હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જોયો હતો કદી મને ફરફરતો પાન શો


જોયો હતો કદી મને ફરફરતો પાન શો


જોયો હતો કદી મને ફરફરતો પાન શો
ઊખડી પડેલા વૃક્ષનાં મૂળિયાંમાં પણ જુઓ.

અડધી દટાયેલી તટે કાદવમાં માછલી
રૂપેરી સળવળાટમાં સરતો મને સ્મરો.

ખાબોચિયામાં ભરાયલા રસ્તામાં ઠેર ઠેર
ભીંજાવતો હતો કદી પાનીથી પીંડીઓ.

ખખડી ગયેલી બારીના સળિયા કટાયલા
કાચા કિરણમાં કેવો ઊઘડતો હતો કૂણો.

ટુકડા તૂટેલી ઇંટના મટિયાળા ધૂળ પર
ભુક્કો ય કંઈ ન સાથ વિતેલી પળો સમો.