હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી
વેઈટ્ -એ-બિટ્!.....
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.
જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય
તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય
ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને
લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય
તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો
આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય
કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક
વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય
ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી
પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય
માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર
સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય
નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું
એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય
વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે
તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય