હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/પગી
પગેરું ચાંપતો નીકળ્યો છે
રાતે ઊંઘમાં ને ઊંઘમાં
આડી ને અવળી થઈ ગયેલી કંઈ
ગલીકૂચી વટાવી ધૂળિયા રસ્તા લગી આવ્યો છે
અંધારે ને અંધારે
બચીકૂચી જરા ઝાંખી જરા પીળી પડેલી ચાંદની
ઊંચી કરે છે
આમથી આડી કરે છે
તેમથી પાછી ઝીણી આંખે જરા દાબી જુએ છે
ને પછી
હળવેકથી એ ચાંદનીને બાજુએ મૂકીને આગળ ડગ ભરે છે
રૂંવે રૂંવે ધ્યાનથી ઠંડી હવાને તાવતો
ક્યાં ક્યાં એ ખરડાયેલી છે?
એ ક્યાં છે ખરબચડી?
ઉઝરડા ક્યાં પડ્યા છે એની પર? શાના?
હવા ક્યાં ક્યાં પવન થઈ જાય છે?
ક્યાં ક્યાં વળી પાછી હવા થઈ જાય છે?
રૂંવે ને રૂંવે નોંધતો એ જાય છે આગળ
કશે કોરેથી તડકાને
એ ટચલી આંગળીનાં ટેરવે હળવે હલાવે છે
દબાયો છે?
કશે વાંકો વળેલો છે?
કશેથી પણ એ બટક્યો છે?
બરોબર જોઈ જાણી આજુબાજુ જોતો જોતો જાય છે
આગળ ને આગળ
એ પગેરું ચાંપતો નીકળ્યો છે
આજે પણ