હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯
અમારે વૃદ્ધિ
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી
અમારા અંગરાગ રાખોડી
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી
તમારા રવિભાણ સંપ્રદાયને તો
સાત રંગનો પિટારો ને કિરણકુમળી કૂંચી
નિત ઉદયઅસ્તના રંગહુલાસ
ને અરુણવર્ણ વર્ણાનુપ્રાસ
દ્વીજચન્દ્રને ઓછું આવે એ તો જાણે સમજી શકાય
પૂર્ણિમાના ચન્દ્રને ય રંગરાગની વાતે તો લાગી આવે છે
કોઈકે કહ્યું :
જા, મિલ ઉસ નુક્તા-નવાઝસે
હાસિલ કર ઉસકી રઝા-મંદી
વો ગજબનો તાંત્રિક હૈ : મુરાદ તેરી પૂરી કર દેગો
વો ગજબનો રંગરેઝ હે : ચૂનર તેરી રંગ દેગો
ભૂમિતિ બની જાય છે ભૂમા
ને ચન્દ્ર, એક વર્તુળ, ગઝલનુમા
રાતું
નારંગી
કેસરી
પીત
આકુળવ્યાકુળ દિગંત શોધ્યા કરે છે
પ્રતિપદાથી પૂર્ણિમા પર્યંત
પણ
હવે ક્યાંથી જડે એ, –
ઇહલોકનો ઇન્દુ
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ