હરીશ મીનાશ્રુની કવિતા/તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને

તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને

તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને
એ ગયાં આઘે અને વરસાદ થૈ આવ્યાં કને

ગંધમાદન ટેકરી પર વાદળાં ઘેરાય છે
એકબે ફોરાં ખરીને મઘમઘે તારાં સ્તને

લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી
તે ચણોઠીલૂમખાં થૈ ઝૂલતી ગાઢાં વને

સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા
ભેજથી એ ઓગળીને શ્રાવણે શાહી બને

એમના વાવડ લઈને દૂ...રથી આવ્યો હતો
પાંપણે આજે અમે રોકી લીધો વરસાદને