હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ધરમા ભોપાલી


ધરમા ભોપાલી


અમે એને ધરમા ભોપાલી નામે બોલાવતા
એનું ખરું નામ આમ તો કશુંક બીજું હતું
અમે એને ધરમા ભોપાલી નામે એકવાર બોલાવેલો
ત્યારથી અમારે માટે એ તો બસ ધરમા ભોપાલી હતો
એમ જ ને એટલો જ બસ હતો
અમે એને થોડોક ચલાવી લેતા
ઘણોક તો એક બાજુ મૂકી દેતા
બંધબેસતું ન હોય ગમતું ન હોય એવાતેવા પાટલૂન જેમ

એના ડાબા ગાલ પર આછું એવું લાખું હતું
કે કદાચ જમણેરા ગાલે હતું
કે કદાચ થોડુંઘણું ઘેરું હતું
એની પર ઘણા વખતે અમારું ધ્યાન થોડું ગયું હતું
ધ્યાનમાંથી લાખું આઘુંપાછું પણ ઘણીવાર થતું હતું
એના કોઈ ગામથી એ આવ્યો હતો
વીજળીનો કોઈ તાર તૂટીને તૂટેલો રહે બસ એમ
શહેરમાં લબડતો રહેતો હતો
શહેર આખું જાણે કટાયેલી ખીંટી હોય ને એ સંકોચાળ
ખીંટી પર ખિસિયાણો વીલા મોઢે ઢીલોઢસ ટીંગાયેલો

એને પણ કવિતામાં રસ હતો
કે કદાચ એનું ગજું હતું એવો એટલોક કવિતાનો વેંતભર શોખ હતો
શોખ હતો તો અમારી સાથે વળી ગાતો કદી
વનવેલી વનવેલી વનવેલી કે વનમાં વનવેલી
ઊંધું ઘાલી શિખરિણીનું પઠન કરવા જતા એ જાણે ઊંધે માથે પડી જતો
શિખરિણીનું પઠન કરી કરી
ઊડાઊડ અમે કેવી પાતળીક પરાગ જેવી જ કરી લેતા હતા
એ ભાંગેલી ઈંટ જેમ ઓશિયાળો સપાટ જ કશે પડી રહેતો હતો

એની આસપાસ અજવાસ પણ આછોતરો
ઈંટભૂક્કો આછા અજવાસમાં તો તાંબેરી દેખાય નહીં
ખાસ કંઈ આમ તો દેખાય નહીં
આમતેમ અશોકશો થોડોઘણો કચરો પડ્યો હો બસ એવું લાગે

આજકાલ એ દેખાયો નથી થોડા વખતથી
કે શું ઘણા વખતથી?
એ શું મેશ જેમ સાવ એના ઘેરા અંધકારમાં ગયો છે?
મોણેમોણે પણ એક ટપકુંયે એનો ઝાંખોપાંખો અજવાસ બચ્યોકૂચ્યો નથી?
જેવી એની ઝીણા જેવા સુતરાઉ કપડામાં પાતળી ભીનાશ જેવી મરજી હો

આવવું જો હશે તો એ છોભીલા પડેલા કોઈ ગરજાઉ જણ જેમ
અટવાતો આફરડો આવશે ને
ઝંખવાતો જરી હસી બેસશે ને
ખંચકાતો અશુંકશું બોલશે ને
સંકોચાતો એક બાજુ થતો થતો જતો રહેશે
આવે નહીં તોયે થોડું એમાં કશુંકેય ખાટુંમોળું થઈ જવાનું છે?