હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કાચ જેવું પાતળું ગમતું ક્યાં સંભાળીએ



કાચ જેવું પાતળું ગમતું ક્યાં સંભાળીએ
જે તરફ પણ ચાલીએ એ તરફ અથડાઈયે.

નીતર્યું ઝિલમિલ છીએ ચોતરફ ધૂસર વચે
કઈ તરફથી શી ખબર કઈ ઘડી ડહોળાઈએ.

માટીમાં ભીનપ છીએ પથ્થરોના દેશમાં
ક્યાં લગી અમને અમે ક્યાં બચાવી રાખીએ.

મહેક છીએ આસથી પાસમાં આછોતરી
અમને ઝંઝામાં અમે ઝાલીએ તો ઝાલીએ.

શોષ ટળવળ કંઠથી આંખ લગ આવ્યો હવે
ઝાંખરેથી ઝાંખરે ક્યાં લગી ઘસડાઈએ.