યા, પાર્શ્વ પ્રકાશન, ૨૦૧૮