હરીશ મીનાશ્રુની કવિતા/છાપાવાળો છોકરો
એ કોઈને મળતો નથી ને એને કોઈ મળતું નથી.
ન મળવાના ઇરાદાથી મળવા આવતો હોય તે રીતે એ દરરોજ આવે છે
ઉતાવળે ઉતાવળે. સાઇકલ પર. એટલી ઉતાવળમાં કે
આપણે ખબરઅંતર પૂછીએ ને એય સામે નવાજૂની પૂછે
એ રીતે એને ક્યારેય મળી શકાતું નથી.
કૉલેજના છેલ્લા વરસમાં હશે આ છાપાવાળો છોકરો? કે ઊઠી ગયો હશે?
દારૂડિયો હશે એનો બાપ? કે કોકે પતાવી દીધો હશે? બને કે વિધવા ફોઈ ભેગો
રહેતો હોય, વખાનો માર્યો. ઉસકે ચચાજાનકી ફેમ્લી, હો સકતા હૈ,
કરાંચીમેં સેટિલ હુઈ હો, – આમ તો સારા ઘરનો દેખાય છે, વલહાડના દેહઈ?
મોટી હત્યાવી? શિયા કે સુન્ની?–
આ બધા ગ્રે એરિયા છે છાપાળવી ઉદાસીના
ને માણસાઈના એવા ઇલાકાઓમાં કોઈ કોઈને મળી શકતું નથી.
ઘણી વાર એ સાઇકલ પરથી પડી જાય છે.
કેમ આજે છાપું આટલું બધું ગંદું થયું છે? બધા પૂછે છે.
એની કોણી છોલાયલી છે પેડલ પર જમણા પગનું જૂતિયું દબાવતાં
એ ચીલાચાલુ જવાબ આપે છે : આખી થપ્પી પડી ગઈ’તી કાદવમાં.
પણ માટીને બદલે છાપાનાં પાનિયાં પર લાલ ડાઘા શાનાં છે?
ને પાને પાને આરડીએક્સના ઉલ્લેખો કેમ કરેલા છે?
એ ગલ્લાંતલ્લાં કરે છે : આવા લોકોનો તો કેમનો ભરોસો કરી શકાય?
જિંદગીમાં કેવા કેવા દહેશતનાક લોકો મળી જાય છે?
ઘણી વાર લાગલાગટ એકબે મહિના સુધી એના કોઈ સમાચાર નથી હોતા
જાણે ક્યાંક આડે હાથે મુકાઈ ગયો ન હોય, આપણા જ ઘરના માળિયે –
કબાડીની રાહ જોતો. પછી અચાનક દેખા દે છે ત્યારે એ હોય છે ચોળાઈ ગયેલો,
ધૂળિયો ને સાવ પીળો પડી ગયેલો, – પૂછીએ કે કેમ ‘લ્યા?
તો કહેશે, કમળો થયો’તો, સાહેબ.
એનો શેઠ પાછો પૂરો શઠ છે. ચેપી રોગવાળાને તો કોણ નોકરીએ રાખે?
છેલ્લે એના જેવું કોક પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું...
પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય?
આજે પણ
એ હમણાં જ છાપું નાખીને ગયો છે.
નવોનક્કોર અથવા રદ્દી. સર્વનામ જેટલો સંદિગ્ધ. એના ચહેરાને મ્હોંકળા નથી.
હું પહેલા પાના પર નજર ફેરવું છું : હેડલાઈન આજે પણ એની એ જ?
હવે તો એના શેઠને ફરિયાદ કરવી જ પડશે :
આમ દરરોજ વાસી છાપું નાખી જાય
ચાલતી સાઇકલે, તે તો કેમ ચાલે?
ને બૂમ પાડીએ તો પાછો ઊભોય નથી રહેતો, મળવા...
હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું
નોર્થ અથવા ઈસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ
એક ધડાકો થાય છે : નક્કી બિચારાની સાઇકલનું ટાયર ફાટ્યું લાગે છે
અથવા...
એ જે હોય તે, એને મળી શકાતું નથી.