હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી



જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી
ભૂલી ગયા છે મને એ કોઈ જગાએ મૂકી.

ફરી હું એના સુગંધી વળાંકથી નીકળું
પલકમાં વેરવિખેરે મને હવાઓ ફરી.

કદી એ તડથી કિરણરંગ તાર તાર ઝગે
હવામાં એને હું દેખાઉ રજકણોમાં કદી.

ફરી વળે એ હવારૂપ રોમરોમ વચે
સતત લીધા જ કરું બસ હું એક શ્વાસ ફરી.

એ કંઈ લખે તો વધી જાય અક્ષરોનો મરોડ
અને હું ક્યારની ભુલાયેલી લિપિ છું હજી.