હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં
ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.
તને હું જોઉં તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું તો હવામાં વહી વહી જાઉં.
તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં
વળી હું તારા વળાંકો પરે વળી જાઉં.
સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને નહીં તો કોતરી જાઉં.
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.
છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા